રક્ત ચરિત્ર - 12 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 12

૧૨

રતન ને ફાળ પડી કે નીરજ એ તેની બધી વાત સાંભળી તો નહીં હોય ને.
"હા રતન તું મને પ્રેમ કરવા લાગી છે અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું." નીરજ ઊંઘ માં બોલી રહ્યો હતો, રતન ને હાશ થઈ.


એ હળવેકથી ઉઠી અને દરવાજો ખોલી ધીમે પગલે ઓરડા ની બહાર નીકળી, જરાય અવાજ ન થાય એમ ધીમે ધીમે એ હવેલી ની બહાર જવા આગળ વધી.
"ક્યાં જાય છે રતન?"
રતન ના પગ ત્યાં જ ખોડાઈ ગયા, એના દિલના ધબકારા વધી ગયા હતા. તેણીએ પાછળ ફરીને જોયું; તેની આશંકા સાચી નીકળી, એ સાંજ જ હતી.
"બેન બા.... તમે અહીં?" રતન એ સ્વસ્થ થવા નો પ્રયત્ન કર્યો.
"હા, હું અહીં રહું છું અને રોજ આ જ સમયે ઉઠી ને કસરત કરું છું એટલે હું અહીં..... પણ તું સવાર ના ચાર વાગ્યે નીરજ ભાઈ ના ઓરડામાંથી ચોરીછૂપી બહાર કેમ નીકળી એ નો જવાબ જોઇએ છે મને." સાંજ એ ગંભીરતા થી પુછ્યુ.
"બેન બા હું..... વહેલી સવારે..... મતલબ..... હું વહેલી આવી ગઈ..... તો મને લાગ્યું કે કોઈ ની ઊંઘ ખરાબ ન કરું એટલે...." રતન એ શબ્દો ગોઠવવા ની નિષ્ફળ કોશિશ કરી.
"જુઠ..... તારી આટલી હીમ્મત કે તું મારા ઘરમાં ઊભી રહી ને મારી સામે જુઠ્ઠું બોલે છે. તું વહેલી નથી આવી, તું આખી રાત અહીં જ હતી..... નીરજભાઈ ના ઓરડામાં. તારા કાલનાં કપડાં અને તારી હાલત ચાડી ખાય છે કે તું અહીં શું કરતી હતી." સાંજ ગુસ્સામાં બોલી.


રતન નીચું જોઈ ગઈ, તેની આંખો માંથી આંસું ધસી આવ્યા. એ સાંજ ના પગમાં પડી અને રડવા લાગી.
"મારી સામે આમ રડવા ના અને બિચારી બનવા ના નાટક ન કરતી રતન, અને તારી સાથે કંઈ ખોટું થયું છે એવું બહાનું તો બનાવતી જ નઈ." સાંજ એ રતન ને બાવડે થી પકડી અને તેને ખેંચી ને નીરજ ના ઓરડામાં લઈ ગઈ.


સાંજ ના કહેવા થી રતન એ નીરજ ને ઉઠાડ્યો, સાંજ અને રતન ના ચહેરા ના હાવભાવ જોઈને નીરજ પરિસ્થિતિ ની ગંભીરતા સમજી ચુક્યો હતો.
"સંજુ..... હું....." નીરજ કંઈક કહેવા આગળ વધ્યો પણ સાંજ એ હાથ ના ઈશારે થી તેને ચુપ રહેવા જણાવ્યું.
"આ છોકરી એ તને ફસાવ્યો છે અને તારો ફાયદો ઉઠાવ્યો છે એમ જ કહેવા માંગે છે ને તું? હું જાણું છું કે હકીકત શું છે....." સાંજ એ ગંભીરતા થી બન્ને પર એક નજર નાખી.
વહેલી સવાર ની ઠંડકમાં પણ રતન પરસેવે રેબઝેબ થઇ ચુકી હતી, તેને ડર હતો કે સાંજ એને જ ખોટી સમજશે અને એ જ થયું.
નીરજ ને રતન નો સાથ આપવો હતો પણ શિવાની સાથે કંઈ ખોટું ન થાય એ ચિંતા પણ હતી. એ બે નાવ માં સવાર થઈ ને હવે મધદરિયે ફસાયો હતો.


"શું રતન તારા કહેવાથી તારા ઓરડામાં આવી હતી?" સાંજ એ નીરજ ને પુછ્યુ.
નીરજ નીચું જોઈ ગયો, સાચો જવાબ આપવા ની હિમ્મત નીરજ માં નહોતી.
"નીરજ સિંહ ચૌહાણ હું તમને કંઈક પુછી રહી છું, શું રતન સાથે તમે તમારી મરજી થી સંબંધ બાંધ્યો હતો? મને જુઠ પસંદ નથી એ બાબત ને ધ્યાન માં રાખી ને જવાબ આપજો." સાંજ નો ઠસ્સાદાર અવાજ અને તેના પિતા જેવી જ હિમ્મત જોઈને નીરજ ને શરમ આવી ગઈ તેની જાત પર.
હું અનીલ સિંહ ચૌહાણ નો પુત્ર છે જેમણે હંમેશા સત્ય નો સાથ આપ્યો હતો, હું માધવર ના રાજવી ખાનદાન નો પુત્ર છું પણ એ ગૌરવ સભર વારસો સાંજ માં છે તો મારા માં કેમ નહીં એ વિચાર નીરજ ને હચમચાવી ગયો.

"હા, હું રતન ને પ્રેમ કરું છું. અને રતન સાથે સંબંધ પણ મેં મારી મરજી થી બાંધ્યો છે." નીરજ એ આત્મવિશ્વાસ થી કહ્યું.


"તો પછી મને કેમ ન કહ્યું કે તું આ છોકરી ને પ્રેમ કરે છે? તને એમ લાગ્યું કે રતન ગરીબ પરિવાર ની છે તો હું એને તારા થી દુર કરી દઇશ? તું મારો ભાઈ છે, તારી ખુશી માટે હું જીવ પણ આપી શકું તો રતન ને કેમ ન સ્વીકારી શકું?" સાંજ હસતાં હસતાં બોલી.

"એટલે તને અમારા સંબંધ થી કોઈ જ વાંધો નથી?" નીરજ એ આશ્ચર્ય થી પુછ્યુ.
"મને શુકામ વાંધો હોય? તું ખુશ રહે એનાથી વધારે મને શું જોઈએ? હું કાલે જ રતન ના પરિવાર સાથે વાતચીત કરીને તમારા બન્ને ની સગાઇ ની વાત કરીશ, લગ્ન ક્યારે કરવા એ તમે બન્ને નક્કી કરજો પણ સગાઇ જલ્દી કરીશું. ઠીક છે ને રતન ભાભી?" સાંજ એ શરારતી સ્મિત કર્યું.


"બેન બા તમે....... હું શું કહું તમને? તમારી પુજા કરું તોય ઓછું છે......" રતન સાંજ ના પગ પકડવા નીચે ઝુકી પણ સાંજ એ તેને ગળે લગાવી દીધી.
"મારી પુજા કરવાની જરૂર નથી અને હું તમારા થી નાની છું એટલે મારા પગ પકડી ને મને પાપ માં ન નાખો. બસ એક વચન જોઈએ છે કે મારા ભાઈ ને તમે હંમેશા ખુશ રાખશો અને એ તમને ખુશ ન રાખે તો મારા થી છુપાવશો નહીં."

રતન એ સાંજ ના હાથમાં હાથ મુકીને તેને વચન આપ્યું, બન્ને ને થોડું એકાંત આપવા સાંજ ત્યાં થી નીકળી ગઈ.


સવાર ના ૮ વાગ્યે પારેખ નિવાસ નો ફોન રણક્યો, મહેશભાઈ એ ફોન ઉપાડ્યો.
"કોણ હતું? તમે આટલા ખુશ કેમ દેખાઓ છો?" ભાવના બેન ને ફોન મુકાયા પછી મહેશભાઈના હાવભાવ જોઈને નવાઈ લાગી.
"અરે સાંજ નો ફોન હતો, નીરજ ની સગાઇ નક્કી કરવા માટે આપણને બોલાવ્યા છે. આજે જ નીકળવું પડશે." મહેશભાઈ ખુશી ના માર્યા ઊછળી પડ્યા.
"નીરજ ની સગાઇ? આ તો ખુબ જ ખુશી ના સમાચાર છે." સુરજ મહેશભાઈ ની વાત સાંભળી વચ્ચે જ બોલી ઉઠ્યો.

બન્ને બાપ-દીકરો સગાઇ ની ચર્ચા કરતા પેકિંગ કરવા પોતપોતાના ઓરડામાં જતા રહ્યા.

તેના ઓરડા ની બારી ના પરદા પાછળ સંતાઈ ને ઊભી રહી ને શિવાની એ પણ આ વાત સાંભળી, "આખરે નીરજ એ સાંજ સાથે વાત કરી જ લીધી, પણ મેં નીરજ ને મારો નંબર આપીને ખાસ કહ્યું હતું કે સાંજ સાથે વાત કરી ને મને ફોન કરજે. કંઈ નહીં, હવે તો હું હંમેશા માટે તારી સાથે જ રહેવા ની છું. મને હેરાન કરી રહ્યો છે ને તો તું જો નીરજ હું પણ બરોબર નો બદલો લઇશ, એટલી જલ્દી તારી સાથે લગ્ન કરવા માટે માનીશ નહીં." શિવાની તેના લગ્ન વિશે વિચારીને જ શરમાઇ ગઇ.

ક્રમશ: