અધૂરા પ્રેમની અસમંજસ NIKETA SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરા પ્રેમની અસમંજસ



સોનેરી સંધ્યાની ખીલેલી સાંજે એ એની અગાશીમાં ઊભી હતી જ્યારે પહેલીવાર મેં એને જોઈ હતી લહેરાતાવાળની લટોને સરખી કરતી કરતી ત્રાંસી નજરે એ પણ મને જોઈ રહી હતી

બે દિવસ પહેલાં જ સામેની અગાશીમાં કોઈ આંગતૂકની હાજર નોંધાઈ ને મને જાણ થઈ કે નવો પરિચય કેળવવાનો સમય આવ્યો છે. મારી પડોશમાં એક નવો પરિવાર રહેવા આવ્યો હતો. નવા ઘરમાં આવેલ બાકી બીજા બધાનો પરિચય તો થઈ ગયો હતો. બસ સોનેરી સાંજે ખીલેલી એ સંધ્યાનો પરિચય હજુ થયો ન હતો. હું મારી પંદર વષઁની ઉંમર કરતાં વહેલો જ થોડો સમજદાર થઈ ગયો હતો. શું કરીએ સમયએ ઘડ્યો જ એવો હતો કે બંદા એકદમ ડાહ્યા ને સમજુ હતાં બસ આ ખીલેલી સંધ્યાને જોતાં જ સમજદારીની સમજણને કાંણું પડ્યું ને બંદા કામે લાગી ગયા.એ ખીલેલી સંધ્યાને સમજવામાં.

આમ તો મારું નામ આશુતોષ પણ બધાં લાડથી આશુ કહેતા ને હું પણ લાડકોડમાં જ રહેવાનું પસંદ કરતો હતો તો બધાને આશુ કહેવા દેતો. મારી પડોશમાં જે પરિવાર રહેવા આવ્યો હતો તેમાં એક અંકલ-આન્ટીને એમની દીકરી એટલે કે મારી ખીલેલી સંધ્યા હતાં ને આ આ ખીલેલી સંધ્યાને જ્યારથી જોઈ હતી ત્યારથી મારા જીવનમાં પણ બસ દિવસનાં ચોવીસ કલાક સંધ્યા ખીલેલી રહેતી હતી. તેના નામ જાણવાના અથાગ પ્રયત્ન પછી તેનું નામ જાણવા મળ્યું 'રાધા'. કેટલું સુંદર નામ છે કાશ હું કાનો હોત તો ?

આજ વિચાર આવ્યો જ્યારે પહેલીવાર મેં એનું નામ સાંભળ્યું. 'રાધા' ને હતી પણ મારા મનમાં રહેલી 'રાધા' જેવી એકદમ. સરળતા કહો કે સાદગી બસ એના નામથી જ ઓળખાય. હાસ્ય તો જાણે એવું કે
બે ગુલાબની પાંખડીઓનું મિલન થવું. રંગ તો જાણે શ્વેત રંગ પણ એનાથી જ ઓળખાય. આંખો તો જાણે બોલતી કવિતા. બસ એક જ તકલીફ હતી મને જોઈને મંદ મંદ હસતી રહેતી હતી પણ કંઈ બોલતી ન હતી ને હું એના હાસ્યને મારા પ્રત્યેનો એનો લગાવ સમજીને ખુશ થઈ જતો હતો. મનોમન એને પણ હું પસંદ છું એમ સમજીને રાત-દિવસ બસ એને જ વિચારવા લાગ્યો ને અંદરખાને પ્રેમ હા હા શબ્દ ભારે છે પણ એને પ્રેમ કરવા લાગ્યો.

મારા માટે એને જોવું એ પ્રેમ હતો. આંખોથી મારા મનની વાત એને કહેવી એ પ્રેમ હતો. એની પાછળ પાછળ જઈને દૂરથી એને નિહાળવું એ પ્રેમ હતો. એના હાસ્યની એક લહેરખી જોવા કંઈપણ કરી છૂટવું એ પ્રેમ હતો ને આ બંદા એટલે કે આપણે આવો પ્રેમ એ રાધાને કરતાં હતાં.
ચાર વષઁ સુધી ફક્ત એને જોઈને જ ને આંખોથી કહીને જ મારા દિલથી મેં એને પ્રેમ કયોઁ હતો. રાધાના એકપણ સ્વીકાર વિના હું એને સમપિઁત થઈ ગયો હતો બસ એ કહે કે ના કહે મારે તો પ્રેમ કરવો જ હતો. વિના એની સંમતિની અપેક્ષાએ.

પ્રેમ કયાં કશું માંગે છે પ્રેમ તો ફક્ત આપવામાં જ માને છે ને હું માનું છું મેં પણ મારી જિંદગીના ચાર વષઁ એને જોઈને પ્રેમ કરવામાં વિતાવ્યાતા.
પેલું કીધું છે ને કે ખોટું સમજી લેવું એના કરતાં પૂછી લેવું સારું તો આપણે પણ એ રસ્તે નીકળી પડ્યાં.એકવખત મેં જોયું એ ઘરમાં એકલી જ છે તો છાનામાના રાધાને ઘરે ફોન કયૉ. એકલી જ હતી એટલે ફોન એણે જ ઉપાડ્યો ને મારો અવાજ તરત ઓળખી ગઈ. મેં પણ કંઈ આડીઅવળી વાત કયાઁ વગર સીધું જ કહી દીધું રાધા હું તને ખૂબ જ પસંદ કરું છું ને તને જ્યારથી જોઈ છે ત્યારથી અનહદ પ્રેમ કરું છું.

પછી તો શું રાધારાણીએ ફોન મૂકી દીધો ને આપણને લાગ્યો ઝાટકો કે આ શું છેલ્લા ચારવષઁથી જે મને એકીટશે જોઈ રહી છે. આંખોથી પોતાની મૂકસંમતિ દશાઁવી રહી છે એ મારા પ્રેમના સ્વીકારને કેમ અવગણી ગઈ ને પછી જે બન્યું એ તો બંદાએ કયારેય વિચાયુઁ જ ન હતું. રાધાએ પોતાના પપ્પાને એમ વાત કરી કે આશુતોષ મને ફોન કરીને હેરાન કરે છે ને એના પપ્પા રહ્યા દીકરીના પિતા એટલે નીકળી પડ્યા મને ધક્કે ચડાવવા. રસ્તા વચ્ચે મને ઊભો રાખીને બોલવા લાગ્યા કે મારી દીકરીને કેમ ફોન કરી હેરાન કરે છે. ફોન કરવાનો ગુનો મારો હતો તેથી જ મૌન બની ઊભા રહેવા સિવાય છૂટકો જ ન હતો. પરંતુ એ વાતનું મને ખૂબ જ દુઃખ હતું કે રાધા માટે હું એક ફ્કત હાસ્યનું સાધન હતો

રાધાના પપ્પાનો આદેશ પુરો થતાં જ મેં ઘર ભણી દોટ મૂકી એમ વિચારીને કે ખરેખર મારો પ્રેમ એ પ્રેમ હતો કે એને જોવાનું ફ્કત મારું એક પાગલપન. તે સાંજથી આખી રાત પથારીમાં પડખા ઘસવાની સાથે મારા મગજમાં વિચારોના ઘોડા દોડતા હતા. એકવાર થયું પૂછી લઉં રાધાને કે તું મને જોઈને હસતી હતી કે હસીને જોતી હતી પણ થયું રહેવા દે એક ફોનનો ઉત્પાત તો હજુ શમ્યો નથી ત્યાં નવા ઉધામાં ક્યાં કરવાં.
પરંતુ બીજા દિવસની સવાર તો મારી જિંદગીમાં કંઈક નવું જ તોફાન લઈને આવી. નિત્યક્રમ પરવારીને અગાશીમાં જઈને ખીલતી સંધ્યા(રાધા) ને જોવાનો વિચાર આવતા રોકી ન શક્યો પણ આ શું રાધાના ઘરનો સામાન તો પેક થઈ રહ્યો હતો. મારા ઘરમાંથી જ મારી મમ્મીએ મને સમાચાર આપ્યા કે આ લોકો ઘર બદલી રહ્યા છે તો આજે જાય છે મનમાં તો થયું આ લોકો ઘર નહી રાધારાણી અમને સમજ્યા વિના મન બદલી રહ્યા છે. અમારા પ્રેમને પારખ્યા વિના પરિણામ સંભળાવીને જઈ રહ્યા છે.

મને કંઈ મારી સફાઈનો મોકો પણ ના મળ્યો ને હું મનમાં અફસોસ કરતો રહ્યો કે વ્યકિતને સમજવાનો મારો પનો ક્યાં ટૂંકો પડ્યો ને મારો શું વાંક હતો ફક્ત એક જ ને કે હાસ્યની સામે હાસ્યની આપ-લે ને પ્રેમ હોઈ શકે એવું માન્યું(રાધા તરફથી) મને તો આજે પણ એ જ પ્રેમ છે એના હાસ્ય સાથે

રાધાનો પરિવાર ત્યાંથી ચાલ્યો ગયો હોવા છતાં મારા પરિવારનો સંબંધ એના પરિવાર સાથે જળવાયેલો હતો બસ બાદબાકી મારી એક ફોન ધ્વારા કરાયી હતી. હું પણ તેના પપ્પાના આદેશનું પાલન કરતો હોઉં એમ એને ભુલી જવાના પુરા પ્રયત્ન કરીને આગળ વધવામાં મહ્દઅંશે સફળ પણ થયો હતો.

આજે જીવનના દોઢ દસક પછી ખીલેલી સંધ્યા જેવી રાધારાણી એટલે યાદ આવી ગયા કેમ કે ઓફીસમાંથી બહાર નીકળતા મારો એક જૂનો ફ્રેન્ડ મળી ગયો. જે પોતાના કુટુંબ સાથે જ્યાં મારી ઓફીસ હતી એ કોમપ્લેક્ષમાં આવ્યો હતો. તેણે પોતાની પત્નીની ઓળખાણ કરાવીને કીધું કે આ મારી પત્ની રાધા.

બસ પછી તો શું બંદા દોઢ દસક આગળ પેલી ખીલેલી સંધ્યામાં પહોંચી ગયા. જ્યાં મારી રાધા મારા મિત્રની પત્ની બનીને ઊભી હતી. પણ હા હો હાસ્યમાં આજે પણ એ જ રહસ્ય હતું કે જોઈને હસતી હતી કે હસીને જોતી હતી.
હું પણ આ હાસ્યના વમળમાંથી બહાર આવી ઔપચારિકતા પુરી કરીને ત્યાંથી રવાના થયો મનમાં એક જ વિચાર સાથે કે શું ફ્કત કોઈના હાસ્યને પ્રેમ સમજી શકાય ?

સત્યઘટના પરથી પ્રેરિત : અધૂરા પ્રેમની અસમંજસ