મિલન.
વતન ભણી.
********
અજગરના અંત પછી ગર્ગ, એલિસ, માયરા,જ્હોન, એન્થોલી અને માર્ટિન જલ્દી ખીણનો ઢોળાવ ઉતરીને ખીણમાં પહોંચી ગયા. ખીણમા મૃત હાથીઓના હાડપિંજરોથી હાથીદાંત અલગ કરવામાં કલાક જેટલો સમય લાગી ગયો. સાવ સડી ગયેલા હાડપિંજર હતા એમાંથી હાથીદાંત અલગ કરવા સરળ હતા. આ મુશ્કેલ કામ આટોપતાં બધાને લગભગ બે કલાક જેટલો સમય નીકળી ગયો. હવે ફક્ત હાથીદાંતોને ખીણની બહાર જ કાઢવાના બાકી હતા. ખીણમાં ઉતરવું સહેલું હતું. પણ એમાંથી બહાર નીકળવું તો ખુબ જ કપરું હતું. છતાં બધાની મહેનત રંગ લાવી અને બધા કોઈ પણ જાતની મુશ્કેલી વગર બહાર નીકળી ગયા. આ ઝંઝટમાં એલિસ બહુજ થાકી ગઈ હતી. એના પગ તો હવે સાવ નિષ્ક્રિય થઈ ગયા હતા. એલિસના મોંઢા ઉપર સખત થાક વર્તાઈ રહ્યો હતો.
ગર્ગથી એલિસનું દુઃખ સહન ના થયું. એણે પોતાના બન્ને હાથ વડે એલિસને ઊંચકી લીધી. એલિસની આંખમાં આંસુઓ રૂપી પ્રેમની ભીનાશ આંખની બહાર નીકળી આવી. શરમાઈ રહેલો ગર્ગ એલિસની આંખોમાં ઉમટેલા પ્રેમ સાગરમાં ડૂબી જઈ આગળ વધવા લાગ્યો. હાથીદાંત ઉંચકીને ચાલી રહેલા ગર્ગના બાકીના બધા સાથીદારો એલિસ અને ગર્ગ સામે જોઈને ધીમી ગુપસુપ કરીને ગર્ગ ઉપર હસતા હતા. માયરા પણ એમની વાતો સાંભળીને ક્યારેક હસી પડતી.
હાથીદાંત લઈને બધા લગભગ સાંજ પડી ત્યાં સુધીમાં માંડ માંડ માયરા જે નગરમાં રહેતી હતી ત્યાં પહોંચ્યા. મુશ્કેલીઓ ભરી આ મુસાફરી બધા થાકી ગયા હતા. એટલે આવતાની સાથે જ બધા આરામ કરવા લાગ્યા.
"એલિસ તું બધા માટે કંઈક ખાવાનું બનાવી લાવ. કક્ડીને ભૂખ લાગી છે.' માયરા વિશાળ ઓરડામાં આવેલા બેઠક સ્થાન પર બેસી પડતા બોલી.
ગર્ગ પાસે બેસેલી એલિસ ઉભી થઈ અને સામેની દીવાલમાં આવેલા બારણાંમાં થઈને અંદરના ખંડમાં ચાલી ગઈ. એલિસ ગઈ એટલે ગર્ગ માયરા પાસે આવ્યો અને માયરાની બાજુમાં બેઠો.
"માયરા તારા અને એલિસ વચ્ચે શું સબંધ છે ? ગર્ગે માયરાને સીધો પ્રશ્ન કર્યો.
ગર્ગનો પ્રશ્ન સાંભળીને માયરા થોડીકવાર ગર્ગ સામે તાકી રહી. અને પછી એકદમ હસી પડી.
"તું હસે છે કેમ ? મને જવાબ આપને! એલિસ અને તારી વચ્ચે શું સબંધ છે ?' હસતી માયરા તરફ જોઈને અકળાયેલા ગર્ગે ફરીથી પ્રશ્ન કર્યો.
"અરે એમાં આટલો અકળાય છે કે ? એ મારી નાની બહેન છે.' માયરા ફરીથી હસી પડતા બોલી.
"ઓહ! એમ વાત છે.' ગર્ગ શરમાતા બોલ્યો.
"હા.' આમ કહીને માયરા ફરીથી હસી પડી. એમનાથી થોડેક દૂર બેઠેલા જ્હોન,એન્થોલી અને માર્ટિન આ બન્ને વચ્ચે થઈ રહેલી વાતચીત રસપૂર્વક સાંભળી રહ્યા હતા.
થોડીવાર થઈ તો મકાનની નીચે આવેલો સુરંગ તરફનો દરવાજો ખખડ્યો. સુરંગ તરફનો દરવાજો ખખડવાનો અવાજ સાંભળીને માયરા એકદમ ઉભી થઈ ગઈ. બહારથી કોઈક આવ્યું હતું. પહેલા માયરાએ બધા સામે જોયું અને પછી એ દરવાજા તરફ ચાલી. માયરા દરવાજા સુધી પહોંચી ત્યાં સુધીમાં તો દરવાજાની બહાર ઉભેલી વ્યક્તિ ત્રણ ચાર વાર દરવાજો ખખડાવી ચુકી હતી.
માયરાએ દરવાજા પાસે જઈને દરવાજો ખોલી નાખ્યો. દરવાજો મકાનના તળિયાના ભાગે હતો. દરવાજો ખોલીને માયરાએ દરવાજાની બહાર ડોકિયું કર્યું.
"અરે હાર્ડી તમે ?' દરવાજાની બહાર ડોકિયું કરતાની સાથે જ માયરાના મોંઢામાંથી શબ્દો નીકળી પડ્યા.
માયરા હાર્ડીનું નામ બોલી એનો અવાજ ઓરડામાં બેઠેલા જ્હોન,ગર્ગ,એન્થોલી અને માર્ટિનના કાન સુધી પણ આવ્યો. હાર્ડીનું નામ સાંભળતા વેંત તેઓ પણ ઉભા થઈ ગયા.
"હાર્ડી તો મસાઈ લોકોના કબજામાં હતા.! તેઓ અહીંયા કેવીરીતે આવ્યા ? લાગે છે માયરા બહાર આવેલા માણસને સરખી રીતે ઓળખી નથી શકી. બીજો કોઈ વ્યક્તિ હશે જેને એણે વિલિયમ હાર્ડી સમજી લીધા છે કદાચ.' ગર્ગ બધા સામે જોતાં બોલ્યો.
ગર્ગ આટલું બોલ્યો ત્યાં તો માયરા લઘર વઘર કપડાં પહેરેલા માણસને અંદર લઈ આવી. આ લઘર વઘર કપડાં વાળો માણસ બીજુ કોઈ નહિ પણ વિલિયમ હાર્ડી હતા. વિલીયમ હાર્ડીને જોઈને બધા ખુશ ખુશ થઈ ગયા. બધા દોડીને વિલિયમ હાર્ડીને ભેંટી પડ્યા. થોડીવાર થઈ ત્યાં તો બીજા બે જણ પણ અંદર આવ્યા. એ હતા રૉબર્ટ અને મેરી.
ઘણા દિવસે પોતાના સાથીદારોને જોયા એટલે રૉબર્ટ તો દોડીને ગર્ગ અને જ્હોનને ભેંટી જ પડ્યો. ગર્ગે અને જ્હોને તો કલ્પના પણ નહોતી કરી કે બધાનું આવીરીતે મિલન થશે.! બધા સાથીદારો ભેગા થયા એટલે બધા એકદમ ખુશ ખુશ થઈ ગયા.
થોડીવાર પછી એલિસે જમવાનું બનાવ્યું હતું. એ બધા પેટ ભરીને જમ્યા. રૉબર્ટ અને મેરીનો તેમના સાથીદારો ગર્ગ અને જ્હોનથી સાથ છૂટ્યા બાદની ઘટનાથી માંડીને આજ સુધીથી તમામ વાતો બધાને કહી સંભળાવી. ગર્ગે પણ એમનો અને એમના સાથીદારોનો માયરા સાથે કેવીરીતે ભેટો થયો એ વાત કહી સંભળાવી.
વિલિયમ હાર્ડીનો આગળના દિવસે જ રૉબર્ટ અને મેરી સાથે ભેટો થયો હતો. અને ત્યારબાદ તેઓ રૉબર્ટ અને મેરીને જંગલ ચીરીને અહીંયા સુધી લઈ આવ્યા હતા. આ શહેરનું નામ એલેકઝાન્ડ્રિયા હતું. આ શહેર પૂર્વ ઇજિપ્તીયન દરિયા કિનારે વસેલું હતું. બહુમાળી મકાનો તેમજ ભૂગર્ભીય સુરંગો અને ભૂગર્ભીય મકાનોના કારણે આ શહેર ઇજિપ્તનું એક આગવું મહત્વ ધરાવતું શહેર હતું.
વિલિયમ હાર્ડી મળી ગયા હતા. સાહસિકોની શોધનું અભિયાન અહીંયા જ પુરું થતું હતું. અનેક અડચણો વેઠીને ગર્ગ,જ્હોન,રોબર્ટ અને મેરીએ આફ્રિકાના આ ખૂંખાર જંગલમાં વિલીયમ હાર્ડી અને હાર્ડીના સાથીદારોને શોધવા માટેની સફર ખેડી હતી. સફરમાં તેઓ સફળ નીવડયા હતા.
એક રાત બધા રોકાઈ ગયા. વિલિયમ હાર્ડી પોતાની પ્રેમિકા સાથે હવે ઇટલી જવા માંગતા હતા. એલિસે પણ ગર્ગની સાથે રહેવાનું પસંદ કર્યું. મેરી પણ હવે રૉબર્ટની બની ગઈ હતી. અને એ ગર્ભવતી હતી એટલે થોડાંક મહિનાઓ બાદ બાળકને જન્મ આપવાની હતી.
એલેક્ઝાન્ડ્રિયા ઇજિપ્તનું એક મહત્વનું શહેર અને બંદર હતું. પૂર્વ એલેક્ઝાન્ડ્રિયામાં વેપાર ધંધો સારા એવા પ્રમાણમાં વિકસ્યો હતો. વિલિયમ હાર્ડી પોતાની પ્રેમિકા માયરાને લઈને એલેક્ઝાન્ડ્રિયાના બંદરે આંટો મારવા ગયા. ત્યાં પૂછપરછ કરી ત્યારે ખબર પડ્યો કે ત્રણ દિવસ પછી વોલ્કેરા નામની એક સ્ટીમર ઇટલીના જેનોવા બંદર જવા ઉપડવાની હતી.
વિલિયમ હાર્ડી અને માયરા ત્રણ દિવસ પછી ઇટલી જવાનું નક્કી કરી પાછા ફર્યા. ત્રણ દિવસ પછી બધા ઇજિપ્તની આ ધરતી છોડીને બધા ઇટાલી જતાં રહેવાના હતા. બધાએ આ ત્રણ દિવસ એલેક્ઝાન્ડ્રિયા શહેરની વિશાળ બઝારમાંથી ખરીદી કરવામાં અને ફરવામાં પસાર કર્યા. હાથીઓના જંગલમાં જઈને પેલી અજગર વાળી ખીણમાંથી લાવેલા હાથીદાંતને એલેક્ઝાન્ડ્રિયાની બઝારમાં વેચી નાખ્યા. જેની સારી એવી કિંમત ઉપજી. જે બધાને મુસાફરી માટે કામ લાગવાની હતી. રાતે વિલિયમ હાર્ડી પોતાની અને મસાઈ લોકો વચ્ચે થયેલી અથડામણોના કિસ્સાઓ બધાને કહી સંભળાવતા.
ત્રણ દિવસેમાં વીતી ગયા. ચોથા દિવસની રાત્રે પોણા દસ વાગે વોલ્કેરા સ્ટીમર જેનોવા જવા ઉપડવાની હતી.
બધા સમયસર બંદરે આવી ગયા અને સ્ટીમરમાં ચડ્યા. સાત દિવસની મુસાફરી બાદ વોલ્કેરા સ્ટીમર જેનોવા બંદરે પહોંચી. વિલિયમ હાર્ડી અને એમના સાથીદારોની દરિયાઈ મુસાફરી નિર્વઘ્ને પુરી થઈ હતી.
જેનોવાથી ઘોડાગાડીમાં બધા એમના વતન રોમ શહેર તરફ ગયા. અહીંયાથી બધા છુટા પડવાના હતા. ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી, માર્ટિન અને વિલિયમ હાર્ડી તથા હાર્ડીની પ્રેમિકા માયરા આ ચાર જ જણ રોમમાં રહેતા હતા. બાકીના બીજા રોમ શહેરની આજુબાજુ આવેલા ગામડાઓમાં રહેતા હતા.
વિલિયમ હાર્ડી પોતાના વ્હાલા મિત્રો ગર્ગ,રોબર્ટ અને જ્હોનથી છુટા પડતી વખતે ખુબ જ પ્રેમપૂર્વક ભેટ્યા. છુટા પડતી વખતે બધાના આંખમાં આંસુ હતા. એલિસ પણ પોતાની બહેન માયરાને છોડીને ગર્ગ સાથે રહેવા જવાની હતી.
રોબર્ટ પણ મેરીને લઈને પોતાના ઘરે ગયો. ત્રણ મહિના બાદ મેરીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. એ બાળકી મેરી જેવી જ સુંદર હતી. રોબર્ટ અને મેરીનો મિલાપ ઇજિપ્તના મેસો જંગલમાં થયો હતો એટલે રોબર્ટ અને મેરીએ એ બાળકીનું નામ મેસોરીકા પાડ્યું. પછી બન્ને પોતાની વ્હાલી પુત્રીના ઉછેર સાથે આનંદનું જીવન જીવવા લાગ્યા.
(નવલકથામાં ઇટાલીના જેનોવા શહેરનો ઉલ્લેખ કર્યો છે.
જેનોવા જેવું જ નામ ધરાવતું સ્વીઝરલેંડનું જીનીવા શહેર છે. આ બન્નેની ભેળસેળ ના થાય એની વાંચકે તકેદારી રાખવી)
(ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) નવલકથા અહીંયા સમાપ્ત થાય છે.)
(નોંધ:- નવલકથામાં લીધેલા સ્થળોના નામ વાસ્તવિક છે સંપૂર્ણ નવલકથા એ મારા કાલ્પનિક વિચાર છે.)
આભાર સહ.. જીગર_અનામી રાઇટર.