Bhayank safar (afrikana jangaloni) - 1 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 1

આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે. કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ જંગલમાં બપોરના કાળઝાળ તડકામાં ત્રણ ગોરા માણસો જઈ રહ્યા છે.એમના વર્તન અને મુખાકૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈક ની શોધ નીકળ્યા હશે.એકના ખભે બે થેલા લટકી રહ્યા હતા. દૂરથી જોઈએ તો વજનદાર લાગે પણ તેની હળવાશભરી ચાલ જોઈને એમ લાગે છે કે ઓછી વજનદાર વસ્તુઓ ભરેલી હશે થેલામાં.એકના હાથમાં નાનકડી રાઇફલ અને કુહાડી છે. જેના વડે તે માર્ગમાં આવતા ઝાડી ઝાંખરાઓને સાફ કરી રહ્યો છે. અને એમની સાથે ચાલી રહેલો ત્રીજો જેનો દેખાવ પહેલવાન જેવો છે જે થેલીમાં કંઈક વજનદાર સામગ્રી ઊંચકીને ચાલી રહ્યો છે.

"રોબર્ટ આ જંગલે તો પરેશાન કરી નાખ્યા યાર દોઢ દિવસથી ચાલીએ છીએ છેડો જ નથી આવતો.' પહેલવાન જેવો લાગતો માણસ બોલ્યો.

"હા મિસ્ટર જ્હોન હવે તો પાણી પણ ખૂટવા આવ્યું છે. સાંજ સુધી કોઈ તળાવ સરોવર મળી જાય તો ઠીક છે." થેલાઓને નીચે મૂકતા રોબર્ટે કહ્યુ.

"રોબર્ટ અરે યાર કેમ બેસી ગયા.જલ્દી કરો યાર સાંજ સુધીમાં જંગલ પાર કરી પહાડી વિસ્તારમાં પ્રવેશ કરવાનો છે ચાલો." મોખરે ચાલી રહેલા ગર્ગે બંનેને બેઠેલા જોઈ બુમ પાડી.

"અરે યાર આ ગર્ગથી થાકી ગયા આવી કાળઝાળ ગરમીમાં પણ થોડોક આરામ કરવા દેતો નથી. લાગે છે રાતના જંગલી પશુનો ડર સતાવી રહ્યો છે એને." જ્હોને ઉભા થતા કહ્યું.

ખભે થેલા ભરાવતાં રોબર્ટ હસીને બોલ્યો "રાત્રે પણ એ સરખી રીતે સૂતો નથી. બે વાર મને ઢંઢોળ્યો.એક વાર તો હું માંચડા ઉપરથી પડતા-પડતા માંડ બચ્યો."

રોબર્ટની વાત સાંભળી જોન હસી પડ્યો અને બોલ્યો "મારી તો એને ખબર છે એટલે મને તો જગાડ્યો નહીં. જો જગાડ્યો હોત તો માંચડા ઉપરથી નીચે ફેકત પછી ભલે ને જંગલી પશુઓ એને ફાડી ખાય.'

આમ ગર્ગની મજાક કરતા-કરતા રોબર્ટ અને જ્હોન ચાલવા લાગ્યા. વાત એમ હતી કે એક વર્ષ પહેલા ઇટાલીથી નીકળેલા વિલિયમ હાર્ડી કે જેઓને આફ્રિકન સંસ્કૃતિ, ત્યાંના રીતીરિવાજો, તેમની રહેણીકરણી તથા તેમની અલગ -અલગ ભાષાઓ જાણવાનો ખુબ શોખ હતો. એમને આફ્રિકન જંગલમાં વસતા ખૂંખાર માનવભક્ષી આદિવાસીઓ કે જેઓ મસાઈવંશના વંશજો હતા એમનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે આફ્રિકા જંગલમાં પ્રખ્યાત ઇટાલિયન ભાષાશાસ્ત્રી થોમસ એન્થોની તથા અન્ય સાથીદારો સાથે આવ્યા હતા. એક વર્ષ વીતી ગયું છતાં તેઓ બ્રિટન પાછા ફર્યા નહોતા એટલે ઇટાલીમાં રહેતા એમના ગાઢ મિત્રો ગર્ગ, રોબર્ટ અને જ્હોન, વિલિયમ હાર્ડી અને એમના સાથીદારોની શોધમાં નીકળ્યા હતા.

છેલ્લે એમને ઇજિપ્તના કેરો શહેરથી વિલિયમ હાર્ડીએ લખેલો પત્ર મળ્યો હતો. એટલે જોન, ગર્ગ અને રોબર્ટે કેરો શહેરના આસપાસના વિસ્તારથી વિલિયમ હાર્ડી અને એમના સાથીદારોની શોધ કરવાનું ચાલુ કર્યું હતું. પણ એમને અહીંયા વિલિયમ હાર્ડી અને એમના સાથીદારો હોવાના કોઈ જ સગડ મળ્યા નહોતા.

આમ વિલિયમ હાર્ડી અને સાથીદારોની શોધ કરતા કરતા તેઓ મેસો જંગલમાં પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા જ્હોન, રોબર્ટ અને ગર્ગને જાણવા મળ્યું કે અહીંયાથી કેટલાક ગોરા માણસો એક વર્ષ પહેલા જંગલમાં આગળ તરફ ગયા હતા. મેસો જંગલના સ્થાનિકોની આ વાત ઉપરથી જ્હોન, રોબર્ટ અને ગર્ગે નક્કી કર્યું કે આ જંગલમાં આગળની તરફ એક વર્ષ પહેલા નીકળેલા ગોરા માણસો જરૂર વિલિયમ હાર્ડી અને એમના સાથીદારો જ હોવા જોઈએ.

ત્યારબાદ ત્રણેય સાહસિકો મેસો જંગલ પાર કરીને ખૂંખાર આદિવાસીઓના જંગલમાં પ્રવેશ્યા હતા. દોઢ દિવસથી ત્રણેય ચાલી રહ્યા હતા છતાં જંગલનો છેડો નહોતો આવતો. છતાં ત્રણેય હિંમત ગુમાવ્યા વગર આગળ વધી રહ્યા હતા.

ત્રણેય આમ આગળ વધી રહ્યાં હતા ત્યાં બાજુની ઝાડીમાં સળવળાટ થયો. ત્રણેય એકદમ સાબદા થઈ ગયા. રોબર્ટના હાથમાં રાઇફલ હતી.થોડીવારમાં બે ત્રણ પડછંદ કદ ધરાવતા માણસો ઝાડીમાંથી બહાર ઘસી આવ્યા. પેલા માણસોના હાથમાં કંઈ હતું જ નહીં છતાં એમની તરફ આગળ વધી રહ્યા હતા. રોબર્ટે એકવાર હવામાં ગોળીબાર કર્યો છતાં એ પડછંદ માણસો ઉપર કંઈ જ અસર થઈ નહીં.
ગર્ગને લાગ્યું કે આ લોકોને રાઇફલ બાબતમાં ખબર નહી હોય.

"ગર્ગ હવે શું કરીએ ? આ તો આપણી તરફઆગળ વધી રહ્યા છે.' રોબર્ટ ગર્ગ સામે જોઈને ભયભીત અવાજે બોલ્યો.

"તુ ગોળી ના ચલાવતો. મને લાગી રહ્યું છે કે આ લોકોને રાઇફલ અને બંદૂક શું હોય છે એ બાબતે ખબર નથી.' ગર્ગે રોબર્ટ તરફ જોઈને કહ્યું.

"પણ આ લોકો હુમલો કરશે તો સ્વબચાવમાં મારે ગોળી છોડવી પડશે.' રોબર્ટ સામે આવી રહેલા પડછંદ આદિવાસીઓ તરફ જોઈને બોલ્યો.

ત્યાં તો સામે આવી રહેલા ત્રણ આદિવાસીઓમાંથી એક માણસે જમીન પરથી મજબૂત લાકડું ઉઠાવ્યું અને ગોળ ગોળ ફેરવીને જ્હોન તરફ ફેંક્યું. પણ જ્હોન સચેત હતો એટલે એણે એકબાજુ નમીને લાકડાનો ઘા ચૂકવી દીધો. પોતાનો ઘા ચુકી જવાથી પેલો આદિવાસી માણસ ક્રોધે ભરાયો અને ઝડપભેર જ્હોન તરફ દોડ્યો. ત્યાં તો રોબર્ટની આંગળી એકાએક રાઇફલના ઘોડા ઉપર દબાઈ અને પેલો માણસ મરણચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યો. બાકીના બે રોબર્ટના હાથમાં રહેલા હથિયારમાંથી થયેલા ભડાકાને સાંભળીને ત્યાં જ થંભી ગયા અને પાછળ ફરી મુઠ્ઠી વાળીને દોડતા ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયા.

"રોબર્ટ, જ્હોન ઝડપથી કરો. હવે આપણે સલામત નથી ઝડપથી ભાગો જો વધારે આદિવાસીઓ આવી ગયા તો આપણને જીવતા પકડીને સળગાવી દેશે.' આમ કહી ગર્ગ ઝડપથી ચાલવા લાગ્યો.

રોબર્ટ અને જ્હોન પણ ઝડપથી થેલો ખભે ભરાવીને ગર્ગની પાછળ દોડ્યા. આ ઘટનાથી ત્રણેય ખુબ જ ગભરાઈ ગયા હતા. થોડાંક આગળ ગયા ત્યાં તો પાછળથી એમણે હોંકારા અને પડકારાઓ સંભળાવા લાગ્યા. દોડતા ગર્ગે પાછળ નજર કરી તો ખૂંખાર બનેલા આદિવાસીઓ ઝડપથી એમની પાછળ દોડતા આવી રહ્યા હતા.

"જ્હોન ઝડપ કર. એ લોકો આપણને મારી નાખશે.' ગર્ગે જ્હોન અને રોબર્ટ તરફ જોઈને બુમ પાડી. હજુ ગર્ગ પોતાનું વાક્ય પુરુ કરે ત્યાં તો રોબર્ટ વેદનાભરી ચીસ નાખીને નીચે ઢળી પડ્યો. ગર્ગ અને જ્હોને પાછળ જોયું તો એમના મોંઢામાંથી પણ ચીસ નીકળી ગઈ.

(ક્રમશ..)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED