ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 3 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 3

ઝૂંપડીમાં કેદ યુવતી મેરી
***************

ઘાસના મેદાનના છેડે દીવડો સળગી રહ્યો હતો. ત્રણેયને તરસ લાગી હતી. અને ભૂખ પણ. અજાણ્યો પ્રદેશ હતો એટલે ત્રણેયના મનમાં ભય પણ પેદા થઈ ગયો હતો. છતાં કંઈક ખાવા પીવાનું મળી રહેશે એ આશા સાથે ગર્ગ, જ્હોન અને રોબર્ટ એ દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તેઓ એની નજીક જઈ રહ્યા હતા એમ એમ એમના મનમાં ભયનો વધારો થઈ રહ્યો હતો.

"જ્હોન કંઈક ઝૂંપડી જેવું લાગે છે.' ગર્ગ જ્હોન સામે જોઈને ધીમા અવાજે બોલ્યો.

"હા અને આજુબાજુ પણ બીજી કોઈ ઝૂંપડી નથી. ફક્ત એક જ ઝૂંપડી દેખાઈ રહી છે.' જ્હોન રોબર્ટ અને ગર્ગ સામે જોઈને બોલ્યો.

"ચાલો સાવચેતી પૂર્વક આગળ વધો. જોઈએ તો ખરા કે સાવ નિર્જન પ્રદેશમાં ઝૂંપડી બનાવીને કોણ રહે છે.' રોબર્ટ બોલ્યો અને એણે એના ખભે લટકાવેલી રાઇફલ હાથમાં લીધી.

જ્હોને પણ એની રિવોલ્વર કાઢીને હાથમાં લીધી પછી ત્રણેયએ અવાજ ના થાય એ રીતે ઝૂંપડી તરફ ડગ માંડ્યા. દૂરથી ફક્ત ઝૂંપડીની અંદર એક દીવડો સળગી રહ્યો હોય એવું દેખાતું હતું. બહાર ગાઢ અંધારું હોવાથી ઝૂંપડીની બનાવટ બહારથી કેવી છે એ જોઈ શકાતું નહોતું.

ગર્ગ સૌથી પાછળ હતો અને જ્હોન સૌથી આગળ રોબર્ટ એની પાસે રહેલી રાઇફલને આગળની દિશામાં લાંબી કરીને આગળ વધી રહ્યો હતો. ત્યાં સૌથી મોખરે ચાલી રહેલા જ્હોને બન્નેને ઉભા રહેવાનો ઇસારો કર્યો. પછી એણે બન્નેને કાન તરફ ઇસારો કરીને પૂછ્યું કે તમને કંઈ સંભળાય છે. રોબર્ટ અને ગર્ગે કાન સરવા કર્યા તો એમને ઝૂંપડીમાં કોઈક કણસતું હોય એવો અવાજ આવ્યો.

"કોઈક કણસી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો છે.' ગર્ગે રોબર્ટની નજીક જઈને રોબર્ટના કાનમાં કહ્યું.

"જે હોય એ ચાલો આપણે તપાસ કરીએ.' રોબર્ટ ધીમેથી બોલ્યો. એમનાથી થોડે દૂર ઉભા રહેલા જ્યોર્જે બન્નેને ગુપસુપ કરતા જોઈને ચૂપ રહેવાનો ઇસારો કર્યો અને પાછળ આવવાનો સંકેત કર્યો.

ધીમેથી ત્રણેય આગળ વધ્યા આ ઝૂંપડી પાસે આવીને ઉભા રહ્યા. ક્યાંય દરવાજો હોય એવું દેખાયું નહીં એટલે જ્હોને લાકડાઓના કાણામાંથી અંદર ડોકિયું કર્યું. અંદરનું દ્રશ્ય જોઈને જ્હોન સ્તબ્ધ થઈ ગયો. એણે રોબર્ટ અને ગર્ગને પણ અંદર જોવા માટે ઇસારો કર્યો.

રોબર્ટ અને ગર્ગે અંદર જોયું તો ઝૂંપડીની અંદર એક સ્વરૂપવાન યુવતી બેઠી હતી. એના હાથ ઝૂંપડીની અંદરના એક થાંભલા સાથે બંધાયેલા હતા.રડવાના કારણે એ યુવતીના ગાલ ઉપર અમૂક જગ્યાએ કાળા ડાઘ ઉપસી આવ્યા હતા. વાળ વિખેરાઈને મોંઢા ઉપર આવી ગયા હતા. એની આંખોમાં વધારે રડવાના કારણે લાલાશ ઉપસી હતી. રડવાના કારણે એના હોઠ ફફડી રહ્યા હતા. એનાથી થોડેક દૂર સળગી રહેલી મશાલનું અજવાળું એની આ દશાને પ્રદર્શિત કરી રહ્યું હતું.

જ્હોને આજુબાજુ નજર ઘુમાવી પણ કોઈ દેખાયું નહીં પછી એણે રોબર્ટ અને ગર્ગને ઝૂંપડીના લાકડા તોડીને અંદર ઘુસવાનો ઇસારો કર્યો. તરસના કારણે બેબાકળા બનેલા રોબર્ટે થોડીક જ વારમાં ઝૂંપડીના લાકડા તોડીને અંદર જવાનો રસ્તો કરી લીધો. પછી ત્રણેય ઝૂંપડીની અંદર ઘુસ્યા અને પેલી યુવતીની બાજુમાં મોટા પાત્રમાં પાણી હતું એ પી ગયા અને પછી ત્યાં જ બેસી ગયા.

આમ અચાનક ઝૂંપડીના લાકડાઓ તોડીને ત્રણ માણસો અંદર ઘૂસી આવ્યા એટલે પેલી યુવતી હેતબાઈ ગઈ એ ડરના લીધે કાંપવા લાગી. એ ફાટી નજરે આ ત્રણેય સામે જોઈ રહી. રોબર્ટે પહેલા ગર્ગ અને જ્હોન સામે જોયું અને પછી એણે એ યુવતી સામેં જોયું.એણે યુવતી સામે જોઈને શાંત રહેવાનો ઇસારો કર્યો.

"અરે ડરો નહીં અમે તમારા મિત્રો છીએ.' રોબર્ટે એ યુવતીને કહ્યું.

રોબર્ટનો અવાજ સાંભળીને એ યુવતીના મોંઢા ઉપરથી ડરની રેખાઓ થોડીક ગાયબ થઈ. પણ હજુ પણ એના શરીરનું કંપન ચાલુ હતું.

"તમે ગભરાઓ નહીં અમે તમને મુક્ત કરાવવા માટે આવ્યા છીએ.' આમ કહીને રોબર્ટ એ યુવતીની નજીક ગયો અને એના હાથના બંધનો છોડી નાખ્યા.

પેલી યુવતીને હજુ આ ત્રણેય ઉપર વિશ્વાસ ના હોય એવી રીતે એ ત્રણેય સામે ડરભરી નજરે તાકી રહી. એના નિદોષ ચહેરા ઉપર ડરના વાદળો છવાયેલા જોઈને રોબર્ટને એના પ્રત્યે સહાનુભૂતિ ઉત્પ્ન્ન થઈ.

"કોણ છો તમે ? માંડ માંડ પેલી યુવતીના ગળામાંથી ધ્રુજતા અવાજે આટલા જ શબ્દો નીકળ્યા.

"અમે અમારા ખોવાયેલા સાથીદારોની શોધમાં નીકળ્યા છીએ. મારું નામ રોબર્ટ છે અને આ મારા બન્ને સાથીદારો જ્હોન અને ગર્ગ.' રોબર્ટે જ્હોન અને ગર્ગ તરફ ઇસારો કરીને ત્રણેયનો પરિચય આપ્યો

રોબર્ટના અવાજ ઉપરથી એ યુવતીને થોડોક ભરોષો બેઠો.

"પણ તમે કોણ છો અને આ નિર્જન પ્રદેશમાં આવી રીતે બંધાયેલી અવસ્થામાં ? રોબર્ટ પેલી યુવતીની આંખમાં જોઈને ફરીથી બોલ્યો.

રોબર્ટે આટલું પૂછ્યું ત્યાં તો એ યુવતીની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. અને પછી એ એકદમ દોડીને રોબર્ટને ભેંટી પડી. રોબર્ટને પહેલા તો શું કરવું એ સમજાયું નહીં અને પછી એણે વાત્સલ્યથી એ યુવતીના માથા ઉપર હાથ ફેરવ્યો. પેલી યુવતી થોડીક વાર રોબર્ટને ભેંટીને રડતી રહી.

"મને પણ તમારી સાથે લઈ જાઓ. તમે કહેશો એ હું કરીશ પણ આ કેદમાંથી મને મુક્ત કરાવો.' પેલી યુવતી રડતાં રડતાં બોલી.

"હા લઈ જઈશું પણ તમે પહેલા તમારું નામ તો બતાવો અને તમને અહીંયા કોણે કેદ કર્યા એ તો કહો.' રોબર્ટ એના માથા ઉપર હાથ ફેરવીને આશ્વાશનભર્યા અવાજે બોલ્યો.

"મારું નામ મેરી છે. આગળની વાત પછી કહીશ. હમણાં ચાલો આપણી પાસે સમય નથી જો એ લોકો આવી ગયા તો આપણે બધા મુસીબતમાં મુકાઈ જઈશું.' પેલી યુવતીએ આંસુ લૂછતા બોલી.

પેલી યુવતીની વાત સાંભળીને ગર્ગ અને જ્હોન પણ ઉભા થયા અને ઝડપથી ઝૂંપડીની બહાર નીકળ્યા. એમની પાછળ રોબર્ટ મેરીનો હાથ પકડીને બહાર આવ્યો. જતાં જતાં એમણે ઝૂંપડીમાં સળગતી મશાલ બુઝાવી દીધી. પહેલા એ ત્રણ જણ હતા હવે નવા સાથીદાર તરીકે મેરી મળી એટલે ચાર જણ થઈ ગયા.

આકાશ સ્વચ્છ હતું. આકાશમાં ચંદ્રનો ઉદય થઈ ચુક્યો હતો. એટલે ચંદ્રની ઝંખી રોશની આગળ વધવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ ચારેય જણા ઘાસના મેદાનને પાર કરીને હવે પહાડી પ્રદેશ તરફ આગળ વધી રહ્યા હતા. રોબર્ટ મેરીનો હાથ પકડીને ચાલી રહ્યો હતો એટલે એણે એના ખભાથી રાઇફલ ઉતારીને ગર્ગને સોંપી દીધી હતી. રોબર્ટ અને મેરી એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા એ જોઈને ગર્ગ અને જ્હોન એકબીજા સામે જોઈને છૂપું હસી લેતા હતા.

"મેરી હવે તો કહો તમને અહીંયા કેદ કોણે કર્યા અને તમે ક્યાંના રહેવાસી છો ? રોબર્ટે ચાલતા ચાલતા મેરીને પૂછ્યું.

"હું કેરો શહેરની રહેવાશી છું. મારા પિતાજી હાથીદાંતના મોટા વેપારી છે. થોડાક દિવસ પહેલા મારા પિતાજી એમના સાથીદારો સાથે આ જંગલમાં હાથીદાંતની શોધમાં આવ્યા હતા. હું અને મારા પિતાજીના દોસ્તનો દીકરો માઈકલ પણ બધાની સાથે જંગલમાં આવ્યા હતા. મને હાથીના બચ્ચાઓ ખુબ ગમતા હતા. માઈકલે મને હાથીના બચ્ચા બતાવવાની લાલચ આપીને બધાથી છૂટી પાડી. પણ મને એના ખોટા ઈરાદાની ખબર નહોતી. પછી એણે મને આ આ ઝૂંપડીમાં કેદ કરી લીધી. અને મને એની સાથે લગ્ન કરવા માટેનું દબાણ કરવા લાગ્યો. પણ હું માની નહીં.. એટલે એણે મને કહ્યું કે તું જયારે લગ્ન કરવાની હા પાડીશ ત્યારે ને તને અહીંથી મુક્ત કરીશ. આજે એ એના સાથીદારો સાથે નજીકના શહેરમાં ગયો છે. પણ જ્યારે એ આવશે ત્યાં સુધી આપણે બધા ઘણા દૂર નીકળી ગયા હોઈશું.' મેરીએ પોતાના દુઃખની દાસ્તાન કહી સંભળાવી.

"ઓહહ.! દુઃખદ.' મેરીની વાત સાંભળીને રોબર્ટે દુઃખ વ્યક્ત કર્યું.

"રોબર્ટ પાછળ તો જો. આપણે જે ઝૂંપડીમાં હતા એ કદાચ સળગી રહી છે.' ગર્ગે દૂર સળગી રહેલી ઝૂંપડી તરફ હાથ લાંબો કરીને કહ્યું.

રોબર્ટ, મેરી અને જ્હોને પાછળ જોયું તો દૂર ધુમાડાના ગોટાઓ આકાશમાં ઉપર ચડી રહ્યા હતા.અને આજુબાજુના અગ્નિની લાલાશ સ્પષ્ટ પણે અહીં સુધી દેખાઈ રહી હતી.

"મને લાગી રહ્યું છે કે માઈકલ એના સાથીદારો સાથે આવી ગયો હશે અને એણે મને ઝૂંપડીમાં નહિ જોઈ હોય એટલે ગુસ્સે ભરાઈને ઝૂંપડીને સળગાવી મૂકી હશે..' મેરી ચિંતામિશ્રિત અવાજે બોલી.

"હા કદાચ એવું જ બન્યું હશે આપણે ઝડપ કરવી પડશે નહિતર એ લોકો આપણને પકડી પાડશે.' રોબર્ટ બધા સામે જોઈને બોલ્યો અને મેરીનો હાથ પકડીને એ પહાડી પ્રદેશ તરફ ચાલવા લાગ્યો. ગર્ગ અને જ્હોન પણ સળગતી ઝૂંપડી તરફ એક નજર નાખીને ઝડપથી રોબર્ટ અને મેરીની પાછળ ચાલવા લાગ્યા.

(ક્રમશ)