"રોબર્ટ સામે જો,પેલો જંગલી.!' ભયની મારી મેરીએ ચીસ પાડી.
રોબર્ટ, ગર્ગ અને જ્હોન એકબીજાને ભેંટીને લાગણીવશ થઈ ગયા હતા. એ જ સમયે બચી ગયેલો એક જંગલી બદલાની આગ શાંત કરવા માટે હાથમાં જાડું લાકડું લઈને ઝાડીની સામે તરફના છેડેથી ચુપચાપ આ તરફ આવી રહ્યો હતો. પણ સમયસર મેરીએ એને જોઈ લીધો. મેરીએ એને જેવો જોયો કે તરત જ ગભરાયેલા અવાજે બુમ પાડી.
મેરીની બુમ સાંભળીને જ્હોન અને રોબર્ટ ઝડપથી ઉભા થઈ ગયા. ગર્ગ બિચારો ઉભો થવા ગયો પણ શરીરમાં આવેલી અશક્તિના કારણે ઉભો ના થઈ શક્યો. પેલા જંગલીએ જ્હોન અને રોબર્ટને ઉભા થયેલા જોયા છતાં પણ ડર્યા વગર એમની જ તરફ આવી રહ્યો હતો.
"ગર્ગ તું નીચે બેસી રહે આને તો અમે સંભાળી લઈશું.' જ્હોન ઉભા થવાનો પ્રયત્ન કરી રહેલા ગર્ગ તરફ જોઈને બોલ્યો.
જ્હોનની વાત સાંભળીને ગર્ગ ત્યાં જ બેસી રહ્યો.
"જ્હોન તારી રિવોલ્વર સંભાળ.' રોબર્ટે જંગલી સામે ગુસ્સાભરી નજરે જોઈ જ્હોનને કહ્યું.
જ્હોને નીચે પડેલી પોતાની રિવોલ્વર ઉઠાવી. ત્યાં તો પેલા જંગલીએ એમના તરફ દોટ મૂકી.
"જ્હોન ઉડાવી દે આને જલ્દી.' પોતાની તરફ દોડી આવતા જંગલી તરફ જોઈને રોબર્ટે જ્હોનને આદેશાત્મક અવાજે કહ્યું
જ્હોને જેવું રિવોલ્વરનું ટ્રેગર દબાવ્યું કે એના મોંઢા ઉપર ચિંતાના હાવભાવ છવાઈ ગયા. રિવોલ્વરમાંની તમામ ગોળીઓ ખતમ થઈ ગઈ હતી અને જ્હોન એમાં ગોળીઓ ભરવાનું ભૂલી ગયો હતો.
"રોબર્ટ રિવોલ્વરમાં ગોળી નથી.' જ્હોન ચિંતાથી ઘેરાયેલા અવાજે બોલ્યો.
"શું ?' રોબર્ટ.આટલું બોલ્યો ત્યાં તો પેલો જંગલી સાવ એની નજીક આવી ગયો અને એણે રોબર્ટને મારી નાખવા લાકડાને હવામાં વિંજયું. રોબર્ટ તો એકદમ હેતબાઈ ગયો. શું કરવું એ એને સૂજ્યું નહીં. પણ જ્હોને સમય સૂચકતા વાપરીને રોબર્ટને ઝડપ કરીને પાછળથી પોતાની તરફ ખેંચી લીધો. અને પેલા જંગલીએ બળપૂર્વક વિંઝેલું લાકડું એની આગળથી પસાર થઈ ગયું.
પેલા જંગલીએ પુરી તાકાતથી રોબર્ટને મારી નાખવા માટે એની હાથમાં રહેલું લાકડું વીંઝ્યું હતું પણ જ્હોને રોબર્ટને પાછળથી ખેંચીને બચાવી લીધો. રોબર્ટની આગળથી પેલા જંગલીના હાથમાં રહેલું લાકડું જોરદાર ગતિ સાથે પસાર થયું રોબર્ટ તો ફક્ત પોતાની આગળથી પસાર થયેલા લાકડાના સુસવાટાથી ધ્રુજી ઉઠ્યો.
પોતાનું નિશાન ખાલી ગયું એટલે પેલો જંગલી ગુસ્સાથી સળગી ઉઠ્યો. એના અંગ અંગમાં બદલાની આગ સળગી ઉઠી. એણે ફરીથી હુમલો કર્યો પણ આ વખતે જ્હોને રોબર્ટને પાછળ ખસેડી દઈને પોતાનું શરીર ટટ્ટાર કરી નીચે બેસી જઈને પુરી તાકાત અજમાવીને પેલા જંગલીના પેટ ઉપર જોરદાર મુક્કાનો પ્રહાર કર્યો.
જોરદાર મુક્કો પડવાથી પેલો જંગલી ગડથોલું ખાઈ નીચે પડ્યો. પણ એ તરત જ ઉભો થઈ ગયો. અને ફરીથી જ્હોન ઉપર પ્રહાર કર્યો. આ વખતે જ્હોન થોડોક અસાવધ હતો એટલે એની પીઠ ઉપર લાકડાનો જોરદાર ફટકો પડ્યો. લાકડાના ફટકાથી જ્હોન નીચે પડી ગયો. આ જોઈને મેરી ચીસ પાડી ઉઠી. રોબર્ટના શરીરમાં ભયની ધ્રુજારીઓ પ્રસરી ગઈ.
આટલો જોરદાર ફટકો પડ્યો હોવા છતાં જ્હોન ઝડપથી ઉભો થઈ ગયો. જ્હોને પોતાનું સ્નાયુબદ્ધ શરીરને ટટ્ટાર કર્યું.પેલા જંગલીના હાથમાં મજબૂત લાકડું હતું અને જ્હોનના હાથ સાવ ખાલી હતા એટલે એ જંગલી સામે જ્હોનનું જરાપણ જોર ચાલી રહ્યું નહોતું.
પેલા જંગલીએ ફરીથી જ્હોનને મારી નાખવા માટે લાકડાને હવામાં વીંઝ્યું. આ જોઈને મેરીનો તો જીવ તાળવે ચોંટી ગયો. રોબર્ટના મોંઢામાંથી ભયની ચીસ નીકળી ગઈ. જ્હોનને શું કરવું એ કંઈ સૂજ્યું નહી. પેલો જંગલી જેવો જ્હોન ઉપર પ્રહાર કરવાં ગયો ત્યાં તો ધાંય.. દઈને જોરદાર ધડાકો થયો રોબર્ટ અને જ્હોનની વચ્ચે થઈને સનનન્ અવાજ સાથે ગોળી પસાર થઈ અને જંગલીની ખોપરીના ફુરચે ફુરચા ઉડી ગયા.
જ્હોન અને રોબર્ટે પાછળ જોયું. થોડેક દૂર ગર્ગ હાથમાં રાઇફલ લઈને ઉભો હતો. મેરી માનભરી નજરે ગર્ગ સામે તાકી રહી. જ્હોન ઝડપથી દોડીને ગર્ગને ભેંટી પડ્યો.
"ગર્ગ વ્હાલા દોસ્ત તે આજે મારી જાન બચાવી છે.હું સદાય તારો ઋણી રહીશ.' જ્હોન ગળગળા અવાજે ગર્ગને ભેંટી પડતા બોલી ઉઠ્યો.
"અરે એમ ઋણ શાનું ? આ જંગલી લોકોએ મને ઝાડ ઉપર ઊંધો બાંધ્યો હતો ત્યારે તમે બધાએ જાનના જોખમે મને બચાવ્યો છે. મેં તો બસ એક નાનકડી ફરજ નિભાવી છે. દોસ્ત તને મારો ઋણી કહીને મને શરમિંદા ના કરીશ જ્હોન.' ગર્ગ વહાલથી જ્હોનને ભેંટી પડતા બોલ્યો. પછી બન્ને મિત્રો એકબીજા સામે જોઈને હર્ષના આંસુએ રડી પડ્યા.
જ્હોન અને ગર્ગને એકબીજા પ્રત્યે ભાવવિભોર થયેલા જોઈને મેરી અને રોબર્ટની આંખોમાંથી પણ આંસુઓ આવી ગયા. મેરીએ ભીની આંખે ઇસારો કરીને રોબર્ટને પોતાની પાસે બોલાવ્યો.
"રોબર્ટ મને થોડીક ઉભી કરને.મારું શરીર જકડાઈ રહ્યું છે.' રોબર્ટ મેરી પાસે આવ્યો ત્યારે મેરી રોબર્ટ સામે જોઈને બોલી.
"જ્હોન મેરીને ઉભા થવું છે.હવે ઉભી કરું તો ચાલશે.કંઈ વાંધો નહી આવેને ? રોબર્ટે જ્હોન અને ગર્ગ જે તરફ બેઠા હતા એ તરફ જોઈને જ્હોનને પૂછ્યું.
"હાં પણ એનો ડાબો હાથ જરા પણ હલે નહી એનું ધ્યાન રાખજે. અને ઉભી ના કરતો ફક્ત બેઠી કર.પાંદડા વાટીને એના ઘા ઉપર લેપ લગાવી દઈએ પછી ઉભી થશે તો ચાલશે.' રોબર્ટ અને મેરી સામે જોઈને જ્હોન બોલ્યો.
જ્હોનની વાત સાંભળ્યા પછી રોબર્ટે મેરીને પીઠ પાછળ ટેકો આપીને બેઠી કરી. બેઠી થતાં થતાં જ મેરીના મોંઢામાંથી વેદનાભર્યા ઉંહકારા નીકળી ગયા.
જ્હોન ઉભો થયો અને પહેલા જે પાંદડા લાવી રાખ્યા હતા એ પાંદડાઓને એક કપડાના ટુકડામાં બાંધ્યા અને પછી એક ઝાડના થડ ઉપર એને કાપડના ટુકડામાં રાખીને બીજા એક લાકડા વડે એના ઉપર પ્રહાર કરીને પાંદડાઓને કપડાંમાં જ છૂંદી નાખ્યા. પછી એ લઈને મેરી પાસે આવ્યો.
"રોબર્ટ તું મેરીને સરખી રીતે પકડી રાખ અને ગર્ગ તું મેરીનો ડાબો હાથ જરા પણ હલે નહી એ રીતે પકડી રાખ..' રોબર્ટ અને ગર્ગ સામે જોઈને જ્હોન બોલ્યો.
રોબર્ટે મેરીને પકડી રાખી અને ગર્ગે મેરીનો ડાબો હાથ પકડ્યો. પછી જ્હોને ધીમે ધીમે મેરીના ડાબા હાથની નીચે જ્યાં ગોળી વાગેલી હતી એના ઉપર બાંધેલું કપડું છોડી નાખ્યું. મેરી પોતાના હાથ ઉપર પડેલો ઘાવ જોઈને અવળું જોઈ ગઈ અને રોબર્ટની છાતીમાં પોતાનું મોઢું સંતાડી દીધું
"મેરી થોડીક વેદના થશે. સહન કરી લેજે.' જ્હોને એણે તૈયાર કરેલો પાંદડાનો લેપ હાથમાં લેતા મેરીને કહ્યું.
મેરી કંઈ પણ જવાબ આપ્યા વગર ચૂપ રહી. પછી જ્હોને મેરીના ઘાવ ઉપર પાંદડાનો લેપ લગાવી દીધો.. મેરીએ વેદનાભર્યા ઉંહકારા કર્યા પણ રોબર્ટ અને ગર્ગે એને મજબૂત રીતે પકડી એટલે એ હાથ હલાવી શકી નહી. જ્હોને મેરીના ઘાવ ઉપર પાંદડાનો લેપ લગાવીને એના ઉપર કપડું બાંધી દીધું.
પછી રોબર્ટ જંગલમાં જઈને થોડાંક ફળો લઈ આવ્યો. બધા ભૂખ્યા થયા હતા એટલે જલ્દી ફળો આરોગી લીધા. પછી થોડોક સમય બધાએ આરામ કર્યો. સાંજ થવા આવી હતી એટલે હવે ક્યાંક સુરક્ષિત આશ્રયસ્થાન શોધીને રાત્રી પસાર કરવાની હતી.
"જ્હોન હવે શું કરીએ ? રોબર્ટ જ્હોન તરફ જોતાં બોલ્યો.
"હમણાં ચાલો નદી તરફ.ત્યાંથી પાણી પણ સાથે લઈ લઈશું. ત્યાં આજુબાજુ ક્યાંક સુરક્ષિત જગ્યા હશે ત્યાં રાત પસાર કરી લઈશું.પછી કાલે સવારે મસાઈઓના જંગલોમાં આગળ વધીશું.' જ્હોન બધા સામે જોઈને બોલ્યો.
ફળો ખાવાથી ગર્ગના શરીરમાં તાકાત આવી ગઈ હતી એટલે એણે રાઇફલ ઉઠાવી. જ્હોને પોતાનો થેલો ઉઠાવ્યો. રિવોલ્વરમાં ફરીથી ગોળીઓ ભરી લીધી. રોબર્ટે પોતાના બંને હાથમાં મેરીને ઊંચકી. મેરી પ્રેમભરી નજરે રોબર્ટ સામે જોઈ રહી. પછી ચારેય જણાનો કાફલો નદી તરફ આગળ વધ્યો.
(ક્રમશ)