રીંછને મારનાર હાર્ડી.
*************
મહાકાય રીંછ ભેંદી તીરથી વીંધાઈને એકબાજુ પડ્યું પડ્યું તરફડી રહ્યું. રોબર્ટ અને મેરી અવાચક નજરે એકબીજા સામે જોઈ રહ્યા. અચાનક આ તીર આવ્યું અને રીંછ વીંધાઈ ગયું. પણ આ તીર આવ્યું ક્યાંથી એ વાત વિશે બન્ને હજુ અસંમજમાં હતા.
"મેરી આ તીર.' રોબર્ટ એટલું બોલ્યો ત્યાં તો એની સામે એક પડછંદ પુરુષ આવીને ઉભો રહ્યો.
લાબું શરીર, ભૂરી લાલ આંખોં, વધેલી દાઢી અને વાળ , શરીર પૂરતા કપડાં પણ એકદમ લઘર-વઘર અને મેલાઘેલા, ગરમીમાં વધારે રખડવાને કારણે કાળી પડી ગયેલી ગોરી ત્વચા, એક હાથમાં છુટ્ટુ તીર, બીજા હાથમાં કોઈક લાકડામાંથી બનાવેલું ધનુષ્ય, પીઠ પાછળ લટકાવેલી સૂકા ચામડાની કડક થેલીમાં થોડાંક બીજા તીર તથા પગમાં ફાટેલા યુરોપિયન જોડાં.
મેરી તો આ પુરુષને જોઈને એકદમ ડઘાઈ ગઈ. એ રોબર્ટની પાછળ આવીને ઉભી રહી. રોબર્ટ આ પુરુષને ધારી ધારીને જોવા લાગ્યો. આ પુરુષને ક્યાંક જોયો હોય એવું રોબર્ટને લાગી રહ્યું હતું પણ યાદ નહોતું આવી રહ્યું કે આને ક્યાં જોયો હતો. ઓળખ પણ સ્પષ્ટ થઈ રહી નહોતી.
"રોબર્ટ.' પેલા પુરુષના મોંઢામાંથી ઘેરો અવાજ નીકળ્યો.
આ પડછંદ પુરુષના મોઢે રોબર્ટનું નામ સાંભળીને મેરી ચમકી. એ રોબર્ટ સામે જોવા લાગી.
"હાર્ડી તમે.' રોબર્ટના ગળામાંથી શબ્દો સરી પડ્યા. અવાજ પરથી રોબર્ટને વિલીયમ હાર્ડીનો ચહેરો થોડોક સમજાયો. અને એની આંખોમાંથી આંસુઓ નીકળવા લાગ્યા. પેલા પડછંદ પુરુષના મુખ ઉપર મધુર હાસ્ય ફરકવા લાગ્યું. એ પડછંદ પુરુષ બીજો કોઈ નહિ પણ ખુદ વિલિયમ હાર્ડી હતા. રોબર્ટ દોડીને વિલિયમ હાર્ડીને ભેંટી પડ્યો.
રોબર્ટ,જ્હોન અને ગર્ગ શરૂઆતમાં વિલિયમ હાર્ડીને આફ્રિકાના જંગલોમાં શોધવા માટે નીકળ્યા હતા. પછી વચ્ચે તેમને એક ઝૂંપડીમાં બંધાયેલી અવસ્થામાં મેરી મળી હતી. મેરી તો રોબર્ટની જીવનસંગીની બની ગઈ હતી. આફ્રિકાના આ ખૂંખાર જંગલોમાં ભયાનક યાતનાઓ અને મુશ્કેલીઓ વેઠતા આ ત્રણેય સાહસવીરો આગળ વધતા હતા ત્યારે એમને વિલીયમ હાર્ડીના બે સાથીદારો ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી તથા માર્ટિન મળ્યા હતા. બધા બધી જ આફતોનો સામનો કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં તો મેરી અને રોબર્ટ એમના સાથીદારોથી વિખુટા પડી ગયા. ત્યાં અહીંયા આવતા અચાનક જ રોબર્ટ અને મેરીનું હાર્ડી સાથે મિલન થઈ ગયું.
આજે આમ અચાનક કોઈ ફરિસ્તાની જેમ આવીને વિલીયમ હાર્ડીએ રીંછના પંજાએ મરી રહેલા રોબર્ટને બચાવ્યો.એટલે રોબર્ટ અને મેરીની ખુશીઓનો તો પાર જ નહોંતો.
"રોબર્ટ આ કોણ ? મેરી સામે જોઈને થોડીકવાર વિચાર્યા બાદ હાર્ડીએ રોબર્ટને પૂછ્યું.
"હાર્ડી આ મારી પ્રેમિકા મેરી છે.' રોબર્ટે આટલું બોલીને મેરી સામે જોયું. રોબર્ટ આવું બોલ્યો એટલે મેરીના ગાલ ઉપર શરમના શેરડા પડ્યા.
"ઓહ. એમ વાત છે. પણ તમે કેરો શહેરથી નીકળ્યા ત્યારે મને તાર કર્યો હતો એમાં તે લખ્યું હતું કે હું , ગર્ગ અને જ્હોન જ તમારી પાસે આવીએ છીએ આનો તો ઉલ્લેખ જ નહોંતો કર્યો તે.!' હાર્ડીએ ફરીથી પૂછ્યું.
"હા ત્યારે હું,ગર્ગ અને જ્હોન જ હતા. મેરી તો..' આટલું બોલીને રોબર્ટ અટક્યો.
"શું મેરી તો ? હાર્ડીએ પુરી વાત જાણવા માટે પ્રશ્ન કર્યો.
"મેરી અમને વચ્ચેના મેસો જંગલમાંથી મળી છે.' રૉબર્ટ બોલ્યો. અને પછી રોબર્ટે, મેરી કેવીરીતે મળી એની આખી વાત વિલિયમ હાર્ડીને સમજાવી.
"હવે આપણે શું કરીશું ?' મેરીએ રૉબર્ટ અને વિલિયમ હાર્ડી સામે પ્રશ્નાર્થ નજરે જોતાં કહ્યું.
વિલીયમ હાર્ડી થોડીકવાર વિચારમાં ખોવાઈ ગયા.
"હવે આપણે માયરા પાસે જઈશું. અને પછી ત્યાંથી ગર્ગ,જ્હોન,એન્થોલી અને માર્ટિનને શોધવા નીકળી પડીશું.' વિલીયમ હાર્ડી થોડુંક વિચાર્યા બાદ બોલ્યા.
વિલિયમ હાર્ડીને એ વાતની ખબર નહોતી કે જ્હોન,ગર્ગ, માર્ટિન અને એન્થોલી તો એમનાથી પણ પહેલા માયરા પાસે પહોંચી ગયા હતા.
"પણ આ માયરા કોણ છે ? કંઈ ના સમજાતા રોબર્ટે હાર્ડીને પ્રશ્ન કર્યો.
"માયરા કોણ છે એ વાતની ખબર તમને ત્યાં પહોંચતા જ પડી જશે. હમણાં ચાલો આ જંગલ પાર કરીને એ નવા નગર તરફ જઈએ.' હસતા ચહેરે હાર્ડી બોલ્યા. અને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યા.
મેરી અને રોબર્ટે પણ એકબીજાનો હાથ પકડી લીધો. અને બન્ને પ્રેમીઓ હાર્ડીની પાછળ ચાલવા લાગ્યા.
**********************************
અજગરનો અંત.
***********
કોતરમાં બેઠેલો અજગર એની લીલી પીળી આંખો નાના મોટી કરતો બધા સામે ટગર ટગર તાકી રહ્યો હતો. અજગરની વર્તણુક ઉપરથી ગર્ગને ખ્યાલ આવી ગયો કે આ અજગરે માણસો આ પહેલા ક્યારેય જોયા નહિ હોય.
"હવે શું કરીશું આ અજગર તો આપણને જીવતા ગળી જશે.' એલિસ કંપતા અવાજે બોલી. અને એણે પાછળથી ગર્ગને પકડી લીધો.
"અરે આટલી ગભરાઈશ તો હમણાં જ તને આ અજગર એના પેટમાં ઉતારી દેશે.' એલિસ સામે જોઈને મોંઢા ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઇસારો કરતા ગર્ગ બોલ્યો.
પેલો અજગર હજુ પણ એની જગ્યાએથી તસુભાર જેટલો પણ હલ્યો નહોંતો. ત્યાંનો ત્યાં સ્થિર મુદ્રામાં પડ્યો હતો. થોડાંક મચ્છરો એની આસપાસ બણબણાટ કરતા હતા. બાકી બધું શાંત હતું.
"ગર્ગ હવે શું કરીએ કંઈક તો બોલ.!' ધીમા અવાજે પાછળથી એન્થોલીએ ગર્ગના કાનમાં કહ્યું.
"આ અજગરનું કંઈક તો કરવું જ પડશે. કારણ કે હમણાં નહિ તો પછી હાથીદાંત લઈને પાછા ફરતા હોઈશું એ વખતે પણ આ આપણને નડતરરૂપ બનવાનો જ છે એટલે હમણાં જ એને મારી નાખવો જોઈએ.' ગર્ગ એની જગ્યાએથી હલ્યા વગર બોલ્યો.
"પણ મારવો કેવીરીતે આને ?' પાછળથી માયરા ચિંતાથી ઘેરાયેલા અવાજે બોલી.
"અજગર કોતરમાં બેઠો છે એ કોતરનો અંદરનો ભાગ ભીની માટીનો છે. આપણી પાસે દસ બાર લાંબા ભાલા પણ છે. જો આપણે જોરદાર ઘા સાથે ભાલાનો પ્રહાર કરીએ તો ભાલાઓ અજગરનું શરીર વીંધીને ભીની જમીનમાં ઘૂસી જશે અને અજગર જમીન સાથે જડાઈ જશે.' ચૂપ ઉભેલો જ્હોન અજગરને મારવાનો ઉપાય સૂચવતા બોલ્યો.
"ભાલાથી અજગરને મારવો કઠિન તો છે. કારણ કે જો આપણે ભાલાઓનો પ્રહાર સારી રીતે ના કરી શક્યા તો ઘાયલ બન્યા પછી અજગર વધારે ખૂંખાર બની જશે.' એન્થોલી બધાને આ અંગે સચેત કરતા બોલ્યા.
એન્થોલીએ જે વાત કરી હતી. એ થોડીક વિચારવા લાયક હતી. કારણ કે ઘાયલ બનેલો અજગર વધારે ખૂંખાર બની જાય તો બધાનું આવી બને.
"જે થાય એ થવા દો.. મને ભાલાઓ આપો હું જ ભાલાઓ વડે એને વીંધી નાખુ.' ગર્ગ મક્કમ અવાજે બોલ્યો.
એન્થોલીએ પાંચ ભાલા પકડી રાખ્યા હતા એમાંથી એક ભાલો ગર્ગને આપ્યો. ગર્ગે અજગરના મોઢાનું નિશાન લઈને પુરી તાકાતથી એ ભાલો અજગર તરફ ફેંક્યો. ભાલો નિશાન પર જ વાગ્યો. અજગરના બન્ને જડબાઓ ભાલાથી વીંધાઈ ગયા. અજગરના જડબાને વીંધીને અડધો ભાલો કોતરની ભીની માટીમાં ઘૂસી ગયો. ભાલા સાથે જ અજગરના બન્ને જડબા કોતરની માટી સાથે જડાઈ ગયા. અજગર કોતરમાં જ છૂટવા માટે ધમપછાડા કરવાં લાગ્યો. એના જડબામાંથી વહેતુ લોહી જોઈને માયરા અને એલિસ તો ભયથી ધ્રુજવા લાગી.
"ગર્ગ જલ્દી ભાલાઓ માર.. જો અજગર બહાર આવી ગયો તો..' જ્હોન પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા જ ગર્ગના હાથમાંથી ભાલો છૂટ્યો અને અજગરની પૂંછડી તરફનો ભાગ વીંધાઈ ગયો. પછી તો ગર્ગે ઝડપથી અજગર ઉપર ભાલાના પ્રહાર કરવાં માંડ્યા. પાંચ ભાલાઓથી અજગરનું શરીર વિવિધ જગ્યાએથી વીંધાઈ ગયું.
અજગર હવે પુરી રીતે ખૂંખાર બની ચુક્યો હતો. કોતરમાંથી અજગરનું લોહી બહાર વહીને નીચે તરફની ખીણમાં ટપકી રહ્યું હતું. બધા અધ્ધર શ્વાસે અજગર શું કરશે એ જોઈ રહ્યા હતા. ત્યાં તો અજગર બધી તાકાત અજમાવીને વીંધાયેલા શરીર સાથે કોતરની બહાર આવ્યો. એલિસ તો ચીસ પાડી ઉઠી. ગર્ગ અજગરથી નજીક હતો એટલે ગુસ્સે ભરાયેલો અજગર પોતાના વીંધાયેલા શરીરને ઢસડતો ગર્ગ તરફ સરકવા લાગ્યો. અજગર ગર્ગ તરફ સરકી રહ્યો હતો ત્યાં તો થોડેક દૂર ઉભેલા જ્હોને માયરાના હાથમાંથી ભાલો લઈ તીવ્ર વેગ સાથે અજગર તરફ ફેંક્યો. ફરીથી અજગર ભાલા વડે વીંધાઈ ગયો. વીંધાયેલા અજગરને હવે પોતાના મહાકાય શરીરનું સમતોલન જાળવવું મુશ્કેલ બન્યું. અને એ ખીણ તરફ ગબડવા લાગ્યો. થોડેક સુધી ખીણમાં ગબડ્યા બાદ ખીણનો ઢોળાવ સીધો આવતા અજગર ખીણમાં ફેંકાઈ ગયો.
બધા અવાચક નજરે અજગરની આ અવદશા જોવા લાગ્યા. અને પછી હાથીદાંત લેવા માટે ધીમે ધીમે ખીણ તરફનો ઢોળાવ ઉતરવા લાગ્યા.
(ક્રમશ)