ભક્તિનો રંગ... અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભક્તિનો રંગ...


વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે,

અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ.


જેવી અમારી ઇનોવા ચાલુ થઈ, અમે મંત્રની શરૂઆત કરી તો અમારી સાથે ડ્રાઇવરે પણ સુર પુરાવ્યો, અમે આશ્રયચકિત થઈ ગયાં કે ગણેશ તને પણ આવડે છે. અમે એક પછી એક મંત્ર બોલતા ગયા, સ્તોત્ર બોલતા ગયા તો સાથે સાથે સુર પુરાવતો રહેતો. હદ તો ત્યારે થઈ કે અમે પુરુષ સુકતનાં વેદોક્ત મંત્રનું પઠન ચાલુ કર્યું તેમાં પણ સુર પુરાવ્યો અને કડકડાટ અમારી સાથે ગાયું.

અમે હરીદ્વારથી કેદારનાથ ભોલેનાથના દર્શન કરવા અને હિમાલયની કંદરાઓમાં આનંદ કરવાં જતાં હતાં, રસ્તામાં ઇશ્વરે એટલું પ્રકૃતિનું સૌંદર્ય વિખેર્યું છે તેનો ભરપૂર લ્હાવો લૂંટવો જ રહ્યો. બરફથી આચ્છાદિત હિમાલયની ગિરિમાળાઓ પર પડતો પ્રકાશ અને રચાતો રંગબેરંગી નજારો. હિમાલયની ગોદમાં જઈએ ત્યારે તેનો આનંદ જ અકલ્પનિય હોય છે અને સાથે આવતો નદીઓનો ખળખળ સુમધુર અવાઝ, ભક્તિમય વાતાવરણ, ચારેબાજુ હકારાત્મક ઉર્જા, કણ કણ માં ભક્તિનો નાદ.

અમારો ડ્રાઇવર ગણેશ વીસ વર્ષનો છોકરો હતો. તેનું આધ્યાત્મિક જ્ઞાન ઉચ્ચકોટીનું હતું. આપણે માનીએ કે પંડિત કે વિદ્વાન હોય તે જ જાણતા હોય બઘું, હકકિતમાં તમારી અંદરની જીજીવિષા તમને નવું નવું શીખવા જાગૃત રાખે છે અને આત્મસાત કરી પણ શકાય છે કારણકે એ તમારો શોખ છે.

હરીદ્વારથી ગાડી ઉપાડી તે બધું બતાવતો જતો હતો, તેને લગતી માહિતી આપતો રહેતો. સફરમાં બધાં ખાસ ખાસ હતાં એટલે રોમાંચ અનુભવાતો હતો. ગંગાની લહેરો પરથી આવતો પવન તન અને મનને ઠંડક આપતો અને ગણેશ એની કથાઓ કરતો રહેતો, ભજનો લલકારતો, એકલો આધ્યાત્મિક હતો એવું નહોતું અંતાક્ષરી પણ રમતો અને અમારી ફોટોગ્રાફી પણ કરતો, એક ફૂલ પેકેજ જેવો હતો. એટલે એ પણ અમારો ખાસ બની ગયો હતો.

રાત્રી રોકાણ અમે ઉખીમઠમાં કર્યું હતું. સવારે ઉઠ્યા ત્યારે ગણેશ પીતાંબર પહેરીને સૂર્યને અર્ઘય આપતો નજરે ચડ્યો. તેને સવારે પૂજાવિધિ પતાવી હતી પૂછતાં જાણવા મળ્યું કે દુર્ગમ ખીણો આવેલી છે, રસ્તા પણ સાંકળા સામસામે જ્યારે વાહન આવી જાય ને જે ધીરજથી એકબીજાને સ્પોર્ટ કરીને આજુબાજુમાંથી પાસ થાય ત્યારે આપણી ધડકન પણ વધી જાય, ગણેશ યાત્રીઓની રક્ષા કાજે વહેલો ઉઠીને ખાસ પ્રાર્થના કરતો સુખરૂપ યાત્રા પતે. પછી એના અસલ હીરોગીરી વાળા કપડાં પરિધાન કરી લેતો જાણે હવે હું નિશ્ચિત થઈ ગયો પ્રભુ હવે તમારી સાચવવાની જવાબદારી. કેટલો અડગ વિશ્વાસ ઇશ પર !!

ગણેશે કહ્યું કે કેદારનાથના દ્વાર છ મહિના બંધ હોય ત્યારે મહાદેવની પાલખી ઉખીમઠમાં દર્શન માટે રહેતી, ત્યાં અનિરુદ્ધ અને ઓખાનાં લગ્નની ચોરી પણ જોઈ ચિત્રલેખાની તસ્વીર પણ હતી. મહાદેવની પાદુકાના પણ ભાવવિભોર થઈ દર્શન કર્યા.

બીજે દિવસે ત્રિયુગી નારાયણ મંદિર ગયા જ્યાં શિવ - પાર્વતીના વિવાહ થયા હતા. તે સપ્તપદીની યજ્ઞની ધૂણી અંખડ ચાલુ જ છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે તેમની નાભિમાથી જળ નીકળે છે જે ત્યાં ચાર કુંડ છે તેમાં જાય છે.

ચોપત્તા એટલે ભારતનું સ્વીઝરલેન્ડ કહેવાય, ત્યાંના જંગલમાં હિમવૃક્ષ થાય છે. હિમ પડતા પહેલાં હિમવૃક્ષમાં કળીઓ બેસી જાય પછી હિમ પડે એમાં છ મહિના દટાઈ જાય. જ્યારે હિમ ઓગળે ત્યારે એકાએક કળીઓ ખુલીને ફૂલ બની જાય ત્યારે જે દ્રશ્ય સર્જાય આંખને મનોહર લાગે અમે પ્રત્યક્ષ નિહાર્યું.એ પણ ગણેશને લીધે.

ટૂંગનાથ મહાદેવ જે ચોપતાથી ચંદ્રશીલા ટ્રેક પર 13000 ફૂટની ઉંચાઈએ છે. ત્યાં જતાં અમે મોટા મોટા ગીધ જોયાં જેનાં ટોળેટોળા હતાં.

ટૂંગનાથમાં મહાદેવનાં હાથની પૂજા થાય છે. તે પાંચ કેદાર માનું એક છે. પાંડવોની પરીક્ષા હેતુ મહાદેવે મહિષીનું રુપ ધારણ કર્યું પણ કેદારનાથમાં ભીમ ઓળખી ગયો. મહાદેવ ધરતીમાં ઉતરવા ગયા ત્યાં પાંડવોએ પૂછડું પકડી લીધું. પ્રાર્થના કરી વિનંતી કરી ત્યાં સુધીમાં ખાલી ખૂંધ જ દેખાતી હતી તે સ્વરૂપમાં ત્યાં રહી ગયા. કેદારનાથ બાર જ્યોતિર્લિંગમાં ગણાય છે.

રસ્તામાં એને નારી પર્વત બતાવ્યો જાણે નારી કામકાજથી પરવારી આરામ કરતી હોય તેમ સીધી સૂતી હતી બે પગ ગોઠણથી વાળીને માથાની નીચે હાથ રાખીને, અદભુત દ્રશ્ય, પ્રકૃતિનાં શોખીનો અમે અમને આવો પ્રકૃતિનો નજારો જોવો બહુ ગમે એટલે ગણેશ અમને બધું બતાવતો અને દરેકની પાછળ વાર્તા હોય તે કહેતો.

હાથી પર્વત બતાવ્યો તેમાં પણ હાથી ઉભો છે એવું દ્રશ્ય જ રચાય. મનભાવનથી ભરપૂર નજારો.

ગણેશની આટલી બધી જાણકારી જાણી અમે અભિભૂત થઈ ગયાં. તેને કહ્યું કે હું પાંચ વર્ષનો હતો ત્યારે "માં' આશ્રમમાં કામ કરતી. ત્યાં વહેલી સવારે શ્લોકોનું પઠન થતું તો હું સાંભળતો. મને તેમાં રસ પડવા માંડ્યો અને હું ઊંડો ઉતરતો ગયો ત્યાંના શાસ્ત્રીજી એવું માનતા કે કોઈ પણ હોય સૌ ઇશ્વરનાં સંતાનો છે, સૌ સમાન છે, એ મને ત્યાં બેસાડતા, વેદોક્ત મંત્રોનો ઉચ્ચારણ મને બહુ ગમતું એટલે હું શીખ્યો. આશ્રમમાં નિયમિત કથાઓ થતી એ હું નિત્ય સાંભળતો એટલે દરેક પ્રસંગ, દરેક જગ્યાની વાત એને આવડતી. પણ જે સાંભળવા માંગે એને જ કહેતો. પછી મોટો થયો અને માં ને મદદ કરવાનાં હેતુથી ડ્રાઇવરનું કામ કરતો ને યાત્રીઓને યાત્રા કરાવતો. અમારાં જેવાં મળી જાય તો એની છુપી વસંત ખીલતી વસંત ભર્યું આહલાદક વાતાવરણ ભક્તિ રંગથી રંગાતુ. અમે ઈશ્વરનો પાડ માનતા કે ગણેશની છુપી વસંત અમારા શ્લોકો થકી જાણવા મળી. અમને ત્યાંની ઘણીજ આધ્યાત્મિક વાતો જાણવા મળી. અમારી યાત્રા ગણેશ થકી સ્પિરિચ્યુઅલ બની એનો અમને ઘણો આનંદ હતો.

રાહમાં રાહી મળે જો વિચારશીલ,
સમજો રાહ બની ગઈ સરળ મંજિલ.

''"અમી'''