જીવનનું અનુસંધાન જ ઇશ્વર છે, સૌથી પહેલાં આત્માનું અનુસંધાન થાય ઇશ્વર સાથે, ઇશ્વર આપણને શરીર ધારણ કરાવે પંચમહાભૂતો ના તત્વોથી, પછી આપે કારાવાસ "માં' ની કોખમાં, જીવનનું બહુમૂલ્ય જ્ઞાન હોય છે ગર્ભમાં, પણ જેવું અવતરણ થાય, લાગે માયા સંસારની, અનુસંધાન થાય સંસાર સાથે, આત્મા, શરીર, શ્વાસ બધું ઉછીનું છે, આપણું કશું નથી, જોડે કંઈ આવવાનું નથી, પણ મારું મારુ ની માયા લાગે, જીવ બંધાય માયામાં, જીવની શિવ સુધી યાત્રા સ્થગિત થાય, જ્યારે અંતઃ સ્ફુરણા થાય ત્યારે અંતિમ પડાવની નજીક હોઈએ અને માયાના બંધનોમાં થી નીકળવું મુશ્કેલ લાગે.
જીવન મળ્યું અનુસંધાન થયું શ્વાસ સાથે, શ્વાસથી પળે પળે જીવાય, પળે પળે મરાય, શ્વાસ છે કિંમતી પણ સંઘરીને રખાતો નથી, એક છોડીએ તો જ બીજો મળે, શ્વાસની આવન જાવન થી તો જીવન છે. જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી જિંદગી છે. હર શ્વાસ ની વચ્ચે ની થોડી ક્ષણ શ્વાસ વગરની હોય છે પણ આપણે તે મહેસુસ કરી શકતા નથી. એ શ્વાસ વચ્ચેનું અનુસંધાન રચાયેલું હોય છે. અનુસંધાન મજબૂત હોય જેથી અહેસાસ થતો નથી. શ્વાસ તમારા શરીરના રોમરોમમાં વ્યાપેલો છે તો હર શ્વાસે ઇશ્વર સ્મરણથી જિંદગી તમારી ગુલઝાર બનશે.
જિંદગીનું બીજું અનુસંધાન છે સબંધો....
દેહ મળ્યો છે તો સબંધો પણ મળવાનાં, માતા- પિતા સાથેનું પહેલું અનુસંધાન જન્મ સમયનું, પછી સંબંધોનો દોર ચાલુ થાય ભાઈ બહેનો થી પોતાના સંતાનો અને એના સંતાનો આમ ત્રણ થી ચાર પેઢીઓ સુધી ચાલે સબંધો તે અનંતની યાત્રા સુધી અનુસંધાન ચાલે....
જિંદગીનાં પહેલાં તબક્કાનું અનુસંધાન બાળપણ છે.બાળપણનું ભાખોડીયા ભેર ચાલવું, બેસતાં શીખવું, ચાલતા શીખવું, કાલુઘેલું બોલતા શીખવું, મસ્તીખોર થવું, માં બાપ નાની નાની યાદોને સંજોઈને રાખે જયારે આપણે મોટા થઈએ ત્યારે જૂની વાતોનું અનુસંધાન કરીને unconcious mind માં જાગૃત કરે.ફરી આપણે બાળપણની સફર માંડીએ. એટલે જ પ્રસંગો નો ઉદભવ થયો છે, આનંદ કરવા અને આનંદ કરાવા.પરસ્પર લોકોને જોડી રાખવા. આનંદની ક્ષણોને ફરી ફરી યાદ કરીને માણી શકાય માટે... વારે તહેવારે બધાં ભેગા થઈને આનંદ લૂંટે.આત્મીયતાનું અનુસંધાન જળવાઈ રહે બાળકો જોઈને શીખી શકે એ પણ સબંધોની માયાજાળ ને બરાબર સમજી, કોની સાથે કેટલું અનુસંધાન રાખવું એ બાળપણથી જ માહિતગાર થાય છે, નાનપણમાં બાળક પણ જોતો જ આવ્યો હોય છે કે કોને કોની સાથે વધારે ફાવે છે, કોણ દિલની કરીબ છે, એને પોતાને કોણ પ્રેમ કરે છે, પ્રેમથી રાખે છે કે ડર બતાવે છે, દીલમાં સબંધો ઘર કરી ગયા હોય છે , તે મોટો થતાં સંબંધોનું અનુસંધાન પોતાની રીતે જ બધાં સાથે રાખે છે.
જિંદગીનો બીજો તબક્કો છે યુવાનીનો. યુવાનીમાં અનુસંધાન થાય પ્રેમ ભર્યું પાત્ર પ્રાપ્ત કરવાની ઝંખનામાં, સર્વત્ર પ્રેમ જ દેખાય, દિલ દિમાગ નું અનુસંધાન ત્યારે પ્રેમ સાથે જ હોય,દિલને પ્રેમ જોઈતો હોય અને મન બુદ્ધિથી વિચારતું હોય, મન પણ ક્યારેક પ્રેમ પાસે આસક્ત થઈ જાય ત્યારે વિચારવાનું બંધ થઈ જાય, દિલની પાછળ દોરાઈ જાય છે. બીજું અનુસંધાન હોય પોતાની કેરિયર પર, જિંદગીમાં કંઇક કરી બતાવવાની મહેચ્છા હોય. જિંદગીની ગાડીને રફતારમાં રાખવાની હોય યુવાનીમાં વિચારોની, કામ કરવાની ઝડપ પણ ખુબજ હોય છે. સતત વધતી હરીફાઇમાં ટકી રહેવું પડે છે એટલે દરેક બાબતો પર ધ્યાન રાખવું પડે છે.યુવાનીમાં બુદ્ધિ પણ તિક્ષ્ણ રીતે કામ કરતી હોય છે, મન પણ ચારે બાજુ નજર રાખતું હોય છે, વાત પણ શાનમાં સમજી જવાય છે, યુવાનીમાં શરીરના અવયવો સંપૂર્ણ રીતે બાહ્ય જગત પર અનુસંધાનથી જોડાયેલાં હોય છે જેથી દરેક વાતોથી યુવાનો અપડેટ રહેતાં હોય છે.
જિંદગીનો આખરી તબક્કો છે બુઢાપો.
બુઢાપો એટલે ઇશ્વર સમીપ જવાનો સમય, પણ જિંદગીમાં અપેક્ષાઓનાં પોટલાં, જવાબદારીઓનાં પોટલાંમાં માણસ એવો લપટાયો હોય છે કે બધું એનાથી છૂટતું નથી, માયાનાં આવરણોનાં ધાગા ચારેબાજુથી સકંજામાં લીધેલાં હોય છે, જેનાથી માણસ બરાબર રીતે પકડમાં હોય છે, દરેક ચીજ સાથે આટલા વર્ષોનું અનુસંધાન હોય છે તે કેમ કરીને છૂટશે ?? એટલે જ કહ્યું છે કે પાંદડું ખરે પછી સડે, માણસ સડે પછી ખરે.. ખબર હોય પાનખર શરૂ થઈ ગઈ છે હવે હું ખરતું પાન છું, માયાનાં આવરણનાં મોહમાં ભાન ભૂલે, ખરવાનું થાય એ પહેલાં સડો લાગવા માંડે, સડે પછી ખરે, પ્રભુ પાસે જવાનો સમય નજદીક આવતો જાય એમ માયાનાં અનુસંધાનો છોડવા જોઈએ, ઇશ્વરમાં લીન થઈને જિંદગીનાં અનુસંધાનો ત્યાગી મોક્ષની ગતિ પ્રાપ્ત કરવી જોઈએ.
""અમી""
(અનુસંધાન નો અર્થ છે જોડવું )