અનંત સફરનાં સાથી - 10 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 10

૧૦. વિશ્વાસ



વહેલી સવારે મિશ્રા નિવાસમાં રાહી ઉઠીને પોતાનું બેગ પેક કરી રહી હતી. રાધિકા પણ યાદ કરીને બધો સામાન તેનાં બેગમાં જમાવી રહી હતી. તન્વી તો ઉઠી પણ ના હતી. અચાનક જ રાધિકાના હાથમાંથી તેનું મેક-અપ બોક્સ પડી ગયું. ત્યારે તન્વી આંખો ચોળતી ઉભી થઈ.
"આ શું?? તમે બંને ક્યાંય જવાની તૈયારી કરો છો??" તન્વીએ રાહી અને રાધિકાના બેગ તરફ નજર કરીને પૂછ્યું.
"હાં, લગ્ન માટે જ આવ્યાં હતાં. તો હવે જવું જ જોઈએ." રાહીએ બેગની ચેન બંધ કરતાં કહ્યું.
"પણ તે તો અહીં બનારસમાં એક ફેશન ડિઝાઈનિંગ કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ કર્યું છે ને.!! તો એ કર્યા વગર કંઈ રીતે જઈ શકે. કાલે જ અંકીતાએ આ બાબતે મને જાણ કરી હતી." અચાનક જ દામિનીબેને આવીને કહ્યું.
"તેને તો બહું વાર છે. ત્યાં સુધી અમે અહીં નાં રહી શકીએ. કોમ્પિટિશન સુધી કોઈ હોટેલમાં રહીશું. પછી અમદાવાદ જવાં નીકળી જાશું. પણ કોમ્પિટિશન હોય ત્યારે તમારે જરૂર આવવાનું છે. જતાં પહેલાં હું તમને મળવાં પણ આવીશ." રાહીએ પ્રેમથી દામિનીબેનના હાથ પોતાનાં હાથમાં લઈને કહ્યું.
"તમે બંને જાવ છો. તો મને પણ એકલાં નહીં ફાવે. અંકિતા પણ નથી. તો હું પણ આજે જ ભાઈ સાથે મુંબઈ જવાં નીકળી જઈશ." તન્વી પણ બેડ પરથી ઉતરીને પોતાનું બેગ પેક કરવા લાગી.
દામિનીબેન અચાનક જ તન્વી તરફ આગળ વધ્યાં અને તેનો હાથ પકડી તેને બેગ પેક કરતાં રોકી લીધી. રાહી અને રાધિકાના બેગ પણ તેમની પાસેથી લઈ લીધાં. અને કહેવા લાગ્યાં, "તમે બંને ખુદને બહું સમજદાર સમજો છો એમ ને.!! તમે બંને અંકિતાની મિત્ર છો. તો એ હોય તો જ તમે અહીં રહી શકો. એ નાં હોય તો તમે જતી રહેશો. એવું જ હોય તો કાન ખોલીને મારી વાત સાંભળી લો. કોઈ ક્યાંય નથી જઈ રહ્યું. તન્વી અને શિવાંશ તો મારાં સંતાનો સમાન જ છે. તો તમે બંને પણ મારી અંકુ જેવી છો. તમે પણ મારી દીકરીઓ છો. તો ખબરદાર જો બંનેમાંથી કોઈએ મને પૂછ્યા વગર ક્યાંય જવાની વાત કરી છે તો."
દામિનીબેનનો પ્રેમ જોઈને રાહી અને રાધિકા એમને વળગી પડી. તન્વી પણ દોડીને ગ્રુપ હગમા સામેલ થઈ ગઈ. ત્યાં જ દામિનીબેનની નજર દરવાજે ઉભેલાં શિવાંશ પર પડી. તેણે દામિનીબેનની બધી વાતો સાંભળી લીધી હતી. તે રૂમની અંદર આવ્યો.
"તન્વીની ઈચ્છા હોય તો એ રોકાઈ શકે છે. પણ મારે જવું પડશે. કેટલાં દિવસથી ઓફિસ મારાં વગર જ ચાલે છે." શિવાંશે અંદર આવીને કહ્યું.
"તો હજું થોડાં દિવસ ચાલી જાશે. આમ પણ ત્યાં બીજાં લોકો છે. પપ્પા પણ છે. પ્લીઝ ભાઈ, આપણે રાહીનું કોમ્પિટિશન થઈ જાય. પછી બીજાં દિવસે જ જતાં રહેશું. આમ પણ મેં બનારસ હજું જોયું જ ક્યાં છે. આટલાં દિવસો તો લગ્નમાં અને તેની તૈયારીમાં જ નીકળી ગયાં. પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ ભાઈ." તન્વી શિવાંશને મનાવવા લાગી. પણ શિવાંશ ચૂપ રહ્યો. તે આટલો સમય ક્યારેય ઓફિસથી દૂર રહ્યો ન હતો.‌ રહેતો તો પણ ઓફિસના કામનાં લીધે જ રહેતો. એટલે શું કહેવું એ તેની સમજમાં ન હતું આવી રહ્યું.
"આટલું નાં વિચાર. ક્યારેક થોડો સમય ખુદને પણ આપી શકાય. એમાં કંઈ ખોટું નથી. આમ પણ થોડાં દિવસની જ વાત છે. અને મહા શિવરાત્રી પણ આવી રહી છે. તો બનારસના કાશી વિશ્વનાથ સુધી આવીને અહીંની મહા શિવરાત્રી જોયાં વગર નાં જવાય." દામિનીબેને શિવાંશના ખંભે હાથ મૂકીને કહ્યું. શિવાંશ હળવી મુસ્કાન સાથે માત્ર હકારમા ડોક હલાવીને જતો રહ્યો.
શિવાંશે હાં પાડી દીધી.‌ તેની ખુશીમાં તન્વી બેડ પર ચડીને કુદકા મારવાં લાગી. રાધિકા પણ ખુશ હતી.‌ રાહી મહા શિવરાત્રીનું નામ પડતાં જ કંઈક વિચારવા લાગી. ત્યાં જ દામિનીબેને તેની પાસે જઈને કહ્યું, "હવે બધો સામાન મૂકીને બહાર આવો. ચા નાસ્તો કરીને થોડું કામ છે. એ પતાવી દઈએ. પછી બધાં નિરાંતે બનારસ ફરવા જાજો. શુભમ તમને બધી જગ્યાઓ બતાવી દેશે." દામિનીબેનનો અવાજ સાંભળી રાહી તેનાં વિચારોની દુનિયામાંથી બહાર આવી. તે દામિનીબેન સાથે બહાર ગઈ. બંને મળીને કામ કરવામાં લાગી ગયાં.

શુભમ બધાંને બનારસ બતાવશે. એ સાંભળીને તન્વી બ્લશ કરી રહી હતી. તેનાં મનમાં કેટલાંય વિચારો આમતેમ દોડી રહ્યાં હતાં. એ વિચારોમાં જ પોતાની એક અલગ દુનિયાની કલ્પના કરતી તન્વી બેગમાથી કપડાં કાઢીને બાથરૂમમાં ઘુસી ગઈ.
"હવે મારો પ્લાન અમલમાં મૂકવાનો સમય આવી ગયો." રાધિકા મનોમન બોલીને ખુશ થતી બહાર ગઈ.
રાહી ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તાના બાઉલ મૂકી રહી હતી. રાધિકા તેની મદદ કરવાં લાગી. ત્યાં જ દરવાજે શુભમ અને શ્યામે દસ્તક દીધી. ત્યારે જ તન્વી તૈયાર થઈને બહાર હોલમાં આવી. શુભમને આવેલો જોઈને તેનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ. શુભમ પણ તન્વી સામે જોઈને બ્લશ કરવાં લાગ્યો.
"આવો બેટા, તમે બંને પણ નાસ્તો કરી લો." દામિનીબેને બંનેને બેસવાનો ઈશારો કરતાં કહ્યું.
"નાં માસી, અમે નાસ્તો કરીને આવ્યાં. હું આજે અમદાવાદ જવાં નીકળું છું. તો તમને લોકોને બાય કહેવા આવ્યો હતો." શ્યામે કહ્યું.
"અરે પણ કેમ?? આટલી જલ્દી જવું છે?? તું અહીં અમારી સાથે તો રહ્યો જ નથી. બસ લગ્નમાં આવ્યો. રાત્રે મિત્રની ઘરે જતો રહેતો. થોડાં દિવસ તો અમારી સાથે રહેવાય ને બેટા." દામિનીબેને ભાવુક થઈને કહ્યું. તેઓ ઘણાં સમયથી તેમની બહેનને મળી શક્યાં ન હતાં. શ્યામ આવ્યો એ પણ જઈ રહ્યો હતો. તો દામિનીબેન ખુદને રોકી નાં શક્યાં.
"જાય છે તો જવા દો ને આન્ટી. આમ પણ તેને રોકીને ખુદને જ ટોર્ચર કરવાં જેવું છે." રાધિકા શ્યામને જોઈને મનોમન બોલી ઉઠી.
અંકિતાના રિસેપ્શનના દિવસે કપલ ડાન્સ કરતી વખતે શ્યામે ભૂલથી રાધિકાના પગ પર પગ મૂકી દીધો હતો. પછી શ્યામે જાણી જોઈને એવું કર્યું છે. એમ વિચારીને રાધિકાએ પોતાની અણીદાર હિલ શ્યામનાં પગ પર મારી દીધી. એ વાતે જ બંનેની બોલાચાલી થઈ ગઈ. એટલે રાધિકા અત્યારે આ બધું બોલી રહી હતી.
"હાં શ્યામ, રોકાઈ જા. અમે પણ રોકાઈએ છીએ. સાથે મળીને બનારસ ફરશું. પછી સાથે જ ઘરે જવા રવાના થઈ જાશું." ત્યાં અચાનક જ શિવાંશે તેનાં રૂમમાંથી આવીને કહ્યું.
"હું પણ એ જ કહું છું. થોડાં દિવસ રોકાઈ જા." શુભમે બધાંની વાતમાં સૂર પુરાવતા કહ્યું.
"બેટા રોકાઈ જા. યે મિશ્રાઈન તુજે ઐસે નહીં છોડેગી." ક્યારનાં શાંત બેઠાં ચાની ચૂસકી લેતાં ન્યૂઝ પેપર વાંચી રહેલાં રાજુભાઈએ આખરે કહ્યું.
"ઠીક છે. તો થોડાં દિવસ રોકાઈ જાવ." આખરે શ્યામે હથિયાર નીચે મૂકતાં કહ્યું.
"પણ હવે તારે અહીં જ રહેવાનું છે. કોઈ મિત્રની ઘરે નથી જવાનું." દામિનીબેને હુકમ આપતાં કહ્યું.
શ્યામે રોકાઈ જવા માટે જેવી હાં પાડી. રાધિકાનુ મોં લટકી ગયું. તે ઉભી થઈને બહાર ગાર્ડનમાં જતી રહી. બધાં ચા નાસ્તો કરવા લાગ્યા. રાહીએ શિવાંશને ચા આપી. તો શિવાંશ ચાનો કપ નીરખીને જોવાં લાગ્યો.
"ભાઈ, ચા આન્ટીએ બનાવી છે." તન્વીએ કહ્યું. તો શિવાંશ નજર ઝુકાવીને ચા પીવા લાગ્યો.
"આમને તો કાલ જેવી ચાની જ જરૂર છે. આમની જીભમાં મીઠાસની જો જરૂર છે." રાહી મનોમન બબડી રહી.

રાધિકા બહાર એકલી જ ગાર્ડનની બેન્ચ પર બેઠી હતી. શુભમને કંઈક કામ આવતાં તે જતો રહ્યો. શ્યામ તેને દરવાજા સુધી મૂકવાં આવ્યો. તેણે શુભમને કહીને જ પોતાનાં મિત્રની ઘરેથી પોતાનો સામાન મંગાવી લીધો. પરત ફરતી વખતે તેની નજર ગાર્ડનમાં બેઠેલી રાધિકા પર પડી. એ ઘરની અંદર જવાની બદલે એ તરફ ચાલવા લાગ્યો.
"લાગે છે મારું અહીં રોકાવું કોઈકને પસંદ નથી આવ્યું." શ્યામે રાધિકાની સામે ઉભાં રહીને કહ્યું. રાધિકાએ ઉંચુ માથું કરીને શ્યામ તરફ જોયું. તો શ્યામ બીજી જગ્યાએ નજર ફેરવી ગયો.
"તને નાં પસંદ હોય તો હું જતો રહેવા તૈયાર છું." રાધિકા ફરી ડોક નીચે કરીને બેસી ગઈ. તો ફરી શ્યામે કહ્યું. જેવું રાધિકાએ શ્યામ તરફ જોયું. તો એ ફરી બીજી તરફ જોવાં લાગ્યો.
"આખરે તારો પ્રોબ્લેમ શું છે હે. મારી મરજી ચાલે તો હું તને અમદાવાદમાંથી જ ભગાવી દઉં. પણ નસીબ મારું કે મારી પાસે એવી કોઈ સત્તા નથી." રાધિકાએ અચાનક જ શ્યામ સામે તેની લગોલગ ઉભી રહીને કહ્યું.
"સારું છે તારી પાસે એવી કોઈ સત્તા નથી. બાકી તું તો અમદાવાદમાં કોઈને ટકવા જ નાં દે." શ્યામે વાતને આગળ વધારતાં કહ્યું.
"બીજાંની તો ખબર નહીં. પણ હાં, તને જરૂરથી અમદાવાદની બહાર કરી દેત. યુ નો વ્હોટ, તને હું એક મિનિટ પણ સહન નથી કરી શકતી. તને જોતાં જ મારું ખૂન ઉકળી જાય છે. તું ખુદમાં જ એક ટોર્ચર છે. તારું આમ બાઘાની જેમ મને જોવું. એ તો બાપ રે...વાત જ નાં પૂછો. પણ તું મારામાં એવું જોવે છે શું??" રાધિકાની શ્યામને સંભાળાવાની લાંબી લચક વાત આખરે એક સવાલ પર આવીને અટકી ગઈ. જેનો શ્યામ પાસે કોઈ જવાબ જ ન હતો.
"રાધુ, અંદર આવ તો." અચાનક જ અંદરથી રાહીએ રાધિકાને બૂમ પાડી. રાધિકા શ્યામ તરફ જોઈને પોતાનાં બંને હોઠ જમણી તરફ લઈ જઈને મોઢું બગાડીને જતી રહી.
"હાશ..બચી ગયો." શ્યામે પોતાનાં જોરથી ધડકી રહેલાં દિલ પર હાથ મૂકીને એક ઉંડો શ્વાસ લેતાં કહ્યું.
રાધિકા અંદર આવીને તન્વી અને રાહી સાથે રૂમમાં જતી રહી. એ ત્રણેય મળીને કોમ્પિટિશનની તૈયારી કરી રહી હતી. શ્યામ પણ અંદર આવીને રાજુભાઈ પાસે બેઠો. આજે રવિવાર હોવાથી રાજુભાઈ કામ પર નાં જઈને ઘરે જ હતાં. તો શ્યામને પણ કંપની મળી ગઈ. રહી વાત શિવાંશની તો એ પોતાનાં લેપટોપમાથી જ ઉંચો નાં આવતો.

"દીદુ, તમે આટલી લાપરવાહી કેવી રીતે કરી શકો??" અચાનક જ આખાં ઘરમાં રાધિકાનો અવાજ ગુંજી ઉઠ્યો. તેનાં અચાનક જ રાડો પાડીને બોલવાથી બધાં એ રૂમમાં એકઠાં થઈ ગયાં. જ્યાં રાહી, રાધિકા અને તન્વી હતી.
"અરે શું થયું?? તું આમ રાડો કેમ પાડે છે??" રાજુભાઈએ આવીને પૂછ્યું.
"દીદુ ને જ પૂછી લો. અહીં સુધી આવ્યાં પણ કોઈ તૈયારી તો કરી જ નથી. હવે કોમ્પિટિશનનુ શું થાશે??" રાધિકા લમણે હાથ મૂકીને બેડ પર બેસી ગઈ.
રાજુભાઈ, દામિનીબેન, શિવાંશ અને શ્યામ સહિત બધાંની નજર રાહી ઉપર જામેલી હતી. પણ તે ચૂપચાપ ઉભી કંઈક વિચારી રહી હતી. આખરે તન્વી બધાંની સામે આવી અને કહ્યું, "રાહીનુ પંદર માર્ચે ફેશન ડિઝાઈનિંગનુ કોમ્પિટિશન છે. પણ તેણે તેનાં ડિઝાઇન કરેલાં કપડાં પહેરીને રેમ્પ વોક કરી શકે એ માટે કોઈ મોડેલ તો શોધી જ નથી." તન્વીએ રાહી સાથે બનેલો પ્રોબ્લેમ જણાવ્યો.
દામિનીબેન અને રાજુભાઈ એકબીજા સામે જોતાં ઊભાં રહ્યાં. તેમને આ બધી બાબતમાં ઓછી ખબર પડતી. તો તેમણે આડાં અવળી સલાહો આપીને રાહીની પરેશાની વધારવા કરતાં ચૂપ જ રહેવું ઉચિત સમજ્યું.
"હજું તો પંદર માર્ચે કોમ્પિટિશન છે. મતલબ આપણી પાસે એક આખું અઠવાડિયું બાકી છે. એટલાં સમયમાં તો જરૂર કંઈક જુગાડ થઈ જાશે." શ્યામે માહોલ હળવો કરવાં કહ્યું.
"ઓ હેલ્લો, તારી સલાહ તારી પાસે જ રાખ. અહીં કોઈ ખાવાની વસ્તુનો જુગાડ નથી કરવાનો. મોડેલ શોધવાની છે મોડેલ...જે હજારોની ભીડ સામે રેમ્પ વોક કરી શકે. અને એ કામ પોતાનામાં જ એટલું અઘરું છે કે તારાં જેવાની બુદ્ધિ એમાં કામ નહીં કરે." રાધિકાએ થોડો ગુસ્સો કરતાં કહ્યું.
"રાધુ, પ્લીઝ સ્ટોપ ઈટ. કોઈ સાથે વાત કરવાની આ તે કેવી રીત છે. એ બિચારો મદદ કરવાં માંગે છે અને તું..." રાહી કહેતાં કહેતાં અટકી ગઈ. રાધિકા ગુસ્સાભરી નજરે શ્યામ સામે જોવાં લાગી.
"અભિનવ કે પાપા કા બનારસી સાડીયો કા બહુત બડા શો રૂમ હૈ. ઉન્હોંને અપની સાડીયો કે એલ્બમ કે લિયે મોડેલિંગ ફોટોશૂટ કરાયાં થા. અભિનવ ને મુજે વો ફોટોશૂટ દિખાયા થા. આઈ થિંક હી કેન હેલ્પ અસ." અભિનવે પોતાનો વિચાર જણાવતાં કહ્યું.
"અંકલ, પ્લીઝ તમે એમની જોડે વાત કરી જુઓ. આજે રવિવાર છે. તો એ ફ્રી પણ હશે. જો એ કોઈ મોડેલ શોધી આપે. તો હું તૈયારી શરૂ કરી શકું. કેમ કે કોમ્પિટિશનમા અમારાં કપડાં માટે અમારે જ મોડેલ શોધવાની છે. તેનાં વગર હું પાર્ટિસિપેટ નહીં કરી શકું. મેં બધી પ્રોસેસ પૂરી કરી દીધી છે. બસ મોડેલ પર આવીને બધું અટકી ગયું છે." રાહીએ રાજુભાઈ આગળ વિનંતી કરતાં કહ્યું.
"અરે બેટા આટલી પરેશાન નાં થા. હું હમણાં જ તેમની સાથે વાત કરું છું. તેનાંથી થઈ શકે એમ હશે. તો એ તારી મદદ જરૂર કરશે." રાજુભાઈએ રાહીને હિંમત આપતાં કહ્યું.
રાજુભાઈ, શિવાંશ અને શ્યામ બહાર જતાં રહ્યાં. રાહી હજું પણ પરેશાન હતી. મોડેલ નાં મળે. ત્યાં સુધી તેની પરેશાની ઓછી પણ થવાની ન હતી. દામિનીબેન તેની પાસે બેસીને તેની હિંમત વધારી રહ્યાં હતાં.
"દીદુ, કદાચ અભિનવ જીજુ મોડેલ શોધી પણ આપે. તો પણ એક મોડેલિંગ ફોટોશૂટ અને રેમ્પ વોકમા ઘણો ફરક હોય છે. એ પણ કોમ્પિટિશન માટેનું રેમ્પ વોક.!! એક ગરબડ તમને કોમ્પિટિશનમાથી બહાર કરી શકે છે." અચાનક જ રાધિકાએ રાહી સામે ઘૂંટણિયા ભેર બેસીને કહ્યું.
"આઈ નો બટ આઈ હેવ અ નો અધર ઓપ્શન. અત્યારે મોડેલ જરૂરી છે. તેમને જરૂર પડશે એ હું શીખવાડી આપીશ‌. પણ મોડેલ વગર હું એ કોમ્પિટિશન જીતી તો શું એમાં પાર્ટિસિપેટ પણ નહીં કરી શકું." રાહીએ આંખોમાં એક નમી સાથે કહ્યું. તેને પોતાનું સપનું આજે તૂટતું નજર આવી રહ્યું હતું. ખબર નહીં કેમ? એ આજે અંદરથી તૂટી રહી હતી. પોતાની સગી આંખે તે પોતાનું જ ભવિષ્ય ડૂબતું જોઈ રહી હતી. કોઈએ બપોરનું ભોજન પણ કર્યું ન હતું. બધાં મોડેલ શોધવાનાં કામમાં લાગ્યાં હતાં. અભિનવ સાથે વાત તો થઈ ગઈ હતી. પણ તેનાં તરફથી સાંત્વના સિવાય કોઈ જવાબ આવ્યો ન હતો.
રાહી સવારનાં દશથી સાંજના સાત સુધી પોતાનાં રૂમમાં જ બેઠી રહી. ગણતરીની મિનિટોમાં બધું વેરવિખેર થઈ રહ્યું હતું. રાહી સમેટવાની કોશિશ કરી રહી હતી. પણ આ બનારસ હતું. જ્યાં રાહી કોઈને ઓળખતી ન હતી. અમદાવાદ હોત તો વાત કંઈક અલગ હતી. ત્યાં રાહી બધાંને ઓળખતી હતી.
જ્યાં બધાં પરેશાન હતાં. ત્યાં રાજુભાઈના ઘરની બહાર મેઈન ગેટ પાસે ચહેરો રૂમાલ વડે છુપાવીને માથે ટોપી પહેરેલો વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં બધાંને પરેશાન જોઈને એક ચમક હતી.
રાહી પરેશાન થઈને પોતાનાં રૂમમાં બેઠી હતી. તેણે પણ ઘણી કોશિશ કરી. પણ બનારસમાં કોઈની ઓળખ ન હતી કે તે એક જ અઠવાડિયામાં રાહી માટે મોડેલ શોધી શકે. રાહી માટે આ કોમ્પિટિશન કેટલું જરૂરી હતું. એ તેની વાતો પરથી બધાં સમજી ગયાં હતાં. એટલે કોઈ તેને ખોટી ઉમ્મીદ પણ આપવા માગતું ન હતું. પોતાનું જ સપનું પોતાની જ ભૂલનાં કારણે તૂટી રહ્યું હતું. એ જાણીને રાહી અંદરોઅંદર ખુદને કોસી રહી હતી. ત્યાં જ શિવાંશ ચહેરાં પર હળવી મુસ્કાન સાથે એક ઉમ્મીદનુ કિરણ બનીને રાહીની સામે આવીને ઉભો રહી ગયો.
"શું થયું?? કંઈ વાત બની?? મોડેલ મળી જાશે?? તે રેમ્પ વોક કરી શકશે??" રાહીએ એક સાથે કેટલાંય સવાલો પૂછી લીધાં. જે ઘણાં સમયથી તેનાં મનમાં ચાલી રહ્યાં હતાં.
શિવાંશ કંઈ નાં બોલ્યો. રાહીથી તેની ચુપ્પી સહન નાં થઈ. પણ રાહી કંઈ કહે એ પહેલાં જ રાધિકા અને તન્વી પાંચ છોકરીઓ સાથે રૂમની અંદર પ્રવેશી. રાહીએ આંખના ઈશારે આંગળી વડે છોકરીઓ તરફ કરીને જ પૂછ્યું કે આ જ મોડેલ છે?? ત્યારે તન્વી અને રાધિકા બંનેએ આંખોની પાંપણો જપકાવીને હાં કહી.
"આ લોકોએ જ સાડી માટે મોડેલિંગ ફોટોશૂટ કર્યું હતું. હાં, રેમ્પ વોક તેમણે ક્યારેય નથી કર્યું. પણ યોગ્ય ટીપ્સ મળી રહે. તો રેમ્પ વોક પણ સારી રીતે કરી લેશે." શ્યામે કહ્યું.
"એ જવાબદારી મારી છે. થેંક્યું સો મચ ગાયઝ તમે મારી બહું મોટી હેલ્પ કરી છે." રાહીએ ચહેરાં પર ખુશી સાથે કહ્યું. થોડીવાર પહેલાં જે ચહેરો કરમાયેલા ફુલની માફક મુરઝાઈ ગયો હતો. એ હવે તાજાં ખીલેલાં ગુલાબની જેમ ખીલી ઉઠ્યો હતો.
"હવે કાલથી કામ શરૂ કરી દેજો. અત્યારે તો બહું ભૂખ લાગી છે." રાધિકાએ પેટ પર હાથ ફેરવતાં કહ્યું.
રાધિકાની એ હરકત પર બધાં હસી પડ્યાં. દામિનીબેને રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી. રાહી એ પાંચેય છોકરીઓને અમુક વાતો સમજાવવા લાગી. રસોઈ બની ગયાં પછી દામિનીબેને રાહીને બોલાવી. તો બધી છોકરીઓ પોતાની ઘરે જવા નીકળી ગઈ. અને રાહી બહાર ડીનર માટે આવી.

રાહીના માથેથી એક મુસીબત જતી રહી હતી. હવે એ થોડી ખુશ હતી. ડીનર કરીને રાહી ફરી પોતાનાં કામમાં લાગી ગઈ. તેણે એ બધી છોકરીઓને રેમ્પ વોક માટે કેવી રીતે તૈયાર કરવી? એ અંગે પોતે ખુદ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી. જેથી તે એ બધી છોકરીઓને શીખવી શકે. રાહી પોતાનાં કામમાં વ્યસ્ત હતી. ત્યારે જ રાધિકા અચાનક બહારથી દોડતી આવી.
"દીદુ, અમે બધાં ચા પીવા જઈએ છીએ. તમે પણ આમારી સાથે ચાલો." રાધિકાએ આવીને કહ્યું.
"રાધુ, તને ખબર છે. હું ચા નથી પીતી. તો હું ત્યાં આવીને શું કરીશ??" રાહીએ લેપટોપમા નજર ટેકવીને કહ્યું.
"એક બાર ચાય વાલે કો ચાય બનાતે હુયે દેખ તો લો. ચાય બનતી હુયી દેખકર હી ચાય પીને કા મન હો જાયેગા." દરવાજે ઉભાં રહીને રાહી અને રાધિકાની વાત સાંભળી રહેલાં શિવાંશે કહ્યું.
"જબ ઇતને સાલો મેં કભી ચાય પી હી નહીં હૈ. તો આજ સિર્ફ ચાય બનતી હુયી દેખકર હી ચાય પીને કા મન કૈસે હો સકતા હૈ." રાહીએ લેપટોપમાથી નજર હટાવીને શિવાંશ તરફ નજર કરીને કહ્યું.
"એક બાર મેરી બાતો પર યકીન કરકે તો દેખો. ધીરે-ધીરે મુજ પર ભી યકીન હો હી જાયેગા." શિવાંશે કહ્યું. તો એ ખુદ જ પોતાની વાત પર વિચાર કરવાં મજબૂર થઈ ગયો. કારણ કે તેણે એ બધું શાં માટે કહ્યું? એ તે ખુદ જાણતો ન હતો. માત્ર ચા પીવાથી રાહીને શિવાંશ પર વિશ્વાસ આવી જાય. એવું કાંઈ હતું જ નહીં. છતાંય શિવાંશ એવું બોલ્યો. તો તેને પોતાની વાત જ અજીબ લાગવા લાગી.
"દીદુ, ચાલો ને. અહીંની ચા બહું ફેમશ છે." રાધિકાએ આજીજી કરતાં કહ્યું.
રાહી આખરે રાધિકાની જીદ્દ અને શિવાંશની વાત આગળ મજબૂર થઈને બધાં સાથે જવાં તૈયાર થઈ ગઈ. બધાં શિવાંશની કારમાં બનારસની ગલીઓમાંથી પસાર થઈને ચા પીવા નીકળી પડ્યાં. બનારસની સાચી ખુબસુરતી તો રાહી આજ જોઈ રહી હતી. ખુલ્લી ઠંડી હવા, તંગ ગલીઓ વચ્ચેથી પસાર થઈને આખરે મહાવીર મંદિર રોડ પરથી સબ્જી મંડી ચૌરાહા પાસે આવેલી તંદૂર ચાની દુકાને કાર આવીને ઉભી રહી.
રાહી સહિત બધાં કારમાંથી નીચે ઉતર્યા. દુકાન થોડી નાની હતી. જેને વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એમ વાહનોનાં ટાયરને જોઈન્ટ કરીને તેને દિવાલ પર લટકાવી દિવાલને ડેકોરેટ કરવામાં આવી હતી. બનારસના લોકો દૂર દૂરથી અહીં ચા પીવા આવે છે. અહીંની તંદૂરી ચા આ દુકાનની વખણાતી ચા માનવામાં આવે છે. બધાં અંદર જઈને ચેર પર ગોઠવાઈ ગયાં. શિવાંશે પાંચ ચાનો ઓર્ડર આપ્યો. તો રાહી બોલી ઉઠી, "પાંચ ક્યૂં?? અભી મૈંને ચાય પીને કે લિયે હાં નહીં કહી હૈ."
"અરે મેડમ જી, યહાં કી ચાય પીને તો લોગ દૂર દૂર સે આતે હૈં. એક બાર આપ ચાય પી તો લો. આપ બ્લેક ટી, ગ્રીન ટી સબ ભૂલ જાઓગે." ચાની દુકાનમાં કામ કરતાં એક ભાઈએ કહ્યું.
"આપ ચાય બનાઈએ. યે ચાય પીયેંગી." શિવાંશે કહ્યું. તો એ ભાઈ ચા બનાવવા લાગ્યાં.
પહેલાં તો રાહીને ચા બનતી જોઈને કંઈ ખાસ નવું નાં લાગ્યું. ત્યાં અચાનક જ તેની નજર પાસે એક ભઠ્ઠીમાં ગરમ થઈ રહેલી માટીનાં કુલડીઓ પર પડી. તો રાહીએ શિવાંશને પૂછ્યું, "યે લોગ યે ક્યાં કર રહે હૈં?"
"યહી તો ચાય કી ખાસ બાત હૈ. થોડી દેર રુકો અભી સબ પતા ચલ જાયેગા." શિવાંશે રાહીની એ માટીની કુલડીઓ વિશે જાણવાની તાલાવેલી જોઈને તેને વધું રોમાંચિત કરવાનાં ઈરાદાથી કહ્યું.
ચા બની ગઈ એટલે ચા બનાવી રહેલાં ભાઈએ જે ભઠ્ઠીમાં કુલડીઓ ગરમ થઈ રહી હતી. તેમાંથી એક કુલડી ઉઠાવીને એક તપેલીમાં તેને મૂકીને તેની અંદર ચા નાંખવાનું શરૂ કર્યું. ચા એમાંથી ઉભરાઈને બહાર તપેલીમાં એકઠી થવા લાગી. પછી એમાંથી જે સુગંધ ચોતરફ ફેલાઈ. રાહી તો એ સુગંધમાં જ ખોવાઈ ગઈ. એ ભાઈએ તપેલીની બધી ચા એ કુલડીમાં ઠાલવીને કુલડીની અંદરની ચા બીજી ઠંડી કુલડીમાં ભરીને રાહી આગળ કરી. રાહી એ બધું જોયાં પછી ખૂબ જ રોમાંચિત થઈ ગઈ. તે એકીટશે એ કુલડીની ચાને જોઈ રહી.
"અબ તો ચાય પીઓગી ના??" શિવાંશે એકીટશે ચાને જોઈ રહેલી રાહીને પૂછ્યું.
રાહીએ જવાબ આપ્યાં વગર જ ચાથી ભરેલી કુલડી લઈને પોતાનાં હોંઠો સાથે લગાવી દીધી. એ કુલડી અને ચાનાં મસાલાની જે સુગંધ ચાની અંદર ભળી હતી. રાહી તેને આંખો બંધ કરીને મહેસૂસ કરવાં લાગી. શિવાંશ તો બસ રાહીનો એ માસૂમ ચહેરો જોઈ રહ્યો. રાહી પછી દુકાનવાળા ભાઈએ બધાંને ચા આપી.
"વાઉ યાર, તુમને તો ઇતને સાલો તક ગ્રીન ટી પીને વાલી મેરી દીદુ કો ચાય પીલા દી. યુ આર ધી બેસ્ટ." રાધિકાએ શિવાંશના વખાણ કરતાં કહ્યું.
"ચાય હી ઐસી બની હૈ. કોઈ ભી ખુદ કો રોક નહીં સકતા ઔર ફિર ઈસે બનાને કી સ્ટાઈલ તો બહુત હી લાજવાબ હૈ." તન્વીએ ચા પીતાં પીતાં કહ્યું.
રાહી ચા પીને કાર પાસે જઈને ઉભી રહી ગઈ. તેને અહીંની હવામાં એક જાદુ જેવું લાગતું હતું. રાતનાં સમયે બનારસનો માહોલ જ કંઈક એવો હતો. તો રાહી ખુદને રોકી નાં શકી. રાહી આજુબાજુ નજર કરતી ઉભી હતી. ત્યારે શિવાંશ ચાની કુલડી સાથે જ તેની પાસે આવી પહોંચ્યો. એ ખુદને રાહી પાસે જતાં રોકી નાં શક્યો.
"તો કૈસી લગી ચાય??" શિવાંશે પૂછ્યું.
"બહુત અચ્છી થી. વૈસે ઉસે બનાને કા તરીકા કાફી ઈન્ટરેસ્ટિંગ થા." રાહીએ આંખોમાં એક ચમક ભરતાં કહ્યું.
"તો અબ તો મુજ પર યકીન કરતી હો ના."
"યકીન કિયા નહીં જાતાં. વક્ત કે સાથ હો જાતાં હૈં. વૈસે તુમને જૈસા કહા થા. વૈસા હી હુઆ. ઈસ લિયે હાં મુજે તુમ પર યકીન હૈ."
રાહીએ જ્યારે શિવાંશની આંખોમાં જોઈને એ લાઈન કહી. 'હાં મુજે તુમ પર યકીન હૈ.' તો શિવાંશને એટલો સુખદ્ અહેસાસ થયો. જેની કોઈ સીમા ન હતી. આ બધું કેમ થઈ રહ્યું હતું. એ વાતથી શિવાંશ અજાણ હતો. પણ તે રાહીને લઈને ઘણું બધું મહેસૂસ કરી રહ્યો હતો. એ પણ એક ખરી હકીકત હતી.

"અબ ચલે ભાઈ?" તન્વીએ આવીને પૂછ્યું.
"સ્યોર." શિવાંશ એકાક્ષરી જવાબ આપીને કારનો દરવાજો ખોલીને અંદર બેસી ગયો. બધાં પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં. શિવાંશે કાર ઘર તરફ જતાં રસ્તે આગળ વધારી.
રાહી અને શિવાંશ બંનેનાં મનમાં બસ એક જ વિચાર ચાલી રહ્યો હતો. બંનેનાં રસ્તા અલગ છે. મંઝિલ અલગ છે. તો બંને વચ્ચે આ આકર્ષણ કેવું? પણ બંનેમાંથી કોઈ આ વાતનો જવાબ જાણતાં ન હતાં. આવનારાં દિવસો શું ખબર લઈને આવવાનાં છે? એ વાતથી બંને અજાણ હતાં.
શિવાંશે ઘર આવતાં કારને બ્રેક લગાવી. અચાનક બ્રેક લાગવાથી રાહીનુ માથું આગળની સીટ સાથે અથડાઈ જવાનું હતું. ત્યાં જ શિવાંશે સીટ પર હાથ રાખી દીધો. રાહીના માથાંને શિવાંશના હાથનો સ્પર્શ થયો. તો બંનેનાં દિલમાં એક મીઠી ધ્રુજારી ઉત્પન્ન થઈ. રાહીએ શિવાંશ તરફ જોતાં માથું ઉચું કર્યું. શિવાંશની નજર રાહી પર જ હતી. બંનેની નજર મળતાં જ બંનેનાં દિલ પર કેટલાંય તીરના ઘા વાગ્યા. જેનાંથી બંનેએ પોતાની નજર બીજી તરફ વાળી લીધી.
રાહી તન્વી અને રાધિકા સાથે ઘરની અંદર જતી રહી. શ્યામ બહાર જ બગીચામાં બેસી ગયો. શિવાંશ પણ ઘરની અંદર નાં જઈને કાર આગળ પીઠ ટેકવીને ઉભો રહી ગયો. શ્યામ જ્યારે કોઈ સાથે કોલ પર વાત કરીને અંદર જતો હતો. ત્યારે તેની નજર શિવાંશ પર પડી. તે શિવાંશની પાસે આવ્યો.
"એનિ પ્રોબ્લેમ?" શ્યામે શિવાંશના ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"નો, ચલો સોને જાતે હૈ." શિવા‍ંશે શ્યામની પીઠ પર હાથ થપથપાવીને કહ્યું. બંને ઘરની અંદર જવાં આગળ વધી ગયાં.
શ્યામ તો તરત જ પોતાનાં રૂમ તરફ આગળ વધી ગયો. શિવાંશને કોલ આવતાં તે હોલમાં જ ઉભો રહીને વાત કરવાં લાગ્યો. વાત કરીને તે જેવો રૂમમાં જવાં પાછળ ફર્યો. તેને સામેથી રાહી આવતી દેખાઈ. નાઈટ શૂટમાં વાળને એકઠાં કરીને તેમાં લાકડાંની સ્ટીક ખોંસીને ધીમાં પગલે કિચન તરફ આગળ વધી રહેલી રાહી ખૂબ સુંદર લાગી રહી હતી. કોઈ જાતનાં શણગાર વગર પણ તે કોઈને પણ પોતાની સાદગીથી ઘાયલ કરવાં સક્ષમ હતી.
"તુમ અભી તક સોયે નહીં?" શિવાંશ પર નજર પડતાં રાહીએ પૂછ્યું. રાતનાં અગિયાર વાગી ગયાં હતાં. છતાંય શિવાંશે કપડાં પણ ચેન્જ કર્યા ન હતાં. એ જોઈ રાહી તેની પાસે આવી.
"બસ સોને હી જા રહા થા. એક કોલ આ ગયાં. તો રુકના પડા." શિવાંશે કહ્યું. તે રાહી સામેથી નજર ચુરાવીને રૂમ તરફ આગળ વધી ગયો. રાહીને એ થોડું અજીબ લાગ્યું. પણ તે વધું નાં વિચારતાં કિચનમાથી પાણીની બોટલ લઈને પોતાનાં રૂમમાં જતી રહી.
શિવાંશ રૂમમાં આવીને પણ મોડાં સુધી જાગતો હતો. હાથમાં લેપટોપ હતું. પણ મન બીજે જ ફરતું હતું. રાહીને લઈને તેનાં દિલનાં ભાવ જેટલી ઝડપથી બદલી રહ્યાં હતાં. એ તે નાં તો રોકી શકતો હતો. નાં તો સમજી શકતો હતો. આટલાં વર્ષોમાં આવું પહેલીવાર બની રહ્યું હતું. આમ તો મુંબઈમાં કેટલીયે છોકરીઓ શિવાંશને પ્રપોઝ કરી ચુકી હતી. પણ શિવાંશે એ બાબતે ક્યારેય વિચાર્યું ન હતું.
શિવાંશ એક જ વિચાર કરતો મોડાં સુધી જાગતો રહ્યો. એક સમયે લેપટોપ ટેબલ પર મૂકીને તેણે સૂવાનો પ્રયત્ન કર્યો. આખરે રૂમની વિન્ડોમાથી આવતાં ઠંડા પવનની લહેરખીઓએ તેને ઉંઘના આગોશમાં લઈ જ લીધો.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ