બેસ્ટ ફ્રેન્ડ Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેસ્ટ ફ્રેન્ડ

શાળા-કોલેજમાં બધે વેકેશન હતું તેથી અમે કોઈ એક જણનાં ઘરે બધાં ભેગા થતા અને રાત્રે મોડા સુધી જાગતાં, પત્તા રમતાં તેમજ અલક-મલકની વાતો કરતાં.

આ વખતે પહેલી વાર અમને અમારા કઝીન બ્રધર સમીરે જે વાત કરી, તેનાથી અમે ફફડી ગયાં હતાં. ભૂત-પ્રેત વિષે ખાલી સાંભળ્યું જ હતું. આવું કંઇ હોઇ શકે છે તેવી કલ્પના માત્રથી ડર લાગતો હતો. પરંતુ સમીરના કહેવા પ્રમાણે આવું હોય છે તે વાત હકીકત લાગતી હતી તેની સાથે તે રાતની મુલાકાતમાં જે કંઈ પણ બન્યું તે તેણે અમારી સમક્ષ રજૂ કર્યું હતું.

સમીર: હું હોસ્ટેલ માં ભણતો હતો ત્યારની આ વાત છે શનિ-રવિની રજા હોય અથવા તો વેકેશન હોય ત્યારે હું ઘરે આવતો. આ વખતે પણ વેકેશનમાં હું ઘરે આવ્યો હતો. કોલેજ શરૂ થતા મેં હોસ્ટેલ જવાની તૈયારી કરી દીધી. મમ્મી સવારથી બૂમો પાડી રહી હતી કે, " તું આણંદ જવા માટે નીકળી જા, રાત પાડવાની કોઈ જરૂર નથી. પણ મને રાતની મુસાફરી જ વધારે ગમતી તેથી મેં મમ્મીનું કહેલું ધ્યાન ઉપર ન લીધું.

પપ્પા પણ બૂમો પાડી રહ્યા હતા કે, " રાત્રે અંધારામાં મુસાફરી કરવી હિતાવહ નથી. થોડો વહેલો નીકળી જા તો સમયસર પહોંચી જવાય પણ મને તો રાત્રે શાંતિથી મુસાફરી કરવાની પસંદ હતી તેથી હું ઘરેથી રાત્રે 10કલાકે નીકળ્યો. ઠંડીની ઋતુ હતી. મેં ગરમ કપડા પણ કંઈ પહેરેલા નહીં એટલે ઠંડી પણ ખૂબ લાગતી હતી. રસ્તો સૂમસામ હતો. મેં ચારેય બાજુ નજર કરી તો દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું. હું દશેક મિનિટ ટ્રેઈનની રાહ જોતો બેઠો. પછી ટ્રેઈન આવી એટલે હું તેમાં ચઢી ગયો.મારા સિવાય આટલી ઠંડીમાં રાતની મુસાફરી કરવા વાળું બીજું કોઈ હતું નહીં. પણ છતાં મારી સાથે સાથે ટ્રેઈનમાં કોઈ બીજું ચઢ્યું હોય તેવો મને ભાષ થયો. કદાચ, એ મારો બેસ્ટ ફ્રેન્ડ મિહિર હતો.
*****************
હું અને મિહિર હંમેશાં સાથે જ રહેતાં ક્યાંય પણ જવાનું હોય સાથે જતાં મારી બધી જ વાતો મિહિર જાણે અને તેની પણ બધીજ વાતો તે મને જણાવતો.

હું વેકેશન દરમિયાન અહીં આવું મારા ઘરે એટલે અમે બંને 24 કલાક સાથે જ હોઈએ. તેને બાઈકનો ભારે શોખ તેની પાસે R.S.200 સ્પોર્ટ્સ બાઈક હતું.તે ખૂબજ ફાસ્ટ બાઈક ચલાવતો, તેની બાઈક વાળવાની સ્ટાઈલ પણ બધાથી અલગ જ હતી. તે હંમેશાં બાઈક નું આગળનું ટાયર ઘસાય તે રીતે જ બાઈક વાળતો. હું તેમજ બીજા બધા પણ તેને આ રીતે બાઈક ન ચલાવવા સમજાવી રહ્યા હતા. પરંતુ તેના દિમાગમાં કે સમાજમાં આવી કોઈ વાત આવતી જ ન હતી.
અમારું કોઈનું પણ કહેલું તે માનતો ન હતો.અને તેના આવા ડ્રાઇવિંગ ને કારણે તેની સાથે આ વખતે વેકેશનમાં એક દુર્ઘટના બની ગઈ તે બાઈક લઈને રાત્રે હાઈવે ઉપરથી ઘર તરફ પાછો આવી રહ્યો હતો ત્યારે એક ટ્રક વાળાએ તેના બાઇકને અડફેટમાં લઇ લીધું તે ઉછળીને 10 ફૂટ દૂર ફેંકાઈ ગયો અને ત્યાં ત્યાં જ મૃત્યુ પામ્યો.

મારે માટે આ આઘાતને સહન કરવાનું મુશ્કેલ જ નહીં નામુમકીન હતું પણ હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ નહતો. પરંતુ હજી પણ મિહિર દર સેકન્ડે, 24 કલાક મારી સાથે જ રહેતો હોય તેવો મને અહેસાસ થયા કરતો હતો.

અત્યારે પણ આ ટ્રેનની મુસાફરી દરમિયાન જાણે તે મારી સાથે ટ્રેનમાં ચઢ્યો અને મારી બાજુમાં જ બેઠો હતો.

રાતનો સમય હતો તેથી મને થોડી ઊંઘ પણ આવતી હતી અને ઊંઘમાં ને ઊંઘમાં હું જાણે તેની સાથે વાતચીત કરી રહ્યો હતો, હું તેને પૂછી રહ્યો હતો કે, " તું કેમ આવે છે આણંદ મારી સાથે..??" તો તેણે જવાબ આપ્યો ‌કે," બસ ખાલી" મેં એને પૂછ્યું પણ ખરું કે, " તારુ બાઈક ક્યાં ગયું..?? " તો તે બોલ્યો, "બાઇકને મેં રેલ્વે સ્ટેશને જ પાર્ક કરી દીધું છે. " હું વિચારમાં પડી ગયો એક સેકન્ડ પછી મને ખ્યાલ આવ્યો કે મિહિર તો મૃત્યુ પામ્યો છે. હું સખત ગભરાઈ ગયો. એટલી ઠંડીમાં પણ મને આખા શરીરે પરસેવો છૂટી ગયો. આંખ ખોલીને સામે કે આજુબાજુ જોવાની મારી બિલકુલ હિંમત ચાલી નહીં. મારે જોરથી ચીસ પાડવી હતી પણ જાણે હું બોલી જ શકતો ન હોઉં તેમ મારા મોંમાંથી અવાજ પણ નીકળી શક્યો નહીં. છતાં હિંમત કરીને મેં મારી આંખો ખોલી તો મેં મિહિરને ટ્રેઈનના દરવાજા પાસે ઉભો હતો અને તેણે ચાલુ ટ્રેઈને ટ્રેઈનમાંથી કૂદકો માર્યો અને તે બહાર પડ્યો.

આ દ્રશ્ય મેં મારી નજર સામે જોયું અને અનુભવ્યું આ દ્રશ્યને હજી પણ યાદ કરતાં મારા આખા શરીરમાં કંપારી છૂટી જાય છે અને મારાં રૂંવાડા ખડા થઈ જાય છે. પણ મારી જોડે જે બન્યું તે હકીકત હતી અને ત્યારે મને લાગ્યું કે, મમ્મી કહેતી હતી કે રાતના સમયે ભૂત-પ્રેત હોય છે તે વાત સાચી છે.

મારી આ રાતની મુલાકાત હું મારી જિંદગીમાં ક્યારેય ભૂલી શકું તેમ નથી

~ જસ્મીન