" સુવર્ણ નગરી "
સુરજસિંહ, રાજાનો એકનો એક દીકરો ખૂબજ હોંશિયાર, બાહોશ અને કાબેલ તેને સમુદ્રમંથનો ભારે શોખ, રાજા-રાણીએ મનાઈ કરી અને ઘણું સમજાવ્યો હોવા છતાં તે સમુદ્રમંથન માટે નીકળી પડ્યો.
સમુદ્રમંથન દરમિયાન પાતાળમાં તેને ઘણાં દરિયાઈ જીવોએ હેરાન કર્યો અને તે ઘવાયો પણ ખરો પરંતુ હિંમત હાર્યા વગર તેણે પોતાનો દરિયાઈ પ્રવાસ ચાલુ જ રાખ્યો અને ધીમે ધીમે તે દરિયાની પેટાળમાં ગયો ત્યાં તેને એક રહસ્યમય દરવાજો નજરે ચડ્યો, પહેલી નજરે તેણે તે દરવાજાને બહુ ધ્યાનમાં ન લીધો.
પરંતુ, એ લોભામણો દરવાજો જાણે તેને આકર્ષિત કરી રહ્યો હોય તેમ તે તેને પોતાની તરફ ખેંચી રહ્યો હતો તેથી તે હિંમતપૂર્વક રહસ્યમય રીતે તેની અંદર પ્રવેશ્યો.
અંદર ગયા પછી જાણે તે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયો હોય તેવો તેને અહેસાસ થવા લાગ્યો. તેને એવું લાગ્યું કે હું સ્વર્ગમાં આવી ગયો છું, એટલું બધું રમણીય અને આહલાદક દ્રશ્ય તેને જોવા મળ્યું.
દરવાજાની અંદર બીજો એક મોટો દરવાજો હતો જે ખોલીને રાજકુંવર તેની અંદર પ્રવેશ્યો, તો કોઈ એક બેનમૂન, અચંબિત કરી દે તેવું એક સુંદર સુવર્ણ નગર હતું..!!
આ દરવાજાની અંદર ખૂબજ આહલાદક, મનને લોભામણો, વિશાળ એવો એક સુવર્ણમહેલ હતો. રાજકુંવર કુતૂહલવશ મહેલની અંદર પ્રવેશ્યો તો, મહેલની અંદર પ્રવેશતાં જ એક ખૂબજ રૂપાળી, જાણે પરી જોઈ લો તેવી એક સુંદર નવયૌવનાએ તેના ગળામાં પ્રેમપૂર્વક ફુલોનો, અતિશય ખૂસુશ્બુથી મઘમઘતો હાર પહેરાવી દીધો અને શરમાતાં શરમાતાં કહેવા લાગી કે, " આજથી તમે મારા પતિદેવ છો."
સુરજસિંહ કંઈ વિચારે કે કંઈ સમજે કે કંઈ બોલે તે પહેલાં આ રાજકુંવરીની સાત-આઠ દાશીઓ તેને અને આ રાજકુંવરીને રાજાના દરબારમાં લઈ ગઈ. જ્યાં આ નગરના રાજા અને રાણી બિરાજમાન હતા. ત્યાં દરબારમાં રાજકુમારનું ભારે સ્વાગત થયું અને રાજાએ સુરજસિંહનો પોતાના જમાઈ તરીકે સ્વીકાર કર્યો.
રૂપમતી, રાજાની આ એકની એક દીકરી હતી ખૂબ જ રૂપાળી તેમજ હોંશિયાર અને બાહોશ હતી તેણે નક્કી કર્યું હતું કે સમુદ્રમંથન કરતાં કરતાં જે નવયુવક પાતાળનો દરવાજો ખોલીને, અમારા આ નગરના દ્વાર ખોલીને, અમારા આ સુવર્ણમહેલમાં પ્રવેશશે તેને હું મારા પતિ તરીકે સ્વીકાર કરીશ.
રાજકુંવરીના પિતાએ સુરજસિંહને ફક્ત પોતાનો જમાઈ જ સ્વીકાર કર્યો તેટલું જ નહીં પરંતુ તેમની આ એકની એક જ રાજકુંવરી હતી તેથી તેમણે સુરજસિંહને આ સુવર્ણમહેલ અને સુવર્ણ નગરીનો માલિક બનાવી ત્યાંનો રાજા જાહેર કર્યો.
આમ, સમુદ્ર મંથનના સાહસ બાદ રાજકુંવરને જલપરી જેવી પત્ની મળી અને તે સુવર્ણનગરી નો રાજા બન્યો.
મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે.
~ જસ્મીના શાહ' જસ્મીન' દહેગામ
" અને મમતાની ગોદ ભરાઈ ગઈ "
લગ્નને છ વર્ષ પૂરા થઇ ગયા હતા. હજી પણ મમતાની ગોદ ખાલી જ હતી. તેથી મમતા તેમજ તેનો પતિ મનિષ ખૂબજ દુઃખી રહેતાં હતાં. ઘણાં ડૉક્ટરોની સલાહ લીધી પણ બધાએ નિરાશાજનક જ જવાબ આપ્યો હતો. શું પ્રોબ્લેમ છે...?? કંઇ સમજાતું ન હતું.
એટલામાં મમતાના ભાઇને ત્યાં દીકરાની આશામાં ને આશામાં એક પછી એક આ ત્રીજી દીકરીને તેની ભાભીએ જન્મ આપ્યો હતો. ભાઇની પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી. મમતાને વિચાર આવ્યો કે હું મારા ભાઈની જ દીકરીને દત્તક લઇ લઉં તો કેવું...! તેણે પોતાના પતિ મનિષને આ વાત કરી, મનિષે ખુશી ખુશી સંમતિ આપી. બંનેએ પોતાના ભાઈ-ભાભીને ત્યાં ગયા અને પોતાની રજૂઆત કરી. ભાઈ-ભાભી પણ ખૂબ ખુશ થઇ ગયા તેમણે આ વાતને વધાવી લીધી બાળકીને બેન મમતાને હસ્તક કરી અને મમતાની સૂની ગોદ ભરાઈ ગઈ....
- જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ