અરે ભાગ્યવાન, આજે બહુ સોડમથી ઘર મહેકી રહ્યું છે ? આજે તો તારાં હાથની ચા પીવાની તલબ વધી ગઈ છે. સોડમથી ભૂખ વધારે જાગૃત થઈ છે તો હલકો નાસ્તો પણ સાથે લાવજો.
ડાઇનિંગ ટેબલ પર છાપું વાંચતા મુકેશ આદેશ આપી રહ્યો હતો. ટીનાને પણ ખબર હોય મુકેશ ક્યારે શું ફરમાઈશ કરશે ?
આજે એને ચા માટે આદુ અને ફુદીનો વાપર્યા હતા પણ મુકેશને ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ખબર પડે કે આજે શું ચા માં નાખી રહી છે શ્રીમતિ.
આદુ ને ફુદીનાની સોડમ તો ઉકળે પછી આવે પણ હાથમાં પહેરેલી કાચની ચુડીઓની ખનખન પહેલાં ખબર આપી દે, તાલબદ્ધ આદુ છીણાંતું હોય ચુડીઓનો રણકાર ચાલુ હોય એટલે કેટલું આદુની માત્રા ચા માં હશે અંદાઝ આવી જાય. તીખી ધમધમાટ હશે કે પછી ??
નાસ્તામાં બટાકાપૌઆ બને ત્યારે એની બનાવાની લય પરથી મુકેશ કહી આપે શું વાનગી બની રહી છે. મીઠો લીમડો બહાર તાજો તોડવા જવાનો એ પણ વઘાર મૂકીને રાઈનાં તતડવાના અવાઝથી દોડીને આવાનું અને લીમડાનું છમ થઈને ખુશ્બૂ ઘરમાં પ્રસરવાની ચાલુ, બટાકા ચડયાની ખુશ્બૂ, પૌઆનું પલળીને રાહ જોવું, મીઠું તો પહેલું જોઈએ એના વગર નો સ્વાદ બેસ્વાદ, સાથે દોસ્તો તો હોય, દોસ્ત વગરની દોસ્તી નકામી એમ સાથે પડે શુકનવંતી હળદર, તેજ તરાર મિરચી, થોડું શાંત ધાણાજીરું, હરિયાળીમાં પણ જાણે છંટાય લીલા ધાણા.
ટીના એ શિયાળો પુરબહારમાં ખીલ્યો હતો એટલે ગઈકાલે સાલમપાક, અડદિયો, મેથીના લાડુ વગેરે બનાવ્યાં હતાં. એની મંદ મંદ મહેંક અત્યારે પણ આવી રહી હતી. શિયાળુનાં પાક મરી માસલાથી ભરપૂર બને એટલે શરીરમાં તાપમાન જળવાઈ રહે. શક્તિવર્ધક હોય જે આખું વર્ષ દરમ્યાન એનર્જી જાળવી રાખે. ટીના એટલે મુકેશ માટે ખાસ બનાવે એને બહુ ખાવાનો શોખ આ તકીયાકલામ વાક્ય બધાને કહે.
મુકેશની નજર વારેવારે ટેબલ ને રસોડા વચ્ચે ફરતી હતી, જે સ્પીડે ટીના બધું લઈને આવતી ને મૂકીને જતી, અરે !!! હજી કેટલું લાવાનું છે બાકી, મારે ઓફિસમાં જવાનું છે મેડમ ! તમારે તો કંઈ કરાવાનું નહીં બેઠા બેઠા ઓર્ડર કરો કે મારે આ ખાવું છે આમ બનાવજે તો બનાવું તો અહીં લાવું તો પડેને.. !
ટીના મોં ફુલાવીને બેસી ગઈ. મુકેશ સમજી ગયો કે આજે મારે ક્યાં ચૂક થઈ છે. લગ્નની પહેલી રાતથી જ નક્કી થયું હતું કે સવાર સવારમાં પ્યાર ભરી ઝપ્પી મળવી જોઈએ. રોજ ટીના ચા રસોડામાં બનાવતી હોય અને આદુ છીણતી હોય ત્યારે પાછળથી જઈને પ્રેમથી આલિંગન આપીને હાથ પકડીને એ પણ છીણે. બંનેના પ્રેમની સાક્ષીમાં ઉકળતી ચા લગભગ ઉભરાતી જ હોય પ્રેમનાં ઉભરાની જેમ. આખો દિવસ પછી પ્રેમની યાદોને વાગોળતા સરસ મજાનો જાય.
આજે એનિવર્સરી હતી સરપ્રાઈઝ મુકેશ આપવા માંગતો હતો, થોડું રીસાઈ, તો મનાવાની મજા વધી જાય અને ગિફ્ટની કિંમત વધારે અધિક થઈ જાય કારણ રિસાયેલો ચહેરો ખીલી ઉઠે. એના માનમાં એક કવિતા રજૂ કરી અને પ્રેમથી નાજુક ડોકમાં ડાયમંડનો હાર પહેરાવી દીધો. સ્ત્રીને મન ડાયમંડ એટલે સ્વપ્નું હોય અંગે ધારણ કરવાનું, મારાં મનની જેમ પ્રકાશિત થતો રહે બાહ્ય તરફનો મારો હીરો.
મુકેશે આજે સરપ્રાઈઝ કપલ પાર્ટી પણ રાખી હતી. સાંજે સાત વાગ્યાનો સમય બધાને આપ્યો હતો અને ઘરે જ બોલાવ્યા હતા. કેટરિંગ અને કેકનો ઓર્ડર અપાઈ ગયો હતો. ઘર સુશોભન વાળું જ હતું એટલે ડેકોરેશન કઈ કરવાનું ન હતું. આમ પણ પાનખરને આરે આવેલાં ને જ્યાં મિત્રો મળે ત્યાં દિલમાં જ વસંત હોય એટલે બાહ્યની જરૂરત જ નહીં. હવે ટીનાને સરપ્રાઈઝ આપવાનું હતું એટલે કહ્યું આપણે બહાર ડિનર માટે જઈશું એમ કરીને સખીઓ સાથે પિક્ચર જોવા મોકલી. ટીના તો ખૂબ ખુશ થઈ ગઈ સાંજે ડિનર માટે જવાનું છે રસોઈની શાંતિ અને સખીઓ સાથે ધમાલ મસ્તીભરી..
ટીનાના ઘર પ્રવેશની સાથે કેમેરા ઓન, હેપી મેરેજ એનિવર્સરીની શુભકામનાઓ, બુકે અને ગિફ્ટ સાથે અઢળક શુભેચ્છાઓ. કેક કટ કરતાં પ્રેમથી ખવડાવવાની તલબ. ગેમ, ડાન્સથી ભરપૂર પાર્ટી, આનંદ જ આનંદ.
મુકેશના દોસ્તો ખૂબ ખૂબ આભાર માનતા હતા મુકેશ ને ટીનાનો કે તમારા કારણે અમારા વચ્ચે ક્યારેય મનમુટાવ થતો નથી બસ નિશ્વાર્થ પ્રેમ વ્હાવીએ એકબીજા પર.
મુકેશ અને ટીના લગ્ન પહેલાં કપલને ઘરે બોલાવતા અને નિયમ લેવડાવતા કે કોઈ એક નિયમ લો તમને બંનેને ગમે એવો રાત્રે કે સવારે નિયમ જાળવી રાખવાનો પ્રેમનાં એકરારનો. લગ્નનાં ગમે એટલા વર્ષો વિતે પણ પ્રેમ લીલોછમ રહેવો જોઈએ એને માટે રોજ પ્રેમ વ્યક્ત કરવો જોઈએ ચાહે બોલીને કરો, મૌન રહીને હરકતોથી કરો, સાથે જ રહીશું, હમેંશા સાથ નિભાવશું, સાથે જ છીએ ની લાગણી વ્યક્ત કોઈ પણ રીતે કરતાં રહો. જિંદગી જીવવી ખૂબ આસાન થઈ જશે. દરેકે અજમાવવા જેવો પ્રયોગ છે જેનાથી તમારું દિલ હમેંશા જુવાન રહેશે પ્રેમની ચેષ્ટાથી. આટલું સારું કાર્ય બંને કરતાં રહેતાં તેથી તેમનાં દોસ્તો પચ્ચીસમી એનિવર્સરીએ પણ લવબર્ડ જ બોલાવતા. એમની ગુટુરગુ હમેંશા ચાલતી રહેતી બીજાને પણ એમજ કરો કહેતા.
પતિ- પત્ની જિંદગી રૂપી રથનાં પૈડાં સમાન છે,એકબીજાની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે તો જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરી શકાય. સમસ્યા વગરનું જીવન ક્યારેય હોતું નથી એક જિંદગીનો ભાગ છે, સામનો અવશ્ય કરવાનો છે તો સાથ નિભાવીને સક્ષમ રહીને હસતાં હસતાં કરી શકાય.
"હું માંગુ તારો સાથ, જીવન છે ત્યાં સુધી,
ન આવે કદી યાદ તને, કોઈ ફરિયાદ તણી."
""અમી""