vruddhavastha - dessert ane bil chukavni books and stories free download online pdf in Gujarati

વૃદ્ધાવસ્થા - ડેસર્ટ અને બીલ ચુકવણી

વૃદ્ધાવસ્થા : ડેસર્ટ અને બિલ ચુકવણી

બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા- કોઈ પણ મનુષ્યને આ 3 તબક્કામાંથી પસાર થવું જ પડે છે.

બાળપણ એટલે ઉદ્દભવથી વિકાસ તરફ ડગ ભરવાં, યુવાની એટલે આપણાં અસ્તિત્વનો હેતુ પૂર્ણ કરવો. તે માટે શરુનું બાળપણ એટલે વોર્મિંગ અપ, યુવાની એટલે મંઝિલ ભણી દોટ અને વૃદ્ધાવસ્થા એટલે ધીમેધીમે ગતિ મંદ પડવી, પાડવી. શૂન્યમાંથી સર્જન થયેલું તો ફરીથી શૂન્ય પ્રતિ પ્રયાણ.

દરેક અવસ્થાનું પોતાનું સૌન્દર્ય હોય છે, પોતાની રીતે એ અવસ્થા માણી લેવાની હોય છે.

શૈશવ એટલે કળીનો ફૂલ બની ખીલવાનો, વિકાસ પામવાનો સમય.

વિસ્મય, આનંદ, કિલ્લોલ, તેજ ગતિ, કુતુહલ, રમતિયાળપણું અને વિકાસ એ શૈશવનાં મુખ્ય લક્ષણો છે.

મકાનને જેમ પાયો ખોદી સિમેન્ટ ભરી ઉંચાઈ ઝીલવા તૈયાર કરવું પડે છે, છોડ મોટું વૃક્ષ બને તે પહેલાં ખાતર, પાણી, ટ્રિમિંગ કરવું પડે છે, પશુપંખીને જેમ શિકાર કરતાં, ઉડતાં કે સ્વરક્ષણ કરતાં શીખવું પડે છે તેમ માનવબાળને પણ પોતાના સમાજમાં રહેવા તથા સ્થાન બનાવવા તૈયાર કરવું પડે છે અને તે પહેલાં વાત્સલ્યનું વારિ પાઈ જતનથી ઉછેરવું પડે છે.

બાળપણનો જ પાછલો તબક્કો છે કિશોરાવસ્થા. તેજસ્વી કારકિર્દી માટે જીવનનો રાહ પકડવા તે સમયે સુકાન યોગ્ય દિશામાં ફેરવવું પડે છે.

પૂર્ણ ખીલવું એટલે યુવાની. દરેક આબાલવૃદ્ધ ચીર કાળ યુવાન રહેવા ઇચ્છે છે. યુવાવસ્થા એટલે જ જિંદગીના સ્ટેજ પર પરફોર્મ કરવાનો સમય.

જો શૈશવ ઉષ:કાળ છે તો યુવાની ચડતો તથા તપતો મધ્યાન છે. જીવનના મઝધારમાં બધા જ સઢ ખોલી ઝૂકાવવાનો સમય એટલે યુવાની. બીલ ગેટ, માર્ક ઝુબેર, ધીરુભાઈ અંબાણી, અબુલ કલામ, લા કાર્બુઝિયર, સ્વામી વિવેકાનંદ, નરેન્દ્ર મોદી- દરેક તળેટી થી ટોચ પર પોતાના સ્થાને 25-30 વર્ષના ગાળામાં જ પહોચ્યા છે. કહે છે 84 લાખ અવતારોમાં મનુષ્યજીવન એક જ વખત મળે છે તો એ કાળમાં જગતને કશું આપીએ અને ખુદ માણીએ એ યુવાનીમાં જ થઈ શકે છે.

યુવાનીની જ ઢળતી બપોર છે પ્રૌઢાવસ્થા. હજુ પૂરી બ્રેક વાગતી નથી પણ સ્પીડ ઓછી જરૂર થાય છે. કેટલીક જવાબદારીઓ હવે જ અદા કરવાની હોય છે. કૌશલ્ય મેળવી લીધું, કૌવત બતાવવાનો હવે જ મોકો છે. બાળકોને સેટ કરવાં, જીવનસાથી સાથે મળતી પળો માણવી, ત્વરાથી સ્વપ્નો પુરાં કરવા મથવું એ પ્રૌઢાવસ્થાનાં લક્ષણો છે. ગતિ ધીમી પડે પરંતુ ચોક્કસ મુકામે જવા મેપ પોતે જ સેટ કર્યો હોય છે, ત્યાં પહોંચીને જ વિરામ લેવાય છે.

'ઘરડા વગર ગાડાં ન વળે' એ કહેવત અનુસાર પ્રૌઢ માર્ગદર્શક, પથદર્શક બને છે.

પ્રૌઢાવસ્થા દેશકાળ અનુસાર વહેલી મોડી થતી રહે છે. એ તબક્કો ક્યાંક લાંબો તો ક્યાંક મોડો શરુ થાય છે. જીવનના જામના ઘુંટ હવે ઝડપથી પીવા માંડવામાં આવે છે પણ પ્યાલો કેટલો ભરવો એ પોતે નક્કી કરવું પડે છે.

સંધ્યા જેમ ઢળે તેમ સલુણી લાગે. જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા.

શરીર વૃદ્ધ થાય પણ મન જલ્દી વૃદ્ધ થતું નથી. ઢાળ પરથી ગાડી ઝડપથી ઉતરે છે પણ ગીયર લો કરવું ગમતું નથી.

વૃદ્ધાવસ્થા એટલે માત્ર વિલયની પ્રતિક્ષા જ નહીં, સ્ટ્રો વગર બાકીનો જામ હલાવીને ગટગટાવી જવાનો સમય. સહુ પ્રથમ આપણી હિંદુ સંસ્કૃતિ ઈશ્વરભક્તિ તરફ અભિમુખ થવા કહે છે. જે કરી શકે તેના માટે સહુ થી સારું. નિરાંતની પળો હવે જ મળે છે. વૃદ્ધાવસ્થાની વહેતી વાત્સલ્યની ગંગામાં પોતે નહાવું, પોતાનાને નવરાવવા.

વૃદ્ધાવસ્થા માત્ર આસ્થા ચેનલ જ નથી, ડીસ્કવરી, મુવી કે મ્યુઝિક ચેનલ પણ છે. એને કેમ વધુને વધુ માણવી?

એક તો, તબિયત. તે આથમતા સૂર્ય જેવી રતુંબડી રાખવી. વૃદ્ધાવસ્થાને એક રીતે પાકેલાં ફળ સાથે સરખાવી શકાય. એ મહત્તમ મીઠાશ આપે છે અને સુંદર પણ દેખાય છે. એ સુંદરતા માણવા તબિયતની કાળજી, યોગ્ય કસરત સાથે સ્વસ્થ મન જરૂરી છે જેથી બીજા પર બોજો બનીને અણગમતા બનીએ નહીં .

બીજું, અનુકૂલન. જમાના મુજબ અનુકૂળ થતાં શીખવું પડશે. સામાજિક મૂલ્ય ઝડપથી બદલાય છે. સેવા કરનારને પણ તે માટે પુરતો સમય હોતો નથી. આથી વૃદ્ધ લોકોએ સ્વાવલંબી બનવું અને બીજા પ્રત્યે અપેક્ષા ઓછી રાખવી. આમ લચકદાર વેલીની જેમ અનુભવોનાં ફૂલોથી શોભતી આનંદની સુવાસ પ્રસરાવી ખુદને ચમકાવતી અવસ્થા એ વૃદ્ધાવસ્થા.

ત્રીજું, શોખોની પૂર્તિ. આપણે નાની ઉમરથી જે શોખ કેળવ્યા હોય છે તેમની પૂર્તિ માટે હવે જ સમય છે. જીવન જીવવામાં, ભાગદોડમાં ઉંમર ક્યાં ઢળી ગઈ તે ખબર પડતી નથી. તેથી જાત ચાલે ત્યાં સુધી યાત્રા, જોવાલાયક સ્થળોનો પ્રવાસ, સારું વાંચન, જૂની ફિલ્મો, એવો મનગમતો આનંદ લૂંટી લો, હૃદયમાં ભરી લો અને વહેંચી લો જેથી આંખ મીચાય ત્યારે ઓરતા અધૂરા ન રહે.

ચોથું, માર્ગદર્શન અને હૂંફ. વૃદ્ધ એક દીવાદાંડી છે જે તોફાનમાં માર્ગ બતાવે છે, એ વિશાળ વૃક્ષ છે જે છાયો આપે છે. એ પ્રગટી ગયેલી સગડી છે જે લાંબો સમય હૂંફ આપે છે. ઘણી ચીજો ઝડપથી બદલાય છે પણ કેટલાંક મૂળભૂત મૂલ્યો એનાં એ જ રહે છે. જેનું ઉગતી પેઢીમાં સિંચન કરવું વૃદ્ધત્વની દેન છે, ફરજ છે. પણ આપણી વાત માનવી જ જોઈએ એવો હઠાગ્રહ નહીં રાખવો જોઈએ.

પાંચમું, વિવિધતા. નૂતન જીવનનું વૈવિદ્ય. પળેપળે બદલાતા જમાનામાં નવા શોખ પણ કેળવી શકાય છે. માત્ર કોમ્પ્યુટર, ફેસબુક જેવા શોખની જ વાત નથી, ક્યારેય ચિત્ર ન કર્યું હોય તો પણ સ્કેચિંગ, વધુ ને વધુ સારા ફોટા લેવા, નવી રમતો પૌત્રો પૌત્રીઓ પાસેથી શીખીને રમવી, જે વાંચવાનો શોખ હોય તેથી અલગ જ વિષયો વાંચી જોવા, જીવનસાથી સાથે દૂર ફરવા જવું- આ કેટલાંક ઉદાહરણો છે.

ઈશ્વરભક્તિ, જીવનમાં કરેલ પ્રાપ્તિ ભોગવવી, આનંદ, શાંતિ માર્ગદર્શકપણું અને વાત્સલ્યભાવ વૃદ્ધાવસ્થાનાં લક્ષણો છે. .

શ્રી કૃષ્ણનું ચરિત્ર્ય ત્રણેય અવસ્થાઓ પૂર્ણપણે કેમ જીવાય એ સૂચવે છે. શૈશવમાં રાસલીલા, કિશોરાવસ્થામાં સાંદિપની આશ્રમમાં વિદ્યા પ્રાપ્તિ, તપસ્યા, યુવાવસ્થામાં દ્વારકા જેવાં રાજ્યને સમૃદ્ધ બનાવ્યું, પ્રૌઢાવસ્થામાં મહાભારતમાં વિજય અપાવતા સારથી, વિલય પણ પોતાની પ્રિય વાંસળી સાથે.

સહુને જે જોઈએ તે જીવનમાં મળે જ એવું નથી. અમુક વખતે સંઘર્ષ તો અમુક સમયે સરળ. ઓચિંતા ચડાવ-ઉતાર ને વળાંકોની વચ્ચે આ જીવન જીવી જાણે એ ખરો.

આમ બાલ્યાવસ્થા એટલે રમતગમત, કુતુહલ, ઘડતર. યુવાવસ્થા એટલે યોગ્યતા, જ્ઞાન, અનુભવ, મેળવવું, માણવું. વૃદ્ધાવસ્થા એટલે આ જીવન દેનાર ઈશ્વરનો આભાર, નિરાંત, ધીમી પણ પ્રસન્ન ગતિ.

બાળપણ એટલે સ્ટાર્ટઅપ, એપેટાઇઝર, યુવાવસ્થા એટલે મેઈન કોર્સ, પ્રૌઢાવસ્થા એટલે આઈસ્ક્રીમ, વૃદ્ધાવસ્થા એટલે સંતોષનો ઓડકાર અને દેનારને બિલ ચુકવવું.

માનવજીવન આમ ભોગવવું જોઈએ.


-સુનીલ અંજારિયા

અમદાવાદ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED