સુંદરી - પ્રકરણ ૮૪ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૮૪

ચોર્યાસી

... પોતાના અંગુઠા વડે વરુણની બંને આંખોના આંસુ લૂછ્યા.

“થોડી મૂંઝવણ પછી મને એટલી તો ખબર પડી ગઈ કે આ આંસુ કોઈ આનંદના સમાચાર લઈને આવ્યા છે કારણકે તમારા ચહેરા પર સ્મિત છે. પણ હું સાચી છું કે નહીં એ તો તમારે એ સમાચાર મારી સાથે શેર કરીને જ સાબિત કરવું પડશે. બોલો વરુણ, એવા તે કેવા સમાચાર તમને મળ્યા કે તમે એ આનંદને રડીને જ વ્યક્ત કરી શક્યા?” સુંદરીની ભાવવહી આંખો હવે વરુણની આંખોમાં જોઇને બોલી રહી હતી.

“હું ઇન્ડિયા માટે સિલેક્ટ થઇ ગયો છું. નવ વર્ષનો હતો જ્યારથી દરરોજ વહેલી સવારે હું પ્રેક્ટિસ કરવા માટે ઘરેથી નીકળી જતો. ત્યારથી મારો એક જ ગોલ હતો કે ટિમ ઇન્ડિયા માટે રમવું. પછી આ ગોલ જીદમાં પરિવર્તિત થઇ ગયો કે જો હું ઇન્ડિયા તરફથી ન રમું તો પછી મારું આખું જીવન વ્યર્થ છે. મારું કુટુંબ તો મારા આઈપીએલ રમવાથી જ ખુશ થઇ ગયું હતું પણ મને જરાય સંતોષ ન હતો કારણકે મારો ગોલ એ ન હતો. પણ અત્યારે એવું લાગે છે કે મારો એ ગોલ પણ એચીવ થઇ ગયો.” વરુણ અત્યંત આનંદની લાગણી સાથે બોલી રહ્યો હતો.

“ધેટ્સ રિયલી ગ્રેટ! ટિમ ઇન્ડિયા? વાઉ! કોન્ગ્રેચ્યુલેશન્સ, ધેટ મિન્સ કે તમે...” સુંદરી આગળ બોલે તે પહેલાં જ...

“... હા હું શ્રીલંકા જાઉં છું. વનડે અને ટેસ્ટ સિરીઝ પહેલાં ત્રણ ટ્વેન્ટી૨૦ મેચોની સિરીઝ છે એમાં હું સિલેક્ટ રહ્યો છું. હમણાં બોર્ડના સેક્રેટરીનો કૉલ હતો, એમણે મને આ ઇન્ફો આપી. આઈ એમ રિયલી એક્સાઈટેડ. યુ આર સો લકી ફોર મી.” વરુણ સ્મિત ફરકાવી રહ્યો હતો.

“હું? હું શેની લકી?” સુંદરીને આશ્ચર્ય થયું.

“આપણે આજે મળ્યાં, પહેલીવાર શાંતિથી દિલ ખોલીને બધીજ વાતો કરી, આપણી દોસ્તી મજબુત થઇ અને મને કૉલ આવ્યો.” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો.

“ના, યુ ડિઝર્વ ઈટ વરુણ. પણ યાદ રહે ટિમ ઇન્ડિયા માટે તમારો રમવો ગોલ ભલે એચીવ થઇ ગયો હોય પણ ક્રિકેટની ફેન હોવાને નાતે હું એટલું તો જાણું છું કે ટેસ્ટ ક્રિકેટ ઈઝ ધ બેસ્ટ ક્રિકેટ અને રિયલ ક્રિકેટ એઝ વેલ. એટલે આ ફક્ત એક પડાવ છે. શ્રીલંકા સામે ટ્વેન્ટી૨૦ સિરીઝમાં સરસ દેખાવ કરજો એટલે પછી તમને ભવિષ્યમાં વનડે અને પછી ટેસ્ટમાં પણ રમવાની તક મળે.

ગઈ રણજી સિઝનમાં તમે ગુજરાતની ટીમમાં તો હતાં પરંતુ તમને એક મેચ પણ રમવાની તક નહોતી મળી. ફોકસ ઓન ધેટ વરુણ. પહેલાં ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવાનો વિચાર કરો, આઈપીએલમાં સરસ રમ્યાં છો એટલે ઇન્ટરનેશનલ ટ્વેન્ટી૨૦માં તો રમવા મળી જ ગયું, પણ હવે વનડે અને ટેસ્ટમાં પણ ટિમ ઇન્ડિયાને કેવી રીતે રીપ્રેઝન્ટ કરશો એનો પ્લાન બનાવો.” સુંદરીએ ભારપૂર્વક પોતાની વાત વરુણને કહી.

“માય ગોડ! હું ખરેખર લકી છું કે તમે મને ફરીથી મળ્યાં. આ આનંદમાં હું એ તો ભૂલી જ ગયો હતો કે આ તો ફક્ત માઈલસ્ટોન જ છે, મારે હજી ઘણું એચીવ કરવાનું છે. થેન્ક્સ તમે મને જગાડી દીધો. આઈ પ્રોમિસ કે હું શ્રીલંકામાં જો તક મળશે તો એવું ક્રિકેટ રમી બતાવીશ કે મને વનડેમાં રમવાની પણ તક મળે. થેન્ક્સ... થેન્ક્સ અ લોટ સુંદરી...” છેવટે વરુણના મોઢામાંથી સુંદરીનું નામ આપોઆપ જ નીકળી ગયું.

સુંદરીએ તરતજ તેની નોંધ લઇ લીધી અને તેણે વરુણ સામે સ્મિત કર્યું અને વરુણને પણ એ સ્મિત પાછળનો આશય ખબર પડી જતાં તેનો ચહેરો શરમથી લાલઘુમ થઇ ગયો. તો સુંદરીને કદાચ પહેલી વાર પોતાનું નામ કોઈ બોલ્યું હોય જે તેના કાનના રસ્તે સીધું હ્રદયમાં ઉતરી ગયું હોય એવી લાગણી થઇ અને તેના હાથના રૂંવાડા ઉભાં થઇ ગયાં. સુંદરીને આ નવા પ્રકારની લાગણીથી આશ્ચર્ય થયું પરંતુ તેને એ લાગણી ગમી પણ ખરી.

“હવે આપણે નીકળીશું?” સુંદરીએ સ્વસ્થતા ધારણ કરતાં વરુણને પૂછ્યું.

“હા, મારે કાલે બપોર સુધીમાં મુંબઈ પહોંચવાનું છે, એટલે બેંકમાં જઈને પહેલાં તો લોકરમાંથી પાસપોર્ટ લેવો પડશે, પછી બધું પેકિંગ. તો નીકળીએ!” વરુણે હસીને જવાબ આપ્યો અને કાર સ્ટાર્ટ કરી.

==::==

“તમને કહ્યું હતુંને કે થોડા દિવસ અહીં ન આવતા?” શ્યામલે સહેજ કડક સૂરમાં ઇશાનીને કહ્યું.

“હું ઘરમાં કેટલા દિવસ બેસી રહું? અઠવાડિયું તો થયું. મમ્મી, પપ્પા, ભાઈ બધા રોજ પૂછ પૂછ કરે છે કે ક્યારે કોલેજ જઈશ? ક્યારે કોલેજ જઈશ?” ઈશાનીએ તેના કાયમના ભોળપણમાં જવાબ આપ્યો.

“તો કોલેજે જાવને પણ અહિયાં કેમ આવ્યા?” શ્યામલે ચ્હા હલાવતાં કહ્યું.

“કોલેજમાં તો પેલો હોયને? મને બહુ બીક લાગે છે. એટલે આજે ઘરેથી સીધી અહીં જ આવી ગઈ.” ઈશાનીએ જવાબ આપ્યો.

“તો એ અહીંયા પણ આવી જશેને?” શ્યામલ હળવેકથી બોલ્યો.

“તો તમને પણ બીક લાગે છે એનાથી એમને!” ઈશાનીએ શ્યામલને ટોન્ટ માર્યો.

“ના, મને બીક લાગતી હોત તો તે દિવસે મેં એને ગરમાગરમ ચમચો ન અડાડી દીધો હોત, સમજ્યા? હું તમને ડરવાનું નથી કહેતો પણ જરા તમારી સંભાળ રાખો. અહીંયા આવશો અને પેલો પણ જો આવી જશે તો ખોટા સીન ક્રિએટ થશે. મારે પોલીસના લફડામાં નથી પડવું.” શ્યામલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

“હું તો અહીંજ આવીશ અને રોજ આવીશ. મને કશું નહીં થાય. તમે છો ને મારી સંભાળ લેવાવાળા પછી મારે મારી સંભાળ લેવાની શી જરૂર છે?” ઈશાની હસતાં હસતાં અને પોતાની આંખો નચાવતાં બોલી.

“ચલો છોડો. બોલો અત્યારે શું કરવા આવ્યા છો?” શ્યામલે રુક્ષ ભાષામાં કહ્યું.

“અહીં કોઈ કેમ આવે? ચા પીવા અફકોર્સ!” ઈશાની હજી પણ હસી રહી હતી.

“બે મિનીટ વેઇટ કરો હું આપું છું.” શ્યામલે પોતાની બંને આંખો વડે સામે પડેલા મુંઢા પર બેસવાનો ઈશારો કર્યો.

ઈશાની ડાહીડમરી થઈને મુંઢા પર બેસી ગઈ અને શ્યામલ તરફ સતત જોવા લાગી. શ્યામલ જે કોઇપણ પ્રવૃત્તિ કરી રહ્યો હતો તેને તે બરોબર જોઈ રહી હતી. થોડીવારમાં શ્યામલ એક ડીશમાં ચ્હાના બે કપ લઈને આવ્યો અને ઈશાની સામે ડીશ ધરી.

“વાહ! તમને બરોબર યાદ છે ને કે મને કાયમ બે કપ ચા જ જોઈએ છીએ? જુઓ મેં હમણાંજ કહ્યુંને કે તમે મારી સંભાળ લ્યો છો તો પછી મારે ચિંતા કરવાની શી જરૂર?” ઈશાની હસતાં હસતાં બોલી.

ઇશાનીને ચ્હાની ડીશ પકડાવીને પછી પોતાની જગ્યાએ જઈ રહેલો શ્યામલ ઈશાનીની વાત સાંભળીને બે ઘડી હતો ત્યાંજ સ્થિર થઇ ગયો. પછી થોડું વિચારીને પોતાની જગ્યાએ ગયો અને સ્ટવ બંધ કર્યો અને પાછો એની દુકાનની બીજી તરફ આવ્યો અને એક મુંઢો ખેંચીને ઈશાનીની સામે બેઠો.

“જુઓ, તમે મારા કસ્ટમર છો અને એ વખતે તમે ન હોત અને મારો બીજો કોઈ કસ્ટમર હોત તો પણ મેં એને આ જ રીતે બચાવ્યો હોત. તમે મહેરબાની કરીને કોઈ બીજો વિચાર ન કરો. પ્લીઝ!” શ્યામલે ઈશાની સામે હાથ જોડ્યા.

ઈશાની પોતાની મોટી મોટી આંખોથી શ્યામલ સામે જોઈ રહી પછી હળવેકથી પોતાના હાથમાં રહેલી ડીશ સંભાળીને જમણી તરફ જમીન ઉપર મૂકી.

“બીજો વિચાર એટલે?” ડીશ જમીન પર મુકવાની સાથેજ ઈશાનીએ પ્રશ્ન કર્યો.

“બીજો વિચાર એટલે બીજો વિચાર જે તમે કરી રહ્યા છો. તમે લગભગ દસેક દિવસ સતત મારી દુકાને ચ્હા પીવા આવ્યા, મારી સાથે કોઈને કોઈ કારણ ઉભું કરીને વાતો કરવાની કોશિશ કરી, પછી પેલો તે દિવસવાળો બનાવ બન્યો, મેં તમને એ ગુંડાથી બચાવ્યાં એમાં તમે કશું ભળતું સળતું સમજી બેઠાં લાગો છો.

પ્લીઝ, જો એવું હોય તો એવું ન વિચારો. મને આ બધામાં જરાય રસ નથી. તમારે હજી ઘણું ભણવાનું છે અને હું સાવ મુફલીસ વ્યક્તિ છું. મારે તો હું ભલો અને મારી આ દુકાન ભલી. મારે આખી જિંદગી આમ ચ્હા બનાવતાં બનાવતાં જ વિતાવી દેવાની છે, જ્યારે તમારી સામે આખી જિંદગી પડી છે. એટલે તમે આગળ કશું વિચારો પ્લીઝ ત્યાં જ રોકાઈ જજો.” શ્યામલે ફરીથી હાથ જોડ્યા.

ઈશાની શ્યામલ સામે ટગરટગર જોવા લાગી. શ્યામલ પણ પોતાની વાત કર્યા પછી ઈશાની શો જવાબ આપશે એ તેની સામે જ જોઇને વિચારી રહ્યો હતો. ત્યાં અચાનક જ ઈશાનીની આંખમાંથી આંસુની બે ધાર નીકળી. એણે શ્યામલ સામે જોવાનું બંધ ન કર્યું, એ ખુલીને રડી પણ નહોતી રહી બસ તે શ્યામલને જોતી રહી અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેતી રહી.

થોડીવાર ઈશાની આમ જ કરતી રહી અને પછી તે મુંઢા પરથી ઉભી થઇ ગઈ અને ફૂડ કોર્નરના મુખ્ય દરવાજા તરફ દોડી ગઈ. શ્યામલ પોતાનાથી દૂર જઈ રહેલી ઇશાનીને જોઈ રહ્યો, એને એ ન સમજાયું કે એણે એવું તે શું કહી દીધું કે ઈશાની આ રીતે દોડીને જતી રહી?

==::==

“હલ્લો?” અનનોન નંબર પરથી આવેલો કોલ ઉપાડતાં જ સુંદરી બોલી પડી.

“હાઈ, કેમ છો?” સામેથી વરુણનો અવાજ આવ્યો.

“અરે! હાઈ! હું તમને જ યાદ કરતી હતી.” સુંદરીનો ઉત્સાહ એના બોલવાના સૂરમાં સમજી શકાતો હતો.

“અરે વાહ! મને કેમ યાદ કરવો પડ્યો?” વરુણને ઉત્કંઠા થઇ.

“એ હું પછી કહું, પણ આ અનનોન નંબર કેમ?” સુંદરીને પહેલાં પોતાની જીજ્ઞાસા સંતોષવી હતી.

“અચ્છા અનનોન છે? હું તો મારા રૂમમાંથી વાત કરું છું. કોલંબોમાં છું ને? કદાચ હોટલવાળાનું કોઈ સેટિંગ હશે ઇન્ટરનેશનલ કોલ્સ માટે. હવે કહો તમે મને કેમ યાદ કરી રહ્યા હતા?” વરુણે સુંદરીની જીજ્ઞાસા સંતોષાય એનો જવાબ તો આપ્યો જ પણ સાથે સાથે હવે તેને પોતાની ઉત્કંઠા પણ શાંત કરવી હતી.

==:: પ્રકરણ ૮૪ સમાપ્ત ::==