સુંદરી - પ્રકરણ ૮૩ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૮૩

ત્ર્યાંશી

“હા તમે હજી પણ ખુલીને નથી બોલી રહ્યા. વરુણ, મને ખબર છે કે આપણે બંને એક બહુ મોટી ગેરસમજણમાંથી પસાર થયા છીએ. પણ જેમ મેં હિંમત કરીને એક ડગલું આગળ વધાર્યું અને તમને સામેથી મળવા બોલાવ્યા, ગેરસમજણ દૂર કરી અને અત્યારે તમારી સાથે રાજીખુશીથી લંચ કરવા પણ આવી છું, એમ તમે પણ તમારું મન, તમારી ભાવનાઓ, તમારા શબ્દો આ બધાંને મુક્ત કરી દો.” સુંદરી અત્યંત ભાવુક બનીને બોલી રહી હતી.

“ના, ના હું ઓકે જ છું. મારા મનમાં તો તમારા પ્રત્યે ક્યારેય કોઈ ગેરસમજણ હતી જ નહીં. હા, મારી ઈચ્છા જરૂર હતી કે કોઈ એક દિવસ તમારી મારા પ્રત્યેની ગેરસમજણ દૂર થઇ જાય અને એ થઇ પણ ગઈ, જેમ તમે હમણાંજ કહ્યું એમ તમારા આગળ આવવાથી. હું ફ્રી જ છું, તમે ચિંતા ન કરો.” વરુણે આદત અનુસાર પોતાના જમણા હાથનો અંગુઠો ઉંચો કર્યો.

“તો પછી મારી સાથે મુક્તમને વાત કરતાં કેમ આટલા બધા ઓસંખાવ છો? તમને કદાચ ખબર નથી પણ મેં નોટિસ કર્યું છે કે મારા ઘરથી અત્યારસુધી તમે મારું નામ એક વખત પણ નથી બોલ્યા જ્યારે હું કદાચ બે-ત્રણ વખત તમારું નામ બોલી ચૂકી છું. તમે જરાય ગભરાવ નહીં વરુણ, મને હવે જરાય ખોટું નહીં લાગે. બસ એકદમ હળવા થઇ જશો તો મને પણ મારા પ્રોબ્લેમ્સ મારી હેપ્પીનેસ તમારી સાથે શેર કરવાનું મન થશે, નહીં તો આપણી આ દોસ્તી ફક્ત નામમાત્રની રહી જશે.” સુંદરીનો સૂર વિનંતી તેમજ આશાથી મિશ્રિત હતો.

“ટુ બી વેરી ઓનેસ્ટ. મને તમારું નામ લેતા કાયમ સંકોચ થાય છે, અત્યારેજ નહીં પણ જ્યારે આપણે કોલેજમાં હતાં ત્યારે પણ અને અત્યારે પણ. ઇવન જ્યારે હું બેનબા અને કૃણાલ સાથે તમારા વિષે ચર્ચા કરતો હોઉં છું ત્યારે પણ હું તમારું નામ નથી લઇ શકતો. બેનબા કોઈકવાર મને આ બાબતે ખૂબ ચીડવે પણ છે પણ ખબર નહીં કેમ તમારું નામ લેતી વખતે મારી જીભ જ નથી ઉપડતી.” વરુણે શરમાતાં શરમાતાં પણ સત્ય કહી જ દીધું.

“ઓહ!” સુંદરી આટલું બોલીને અટકી ગઈ.

સુંદરીને ખ્યાલ આવી ગયો કે વરુણ શા માટે તેનું નામ નથી લઇ શકતો. સુંદરીને બરોબર સમજી રહી હતી કે જ્યારે કોઇપણ વ્યક્તિ કોઈને મનોમન ખૂબ પ્રેમ કરતી હોય અને સામેવાળી વ્યક્તિ સમક્ષ તેનો સ્વીકાર ન થયો હોય અથવાતો તેના પ્રેમનો અસ્વિકાર થયો હોવા છતાં તેના પ્રેમમાં જરા પણ ઓટ ન આવી હોય તો તેને પોતાના અતિશય પ્રિયપાત્રનું નામ લેતાં પણ શરમ આવતી હોય છે. અને જ્યારે તેના પ્રેમનો સ્વીકાર થઇ જાય અને બંને એકબીજાના પ્રેમમાં રમમાણ થઇ જાય ત્યારે વ્યક્તિ સતત પોતાના પ્રિયપાત્રના નામનું જ રટણ કરવા લાગે છે. સુંદરીને જેવો આ હકીકતનો ખ્યાલ આવ્યો કે એ પણ મૂંગી થઇ ગઈ.

સુંદરીનું અત્યારનું અંતિમ લક્ષ્ય કદાચ વરુણ સાથે તેનું બાકીનું જીવન વિતાવવાનું ન હતું. તેને વરુણ સાથે મિત્રતાનો સબંધ બાંધીને ધીમેધીમે તેમાં લાગણી ઉમેરતાં જતાં અને તેને જેમ લોઢી ઉપર રોટલી ધીમેધીમે પકવાય એ રીતે એ સબંધને પકવી અને તેને મજબૂત બનાવીને આગળનો નિર્ણય લેવાનો હતો. જ્યારે વરુણ તો છેલ્લાં ત્રણ વર્ષથી સુંદરીને જ પોતાની જીવનસાથી બનાવવાનું નક્કી કરી બેઠો હતો.

આથી વરુણનું સુંદરીનું નામ એમ તરત ન બોલવા પાછળનો આશય અને તેની મજબુરી સુંદરી બરોબર સમજી રહી હતી પરંતુ તેને હાલપૂરતું ઉત્સાહમાં આવી જઈને તેણે વરુણની લાગણીઓને હવા પણ નહોતી આપવી જેથી વરુણ ફરીથી એના વિષે કોઈ ખોટી ધારણા બાંધી લે અને એટલેજ સુંદરીએ અત્યારે વરુણને એનું નામ લેવા અંગે કોઈ દબાણ ન કર્યું.

“તો હવે લંચ લઈએ?” વરુણે વાત બદલી.

“હા, ચોક્કસ.” સુંદરીએ હકારમાં ડોકું હલાવ્યું.

સુંદરી અને વરુણ બંને પોતપોતાની જગ્યાએથી ઉભા થયા અને જ્યાં બફે સર્વ થઇ રહ્યું હતું તે સર્વિંગ ટેબલ્સ તરફ આગળ વધ્યા. વરુણે એક પ્લેટમાં બે નાના બાઉલ્સ મૂકી અને સુંદરીને આપી જવાબમાં સુંદરીએ તેનું ચિતપરિચિત સ્મિત કર્યું. વરુણે પણ એ જ પ્રમાણે એક પ્લેટમાં બે વાટકીઓ લીધી. ત્યારબાદ બંને પોતપોતાને મનગમતાં ભોજનો આ પ્લેટમાં જાતેજ પીરસવા લાગ્યા અને છેવટે ફરીથી જ્યાં અગાઉ બેઠા હતા ત્યાં જઈને બેઠાં.

જમતી વખતે બંનેએ ખૂબ વાતો કરી. એકબીજાના જીવનની ખાસકરીને પોતપોતાના બાળપણની કેટલીક મહત્ત્વની વાતો શેર કરી. જો કે સુંદરીએ હજી પણ તેના પિતાના સ્વભાવ કે જયરાજ દ્વારા તેની સાથે લગ્ન કરવાના પ્રયાસો વિષેની હકીકત વરુણથી છુપાવવાનું જ પસંદ કર્યું કારણકે જો વરુણ આ બધું સાંભળીને ગુસ્સે થઈને કોઈ એવું પગલું ઉપાડી લે તો બાજી બગડી જાય એમ હતું. પણ હા, સુંદરીએ એમ જરૂર નક્કી કરી લીધું હતું કે એક ખાસ સમયે તે આ વાત વરુણને ચોક્કસ કરશે. એ સમયે જ્યારે તે મનોમન વરુણ સાથે પોતાની બાકીનું જીવન પસાર કરવાનો નિર્ણય લઇ લેશે.

“ડેઝર્ટ પણ છે હોં?” બંને જણાએ સર્વિંગ બાઉલમાં હાથ સ્વચ્છ કરી લીધા બાદ વરુણે સુંદરીને કહ્યું.

“યસ, આઈસ્ક્રીમ મારી બહુ મોટી નબળાઈ છે! એમાં પણ ચોકલેટ આઈસ્ક્રીમ... અમમમ...” સુંદરીએ આંખો બંધ કરીને જાણેકે અત્યારે એ ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ રહી હોય એવું વર્તન કર્યું.

વરુણ હસી પડ્યો તો એને જોઇને સુંદરીએ પણ મુક્ત હાસ્ય કર્યું. બંને આઈસ્ક્રીમવાળા સર્વિંગ ટેબલ પર પહોંચ્યા જ્યાં સુંદરીનો પસંદગીનો ચોકલેટ આઈસ્ક્રીમ પણ હતો એટલે વરુણે બે-બે સ્કૂપ્સ ઓર્ડર કર્યા. વરુણે એક સ્કૂપ સુંદરીને આપ્યો તો બીજો પોતે હાથમાં લીધો. આઈસ્ક્રીમના ટેબલ પાસે જ બંને આઈસ્ક્રીમ ખાતાં ખાતાં ફરીથી વાતોએ વળગ્યાં.

આઈસ્ક્રીમ ખાઈ લીધાં બાદ વરુણે ફ્લોર મેનેજરને ઈશારો કર્યો, ફ્લોર મેનેજર આવતાની સાથેજ વરુણે પોતાના વોલેટમાંથી ક્રેડિટકાર્ડ કાઢીને એને આપ્યું જેને લઈને ફ્લોર મેનેજર પેમેન્ટ્સના ટેબલ તરફ ચાલવા લાગ્યો. સુંદરી અને વરુણ ફ્લોર મેનેજરની પાછળ દોરવાયા.

“તમે બીલ ચેક ન કર્યું?” સુંદરીએ પ્રશ્ન કર્યો.

“જે આવે તે. આપણે પેટભરીને જમ્યાં છીએ એના સંતોષથી વધુ તો નહીં જ હોય.” વરુણે સ્મિત સાથે કહ્યું.

“ઓહો! શું વાત છે! બહુ મોટી વાત કરી દીધી તમે” કહીને સુંદરી હસી પડી.

જવાબમાં વરુણે પણ સુંદરીની મશ્કરી સમજી લેતાં હાસ્ય કર્યું.

પેમેન્ટ્સના ટેબલ પર જઈને વરુણે POSમાં પોતાનો PIN દાખલ કર્યો અને પેમેન્ટ રિસીપ્ટ પર સાઈન કરી દીધી. સુંદરીએ એ રિસીપ્ટ પર અછડતી નજર નાખી જેમાં ટોટલ 3200 દેખાડી રહ્યું હતું અને તેની આંખો પહોળી થઇ ગઈ. પણ પછી વિચાર્યું કે ફાઈવસ્ટાર હોટેલના બફે લંચનું મૂલ્ય આટલું હોવું એ સામાન્ય છે અને તેણે અત્યારે વરુણની લાગણીનું પણ સન્માન કરવું જોઈએ.

“જઈએ?” વરુણે કરેલા પેમેન્ટના વિચારોના ખોવાયેલી સુંદરીને વરુણેજ વર્તમાનમાં પરત લાવી.

“હા ચોક્કસ. જઈએ!” સુંદરીએ સ્મિત સાથે જવાબ આપ્યો.

બંને ફરીથી વાતો કરતાં કરતાં લિફ્ટમાં પ્રવેશ્યાં અને લિફ્ટ પાર્કિંગમાં આવતાં જ વરુણની કાર પ્રત્યે ચાલીને બંને તેમાં બેઠાં. વરુણ કાર સ્ટાર્ટ કરે એ પહેલાં જ એનો સેલફોન રણક્યો. મોબાઈલ સ્ક્રિન પર ચમકી રહેલા ફોન નંબર અને નામને વાંચીને વરુણની આંખો પહોળી થઇ ગઈ.

“સોરી, મારે આ કૉલ રિસીવ કરવો પડશે.” વરુણે સુંદરી સામે જોઇને કહ્યું.

“પ્લીઝ!” સુંદરીએ પોતાના હાથના ઈશારે વરુણને મંજૂરી આપી.

અને વરુણે કૉલ રિસીવ કર્યો.

“યેસ સર! યેસ... યેસ... જી... ઓકે!! વાઉ! આઈ મીન થેન્ક્સ! ઇટ્સ માય પ્લેઝર એન્ડ ઓનર સર! યસ આઈ વિલ બી ધેર બાય ટુમોરો આફ્ટરનૂન! થેન્ક યુ... થેન્ક યુ!!” આટલું કહીને વરુણે કૉલ કટ કર્યો.

સમગ્ર કૉલ દરમ્યાન વરુણના ચહેરાના હાવભાવ અને તેના અવાજનો સૂર જોતાં અને સાંભળતા સુંદરીને એ ખ્યાલ તો આવી ગયો હતો કે વરુણને કોઈ અત્યંત આનંદના સમાચાર મળ્યાં છે અને હવે તેણે જ્યારે કૉલ કટ કર્યો છે ત્યારે સુંદરીને એ કૉલ કોનો હતો અને વરુણ કેમ આટલો બધો આનંદ થયો છે એ જાણવાની ઉત્કંઠા વધી ગઈ.

વરુણ કૉલ કટ કરીને અને બહારની તરફ જોઇને “યેસ્સ્સ!” બોલ્યો અને પોતાના બંને હાથની મુઠ્ઠીઓ વાળીને તેને ઉપરથી નીચે તરફ એકસાથે ખેંચી અને પછી પોતાની હથેળીમાં મોઢું ઢાંકી દીધું.

“શું થયું? અચાનક આટલા બધા ખુશ થઇ ગયા? એવા તે કેવા સમાચાર તમને મળ્યા વરુણ? મને તો કહો?” વરુણના કૉલ કટ કર્યા બાદના વર્તનથી સુંદરીની ઉત્કંઠા હવે ચરમસીમાએ પહોંચી ગઈ હતી.

પરંતુ વરુણ અચાનક જ રડવા લાગ્યો. એનો ચહેરો એની બંને હથેળીઓમાં છુપાવીને અને હથેળીઓને કારના સ્ટીયરીંગ પર મુકીને વરુણ ખૂબ રડવા લાગ્યો, ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો. આ જોઇને સુંદરીની પેલા કૉલ વિષે જાણવાની ઉત્કંઠા અચાનક જ ગુમ થઇ ગઈ અને હવે તેને વરુણની ચિંતા થવા લાગી, પણ એ ચિંતા કરે તો પણ શેની? તેને તો ખબર જ ન હતી કે વરુણ આટલો બધો ખુશ થવા સાથે અચાનક આટલું બધું રડવા કેમ લાગ્યો?

“શું થયું વરુણ? તમે અચાનક કેમ રડવા લાગ્યા?” સુંદરીએ ચિંતાતુર સ્વરમાં વરુણને પૂછ્યું.

સુંદરીને વરુણની ફિકર થવા લાગી તેણે વરુણને શાંત કરવા તેની પીઠ પર હાથ ફેરવવા પોતાનો હાથ પણ લંબાવ્યો પણ અચાનક જ તેના મનમાં કશુંક એવું આવ્યું કે તેણે પોતાનો હાથ પરત ખેંચી લીધો. તો બીજી તરફ વરુણનું રુદન આ બધાથી અજાણ હતું અને તે વગર રોકાયે ચાલી રહ્યું હતું. સુંદરીની અવઢવ વધવા લાગી તેને ખ્યાલ નહોતો આવી રહ્યો કે તે આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે.

“વરુણ કશું બોલશો? જુઓ મને ખૂબ બીક લાગે છે. શું થયું? પ્લીઈઈઈઝ!” સુંદરીએ આમ કહ્યું તો ખરું પણ હવે અચાનક જ તેનો જમણો હાથ વરુણની પીઠ પર પહોંચી ગયો.

સુંદરી વરુણના માથાના વાળથી તેની સમગ્ર પીઠ પર પોતાનો હાથ ફેરવવા લાગી. વરુણને પણ હવે ધીમેધીમે પરિસ્થિતિનું ભાન થવા લાગ્યું અને ધીમેધીમે તેણે પોતાનું રુદન ઓછું કરવાનો પ્રયાસ કર્યો. છેવટે વરુણ થોડો શાંત થયો. પરંતુ સુંદરી હજી પણ વરુણની પીઠ પર પોતાની હથેળી અત્યંત લાગણીવશ થઈને ફેરવી રહી હતી. તેના સુંદર ચહેરા પર ચિંતા પણ હતી.

વરુણે ભીની આંખે સુંદરી સામે જોયું. વરુણની આંખો ભીની હતી પરંતુ તેના હોઠ સ્મિત વેરી રહ્યા હતાં. પરંતુ અત્યારસુધી વરુણની ચિંતામાં તેની પીઠ પર હાથ ફેરવી રહેલી સુંદરીની ત્વરિત પ્રક્રિયા એવી થઇ જેનો વિચાર કદાચ સુંદરીએ પણ નહોતો કર્યો.

સુંદરીએ પોતાનો જમણો હાથ વરુણના ચહેરા તરફ લંબાવ્યો અને...


==:: પ્રકરણ ૮૩ સમાપ્ત ::==