સુંદરી - પ્રકરણ ૮૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૮૨

બ્યાંશી

જેવી સુંદરી વરુણની કાર નજીક આવી એટલે વરુણે હાથનો ઈશારો કરીને તેણે બીજી તરફ ખોલેલા દરવાજામાંથી કારમાં બેસવાનું કહ્યું. સુંદરીએ પણ એનું સદા ઘાયલ કરતું સ્મિત કરીને વરુણને હા પાડી અને વરુણના મોઢામાંથી ફરીથી ઉચ્છવાસ નીકળી ગયો.

“આઈ હોપ કે હું મોડી નથી પડી.” કારમાં બેસતાં વેંત સુંદરીએ પૂછ્યું.

“ના બિલકુલ નહીં. તમે ઓન ટાઈમ છો!” વરુણે આદત અનુસાર પોતાના અંગુઠેથી ઈશારો કર્યો.

સુંદરીએ પાછળ વળીને પોતાની તરફનો દરવાજો બંધ કર્યો.

“તમે કહ્યું હતું કે એક સરપ્રાઈઝ છે જે આપણે મળીએ ત્યારે જ કહેશો, તો શું છે એ સરપ્રાઈઝ?” સુંદરી આટલું કહીને આસપાસ જોવા લાગી.

“તમે જેમાં બેઠાં છો એ જ સરપ્રાઈઝ છે.” વરુણે વળતો જવાબ આપ્યો.

“અરે વાહ! ન્યૂ કાર? મને પહેલાં ખબર હોત તો કારને બરોબર જોઇને જ અંદર બેસતને?” સુંદરીએ હવે કારને જીણવટથી જોવાનું શરુ કર્યું.

“કશો વાંધો નહીં, રેસ્ટોરન્ટ પર પહોંચીએ પછી જોઈ લેજો!” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો.

“કારના ફિચર્સમાં તો મને ખબર ન પડે પણ અંદરથી તો સરસ છે. કુલિંગ પણ મસ્ત છે.” સુંદરીએ સમગ્ર કારનું નિરીક્ષણ કરીને કહ્યું.

“થેન્ક્સ, મારી પહેલી કમાણીની કાર!” વરુણ બોલ્યો.

“વાઉ! એની મજા જ કાંઇક અલગ હોય છે ને? મેં પણ મારું હોન્ડા મારી ફર્સ્ટ ઇન્કમમાંથી જ લીધું છે.” સુંદરી વરુણની વાત સાથે સહમત થતાં બોલી.

“યસ. તો નીકળીએ?” વરુણે કાર સ્ટાર્ટ કરતાં સુંદરીની મંજૂરી માંગી.

“શ્યોર!” સુંદરી હસી પડી.

થોડો સમય સુંદરી અને વરુણ ચૂપ રહ્યાં. વરુણ ડ્રાઈવ કરતો કરતો પોતાની આંખોના જમણાં ખૂણેથી થોડી વારે સુંદરીને જોઈ લેતો હતો. તો સુંદરી બારીની બહાર જોઇને વરુણ સાથે આગળ કઈ વાત કરે એ અંગે વિચારી રહી હતી.

“બાય ધ વે, તમે જીન્સ-ટીશર્ટ પણ પહેરો છો એ આજે જ ખબર પડી.” છેવટે વરુણે મૌન તોડ્યું અને હિંમત કરીને સુંદરીના આજના પહેરવેશ વિષે પહેલીવાર ટિપ્પણી કરી.

“હા, પપ્પા નથીને ઘરે એટલે. એ એમના એસોસીએશનની મિટિંગમાં ગયા છે એટલે છેક સાંજે આવશે. એ હોય તો મારાથી વેસ્ટર્ન ડ્રેસિસ પહેરવાનો વિચાર પણ ન થાય.” સુંદરીએ સ્મિત સાથે વરુણ સામે જોઇને કહ્યું.

“હમમ...” વરુણે માત્ર આટલો જ જવાબ આપ્યો.

“આઈ હોપ કે હું આમાં સાવ બાઘ્ઘા જેવી નહીં લાગતી હોઉં.” સુંદરીએ વરુણ સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું.

સુંદરીને પોતાના પહેરવેશ અંગે અને પોતે આ જીન્સ અને ટીશર્ટમાં કેવી લાગે છે એ અંગે વરુણનો અભિપ્રાય જોઈતો હતો.

“નોટ એટ ઓલ! તમે એકદમ અલગ લાગો છો આમાં.” વરુણે જવાબ આપ્યો.

“ઓક્કે, અલગ દેખાઉં છું, પણ સારી નથી દેખાતી એમને?” સુંદરીએ હવે વરુણને પોતે કેવી લાગે છે એ સ્પષ્ટપણે કહેવાનો ફોર્સ કર્યો.

“અરે! ના ના, યુ લુક ગોર્જીયસ, એઝ...” વરુણે વાક્ય પૂરું ન કર્યું.

વરુણને અચાનક જ ખ્યાલ આવી ગયો કે ક્યાંક એના વખાણ સુંદરીને કોઈ બીજો અર્થ કાઢવા માટે મજબુર ન કરે એટલે એ અટકી ગયો.

“આવા અધૂરા વખાણ ન ચાલે દોસ્ત! વરુણ મારાથી ડરવાનું હવે બિલકુલ બંધ કરી દો. મારે સાવ બદલાઈ જવું છે અને એ માટે તમારે પણ તમારું મન મુક્ત કરી દેવું પડશે. તમે મને જે કહેશો એ સાંભળીને જરાય ખોટું નહીં લાગે, સો પ્લીઝ બી ફ્રેન્ક!” સુંદરીએ વરુણ સામે હવે ટીકીટીકીને જોયું.

“અને જો ક્યારેય પણ ખોટું લાગે તો મને સાફ કહી દેજો. દોસ્તીનો આ પણ એક નિયમ છે જ. જો મારી ભૂલ હશે તો મને સ્વીકારવાનો કોઈજ વાંધો નહીં હોય.” વરુણ બોલ્યો.

“શ્યોર! તો હવે મારા અધૂરા વખાણ પૂરાં કરશો?” સુંદરી હસી પડી.

“યા, યુ લુક ગોર્જીયસ, એઝ ઓલ્વેઝ! એક્સ્ટ્રીમલી એટ્રેક્ટિવ!” વરુણે હવે કોઈજ કચાશ ન છોડી.

એટલામાં વરુણે નક્કી કરેલી સ્ટાર હોટેલ આવી ગઈ. વરુણે કાર સીધી જ હોટેલના બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં જ લઇ લીધી. વર્કિગ ડે અને બપોરનો સમય હોવાથી અહીં ઘણીબધી ખાલી જગ્યાઓ હતી તેમાંથી એક જગ્યા પસંદ કરીને વરુણે પોતાની કાર પાર્ક કરી દીધી.

સુંદરી અને વરુણ કારની બહાર આવ્યાં અને ત્યારબાદ સુંદરીને વરુણે કારને બહારથી પણ દેખાડી અને કારના વિવિધ ફિચર્સ વિષે પણ માહિતી આપી. સુંદરી વરુણની કાર જોઇને ઈમ્પ્રેસ થઇ ગઈ હોય એવું એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું.

“જઈએ?” સુંદરી કારને હજી પણ ધ્યાનથી જોઈ રહી હતી ત્યારે વરુણે કહ્યું.

“હા ચાલો!” સુંદરીએ વરુણને આગળ વધવાનો ઈશારો કર્યો.

સુંદરી વરુણ પાછળ ચાલવા લાગી અને બંને એમણે પાર્ક કરેલી કારથી થોડે દૂર આવેલી લિફ્ટમાં પ્રવેશ કર્યો અને વરુણે થર્ડ ફ્લોરનું બટન દબાવ્યું અને લિફ્ટના દરવાજા બંધ થયા અને લિફ્ટ ઉપરની તરફ સરકવા લાગી. જ્યાં સુધી લિફ્ટ ત્રીજા માળે ન પહોંચી ત્યાં સુધી સુંદરી અને વરુણ બંને મૌન રહ્યાં. ત્રીજો માળ આવતાંની સાથેજ લિફ્ટના દરવાજા ખુલ્યાં.

“લેડિઝ ફર્સ્ટ!” વરુણે ઝૂકીને સુંદરીને બહાર જવાનો ઈશારો કર્યો.

“ઓહ! થેન્ક્સ!” સુંદરી હસી પડી અને બહાર નીકળી.

લિફ્ટ સીધી રેસ્ટોરન્ટમાં જ ખુલી હતી. સામે જ ટેબલો અને ખુરશીઓ હતી. વર્કિંગ ડે હોવાથી ભીડ તો દૂરની વાત ફક્ત એકાદ-બે વ્યક્તિઓ જ રેસ્ટોરન્ટમાં બેઠાં હતાં, જાણેકે હોટલના ગેસ્ટ જ જમી રહ્યા હોય અને બહારથી ફક્ત સુંદરી અને વરુણ જ આવ્યાં હોય એવું લાગી રહ્યું હતું.

“હેલ્લો સર! વી આર ઓનર્ડ ટુ હેવ યુ હિયર મિસ્ટર વરુણ. હાઉ કેન આઈ હેલ્પ યુ?” સુંદરી અને વરુણના થોડે દૂર ચાલવાની સાથેજ ફ્લોર મેનેજર વરુણની નજીક આવ્યો અને તેણે પૂછ્યું.

“લંચ!” વરુણે ફક્ત એટલુંજ કહ્યું.

“વી હેવ બફે ટુ સર, વુડ યુ લાઈક ટુ ટ્રાય ધેટ?” ફ્લોર મેનેજરે પૃચ્છા કરી.

“બફે ચાલશે?” વરુણે સુંદરી સામે જોઇને તેને પૂછ્યું.

“હા, એ જ ચાલશે.” સુંદરીએ મંજૂરી આપી.

“ઓકે, વી વુડ લાઈક ટુ હેવ બફે ઓન્લી.” વરુણે ફ્લોર મેનેજરને કહ્યું.

“પ્લીઝ પ્રોસીડ સર.” ફ્લોર મેનેજરે બફે માટે લાઈનસર મુકવામાં આવેલા ભોજન તરફ ઈશારો કર્યો.

“કેન વી ફર્સ્ટ સીટ ફોર અ વ્હાઈલ એન્ડ ધેન હેવ અવર લંચ ઇફ યુ ડોન્ટ માઈન્ડ?” વરુણે ફ્લોર મેનેજરને પૂછ્યું.

“ઓફકોર્સ નોટ સર, પ્લીઝ ફિલ એટ હોમ.” ફ્લોર મેનેજરે હસીને હા પાડી.

“વન મોર થિંગ...” આટલું કહીને વરુણે ફ્લોર મેનેજરના કાનમાં કશું કહ્યું.

સુંદરી આશ્ચર્યથી બન્નેને જોવા લાગી.

“શ્યોર સર, ધેટ વિલ બી ટેકન કેર!” ફ્લોર મેનેજરે પોતાનું માથું ઝુકાવીને વરુણને કહ્યું.

“ચાલો, થોડીવાર બેસીયે, પછી જમવાનું શરુ કરીએ.” વરુણે સુંદરીને નજીકના ટેબલ પર બેસવાનું કહ્યું.

સુંદરી વરુણના કહેલાં ટેબલ કરતાં થોડે દૂર અને જ્યાં ભોજન પીરસાયેલું હતું તેનાથી થોડું નજીક જે ખાલી ટેબલ હતું એ તરફ ચાલી અને ત્યાં રાખેલી એક ખુરશી પર બેઠી. વરુણ પણ સમજી ગયો કે બફે હોવાથી ખાવાની વસ્તુઓ લેવા માટે વારંવાર ઉઠવું પડશે અને એટલેજ સુંદરીએ આ ટેબલ પસંદ કર્યું છે.

“શું કહ્યું તમે પેલાને?” વરુણના ખુરશી પર બેસવાની સાથેજ સુંદરીએ પ્રશ્ન કર્યો.

“મેં એને કહ્યું કે નો મિડિયા બિઝનેસ. મારે અહીં ક્વોલીટી ટાઈમ પસાર કરવો છે. જો મિડિયાવાળા કોઈ પણ રીતે અહિયાં આવી ગયા તો ભવિષ્યમાં હું તમારું રેસ્ટોરન્ટ કોઈને પણ રેકમેન્ડ નહીં કરું.” વરુણે સુંદરીના પ્રશ્નનો જવાબ આપ્યો.

“વાઉ! એક વાત કહું વરુણ?” સુંદરીએ ફરીથી વરુણને પ્રશ્ન કર્યો.

“શ્યોર, પ્લીઝ પૂછો.” વરુણને સુંદરી તેને હવે શું કહેશે ઈ જાણવાની તાલાવેલી થઇ.

“તમારામાં ઘણો ફરક આવી ગયો છે. આઈ મીન આઇપીએલ રમ્યા પછી અને એમાં સફળ થયા પછી. તમે મેચ્યોર તો પહેલાં પણ હતાં જ, પણ હવે તમારામાં સેલ્ફ-કોન્ફીડન્સ પણ આવી ગયો છે. આઈ લાઈક ઈટ!” સુંદરીએ પોતાનું ડોકું હલાવીને વરુણને કહ્યું.

“થેન્કયુ! તમે ઓબ્ઝર્વ કર્યું છે તો સાચું જ હશે. બાકી મેં મારા તરફથી કોઈ એવી ટ્રાય એટલેકે જાણીજોઈને આવું કશું કર્યું નથી.” વરુણે સુંદરીનો આભાર માનતાં માનતાં સત્યનો સ્વીકાર પણ કર્યો.

“એમ થવું કુદરતી છે વરુણ. સક્સેસ ઘણાને અભિમાની, રૂડ બનાવી દેતી હોય છે અને કેટલાકને એકદમ ઓનેસ્ટ, ડાઉન ટુ અર્થ અને કોન્ફિડન્ટ બનાવી દેતી હોય છે. આઈ એમ હેપ્પી કે તમે બીજો પ્રકાર પસંદ કર્યો.” સુંદરીએ વરુણના ફરીથી વખાણ કર્યા.

“સક્સેસ તો હજી મળી જ છે. મારે ઘણું એચીવ કરવું છે. ઇન્ડિયા માટે રમવું છે. નાનો હતો ત્યારથી જ એ મારો ગોલ રહ્યો છે. જ્યારે એ સ્ટેજ પર સક્સેસ મળશે ત્યારે જો હું આવોને આવો રહ્યો તો જ મને સંતોષ થશે.” વરુણે કહ્યું.

“મને વિશ્વાસ છે કે તમે ગમે તેટલા સક્સેસફૂલ થશો પણ તમારા મનમાં એની હવા જરાય નહીં ભરાય. હું તમને નહીં નહીં તો સાડાત્રણ વર્ષથી ઓળખું છું.” સુંદરીએ સ્મિત સાથે કહ્યું.

“સાડાત્રણ? જરાય નહીં, ફક્ત એક વર્ષ અને અમુક દિવસો જ.” વરુણે પણ સ્મિત કર્યું પણ તેનું સ્મિત તોફાની હતું.

“એટલે? હું સમજી નહીં.” સુંદરીને આશ્ચર્ય થયું.

“એક વર્ષ જ આપણે સાથે રહ્યા પછી તો અઢી વર્ષ ક્યાં આપણે એકબીજાને મળ્યાં જ હતાં. તમે અને હું અઢી વર્ષ દૂર થઇ ગયાં અને પછી છેક હમણાં દસેક દિવસ પહેલાં જ તો મળ્યાં અરુણામે’મના ઘરે? એટલે થયાને એક વર્ષ અને અમુક દિવસો?” વરુણના ચહેરા પરનું તોફાન હજી શમ્યું નહોતું.

“અરે! એમ.... હા એ બરોબર!” સુંદરી ખડખડાટ હસી પડી અને વરુણ તેને જોતો રહ્યો.

“ચાલો, તો હવે જમીશું? તમને જે મનમાં આવે એ જમશો, પ્લીઝ જરાય સંકોચ કરતાં નહીં.” વરુણે બફે જ્યાં પીરસવામાં આવ્યું હતું તે તરફ ઈશારો કરતાં સુંદરીને કહ્યું.

“હું તો કોઈજ સંકોચ નહીં કરું કારણકે મને તો બહુ ભૂખ લાગી છે, પણ તમારે તમારો એક સંકોચ આજે એટલેકે અત્યારેજ દૂર કરવો પડશે અને એ પણ કાયમ માટે.” સુંદરી ગંભીર થઈને બોલી.

“મારો સંકોચ? કયો સંકોચ?” વરુણનો તોફાની ચહેરો પણ ગંભીર થઇ ગયો.

સુંદરી વરુણના પ્રશ્નનો જવાબ આપે ત્યાંસુધીમાં તો વરુણના મનમાં પ્રશ્નોની વણઝાર લાગી ગઈ. બે ઘડી વરુણને લાગ્યું કે ક્યાંક તેણે કટાક્ષ કરીને સુંદરીને ગુસ્સે તો નથી કરીને? પછી તેને યાદ આવ્યું કે હજી અહીં આવતાં રસ્તામાં જ સુંદરીએ તેને કહ્યું હતું કે તેને કશું ખોટું લાગશે તો એ વરુણને કહી જ દેશે, તો પછી શું સુંદરી વરુણને સામેચાલીને તેની સમક્ષ પોતાના પ્રેમની કબુલાત ફરીથી કરવાનું કહેશે?

વરૂણનું મન આ બધાં સવાલોથી ચકરાવે ચડી ગયું હતું અને સાથેસાથે તે સુંદરી કયા સંકોચની વાત કરવાની છે એના વિષે પણ વિચારવા લાગ્યો.

==:: પ્રકરણ ૮૨ સમાપ્ત ::==