Parivar no prem - parivartan books and stories free download online pdf in Gujarati

પરિવાર નો પ્રેમ - પરિવર્તન

નારી ત્યાગની મૂરત - પુરુષ સંઘર્ષની સૂરત
પરિવારમાં મા નો વાત્સલ્ય પૂર્ણ ખોળો અને પિતા નો મજબૂત ખભો પરિવારને સ્નેહ, સંપ અને સમર્પિત બનાવે છે. ત્યાગ, બલિદાન, ઉદારતા અને જતું કરવાની વૃત્તિ "મા" પરિવારને જીવનભર અપેક્ષા વિના આપે છે. ગર્ભ થી મોક્ષ સુધી "મા" ની માવજત, મહેનત અને જહેમત અદ્વિતીય, અજોડ, અદભૂત અને અલૌકિક હોય છે અને તેનાથી સૌ કોઈ સુપેરે પરિચિત છીયે. સામાન્ય રીતે મૂરત - મૂર્તિ માં આપણૅ ભગવાન ને જોઈએ છીયે તેમ "માં" પણ ભગવાનથી કમ નથી. એટલે જ નારી એ સાચા અર્થમાં નારાયણી છે. નારી ના વિવિધ રૂપ ....માં, દિકરી, બેન, અર્ધાંગિની..સમગ્ર પરિવારને નવપલ્લિત કરે છે. સંબંધો નું સિંચન કરે છે. સંસ્કાર અને સંસ્કૃતિ નું જતન કરીને અકબંધ રાખે છે. સહનશીલતા અપનાવી સહનશક્તિની મિસાલ બને છે. તેના ત્યાગથી પરિવાર અને સમાજ ને ખુશીનો ખજાનો પ્રાપ્ત થાય છે. અસ્તિત્વનો અહેસાસ "માં" કરાવે છે. ઊગતા, પ્રગટ થતા અને ચાલતા કરવામાં "માં"
નો ફાળો સવિશેષ હોય છે.
હવે પુરુષ, પતિ, દીકરો, ભાઇ અને સન્માનીય પિતા ની વાત કરીએ તો જીવન ભર જેને સંઘર્ષને સાથીદાર બનાવ્યો છે. ચંદન જેમ ઘસાઈ ને શીતળતા આપે છે તેમ પરિવારનું શિર છત્ર પિતા પરિવાર માટે અકથ્ય વેદના, પીડા અને દુઃખ ને નજર અંદાઝ કરીને હંમેશા પારિવારિક સુખને પ્રાધાન્યતા આપે છે. સમગ્ર જીવન પરિવારને સાચવવા, સજાવવા અને સગવડ્યુક્ત બનાવવામાં અર્પિત કરી દે છે. કદાચ સૂરજ જેવો તાપ હશે પણ યાદ રાખજો સૂરજની ગેરહાજરી અંધકારને આમંત્રણ આપે છે. જાત ઘસીને, અથડામણ, અકળામણ અને ગૂંગળામણ ને સહન કરીને પરિવાર યાત્રાને સરળ અને સહજ રાખે છે.
આ નારાયણી સમાન નારી અને પરમેશ્વર સમાન પુરુષ ને તેની જીવનયાત્રામાં અને ખાસ કરીને તેમની ઉત્તરાવસ્થામાં આનંદમય અને સંતોષપ્રદ સ્થિતિમાં રહે તે જોવાની પવિત્ર ફરજ પરિવારના દરેક સભ્યની છે. આજ માતા - પિતા સંતાનોની આંખ બની ને દુનિયાના સર્વ સુખને સંતાનોની પરવરિશ મા અર્પણ કરી દે છે. સંતાનો ને ઉડવા માટે પાંખ પ્રદાન મા - બાપ કરે છે. આજ મા - બાપ ને તેમની ઉત્તરાવસ્થામાં જો આ જ સંતાનો સ્વર્ગના સુખની અનુભૂતિ ના કરાવે તો ફરજ ચૂક ગણાશે.
ભગવાન નું સર્જન પુરુષ અને નારી છે. આજના જમાના મા માતા - પિતા પરમેશ્વર છે તો સંતાનો પ્રભુના પયગમ્બર છે.
આ સમજ થી જીવતા આવડી જાય તો નારી નો ત્યાગ અને પુરુષનો સંઘર્ષ સદૈવ હદય મા અંકિત થઈ ને રહે છે.
જીવનયાત્રા મા પારિવારિક પ્રસન્નતા ને સદાય જાળવી રાખવા ત્યાગ ની ભાવના અને સંઘર્ષ નો સાક્ષીભાવ સૌના માનસપટ ઉપર રહે તેવી શુભેચ્છા.

પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે
પરિવર્તન, ફેરફાર, બદલાવ, હેરફેર, બદલવું, change....
પરિવર્તન સંસારનો નિયમ છે.
પરિવર્તન યુગ, કાળ અને સમય પૂરો થતાં સંભવે છે. પરિવર્તન દેહાંતર હોય, રૂપાંતર હોય કે દશાન્તર હોય. પરિવર્તન ત્રણ પ્રકારે થઈ શકે.
(૧) પરિસ્થિતિ બદલાય ત્યારે
(૨) કાર્યને કાર્યરીતિ બદલાય ત્યારે
(૩) સંસ્કારો આત્મસાત થાય ત્યારે
પરિસ્થિતિ સમયાંતરે બદલાતી જ રહે છે.વિકાસની સાથોસાથ કાર્યરીતિ પણ બદલાય છે. વારસામાં મળેલ સંસ્કાર રોજ બરોજ ની દિનચર્યામાં પ્રગટ થતા જ રહેવાના. જીવનની મઝા માણવી હોય તો પરિવર્તનને ખુલ્લા દિલે સ્વીકાર અને આવકાર આવશ્યક છે. સ્વ માંથી સર્વસ્વ થવા માટે મનમાં વિશ્વાસ સ્થાપિત કરવો પડે અને માનવું પડે કે મારી સ્થિતિ, મારા સંજોગો કે મારું ભવિષ્ય કોઈ બદલી ન શકે, એ ને માટે મારે જ સજાગ, સતર્ક, સાવચેત અને સાવધાન રહેવાની જરૂર છે.
પરિવર્તન સમયે સફળતા સુધી પહોંચવા માટે જાત ને સુધારવી પડે, હું છોડીને આપણૅ નો સ્વીકાર કરવો પડે. પરિવર્તનથી નવજીવન નો માર્ગ મળે છે અને નવરચના ની પ્રેરણા તથા પ્રોત્સાહન પ્રાપ્ત થયા છે.
પરિવર્તન જીવનનું સત્ય છે, તેમજ અનિવાર્ય પણ છે. પરિવર્તન એ પુનરાવર્તન જ નથી, સદાબહાર અને સુનિયોજિત થવાની પગદંડી છે. અસ્તિત્વનો પળ પળ અહેસાસ પરિવર્તનની પરિસ્થિતિ કરાવે છે. પરિવર્તન સમયે ધૈર્ય અને તપસ્યા જરૂરી છે, કેમકે જીવનમાં ઉદય અચાનક નથી થતો. જેમ સૂરજ ધીરે ધીરે નીકળી ને ઉપર ઉઠે છે તેમ પરિવર્તન નો માર્ગ જીવનમાં ધીરે ધીરે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, અંધકારમાંથી ઉજાસમાં અને પતન માંથી ઉન્નતિ તરફ લઈ જાય છે. પરિવર્તન ની પ્રક્રિયામાં પુરુષાર્થ અને પરાક્રમથી, સાહસ તથા સમર્પણથી સફળતાનું દ્વાર ખૂલે છે.
પરિવર્તન પોતાનામાં હોય, પરિવારમાં હોય, સમાજમાં હોય, વ્યવસાયમાં હોય કે દેશ - વિદેશમાં હોય તેને સમજ પૂર્વક અપનાવીને સિફતથી, સહજતાથી અને સરળતાથી પાર પાડવામાં જ શાણપણ છે.
આપ સૌને જીવનયાત્રામાં પરિવર્તન પ્રગતિ ના દ્વાર ખોલી આપે તેવી પ્રભુ પ્રાર્થના.
આશિષ શાહ
9825219458
કૉમેન્ટ્સ લખતા રહો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED