જેટલું થાય એટલું તો કરોજ Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેટલું થાય એટલું તો કરોજ

વેદ, વેદના, સંવેદના અને અનુમોદના

વેદ એટલે મહાન ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક હિંદુ સનાતન ધર્મ નું જ્ઞાન વેદ દ્વારા પ્રાપ્ત થાય છે. વેદ જ્ઞાનનું પ્રવેશ દ્વાર છે. વેદના એટલે પીડા, અવરોધ અને યાતના. સંવેદના એટલે અન્યની વેદના પ્રત્યે કુદરતી રીતે ઉત્પન્ન થતો દયા, કરુણા અને સહાનુભૂતિ નો ભાવ. જયારે અનુમોદના એ સહાનુભૂતિ નો આનંદ છે, મદદનો મલકાટ છે, સહાય નો સદભાવ છે અને ટેકા ની ઈશ્વરે પ્રદાન કરેલી તાકાત છે.
આમ જીવનયાત્રા મા જ્ઞાન થી વેદના ઉપર સંવેદના નું પ્રાગટ્ય થાય છે અને અનુમોદના માટે ની સુખદ અનુભૂતિ થાય છે.
મિત્રો, પ્રભુ પ્રત્યેની આસ્થા અને સાચા હદયની પ્રાર્થના માનવીને સંવેદનશીલ બનાવે છે તેમજ અનુમોદના કરવા માટેનો અધિકારી બનાવે છે. હવે માનવે વિચારવાનું છે કે સર્વેશ્વર કે જે માનવને ગણ્યા વિના આપે છે અને પામર માનવ તેનું નામ સુમિરન પણ ગણી - ગણી ને કરે છે. જો હવા મૌસમ ની રૂખ બદલી શકતી હોય તો પ્રભુની દુવા અને કૃપા મુસીબત ની ક્ષણો ને ચોક્કસ બદલી શકે છે. સૂરજ ઊગે અને માનવ જીવન ને જગાડે એ જ પરમ કૃપાળુ પરમેશ્વર છે.
મિત્રો, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય નો સુભગ સમન્વય થાય તો આત્મચિંતન માટે નું આત્મબળ પ્રાપ્ત થાય છે અને એ આત્મબળ
થી આત્મકલ્યાણ નો માર્ગ પ્રાપ્ત થાય છે. જ્ઞાન માનવને વ્યસ્ત રાખે છે. સંવેદના માનવ ને મસ્ત રાખે છે અને અનુમોદના ની ભાવના માનવ ને જબરજસ્ત રાખે છે.
મિત્રો, સુખ આપણામાં કેટલી નબળાઈ છે એ બતાવે છે અને દુઃખ તથા પીડા એ દર્શાવે છે કે આપણામાં કેટલી સહન શક્તિ છે . એક અદભૂત સંદેશ જોઈએ.....કોઈએ પૂછ્યું કે પાપ, પુણ્ય અને કર્મ વચ્ચે શું તફાવત કે ભેદ છે ? માણો..સુંદર જવાબ..
પુણ્ય એટલે ડેબિટ કાર્ડ છે, જેમાં પહેલા ચૂકવો અને પછી આનંદ કરો. પાપ એટલે ક્રેડિટ કાર્ડ છે, પહેલા આનંદ કરો અને પછી ભોગવો અથવા ચૂકવો.
જ્યારે કર્મ એક એવું રસોઈ ઘર છે જેમાં ઓર્ડર નથી ચાલતો, પરંતુ જે આપણે રસોઈ કરી હોય તે જ આપણ ને પીરસાય છે.
સુખી થવાનું પંચામૃત ....
(૧) માફ કરવાનું અને ભૂલવાનું શીખો.
(૨) ક્ષમતા નો સંપૂર્ણ ઉપયોગ કરો.
(૩) કીર્તિના ભિખારી ના બનો.
(૪) ધ્યાન, પ્રાર્થના નિયમિત કરો.
(૫) વ્યસ્ત, મસ્ત અને જબરજસ્ત રહો.
મિત્રો, પ્રભુ પ્રાર્થના ની સુંદર પંક્તિ થી સમાપન કરીએ
"કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘરને મારું ઘર થવા દે,
ઘણી મહેનત કરી છે જિંદગીભર,
હવે પરસેવા ને અત્તર થવા દે."
શુભેચ્છા અને શુભકામના સહ,

વિષય 2 :
માતૃભાષાનું ગૌરવ અને રાષ્ટ્રભાષાની ગરિમા

દર વર્ષનો ૨૧મી ફેબ્રુઆરી એટલે ગૌરવવંતો માતૃભાષા દિન. આપણી પોતાની પોતીકી ગુજરાતી ભાષા આપણા સૌને ભીતરની લીલીછમ લાગણીનો અહેસાસ અને અનુભૂતિ કરાવે છે. મા, માતૃભૂમિ અને માતૃભાષા માનવ જીવનમાં સવિશેષ સ્થાન ધરાવે છે તે એક સ્વાભિમાનની વાત છે. દરેક વ્યક્તિના અંતરમાં મા નું વાત્સલ્ય, માતૃભૂમિની મહાનતા અને માતૃભાષાની મીઠાશ રોમ રોમ માં વ્યાપ્ત હોય છે.
મિત્રો, દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો માનવી પોતાની માતૃભાષાને ભૂલી શકતો નથી. એવું કહેવાય છે કે કોઈ પણ ભાષાનો ઉપયોગ કરતા માનવીને મન - મસ્તકમાં જે વિચાર આવે તે પ્રથમ પોતાની માતૃભાષામાં જ આવે અને ત્યાર બાદ તે જે તે ભાષામાં પરિવર્તિત થાય છે. બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત છે પણ માતૃભાષા નો ભાવ હદયમાંતો એનો એજ રહે છે. આજકાલના સ્પર્ધાત્મક અને આધુનિક યુગમાં બાળકોને ઇંગ્લિશ માધ્યમમાં ભણાવવા નો અભરખો વધી ગયો છે. ઇંગ્લિશમાં બોલવું એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. જે ને ઇંગ્લિશ ના આવડે એને નાનમ અને ભોંઠપ ની અનુભૂતિ થાય તેવી આજના જમાનાની તાસીર છે. આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીએ છીયે પરંતુ જાપાન, રશિયા, ઈઝરાઈલ અને ફ્રાન્સ જેવા વિકસિત દેશોમાં પોતાની ભાષાનું જ વિશિષ્ટ મહત્વ છે. તેઓ ને દેશમાં અને તેમના દેશ બહાર પોતાની પોતીકી ભાષા બોલવામાં જરાય ક્ષોભ નથી થતો. અરે ઉપરથી પોતાની ભાષા બોલવામાં ગૌરવ મહેસૂસ કરે છે. પોતાની ભાષામાં જ દરેક પ્રકારના જ્ઞાન ગ્રંથોને તેમને તેમના નાગરિકો માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
મિત્રો, મહાન ભારત દેશ ના સૌ ગુજરાતી માટે ગુજરાતી આપણી માતૃભાષા છે અને હિન્દી રાષ્ટ્રભાષા છે. ઇંગ્લિશ ભાષા જાણવી જરૂરી છે પણ ગુજરાતી ભાષા જાણવી ફરજીયાત છે. ગુજરાતી ભાષા આપણી મા છે, જયારે ઇંગ્લિશ ભાષા એ માસી છે. જો આપણા બાળકો આપણી માતૃભાષા ગુજરાતી લખતાં, વાંચતા અને બોલતા નહી શીખે તો કાળક્રમે ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે.
માતૃભાષાનું સંવર્ધન કરવાનું, તેની જાળવણી કરવાનું અને તેને સમૃદ્ધ કરવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે.
મિત્રો, ઘરમાં વાત કરવાની ભાષા માતૃભાષા જ હોવી જોઈએ જેથી બાળકો માતૃભાષાના વૈભવથી પરિચિત થાય. પરદેશમાં વસતા ભારતીય મા - બાપ ના બાળકો ને માતૃભાષા શીખવવા ના પ્રયાસો કરવામાં આવે છે એ ખરે ખર સ્વાગત યોગ્ય છે. અમેરિકામાં ૫૦ થી વધુ વર્ષથી વસતા શ્રી કિરીટભાઇ નાથાલાલ શાહ જે વ્યવસાયે સ્ટ્રકચરલ એન્જિનિયર છે અને કોરોનાને કારણે હાલમાંજ હદયસ્થ થયા છે. તેમને પોતાની જિંદગી ના અમૂલ્ય વર્ષો ભારતીય મા - બાપ ના સંતાનો ગુજરાતી અને હિન્દી શીખે તેનાથી પરિચિત થાય તે માટે સર્વોત્તમ કાર્ય કર્યું છે. પુસ્તક અને ઓડિયો - વિડિયો ના માધ્યમથી બાળકો અને મોટાઓ ગુજરાતી અને હિન્દી શીખે તે પ્રકાશિત, પ્રસારિત અને પ્રચારિત કરવાનું ઉમદા કાર્ય તેમના જીવન કાળ દરમ્યાન કર્યું છે. આવા તો ઘણા માતૃભાષા ના ઉપાસકો એ માતૃભાષા ના સંવર્ધન ની પ્રશંશનીય કામગીરી કરી છે.
સૌ માતૃભાષા ના પરમ આદરણીય ઉપાસકો ને માતૃભાષા નું જતન કરવા માટે કોટી કોટી નમન - વંદન અને પ્રણામ.
મિત્રો, આપણાં ગુજરાત રાજ્યમાં માતૃભાષા અભિયાન જેવી સંસ્થા ગુજરાતી ભાષા માટે સુંદર કામગીરી કરે છે, પરંતુ એ પૂરતી નથી. આપણે બધા એ સ્વૈચ્છિક રીતે માતૃભાષા ના જતન અને સંવર્ધન ના કાર્ય મા તન મન - ધન થી જોડાઈ જવું જોઈએ. આજના માતૃભાષા દિન નો એક જ સંદેશ ....દેશ - વિદેશમાં વસતા તમામ ગરવા ગુજરાતી ગૌરવપૂર્ણ રીતે માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દી લખવા, વાંચવા અને બોલવાથી પરિચિત હોવા જોઈએ. આ સોહામણું સ્વપ્ન જ્યારે વાસ્તવિકતામાં પરિણમશે ત્યારે ચોક્કસ મહાન ભારત દેશ વિશ્વ ગુરુ બનશે તેવી આશા અને શ્રદ્ધા સાથે માતૃભાષા ને વંદન કરું છે.
સૌને માતૃભાષા દિન નિમિત્તે અભિનંદન.
મિત્રો તમને ખબર છેં કે હું સિવિલ ઈજનેર છૂ પણ માતૃભારતી. કોમ એ અત્યારે મારું અગત્યનું જીવન નો એક ભાગ બની ગયું છેં, સવારે ઉઠતાની સાથે માતૃભારતી. કોમ જ ખુલે છેં
આશિષ
9825219458
Educational Trainer