('યશ્વીને થોડો સમય આપવો જોઈએ' એવું કહીને સાન્વી સોનલ અને નિશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. દેવમે યશ્વીને સમજાવી પણ આખરે તેના નામની વેબસાઈટ પર લખવા માટે મનાવી લીધી. યશ્વીએ પરી માટે એક મ્યુઝિકલ પ્લે લખ્યું અને તે પર્ફોમ થવા જઈ રહ્યું છે. હવે આગળ...)
એક નાનકડું બાળક રમતાં રમતાં પડી જાય અને વાગે તો સૌથી પહેલાં તેને મમ્મી યાદ આવે. મમ્મીને બોલાવા માટે તે રોવા લાગે, અને જયારે તેને રોવાનો અવાજ સાંભળીને મમ્મી બધું જ કામ છોડીને તેની પાસે આવી ને તેના ધ્યાનને એ બીજી બાજુ વાળી લે, એમ કહો કે, ફોસલાવી દે. બાળક ચૂપ થઈને પાછો રમવા લાગે. એ જ બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તેની આદત આ જ રહે છે. ખાલી એને ફોસલાવનાર બદલાઈ જાય છે. પછી ભલેને તે ગેમમાં હાર્યો હોય કે કોમ્પીટીશનમાં હારી જાય કે પછી એકઝામમાં ફેલ થઈ જાય.
એમજ યશ્વી પણ જોડે એવું જ થયું. સોહમના ગયા પછી જે રીતે 'સોહમ ક્રિએશન' જોડે જ નહીં પણ નાટકો લખવાથી દૂર થઈ ગઈ હતી. પણ દેવમના લીધે જ લખવાથી દૂરના થઈ.
હવે, યશ્વીએ લખેલું નાટક આજે પરીની સ્કુલમાં પ્રેઝન્ટ થવાનું હતું અને તે જોવા આવ્યા હતા.
' એક વરદાન આપી દે!
(સ્ટેજ પર ગીતની બે કડીઓ વાગે છે. અને મંદિરમાં એક ડોશી આંખો બંધ કરીને ભગવાન સામે બેઠેલી છે.-
'તું મને ભગવાન એક વરદાન આપી દે,
જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.'
- આંખોમાં આસું પડી રહ્યા છે. ત્યાં વોકિંગ સૂટ પહેરીને એક યુવતી આવે છે.)
યુવતી: "એય ડોશલી, સાંભળતી જ નથી. સવાર સવારમાં શું આ નાટક માંડયા છે. કયાં સુધી મંદિરમાં બેસી રહેશો. કામ ના કરવાના નાટક છે તે. અને આ કામ કોણ કરશે?"
ડોશી(ઊભા થતાં): "હમણાં પૂજા પાઠ પતી જશે. પછી કામ કરી દઉં છું, બેટા."
યુવતી: "એ બધાં નાટક કામના સમયે નહીં કરવાના. છાનામાના નાસ્તો રેડી કરી દો, જાવ."
ડોશી: "પણ મારે દીવા અને પૂજા કરવાની બાકી છે. હજી તો સવારના છ વાગ્યા છે. કોઈ ઉઠયું પણ નથી. હમણાં પૂજા પતાવીને બનાવી દઈશ."
યુવતી(મનમાં): "મારી આ યુક્તિ તો નકામી સાબિત થઈ. કંઈ વાંધો નહીં.
(જોરથી) તો પછી આ ઘરના કામ કોણ કરશે. ચાલો કરવા માંડો."
(એવામાં યુવક આવે છે.)
યુવક: "એય ડોશી, તને ખબર છે ને કે કોશા કહે તેમ જ કરવાનું. ઝઘડા ના લીધે સવાર સવારમાં શું કામ મારી ઊંઘ બગાડે છે."
(યુવતીને) "અરે, ડાર્લિંગ તું તૈયાર છે ને. આપણે વૉક પર જઈને આવીએ. પછી મારે ફટાફટ ઓફિસે જલદી જવાનું છે. સો મસ્ટ બી ફાસ્ટ, ડીયર."
યુવતી: "એય ડોશલી, હું વૉક કરીને આવું ત્યાં સુધી ઘરના બધા કામ પૂરા થયેલા હોવા જોઈએ. અને બ્રેકફાસ્ટ રેડી રાખવાનો. અને હા, બ્રેકફાસ્ટ તમારી મરજી પ્રમાણે નહીં પણ મારા કહ્યા પ્રમાણે જ બનવો જોઈએ.
(યુવકને) નાઉ ગો ફોર એ વૉક, ડીયર."
યુવક: "હા, સ્યોર ડીયર."
(કહીને બંને જતાં રહે છે અને ડોશી ઓશિયાળાની જેમ બંનેને જતાં જોવે છે. ગીત વાગે છે.
'હું જીવું છું એ જગતમાં નથી જીવન,
જીદંગી નું નામ છે બોજ ને બંધન,
આખરી અવતાર નું મંડાણ બાન્ધી દે.
જયાં વસે છે તું ત્યાં મને સ્થાન આપી દે.')
(બીજા સીનમાં--- એક ડોસો ડગુમગુ શાકની થેલી લઈને આવે છે અને યુવકને હિસાબ આપે છે.)
ડોસો( ધ્રુજતા હાથે): "લે આ ખર્ચો થયો અને આ વધેલા રૂપિયા."
યુવક: "સારું ચાલો હવે.
(યુવતીને) ડીયર આમને ચા આપી દે તો."
ડોસો: "થોડોક નાસ્તો આપોને."
યુવતી(ગુસ્સામાં): "લો હવે આપો આમને નાસ્તો."
યુવક: "એ ડોસલા, બે ટાઈમ તો મફત ખાવાનું આપું છું. અને નાસ્તો પણ આપું એ મને ના પરવડે, સમજયો."
ડોસો: "ખાવામાં બે વાસી રોટલી અને લગીર શાકથી મારું પેટ કેવી રીતે ભરાય. મફત કયાં ખાઉં છું આખા દિવસ ઘરના કામ કરું છું."
યુવતી: "એ ડોસા, બહુ જીભ નહીં ચલાવાની. જે આપ્યું છે તે ઢીંચો અને પછી બગીચાની સફાઈ કરો, જાવ."
(ડોસો નજરો ઝુકાવીને ચા પીને બગીચામાં જવા માટે ચાલે છે ત્યાં જ ડોસી આવે છે અને છૂપાવીને રાખેલું પડીકું આપે છે.)
ડોસી: "મને ખબર છે કે તમને ચોરેલી વસ્તુ ખાવી નહીં ગમે. પણ તમને ભૂખ લાગી છે અને આ તો તમારા ભાવતાં ભજીયાં છે. તો ખાઈ લેજો."
ડોસો: "તારે મારા કારણે ચોરી કરવી પડે છે. કદાચ..."
ડોસી: "ના..ના આ તો...આ લોકો આપણને ખાવા ના દે, તો... ખાવા તો જોઈએ ને. અને એ લોકો તો ભજીયાં, બ્રેડ બટર અને કેવાં કેવાં નાસ્તા કરે છે. જમવામાં છપ્પનભોગ પણ બને છે. અને આપણને દે છે વાસી રોટલી ને શાક આપે છે. એટલે જ હું બનાવતી વખતે જ આ ભજીયાં સંતાડી લીધા હતા તમારા માટે."
ડોસો(નિસાસા ખાતા): "હા, એ વાત તો સાચી. કામ કરવાનું બધું આપણે પણ ખાવાનું નહીં. કેવું નહીં.. લે તું પણ ખા. કયારેય જોડે જમ્યા નહીં.. અને હવે જોડે બેસવા પણ નથી દેતા."
(ડોસો અને ડોસી એકબીજાને ભજીયાં ખવડાવે છે. એમની આંખો રડી પડે છે. ગીત વાગે છે.
'આ ભૂમિમાં ખૂબ બધા છે પાપના પડઘમ,
બેસૂરી થઈ જાય મારા પુણ્ય ની સરગમ,
દિલરૂબા ના તાર નું ભંગાણ સિધી દે.
જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.')
(ત્રીજા સીનમાં-- ઘરમાં પાર્ટી ચાલી રહી છે. એકબાજુ ડોસી ગરમ પૂરીઓ તળી રહી હોય છે, ડોસો સર્વ કરતો હોય છે. યુવક-યુવતી પાર્ટી મહાલતા હોય છે, ત્યાં બાઉલમાં સબ્જી પતી જાય છે તે જોઈને)
યુવતી: "ખબર નથી પડતી કે સબ્જી પૂરી થઈ ગઈ છે. પૂરી પતી ગઈ છે. કયાં ધ્યાન છે તમારું. જાવ જલદી લઈ આવો. ખબર નહીં કેવા નાકારા લોકો ભર્યા છે ઘરમાં. ખાવા જોઈએ ટાઈમ ટુ ટાઈમ, પણ... કામ કરવું ગમતું નથી."
(ત્યાં ડોસી સબ્જી-પૂરી લઈને આવે છે. એટલે એ જોઈને)
યુવતી ની ફ્રેન્ડ: "ડીનર ઈઝ સો નાઈસ! તારી આ નોકરાણી સરસ રસોઈ બનાવે છે. નેકસ્ટ ટાઈમ મારે ત્યાંની પાર્ટીમાં રસોઈ કરવા લઈ જઈશ."
યુવતી: "એય ડોશી, સ્વીટ કેમ નથી મૂકી અહીયાં. કંઈ બનાવ્યું છે કે નહીં?"
ડોસી: "મેં.. મેં ગુલાબજાંબુ બનાવ્યા છે. પણ છેલ્લે આપું છું."
યુવતી: "સાવ નકામા છો, જોડે જ ના મૂકાય."
ડોસી: "પણ.. તે તો કહ્યું હતું."
યુવતી: "એય ડોસી, મને નહીં શીખવાડવા નું. હું કહું તેમ જ કરવાનું સમજી. નહીં તો ઘરની બહાર કઢાવી દઈશ. પછી કોઈ નહીં સંઘરે તમને, સમજી."
ડોસી(ગભરાતા): "આવું શું કામ બોલે છે? હમણાં જ મૂકી દઉં.
(ડોસી ગુલાબજાંબુ રાખે છે. એવામાં તેને દમનો એટેક આવે છે.)
યુવતી: "એય ચાલ અહીંયા થી બહાર, પાર્ટીમાં બધાને દેખતાં નાટક કરે છે."
(ધક્કા મારે છે.)
યુવતીની ફ્રેન્ડ: "અરે, તેમની તબિયત ખરાબ છે. આમ ધક્કા ના માર."
યુવતી: "એ તો નાટક છે એમના, આમ પણ આ લોકો તો સાવ નાકારા છે. એય નીકળો અહીંથી, તમારો આ રોગ મારા બાળકોને લાગી જશે. જાવ નીકળો બહાર."
(ડોસો અને ડોસી ઓશિયાળી આંખે જોતાં જોતાં બહાર જાય છે.)
ડોસો: "મને માફ કરી દે. તારી આ હાલત મારા કારણે જ થઈ છે. જો મેં બંગલો, ફેકટરી કે કંપની બધું જ દીકરાના નામે ના કર્યું હોત તો આપણી આ દશા ના થાત."
ડોસી: "ના...ના... એવું ના વિચારો. આપણને શું ખબર કે ડાહ્યા અને આજ્ઞાંકિત લાગતા દીકરો અને વહુ આપણી જોડે મિલકત લેવા રમત રમી રહ્યા હતા. મિલકત મળતાં જ તેઓ આવા બદલાઈ જશે.
(રોકાઈ ને શ્વાસ લે છે.)
.....
આવું કયાં સુધી ચાલશે. હવે તો આ શરીર પણ સાથ નથી આપતું. ખાવાનું નથી મળતું એટલે શરીરને પોષણ પણ નથી મળતું. તમે જુવોને કેવા સૂકાઈ ગયા છો. મારા ગયા પછી તમારું શું થશે???"
(ડોસીને દમનો એટેક જોરથી આવે છે. ડોસો દીકરા પાસે જાય છે.)
ડોસો: "બેટા, તારી મા ને શ્વાસ ચડયો છે. એને ડૉક્ટર જોડે લઈ જા."
યુવક: "જોતો નથી પાર્ટી ચાલી રહી છે. પાર્ટી પૂરી થાય પછી ડૉકટર જોડે લઈ જઈશ."
ડોસો: "બેટા, એને વધારે તકલીફ લાગે છે."
યુવક: "હાલને હાલ નહીં મરી જાય. કીધુંને એકવાર પાર્ટી પૂરી થાય પછી વાત. જાવ અહીંથી, પાર્ટીનો મૂડ ના બગાડ."
(ડોસો ધીમે ધીમે પગલે ડૂસકાં ભરતો બહાર આવે છે.)
ડોસી: "તમે હવે દોડમદોડ ના કરો. મારો સમય આવી ગયો છે."
ડોસો: "એવું ના બોલો, આપણે બીજે જતાં રહીશું..."
ડોસી: "બીજે કયાંય નહીં પણ ભગવાન જોડે જવું છે. હવે મારા....."
(ડોસી મરી જાય છે. ડોસો બૂમ પાડે છે અને રડે છે.)
ડોસો: "હું પણ આવ્યો...."
(બંને મરી જાય છે. પાર્ટી પૂરી થતાં બધાં જાય છે. લાશ પડી હોય છે. એ જોવા છતાં વહુ, દીકરો અને પૌત્રી અંદર તરફ જતાં.)
પૌત્રી: " મમ્મી...મમ્મી, દાદા-દાદી કયાંય નથી દેખાતા. દાદીને તો શ્વાસ પણ ચડયો હતો."
યુવતી: "કયાંય નથી ગયા. એ ત્યાં પડી રહ્યા. કાલ સવારે જોઈશું. આમ પણ થાક લાગ્યો છે. ચાલો સૂઈ જઈએ."
પૌત્રી: "પણ મમ્મી... પપ્પા..."
યુવક: "ચૂપ, ચાલો સૂઈ જઈએ, થાક લાગ્યો છે. તારી મમ્મી સાચું કહે છે."
(નાટક પૂર્ણ થાય છે. ગીત વાગે છે.
જોમ તનમાં જયાં લગી છે સહુ કરે શોષણ,
જોમ જાતાં કોઈ અહીંયા ના કરે પોષણ,
મતલબી સંસાર નું જોડાણ કાપી દે.
જયાં વસે છે ત્યાં મને તું સ્થાન આપી દે.)
( શું નાટક બધાને ગમશે? નાટક સ્ટેટ લેવલે જશે ખરું? શું તે સ્ટેટ લેવલ નું નાટક હશે ખરું? યશ્વી નાટક લખવા તરફ પાછી વળશે ખરા?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)