Rajkaran ni Rani - 42 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૪૨

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૨

રવિના સાથેની મુલાકાત પછી સુજાતાબેન વ્યથિત દેખાયા હતા. તેમના ચહેરા પર ગુસ્સાના કે નારાજગીના ભાવ ન હતા પરંતુ એમનો ચહેરો કહી આપતો હતો કે એમના દિલને રવિનાએ દુ:ખાવ્યું છે.

જનાર્દનની એમને આ બાબતે પૂછવાની હિંમત થતી ન હતી. અને ભલે બંને રાજકારણી મહિલાઓ હતી પણ એક મહિલાની બીજી મહિલા સાથેની ખાનગી મુલાકાત હોવાથી એક પુરુષ તરીકે એમની સાથે આ બાબતે વાત કરવાનું જનાર્દનને યોગ્ય ના લાગ્યું. જનાર્દનની જેમ હિમાનીએ મનોમન સુજાતાબેન રવિના સાથેની મુલાકાત પછી ખુશ ન હોવાની નોંધ લીધી જ હતી.

સુજાતાબેન ખુરશીમાં જઇને બેસતા હતા એટલીવારમાં હિમાનીએ ઇશારો કરીને જનાર્દનને કહી દીધું કે હું પૂછીશ. હિમાનીએ નક્કી કર્યું કે તે એમની સાથે કારમાં જશે ત્યારે આડકતરી રીતે વાત કરીને પૂછી લેશે. જનાર્દન અને હિમાની, બંનેને સુજાતાબેન સાથે રવિના કઇ ખાનગી વાત કરી ગઇ એમાં રસ ન હતો. તેમને સુજાતાબેન વ્યથિત હતા એ વાત પસંદ આવી ન હતી. રવિનાએ માનસિક રીતે હેરાન કર્યા હોય એવું લાગ્યા કરતું હતું.

સુજાતાબેન એ પછી પક્ષના કાર્યાલય પરથી તરત જ નીકળી ગયા. તે કારમાં પણ કંઇ બોલ્યા નહીં. હિમાનીને થયું કે તે એકલા હશે ત્યારે વાત કરવી પડશે. બધાં સુજાતાબેનને ઘરે પહોંચ્યા પછી એમણે જ મોં ખોલ્યું:"રવિનાએ મારો આભાર માન્યો છે. તેના પચીસ લાખ પાછા મળી ગયા એ બદલ તે ખાસ આભાર વ્યક્ત કરવા આવી હતી...મેં પણ એના સહયોગ માટે આભાર માન્યો."

જનાર્દન અને હિમાની સુજાતાબેન સામે નવાઇથી જોઇ રહ્યા. તેમને ન જાણે કેમ એવું લાગતું હતું કે તે કંઇક છુપાવી રહ્યા છે. બંનેને પોતાની વાત સાચી લાગી નથી એ વાતનો અંદાજ સુજાતાબેનને આવી ગયો. હવે એ બંનેને તે પોતાના પરિવારના સભ્ય જેવા માનતા હતા. હિમાનીને તે નાની બહેન જેવી ગણતા હતા. એ કંઇક વિચારીને બોલ્યા:"હિમાની, તું મારી સાથે આવજે...અને જનાર્દન, તું મતદાનના છેલ્લા આંકડા પર નજર રાખજે...."

આખા રાજ્યમાં મતદાન કરવા મતદારો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હતા. એમ લાગતું હતું કે આ ચૂંટણીમાં પક્ષ કરતાં સુજાતાબેનની વધારે પરીક્ષા હતી. એમણે એવી બેઠકો ઉપર ખાસ પ્રચાર કર્યો હતો જ્યાં ગઇ ચૂંટણીમાં એમના પક્ષના ઉમેદવારો હારી ગયા હતા. એ વાતનો જનાર્દનને ખ્યાલ હતો.

સુજાતાબેન પાછળ બેડરૂમમાં પહોંચ્યા પછી હિમાનીએ મનમાં ઘોળાતી વાત કહી જ દીધી:"બહેન, નાનું મોં અને મોટી વાત એવું ના લાગે તો એક વાત કહું?" અને એમની આજ્ઞાની રાહ જોતી હિમાની તરફ એમણે ડોકું હલાવ્યું એટલે એક ક્ષણનો વિલંબ કર્યા વગર કહી જ દીધું:"એની સાથે આભારની આપ-લે પછી આપના મોં પર ખુશી ન હતી. તમને વ્યથિત થયેલા જોઇ મારું મન કચવાતું રહ્યું છે. તમારે આટલી મોટી જીત પછી એવું કોઇ કારણ ના હોય શકે કે જે તમને ગૂમસૂમ બનાવી દે..."

"તું બડી ચાલાક છે હિમાની!" કહી સુજાતાબેન હસી પડ્યા. "રવિના ઓછી નથી. એ મોટી રાજકારણી છે. જતિનને મારી પાસેથી છીનવનારી એ જ છે. એની રૂપજાળમાં ફસાઇને જતિને મારો દ્રોહ કર્યો હતો. છતાં મેં મોટું મન રાખીને એને માફ કરી દીધી હતી. મેં ચાહ્યું હોત તો જતિન સાથે એનેય બદનામ કરી નાખી હોત. એક સ્ત્રીનું સન્માન જાળવવાની મારી ફરજ મેં પૂરી કરી હતી. અસલમાં એ મારો આભાર માનવા નહીં પણ સલાહ આપવા આવી હતી..."

"બીજાને સલાહ આપવાવાળી એ મોટી રાજકારણી ક્યારથી થઇ ગઇ? એને જતિનભાઇએ પાલિકા પ્રમુખ બનવામાં મદદ ના કરી હોત તો કોઇ ઓળખતું ના હોત..." હિમાનીએ મોં મચકોડીને રવિનાને ચોપડાવી.

"એ મને રાજકારણ બાબતે સલાહ આપવા આવી ન હતી. અંગત જીવનમાં શું કરવું એ કહેવા આવી હતી." કહી સુજાતાબેન પળભર મૌન થઇ ગયા. એમણે એક ક્ષણ માટે આંખો મીંચી અને કોઇ ડરામણું દ્રશ્ય જોયું હોય એમ તરત જ આંખો ખોલીને બોલ્યા:"એ કહેવા આવી હતી કે હું જતિન સાથે સમાધાન કરી લઉં..."

"શું?" હિમાનીને કલ્પના ન હતી કે રવિના આવી વાત કરવા આવી હશે. તે ગુસ્સામાં બોલી:"આવી બાઇને તો લાફો મારીને કાઢવી જોઇએ..."

"હિમાની, આવા લોકોથી દૂર રહેવું જ સારું. એમની સાથે વધારે વાત નહીં કરવાની. મેં એને ચોખ્ખુ કહી દીધું કે હું એનું નામ પણ સાંભળવા માગતી નથી. એણે મારા દિલ પર જે ઘાવ આપ્યા છે એ કોઇને બતાવી શકું એમ નથી. અને એક સ્ત્રી થઇને તું એની તરફેણ કરે છે, એના ગુનાને છાવરી રહી છે એ શરમજનક છે. એની સાથે સમાધાન કોઇ કાળે થઇ શકે એમ નથી. તેણે તેની પત્નીને એનું સન્માન ક્યારેય આપ્યું ન હતું. મેં એની સામે મોરચો ખોલીને યોગ્ય જ કર્યું હતું. સ્ત્રીને ન ગણકારનારા આવા લોકોને પુરુષ કહેવડાવવાનો હક નથી. તું તારા સ્વાર્થ માટે મને એની સાથે સમાધાન કરવાની વાત કરી રહી છે. તું એની સાથે માત્ર દોસ્તી રાખવા માગે છે. અને તારો સ્વાર્થ પૂરો કરવા માગે છે. ખરેખર તો તારે મારો સાથ આપવો જોઇતો હતો. એણે એક યુવતીની ઇજ્જત પર હાથ નાખ્યો હતો. દરેક સ્ત્રીને એનું ચરિત્ર વહાલું હોવું જોઇએ. એવું ના બને કે મારે તારી વિરુધ્ધ કંઇ કરવું પડે. તારી ઇજ્જતની સલામતિ ચાહતી હોય તો અહીંથી હમણાં જ નીકળી જા અને ફરી આવી વાત કરવાની હિંમત કરતી નહીં. અને જો એણે તને મોકલી હોય તો કહી દઉં છું કે અત્યારે અજ્ઞાતવાસ ભોગવવામાં જ એની ભલાઇ છે. એકવખત તો મોં કાળું થઇ ગયું છે. એ હવે બહાર આવવા માગશે તો એ જ નહીં તું પણ કોઇને મોં બતાવી શકવાને લાયક રહેશે નહીં. મારી ગર્ભિત ચેતવણીથી તે થથરી ગઇ અને નીકળી ગઇ..."

સુજાતાબેનની વાત સાંભળી હિમાનીને થયું કે સુજાતાબેનના દિલને ઠેસ પહોંચે એવી કોઇ વાત રવિનાએ કરી હોવાની ધારણા સાચી પડી છે.

હિમાની અને જનાર્દન મોડે સુધી રોકાયા.

મોડી સાંજે રાજ્યની વિધાનસભા ચૂંટણીના મતદાનના આંકડા આવી ગયા હતા. રાજ્યમાં આ વખતે છોત્તેર ટકા મતદાન થયું હતું. જે ગયા વખત કરતાં ચાર ટકા વધારે હતું. ટીવીની ચેનલો પર લોકોએ મતદાનમાં કેવો ઉત્સાહ બતાવ્યો હતો એના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું હતું. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના અગ્રણીઓ અને ઉમેદવારો બહુમતિથી વધુ બેઠકો મેળવવાનો દાવો કરી રહ્યા હતા. શંકરલાલજીએ પણ એક ટ્વિટ કરીને રાજ્યની જનતાનો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આભાર માન્યો હતો. પરમ દિવસે પરિણામ આવવાનું હતું. સુજાતાબેનને પોતાના પરિણામની રાહ જોવાની ન હતી. તેમની નજર સમગ્ર રાજ્યના પરિણામ ઉપર હતી. તેમણે ઘણી જગ્યાએ ફોન કરીને વાતાવરણ કોના તરફી હતું એની વિગતો મેળવી હતી. પક્ષના પ્રમુખ વાંકાણી ખુશ હતા. તે સુજાતાબેનનો આભાર માની રહ્યા હતા. પક્ષની મોટી જીતનો અણસાર મળી રહ્યો હતો. જો પક્ષને બહુમતિથી વધારે બેઠકો મળે તો પોતાને મોટું ખાતું મળવાની વાંકાણી ગણતરી રાખીને બેઠા હતા. તે પોતાની ખુશી જાહેર કર્યા વગર રહી શક્યા નહીં. તેમણે સુજાતાબેનને કહી દીધું કે તમારા કારણે મને મોટી જવાબદારી મળી શકે છે. તે જાણતા હતા કે સુજાતાબેન બિનહરિફ ચૂંટાયા છે અને એટલે જ એમને તો નાનું-મોટું મંત્રીપદ મળવાનું છે. એ પોતાના માટે પણ ભલામણ કરે એવી વિનંતી કરવાનું ચૂક્યા નહીં.

ટીવીની ચેનલો પર મંત્રીપદના દાવેદારોના નામોની અત્યારથી જ અટકળ થઇ રહી હતી. એમાં સુજાતાબેનનું નામ મોખરે હતું. સુજાતાબેનને આ માટે બે-ત્રણ ચેનલો તરફથી સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે 'હાઇકમાન્ડ જે જવાબદારી સોંપશે એ નિભાવીશ' કહીને બીજા રાજકારણીઓની પરંપરાનું જ પાલન કર્યું.

જનાર્દન અને હિમાની એ વાતથી ખુશ હતા કે સુજાતાબેન મંત્રીપદના દાવેદાર ગણાવા લાગ્યા છે. હિમાનીએ તો કહી પણ દીધું:"બહેન, અમારા તરફથી આગોતરા અભિનંદન! હવે એટલું જ જાણવાનું બાકી રહે છે કે તમને કયા વિભાગના મંત્રી બનાવાશે!"

"હિમાની, હું તારા અભિનંદન સ્વીકારી શકું એમ નથી. હું કોઇપણ વિભાગનું મંત્રીપદ સ્વીકારવાની નથી." બોલીને સુજાતાબેન ગંભીર થઇ ગયા.

સુજાતાબેનની વાતથી બંને ચોંકી ગયા. આટલી મોટી તક સામે ચાલીને મળી રહી છે ત્યારે સુજાતાબેન કેમ ઇન્કાર કરી રહ્યા છે? તેમને કોઇ હોદ્દાનો મોહ કેમ નથી? એમને મંત્રીપદ મળે તો અમારું માનપાન વધી શકે એમ છે. શું સુજાતાબેન અહીંના લોકોની સેવા કરવા મંત્રીપદને ઠુકરાવી દેવાના છે? તેમને રાજકારણમાં આગળ વધવું જ નથી? માન્યું કે એ સેવા કરવા જ રાજકારણમાં આવ્યા છે પણ એમની મહેનતનો બીજા લાભ લઇ જશે એનું શું?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED