રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૧
ચાર દિવસ પછી હિમાની પાછી ફરી ત્યારે થાકી ગઇ હતી. પરંતુ તેના મોં પર સુજાતાબેન વિશે વાત કરવાનો ઉત્સાહ ઘણો હતો.
જનાર્દન કહે:"હિમાની, તું તો લગ્નમાં મહાલીને આવી હોય એટલી ખુશ છે..."
હિમાની ખુશ થતાં બોલી:"એવું જ સમજો ને! એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર માટે દોડી દોડીને પગ દુ:ખી ગયા છે. પણ સાચું કહું તો દરેક જગ્યાએ ઉત્સવ જેવો માહોલ હતો. આ ચૂંટણી તો મારા માટે યાદગાર બની જવાની છે. પક્ષ તરફથી અમારી એટલી સરભરા થઇ કે વાત જ પૂછશો નહીં. સુજાતાબેનના તમે માનપાન જોયા હોય તો મોંમાં આંગળા નાખી જાવ. બધાં એમને સલામ ભરતા હતા. જનાર્દન, ખરેખર સુજાતાબેનના વિચારોમાં અને એમની શાલીન પ્રતિભામાં એવો જાદૂ છે કે લોકો મંત્રમુગ્ધ થઇને સાંભળતા રહે છે. એ કોઇ રાજકારણી જેવા લાગતા નથી. આપણા જેવા સામાન્ય મહિલા જ લાગે છે. એમને કોઇ જાતનું અભિમાન નથી...."
"અરે! તું તો સુજાતાબેનની કથા કરવા લાગી કે શું? એ કહે કે એમનું પક્ષમાં વર્ચસ્વ કેવું લાગે છે? બીજા ઉમેદવારો સાથે મુલાકાત કરીને એમને શું માર્ગદર્શન આપતા હતા?" કહી જનાર્દન મુદ્દાની વાત પર આવ્યો.
"એ તો મેં તમને કહ્યું જ હતું ને! એમનું વર્ચસ્વ એટલું વધી ગયું છે કે મોટા નેતાઓ પણ એમને સલામો ભરે છે. બીજા ઉમેદવારો સાથે એમણે એકલા જ બેઠક યોજી હતી. ત્યારે કોઇને હાજર રાખ્યા ન હતા. મારી સાથે એ વિશે કોઇ ચર્ચા કરી નથી. હોટલમાં અમારી અલગ રૂમો હતી પરંતુ એ મને રાત્રે સૂતી વખતે સાથે રહેવાનું કહેતા હતા. હું એમની જ રૂમમાં સૂઇ જતી હતી...."
"અચ્છા..." કહી જનાર્દન વિચારમાં ડૂબી ગયો.
ચૂંટણીના પ્રચારના પડઘમ શમી ગયા ત્યાં સુધી સુજાતાબેન આસપાસની બેઠકોના બી.એલ.એસ.પી. ના ઉમેદવારોના પ્રચાર કાર્યક્રમોમાં ભાગ લેતા રહ્યા.
મતદાનનો દિવસ આવી ગયો. સુજાતાબેન બિનહરિફ ચૂંટાઇ આવ્યા હતા એટલે એમના માટે મતદાન કરવાની એમના મત વિસ્તારના લોકોને જરૂર રહી ન હતી. પરંતુ સુજાતાબેન એક નવો પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે તેમના પક્ષની સરકાર બને અને તેઓ સત્તા પર આવે ત્યારે મતદારો તેમની પાસે પ્રથમ કયા પાંચ કામોની અપેક્ષા રાખે છે એ સોશિયલ મીડિયા મારફત અથવા પક્ષના કાર્યાલય પર લેખિતમાં પત્ર આપી જણાવવું. લોકોએ એમને સારો પ્રતિસાદ આપ્યો. મતદાનની જરૂર ન હોવાથી જે મતદારો કંઇક કહેવા ઇચ્છતા હતા એમણે પોતાનો મત એમની અપીલ પર વ્યક્ત કર્યો. હજારો લોકોના પત્ર અને સંદેશ એમને મળી રહ્યા હતા.
સુજાતાબેન પક્ષના કાર્યાલયમાં અગ્રણી કાર્યકરોને મળીને આયોજન કરી રહ્યા હતા ત્યારે રવિના એમને મળવા આવી. સુજાતાબેને તરત જ એને મળવા બોલાવી. રવિના પહેલાં તો સહેજ છોભીલી પડી ગઇ. પછી સુજાતાબેનનો આવકાર જોઇ બોલી:"બહેન, તમે તો પક્ષ માટે કમાલ કરી દીધો છે. મતદારોનો આખા રાજ્યમાં આ વખતે ઉત્સાહ વધારે છે. ગઇ ચૂંટણી કરતાં દસ ટકા વધારે મતદાન થવાની શકયતા છે..."
"હા, તમારા જેવા પક્ષના કાર્યકરો અને અગ્રણીઓના સાથ સહકારથી જ આ બધું શક્ય બન્યું છે...વધારે મતદાન થશે એ પક્ષની તરફેણમાં જ રહેવાની શક્યતા છે. શંકરલાલજીએ પણ કહ્યું હતું કે આ વખતે રાજ્યમાં વધારે બહુમતી સાથે આપણા પક્ષની જ સરકાર રચાશે. રવિના, તે જે કામ કર્યું એ માટે હું તારો આભાર માનું છું. આમ તો એવું કંઇ કરવાની જરૂર ન હતી. પરંતુ તારા એ કામથી પક્ષને અને મને લાભ થયો છે એનો કોઇથી ઇન્કાર થઇ શકે એમ નથી. તું મારા પહેલાંથી રાજકારણમાં અને જાહેર જીવનમાં છે એટલે વધારે જાણતી હોય એ મારે સ્વીકારવું પડે. અને પાલિકા પ્રમુખ તરીકે તેં સારા કામો કરાવ્યા એનાથી પક્ષની ઇમેજ સારી જ થઇ છે. લોકોનો પક્ષ માટે વિશ્વાસ વધ્યો છે. આપણો જનાધાર વધ્યો એમાં તમારા જેવા અનેકનો ફાળો છે." સુજાતાબેન ખુશ થતાં બોલ્યા.
રવિનાએ આસપાસમાં નજર નાખી એમને કહ્યું:"તમને વાંધો ના હોય તો હું એકાંતમાં કંઇક વાત કરવા માગું છું..."
"આમ તો મારા જીવનમાં કંઇ ખાનગી નથી. તને સંકોચ થતો હોય તો આપણે બાજુની રૂમમાં એકલા મળીએ..." કહી સુજાતાબેન ઊભા થઇ ગયા.
રવિના તરત જ ઊભી થઇને એની પાછળ ગઇ.
પાંચ જ મિનિટમાં સુજાતાબેન આગળ અને રવિના પાછળ આવી. રવિના રૂમની બહાર નીકળતાની સાથે જ કાર્યાલયમાંથી બહાર નીકળીને પોતાની કાર હંકારીને જતી રહી. સુજાતાબેનના ચહેરા પર કોઇ ભાવ ન હતા. તે નિર્લેપ થઇને થોડીવાર આંખો મીંચી ખુરશીમાં બેસી રહ્યા. અચાનક બધું શું બની ગયું એ જનાર્દન અને હિમાનીને સમજાયું નહીં. શું થયું એ પૂછવાની કોઇની હિંમત ના ચાલી. જનાર્દનને થયું કે રવિના પોતાના કોઇ સ્વાર્થ માટે આવી હશે. તે સુજાતાબેનને કોઇ એવી વાત કરી ગઇ છે કે તે વ્યથિત થઇ ગયા છે.
ક્રમશ: