કસોટી જિંદગી... અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસોટી જિંદગી...

અંતિમ શ્વાસ લેતાં, મારું બાળક, મારું બાળક કરતાં અમરે આખરી શ્વાસ અમલાની ગોદમાં મુક્યો. અનરાધાર આંસુઓ સાથે અમલા પણ વચનબદ્ધ થઇ ગઇ હતી પ્રેમની પરાકાષ્ટામાં. હજુ તો માતૃત્વના
અણસારની જાણ થઈ ને હૈયે હરખની હેલી શરૂ થઇ હતી ત્યાંજ અમરને સિવિયર હાર્ટ એટેકનો હુમલો થયો. બધાં અંગ પેરાલિસિસનો ભોગ બન્યા સિવાય ચહેરો, અમરે દિલની વાત અમલાને કરી બાળક જે હોય તે, એને આપણા પ્રેમની નિશાની રૂપે ઉછેરજે,
આપણી જેમ એમને માતાપિતાની ખોટ નાં સાલે.
હવે તારેજ બંને ભૂમિકા નિભાવવાની છે. મારી ઈચ્છા તો મનમાં જ રહી ગઇ પણ હું હમેંશા તમારી સાથે જ હોઈશ. સતત આશીર્વાદ આપતો રહીશ કે તમને બંનેને કોઈ તકલીફ નાં પડે. મરનારની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે છે જે મારી થશે.

અમલા માંડ મુસીબતોથી અમરના સહારે બહાર આવી હતી તે પછી ઊંડી ખાઈમાં ધરબાઈ ગઇ.. પણ બાળકનો વીચાર આવતાં તે પછી સ્વસ્થ થઇ જતી.

અમલા નાનપણથી જ અનાથાશ્રમમાં ઉછરી હતી. કોણ માબાપ છે. હું કોણ છું ? પોતાની શું ઓળખ છે ?
જિંદગીના નાનપણથી સમજતી થઇ ત્યાં સુધીના પાના કોરા હતા. નહોતું તેમાં કોઈ રંગ, પ્રેમ, હુંફ, લાગણી સમાયેલી. નહોતી કોઈએ ભિંજવેલી સંવેદનાની વાતો. રોજ સવાર થતી રૂટિન કાર્ય શરૂ થતું. સૌથી પહેલાં માઈકમાં પ્રાર્થના થતી ત્યારે અવશ્ય એની આંખો ભીંજાતી. અરેરે કોઈક તો હોત જે મારું અંગત કહેવાય. ઈશને રોજ કાકલૂદી ભરી વિનંતિ કરતી હે પ્રભુ મારાં જીવનમાં પણ તું પ્રેમનો દેવદૂત બની આવને મારી જિંદગી પ્રત્યેની નારાજગી દૂર કર.

અમર પણ એ જ અનાથાશ્રમમાં હતો. અમલાની જેમ એનું પણ દુનિયામાં કોઈ નહોતું જેને અંગત કહી શકાય. એકજ આશ્રમમાં હોવા છતાં બંને ક્યારેય મળ્યા નહતા પણ ત્યારે નસીબમાં નહોતું.

કામની વહેંચણી થતી હોય એમાં બંનેને રસોડાની ડ્યુટી સાથે આવી. સાથે કામ કરતાં પ્રેમને પાંગરવાની શરૂઆત થઈ. પ્રેમ, હુંફ, લાગણીઓ, સંવેદના ધબક વાનો અહેસાસ થયો જે વર્ષો બાદ બંનેને અનુભવ થયો જે ખુબજ મીઠો લાગ્યો. જિંદગીના પાનાંઓમાં રંગ ભરવાની શરૂઆત થઇ, વસંતના વધામણાં રોજ થવા લાગ્યા. જિંદગીનો અભિગમ હકારાત્મક થવા લાગ્યો. દરેક પળમાં ખુશિયા ઉભરાતી મોજાની જેમ જે છાલકો મારી ભીંજવતી પ્રેમનાં અસ્તિત્વને. પ્રેમ પરવાન ચડયો હતો જે કોઈથી છુપુ નહતું. આશ્રમમાં તેના સાથીઓ ખુશ હતા કે ચલો કોઈક તો ખુશીથી જીવી ગયું..

પ્રેમનાં આવેશમાં બંને ભૂલ કરી બેઠાને અમલા ગર્ભવતી બની. બધાના કડવા વેણ બંનેને સાંભળવા પડ્યા ને બંનેએ આશ્રમ છોડીને બહાર પોતાની દુનિયા વસાવી. બંને રસોઈકળામાં પાવરધા હતા, જાતજાતની રસોઈથી પેટ સુધી પહોંચી દિલ જીતી લેતાં એટલે એક ઢાબો ખોલ્યો હતો. નજીકમાં એક રૂમનું પછી ઘર બનાવ્યું હતું. ચાર જણાને કામે રાખ્યા હતા એ પણ અનાથ જ હતા. બધાં સંપીને કામ કરતા. છ મહિનામાં તો બંને જણા જિંદગી જીવી ગયા, એક પળનો પણ વિયોગ નાં રહેતો. અમલા બેજીવ હતી એટલે પૂરતું એનું ધ્યાન રખાતું. ક્યારેક રસોઈની સ્મેલથી વોમિટીંગ થતી તો અમર ગભરાઇ જતો, અમલા સમજાવતી કે આ તો નોર્મલ વસ્તુ છે ઘણાંને આવું થાય. બંને બાળકના ભાવિ સ્વપ્નાં ખુબ ઘડતા કે આપણને નથી મળ્યું જે, એનાથી વંચિત આપણું બાળક નહિ રહે. ખુબજ પ્રેમ આપીશું ને ખુબજ જતનથી ઉછેરિશું. સંસ્કાર અને સુશીલ બને એવી જ ઈશ્વરને પ્રાર્થના એમ વાતો કરી સુખમાં રાચતા.

પ્રસુતિ નો દુઃખાવો શરૂ થયો અને મીઠા દર્દ સાથે બાળકીને જન્મ આપ્યો, પોતે માતા બની હોવાનો આનંદ અને સાથે અમર, નાં હોવાનું દુઃખ, બાળકી પણ પિતાના પ્રેમથી વંચિત જ રહેશે હમેંશા એની
આત્મગ્લાની. મનને મજબૂત કરી, હૈયે હરખની હેલી લાવી, બાળકીને હદય સરસી ચાંપીને જાણે એના આવવાથી જીવનનાં તમામ દુઃખ ગાયબ થઇ ગયાનું મહેસૂસ થવું. ઈશ પોતે બાળકીના સ્વરૂપે આવીને ખુશી આપી ગયા જાણે.

સમયનાં વહેણની સાથે અમલા અને મિલી એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા. નાનાં હાથનો સ્પર્શ જાણે જીવન જીવવાનું બહાનું મળી ગયું, અદભુત આનંદ મનનો જે શારીરિક થાક કળવા નાં દેતો. મિલીનું હાસ્ય જાણે દિલમાં પ્રેમનો ઉભરો લાવતો.

દિવસો જતાં મિલી શારીરિક રીતે મોટી થઇ રહી હતી પણ મગજ પૂર્ણ વિકસિત ન હતું તેથી શીખવાની પ્રક્રિયા મંદ હતી. ત્રણ મહિનાની થઇ તો બાળસહજ હરકતો મંદ ગતિથી થતાં જોઈ તરત ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટરે કહ્યુકે બાળકનો મગજનો વિકાસ થોડો કાચો રહી ગયો છે જેથી ચાલવાનું, બોલવાનું જેવી દરેક પ્રક્રિયામાં વાર લાગશે. એને સતત પ્રેમ અને હૂંફની જરૂર છે.

અમલા ના માથે તો જાણે આભ તૂટી પડ્યું, એને તો એની બુદ્ધિ બહેર મારી ગઈ હતી, કંઈજ સુજતું નથી હવે, એકલી હવે હું શું કરીશ, એ પ્રશ્ન વારંવાર સતાવવા લાગ્યા પણ અમરનાં પ્રેમનો વાસ્તો હતો એટલે એને મન મક્કમ કર્યું ગમે તે પરિસ્થિતિ મા હું હિંમત દાખવીશ એવું મનથી નક્કી કર્યું. મનમાં એક જૂનુંન સવાર થયું યેનકેન પ્રકારે હું મારી દીકરીને સ્વસ્થ કરીને જ રહીશ એના માટે મારે જિંદગીમાં જે ભોગ આપવું પડશે તે મને મંજુર છે. હવે મારે પિતા અને માતા ની ડબલ જવાબદારી નિભાવવાની છે. મારે કમાવવું પણ પડશે, તોજ હું મીલિની સારવાર માટે પૈસા એકઠા કરી શકીશ.

રાત દિવસ એક કરીને અમલા દરેક કાર્ય ખંતથી કરવા લાગી. એનો ઢાબો પૂરજોશમાં ચાલવા માંડ્યો. નવી નવી વાનગી બનાવી પીરસતી, દૂર દૂર સુધી એના ઢાબા ની મહેક પ્રસરી હતી. લોકો ચાખવા અને સુંઘવા અને માણવા દૂરથી આવવા લાગ્યા. ઢાબો એક પ્રખ્યાત સ્થળ બની ગયો.

સાથે સાથે મિલીનું પણ ધ્યાન રાખતી મિલીને ટાઈમ સર થેરાપીમાં લઈ જતી એને લીધે મિલી ત્રણ વર્ષે ચાલતી થઈ પણ હજુ તે બોલી શકતી ન હતી એટલે એને સ્પીચ થેરાપી માં લઈ જવું પડતું. કામની વચ્ચે પણ એક મોટું કામ ડોકિયું કરતું રહેતું. હજારો કામ હોય પણ મિલિનું કામ પહેલું રહેતું. એ ખૂબીથી, ભાવથી નિભાવતી મિલીને હુંફ અને લાગણીનાં પ્રેમ મા સતત ભીંજાવતી રહેતી. જેથી તે તન અને મનથી ઝડપથી વિકસિત થઈ રહી હતી. ઈશ્વર પણ શ્રદ્ધા એને ડગવા ન દીધી. અમલા વિચારતી મારી જિંદગી તો પ્રેમથી વંચિત જ ગઈ પણ મારી દીકરીની જિંદગી માં હું અનેક રંગ ભરી દઈશ. જે મારા જીવનમાં પણ થોડીઘણા અંશે પુરાતા રહેશે, દિલના એક ખૂણામાં દીકરીના રંગબેરંગી જીવનનાં સપના સજાવેલા છે એને રંગબેરંગી કરીશ એટલે આત્મસંતોષ મારા જીવનમા રહેશે એને અમરને આપેલું વચન પણ નિભાવી શકીશ.

કાન તરસી ગયા હતાં એના 'માં' શબ્દ સાંભળવા માટે પણ હજી સમય પાક્યો નહતો, એની જિંદગીની કસોટી પૂરા થયાનો. એક પછી એક સમસ્યાનાં પેપર ઉકેલતી જ રહી કોઈ નારાજગી વગર, ક્યારેક તો અંત આવશે એની ઉમ્મીદ સાથે. દિલ પત્થર થઇ ગયું હતું પણ પત્થર નીચે એક માતૃત્વનું સ્નેહનું ઝરણું વહેતુ રહેતું હતું જે લાગણીઓને લીલી રાખતું હતું.

પાંચ વર્ષનાં અંતે રાહ જોવાનો નિયમ તૂટ્યો. નીંદરમાં માં માં નો પોકાર સાંભળ્યો. એક ખૂબસૂરત સ્વપ્નું છે એમ માનીને મંદ સ્મિત આવ્યું કે જલદી સાચું પડે ત્યાંજ મિલીએ જોરદાર માં માં કહેતા હચમચાવી નાંખી, અમલા ને કાન અને આંખ પર વિશ્વાસ જ નહોતો આવતો મિલીના મુખે શબ્દો સાંભળીને. આજે જીવન જીવ્યાંનું સાર્થક લાગ્યું. જિંદગી આજે વગર ફાગણે ફાગ ખેલતી લાગી. જિંદગીની કસોટીઓ પૂરા થવાનો અહેસાસ થયો. ઈશ્વર તક ઝડપવાની બારીઓ ખુલ્લી રાખતો હોય છે. આપણે સમયસર તક ઝડપી લેવી પડે છે જેમ અમલાએ મિલી માટે કંઇ પણ કરી છૂટવાની તક ઝડપીને દીકરીની સમયસર સારવાર કરાવી ને જિંદગીને મ્હેકતી કરી. દીકરીની જિંદગીને વધારે રંગીન બનાવાની અને પોતાની જાતને કસોટીમાંથી પસાર કરવા એક "માં " ફરી તૈયાર હતી...

"અમી"