Rajkaran ni Rani - 40 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૪૦

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૦

હિમાની અને જનાર્દન ઘરે પહોંચ્યા પછી સુજાતાબેનની જ વાતો કરતા રહ્યા.

હિમાની કહે:"હું સુજાતાબેન સાથે પાટનગર જઉં છું એમાં તમને કોઇ વાંધો તો નથી ને?"

"ના-ના, તને એમની સાથે ઘણું શીખવાનું મળશે. મેં થોડા જ મહિનામાં એમને એક સામાન્ય ગૃહિણીમાંથી રાજકારણની રાણી બનતાં જોયા છે. મને ખરેખર નવાઇ લાગે છે કે એમનામાં આ પરિવર્તન કેવી રીતે આવી ગયું? તે બધી રાજકીય પરિસ્થિતિને કેવી રીતે સંભાળી રહ્યા છે? મારા જેવા માટે પણ આ મુશ્કેલ બની રહે એવું કામ છે. અને જ્યારે એમણે તને સાથે લઇ જવાની વાત કરી ત્યારે મારા મનમાં એક શંકા ઊભી થઇ હતી કે ક્યાંક તું પણ વધારે પડતી રાજકારણી બનીને મને ભૂલી તો નહીં જાય ને?!"

"તું પણ જનાર્દન કેવી વાત કરે છે? તને લાગે છે કે હું એમની જેમ કરી શકું? મને તો તમારા રાજકારણનો કક્કો પણ આવડતો નથી. અને હા, હું આ કામ શોખને કારણે જ કરી રહી છું. બાકી સક્રિય રાજકારણમાં જવાનો મારો કોઇ ઇરાદો નથી..."

"તને ખબર નહીં હોય પણ એક સમય હતો જ્યારે સુજાતાબેન આવું જ વલણ રાખતા હતા. તે જતિનની રાજકારણની કોઇ વાતમાં રસ લેતા ન હતા. આજે જતિનને ક્યાંય પાછળ મૂકી દીધો છે. જતિનને કલ્પના નહીં હોય કે સુજાતાબેન આવું કંઇક કરશે... એટલે મને બીક તો લાગે ને!"

"હું કંઇ વાઘણ છું કે ડરવાનું? તમે ના કહેતા હોય તો હું ના જઉં. મને પાટનગર જવાનો કોઇ શોખ નથી..."

"તું તો નારાજ થઇ ગઇ. મારી ના નથી. આ તો મારા મનમાં એક ડર ઊભો થયો એ તને જણાવ્યો. મને તારા પર વિશ્વાસ છે. અને આપણે અત્યાર સુધી સુજાતાબેનને મદદ કરી છે એટલે આગળ સહકાર આપતા રહેવામાં જ લાભ છે. તેમનું પક્ષ પર પ્રભુત્વ વધી ગયું છે. પક્ષને એમનું મહત્વ સમજાવા લાગ્યું છે. બાકી સ્ટાર પ્રચારક તરીકેની કામગીરી કોઇ એમનેમ આપી દેતું નથી...તેમણે કહ્યું ને કે શંકરલાલજીએ આ કામ અમસ્તુ સોંપ્યું નથી. એ મારી કોઇ પરીક્ષા લેવા માગે છે કે પછી બીજો કોઇ આશય છે. મારે આ કામ સારી રીતે પાર પાડવાનું છે. મતલબ કે સ્ટાર પ્રચારકનું કામ સોંપી શંકરલાલજીએ રાજકારણમાં એમનું કદ મોટું કરી દીધું છે."

"જનાર્દન, મને તો લાગે છે કે શંકરલાલજીની આ બધી કૃપા છે. એમણે જ સુજાતાબેનને ટિકિટ અપાવી હતી અને હવે મહત્વની જવાબદારી સોંપી છે..."

"હિમાની, એમણે એવું કામ પણ કરી બતાવ્યું છે. છતાં એવું તો લાગે જ છે કે શંકરલાલજીને સુજાતાબેન માટે કૂણી લાગણી છે! એમને વારંવાર ફોન કરતા રહે છે. મને તો લાગે છે કે એમના માર્ગદર્શનમાં જ સુજાતાબેન ચાલી રહ્યા છે. નવી સરકાર બની ગયા પછી બંને વિશે કોઇ નવી માહિતી જાણવા મળે તો નવાઇ નહીં લાગે!"

"તમે પણ શું ચોકઠા ગોઠવવા બેસી ગયા! ચાલો હવે સૂઇ જઇએ. કાલે મારે પાટનગર જવા નીકળવાનું છે. તમારી બધી વ્યવસ્થા પણ કરવાની છે..."

હિમાની તો તરત જ ઊંઘી ગઇ પણ રાજકારણના જીવ રહેલા જનાર્દનના મનમાં વિચારો ચાલતા જ રહ્યા. સુજાતાબેનને નક્કી કોઇનો સાથ છે. તે શરૂઆતથી જ ચોક્કસ ચાલ સાથે ચાલી રહ્યા છે. અત્યાર સુધી એમણે બીજા રાજકારણીઓથી અલગ જ શૈલી અપનાવી છે. એમની પાસે આટલું શાણપણ કેવી રીતે આવી ગયું? જતિનને મળવા જતો ત્યારે એ સામાન્ય ગૃહિણીની જેમ બેસી રહેલા દેખાતા હતા. જતિનની વાતોમાં જ નહીં ટીવી પર આવતા રાજકારણના સમાચાર ઉપર પણ તેમનું ધ્યાન જતું ન હતું. સુજાતાબેનને માનવા પડશે. આટલી ઝડપી પ્રગતિ રાજકારણમાં કોઇએ કરી નથી. જનાર્દનને વિચાર કરતાં કરતાં બહુ મોડેથી ઊંઘ આવી.

બીજા દિવસે ઘરનું કામ પતાવી હિમાની તૈયાર થઇ એટલે જનાર્દન તેને સુજાતાબેનને ત્યાં મૂકી આવ્યો. સુજાતાબેન સાથે હિમાનીએ ત્રણ દિવસ રહેવાનું હતું. ત્યાં સુધી જનાર્દને શહેરના પક્ષના કાર્યાલયમાં હાજર રહી સુજાતાબેન વિધાનસભ્ય તરીકેના શપથ લે એ પછીના કામોનું આયોજન કરવાનું હતું.

જનાર્દન પક્ષના કાર્યાલય પરથી સાંજે ઘરે પહોંચ્યો અને ટીવી ચાલુ કર્યું. થોડી જ વારમાં પાટનગર ખાતે યોજાનારી સુજાતાબેનની જાહેર સભાના સમાચાર બધી જ ચેનલો પર આવી રહ્યા હતા. સુજાતાબેને બિનહરિફ ચૂંટણી જીતીને એક નવો જ રાહ ચીંધ્યો હોવાનું રાજકીય સમીક્ષકો કહી રહ્યા હતા. સુજાતાબેન જાહેર કાર્યક્રમના સ્ટેજ પર આવતા દેખાયા એટલે ટીવી ચેનલના એન્કરે એમની ચર્ચાને વિરામ આપ્યો.

સુજાતાબેન માઇક સંભાળતાની સાથે જ બોલ્યા:"સૌ ગુજરાતીઓને મારા વંદન! હું ભલે રાજકારણમાં આવી છું અને ચૂંટણીમાં બિનહરિફ ચૂંટાઇ છું પરંતુ પહેલાં એક સામાન્ય સ્ત્રી છું. સ્ત્રીઓની સમસ્યાઓ માટે હું લડતી રહી છું અને લડતી રહીશ. દરેક સ્ત્રીને એનું સન્માન વહાલું હોય છે. મેં મારા પતિની સામે અભિયાન કર્યું હતું. તમે નિશ્ચિંત રહેજો. કોઇપણ અન્યાય સામે હું તમારી પડખે ઊભી રહીશ...."

ત્યાં મહિલાઓએ તેમના નામનો જયજયકાર કરી દીધો.

સુજાતાબેન આગળ બોલ્યા:"હું પણ આ દેશની એક નાગરિક છું. મને તમારી બધી સમસ્યાઓની ખબર છે. અમે શહેરમાં એક મોડેલ બનાવ્યું હતું, એનો આખા ગુજરાતમાં અમલ કરીશું. લોકોના કામ કરવા માટે જ અમારી 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ના ઉમેદવારો ઉભા છે. અમે અગાઉ આપના કામો કર્યા એ માત્ર ચૂંટણી જીતવાના આશય સાથે કર્યા નથી. લોકોની સુખાકારી અમારો મુખ્ય એજન્ડા છે. અમે ઘોષણાપત્રમાં જે વાયદાઓ કર્યા છે એ તો ઝલક માત્ર છે. આપના માટે અમે ઘણા બધાં કામો કરવાના છે. અમારા પક્ષના દરેક ઉમેદવારને વિજેતા બનાવીને આપના સપનાંને સાકાર કરવાની અમને તક આપજો. અમારું નવું સૂત્ર છે... 'સત્તા અમારી સપનાં તમારા.' તમે સપનાં જોજો અમે સાકાર કરીશું..."

સુજાતાબેનની આ વાતને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

સમાચાર જોઇ રહેલા જનાર્દનને થયું કે સુજાતાબેન તો રાષ્ટ્રીય કક્ષાના નેતા જેવી પરિપકવતાથી વાતો કરી રહ્યા છે. તે હિમાનીને સુજાતાબેનની બાજુમાં વટભેર બેઠેલી જોઇ વધારે ખુશ થયો. તેને થયું કે સુજાતાબેન ધારાસભ્ય બની જશે પછી પોતાનો પણ વટ વધી જશે.

સુજાતાબેનનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી ટીવી ચેનલના એન્કરે એમણે કહેલી વાતોના મુદ્દા ફરીથી દર્શકો સામે મૂક્યા. એ પછી એમના કોઇ રીપોર્ટર સાથે વાત શરૂ કરી. રીપોર્ટરે જણાવ્યું કે સુજાતાબેનની જાહેર સભામાં હકડેઠઠ મેદની હતી. જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારની સભામાં કાગડા ઉડતા હતા. વિરોધ પક્ષના કાર્યકરો પણ સુજાતાબેનની સભામાં તેમને સાંભળવા આવ્યા હોવાનો તે દાવો કરી રહ્યો હતો. જનાર્દનને થયું કે પક્ષ દ્વારા પણ આવી હવા ઊભી કરવામાં આવી રહી હોય એવું બની શકે. રીપોર્ટરે એવી પણ માહિતી આપી કે આવતીકાલે સુજાતાબેનની સભા હોવાથી એક અપક્ષ ઉમેદવારે પોતાની સભા રદ કરી છે. સુજાતાબેનનો પ્રભાવ એક જ દિવસમાં જોવા મળી રહ્યો છે.

જાહેર કાર્યક્રમ પછી પાટનગરમાં પક્ષના ઉમેદવારો સાથે સુજાતાએ મુલાકાત કરી. સુજાતાએ દરેક ઉમેદવાર સાથે પોતે એકલા જ રહીને મુલાકાત કરી. એ મુલાકાત વખતે પક્ષના કોઇ અગ્રણી નેતા જ નહીં હિમાનીને પણ હાજર ના રાખી. જનાર્દનને હિમાનીએ રાત્રે જ્યારે આ વાત કરી ત્યારે તેને નવાઇ લાગી. હિમાનીએ એમ કહ્યું કે સુજાતાબેન કોઇ ખાનગી એજન્ડા પર કામ કરી રહ્યા હોય એવું લાગે છે ત્યારે જનાર્દન ચોંકી ગયો. હિમાનીએ જ્યારે આડકતરી રીતે આ મુલાકાત વિશે પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે તે ઉમેદવારોને ચૂંટણીમાં જીત માટેનું ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે. જનાર્દનને થયું કે એ મુલાકાતોમાં બીજી કોઇ ખાસ વાત હોવાની શક્યતા નકારી શકાય નહીં. સુજાતબેનના મગજમાં શું ચાલતું હશે તેની કોઇને ખબર પડે એમ નથી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED