રાજકારણની રાણી - ૩૯ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૩૯

રાજકારણની રાણી 3

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-3

સુજાતા અને હિમાની આંખોથી જ વાત કરી રહ્યા હતા. શંકરલાલજીના સુજાતાબેન પર ચાર હાથ છે એવો એમાંથી અર્થ નીકળતો હતો. એક રીતે બંને ખુશ હતા કે બહેનની પહોંચ દૂર સુધી છે અને એ કારણે એમની રાજકીય કારકિર્દીને પણ વેગ મળવાનો છે. બંનેએ કોઇ આશા વગર સુજાતાબેનને સારી મદદ કરી હતી. બંનેએ ઘરે જઇને આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં સુજાતાબેન આવીને બોલ્યા:"શંકરલાલજીએ નવી કામગીરી સોંપી છે. હા, આ વાત આપણી વચ્ચે જ રાખવાની છે. તેમણે પાટનગરમાં કહ્યું છે કે સુજાતાબેનની પક્ષના સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક કરો. સુજાતાબેનનું સફળ ઉદાહરણ પક્ષને ઉપયોગી સાબિત થશે..."

જનાર્દન ખુશ થઇને બોલ્યો:બહેન, રાજ્યસ્તરે જ નહીં આ તો આખા દેશમાં મોટી સિધ્ધિ કહેવાય. કોઇ ઉમેદવાર સામે દરેક પક્ષના ઉમેદવારો પાછા હઠી જાય એવો કિસ્સો શોધવો મુશ્કેલ છે. વિરોધ પક્ષવાળા તો પોતાને એક જ મત મળવાનો હોય છતાં ઉમેદવાર ઉભા રાખે છે. એમાં એમની ઇજ્જતનો સવાલ હોય છે. ત્યારે તમારી ઇજ્જત કરવા દરેક પક્ષના ઉમેદવારોએ પોતાનું નામ પાછું ખેંચી લીધું. એમાં નાલેશીભરી હાર કરતાં તમારા પ્રત્યેના સન્માનની વાત વધારે રહી. એક અપક્ષ ઉમેદવારે મને કહ્યું કે અમારા વર્તુળમાં મેં વાત કરી ત્યારે એમણે મને ઉમેદવારી ચાલુ રાખવા સલાહ આપી હતી. પરંતુ સુજાતાબેનની ગરિમા અને કામ કરવાની ધગશ જોઇ મેં મારા રાજકીય સ્વાર્થને બદલે પ્રજાના સ્વાર્થને મહત્વ આપ્યું છે. સુજાતાબેન, સૌથી મોટી વાત એ છે કે રતિલાલ જેવાએ અંજનાની ઉમેદવારી પાછી ખેંચાવી લીધી છે. બાકી એમને તો આ ટિકિટ જોઇતી હતી. એમને પણ લાગ્યું હશે કે સુજાતાબેન સામે આપણો ગજ વાગવાનો નથી...રવિના પણ શાંત રહી."

હિમાની પણ બોલી:"બહેન, તમે ચૂંટણીની જાહેરાતના ઘણા સમય પહેલાંથી લોકોના કામ શરૂ કરી દીધા હતા એ પરથી જ પ્રજાને ખ્યાલ આવી ગયો હતો કે ટિકિટ મળે એ પહેલાં તમે કામ કરવા લાગી ગયા છો. ટિકિટ મળ્યા પછી અને જીત્યા પછી સત્તા મળશે તો ન જાણે કેટલા કામો કરશો..."

"હા હિમાની, આપણે સત્તા મળે પછી પ્રજાના ઘણાં કામો કરવાના છે. અત્યારે તો મારે ત્યાંથી ફોન આવે એટલે પાટનગર જવાની તૈયારી કરવી પડશે. ત્યાં ઘણી બધી સભાઓને સંબોધવાની છે. આ પ્રચાર પણ એક રીતે મારી કસોટી જ છે..." બોલીને સુજાતાબેન સહેજ હસ્યા ત્યારે જનાર્દન અને હિમાનીને નવાઇ લાગી. એ કઇ કસોટીની વાત કરી રહ્યા છે?

"બહેન, તમે બધી જ કસોટીઓમાંથી પાર ઉતર્યા છો અને ઉતરતા રહેવાના છો. જતિનભાઇને છોડ્યા પછી તમારો એવો ઉદય થયો છે કે એ ક્યારેય અસ્ત થવાનો નથી. જતિનભાઇની પત્ની તરીકે તમને બહાર તો ઠીક ઘરમાં પણ ક્યાં કોઇ સન્માન મળ્યું હતું? તમે જાતે જ રાજકારણમાં પાપા પગલી ભરીને આજે આ સ્થાન સુધી પહોંચી શક્યા છો. મને લાગે છે કે જતિનભાઇએ જો તમને સાથે રાખીને તમારી બુધ્ધિશક્તિનો ઉપયોગ કર્યો હોત તો એ ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત. એમણે કોઇ ચૂંટણી લડી નહીં કે કોઇ હોદ્દો મેળવ્યો નહીં. એમણે વર્ષોથી રાજકારણમાં રહેવા છતાં કોઇ સિધ્ધિ ના મેળવી જ્યારે તમે થોડા દિવસમાં જ વર્ષો સુધી રાજકારણમાં ટકી રહેવાય એવી સિધ્ધિ મેળવી લીધી..."

સુજાતાબેન હિમાનીના પ્રતિભાવમાં કંઇ બોલ્યા નહીં કે કોઇ પ્રતિસાદ આપ્યો નહીં. એ જોઇ બંનેને નવાઇ લાગી. હિમાનીને થયું કે જતિનની વાત કરીને પોતે ભૂલ કરી છે. એ જતિનને ભૂલી ગયા છે ત્યારે તેની યાદ અપાવી રહી છે. હિમાનીએ તરત જ વાત ફેરવી નાખી:"બહેન, પાટનગરનું કેવું આયોજન છે?"

"હા, સાંભળ તારે તો મારી સાથે આવવાનું જ છે. જનાર્દને અહીં થોડું કામ કરવું પડશે...."

"હા, બહેન તમે કહેશો એ પ્રમાણે આગળ ચાલીશું..." એમ કહેતી વખતે જનાર્દનના મનમાં એક ફડકો પેઠો. ક્યાંક હિમાની પણ સુજાતાબેનની સંગતમાં રહીને એ રસ્તે તો જતી નહીં રહે ને?

ક્રમશ: