સુંદરી - પ્રકરણ ૭૧ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૭૧

એકોતેર

“કોણ? કોણ છો?” વરુણે પાછળથી શ્યામલની આંખો પર પોતાની હથેળીઓ મૂકી દીધી હતી એટલે શ્યામલ એને ઓળખવાની કોશિશ કરી રહ્યો હતો.

પરંતુ પોતે જો કશું બોલશે તો શિવ એટલેકે શ્યામલ એને ઓળખી જશે એની ખાતરી હોવાથી વરુણ કશું જ બોલ્યો નહીં બસ મૂંગો મૂંગો હસતો રહ્યો.

“જલ્દી બોલો મારી ચ્હા ઉભરાઈ જશે તો ગ્રાહકો બુમો પાડશે, જલ્દી બોલો.” શ્યામલ વરુણની મજબૂત હથેળીઓ પોતાની આંખો પરથી હટાવવાની કોશિશ કરી રહ્યો હતો.

“અરે! આ તો વરુણ ભટ્ટ છે... મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલ જીતાડી એ!” અચાનક જ સામે બેસેલા શ્યામલની ચ્હાના ગ્રાહકોમાંથી એક મુંઢા પરથી ઉભો થઈને બોલી પડ્યો.

“શું યાર...” વરુણના શબ્દોમાં નિરાશા આવી અને તેણે શ્યામલની આંખ પરથી પોતાની હથેળીઓ હટાવી દીધી.

“વરુણ?? તમે?? અહિયાં?” શ્યામલ તરતજ પાછળ ફર્યો અને વરુણ સામે ફાટી આંખે જોઈ રહ્યો.

શ્યામલને વિશ્વાસ નહોતો આવતો કે આ વખતની આઈપીએલનો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ખાસ તેને મળવા માટે આવ્યો છે. જો કે વરુણ તેને મળવાનો વાયદો કરીને તો ગયો જ હતો પરંતુ આટલી મોટી સફળતા મળ્યા બાદ પણ તે એને મળવા લાગ્યો એ શ્યામલથી માની શકાતું ન હતું.

“હાસ્તો હું કેમ ન આવું શિવભાઈ? મેં તમને પ્રોમિસ કર્યું હતુંને? પ્લસ મારો સ્વાર્થ પણ છે જ.” વરુણ હસતો હસતો બોલ્યો.

“એક સેલ્ફી પ્લીઝ!” વરુણને ઓળખી ગયેલો પેલો ગ્રાહક હવે બિલકુલ વરુણ અને શ્યામલની વચ્ચે આવીને ઉભો રહી ગયો.

વરુણે તેને ના ન પાડી, બલ્કે એને ના પાડી ન શક્યો. પેલા ગ્રાહકે તો વરુણ સાથે ઉભા રહીને સેલ્ફી લીધી જ પણ આસપાસ જે કોઇપણ લોકો હાજર હતાં એમની વચ્ચે પણ આ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે ખુદ વરુણ ભટ્ટ અત્યારે તેમની વચ્ચે છે, એટલે ધીમેધીમે શ્યામલની દુકાન એટલેકે ઓટો રિક્ષાની આસપાસ ભીડ વધવા લાગી.

વરુણને હવે તેની ભૂલ સમજાઈ કે તેણે ધોળા દિવસે અહીં નહોતું આવવું જોઈતું કારણકે લોકો તેને ઓળખી ગયા છે અને હવે તેને કારણે શ્યામલને તેમજ આસપાસની દુકાનોના દુકાનદારોને પણ તકલીફ પડશે. એમનો ધંધો બગડશે અને લોકો ફક્ત ને ફક્ત વરુણ જોડે સેલ્ફી લેવા જ ધસારો કરશે. આવામાં જો ધક્કામુક્કી વધી ગઈ તો કઈક ન થવાનું થઇ જશે એવો અણસાર વરુણને આવી ગયો.

એટલે વરુણે એક બે જણા પાસે સેલ્ફી ખેંચાવડાવી અને પછી શ્યામલ પાસેથી એનો સેલફોન લઇ લીધો અને એમાં એણે પોતાનો નંબર ફીડ કરીને ડાયલ કર્યો અને પોતાના ફોન પર મિસ્ડ કોલ આપ્યો.

“આ મારો નંબર છે, ઘરે જઈને શાંતિથી તમને કૉલ કરું, તમારું ખાસ કામ છે. અત્યારે મારે ભાગવું પડશે.” શ્યામલના કાનમાં આટલું બોલીને વરુણે ગમેતેમ કરીને ભીડ વચ્ચેથી રસ્તો કર્યો અને જે તરફ તેણે પોતાની કાર પાર્ક કરી હતી તેની તરફ દોટ મૂકી.

વરુણ દોડી રહ્યો હતો અને તેની પાછળ લોકો પણ દોડી રહ્યા હતા. ક્રિકેટર હોવાને કારણે અને કાયમ પોતાની ફિટનેસનું ધ્યાન રાખવાને લીધે વરુણને પોતાની કાર સુધી પહોંચવામાં જરાપણ તકલીફ ન પડી. તેણે તરતજ કારનું લોક ખોલ્યું અને એમાં બેસી ગયો. તેનો પીછો કરી રહેલી ભીડ હજી તેના સુધી પહોંચે ત્યાંસુધીમાં તો વરુણે કાર સ્ટાર્ટ કરી અને તેને મારી મૂકી.

ઘરે પહોંચીને વરુણે શ્યામલને કૉલ કર્યો. શ્યામલે તેને રાત્રે બાર વાગ્યા પછી ત્યાંજ આવવાનું કહ્યું અને તેને કહ્યું કે તે બહાર જ પોતાની કારમાં બેસીને તેને કૉલ કરે એ દુકાનની વસ્તી કરીને પોતાની ઓટો લઈને ત્યાંજ આવી જશે અને પછી બંને શાંતિથી વાતો કરશે.

વરુણ ફરીથી રાત્રે બાર વાગ્યે એ જ ફૂડકોર્ટ પાસે પહોંચ્યો અને શ્યામલને તેણે બોલાવ્યો. શ્યામલ પોતાની દુકાનને સરખી બંધ કરીને બહાર આવ્યો અને તેણે વરુણની કારની બરોબર બાજુમાં જ પોતાની રિક્ષા પાર્ક કરી. વરુણે તરતજ કારનો દરવાજો ખોલ્યો અને શ્યામલને પોતાની બાજુમાં બેસાડ્યો. શ્યામલના બાજુમાં બેસવાની સાથેજ તે તેને ભેટી પડ્યો.

“સોરી! તમને આટલી મોડી રાત્રે તકલીફ આપી, શિવભાઈ!” શ્યામલનો હાથ પકડીને વરુણે કહ્યું.

“અરે! ના, સોરી તો મારે કહેવું જોઈએ. પબ્લિક ગાંડી થઇ ગઈ હતી એટલે પછી આ જ ટાઈમ ફાવે એવું હતું.” શ્યામલે પણ વળતો વિવેક કર્યો.

“સહુથી પહેલાં તો શિવભાઈ, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો!” વરુણે શ્યામલના બંને હાથ પકડી લીધા ને પછી તેને પોતાને કપાળે અડાડી દીધા.

“મેં શું કર્યું?” શ્યામલના ચહેરા પર ભારોભાર આશ્ચર્ય હતું.

“યાદ કરો શિવભાઈ, જ્યારે હું મુંબઈ જવા નીકળ્યો એ પહેલાં આપણે મળ્યાં હતાં અને તમે કહ્યું હતું કે અને એ પણ ડબલ વિશ્વાસ સાથે કે હું આઈપીએલ જરૂર રમીશ.” વરુણે વાત શરુ કરી.

“હા, મેં કહ્યું તો હતું. તો?” શ્યામલને હજી પણ ખબર નહોતી પડી રહી કે વરુણ તેનો આટલો બધો આભાર કેમ માની રહ્યો છે.

“શિવભાઈ, મને બિલકુલ એટલે બિલકુલ ખાતરી ન હતી કે આટલા બધા ધુરંધરો વચ્ચે મને એક મેચ રમવાનો પણ ચાન્સ મળશે. પણ તમે કહ્યું હતું કે તમે પ્રાર્થના કરશો કે હું એટલીસ્ટ એક મેચ તો જરૂર રમીશ. યાદ આવ્યું?” વરુણે શ્યામલને યાદ દેવડાવવાનો પ્રયાસ કર્યો.

“હા, મેં કહ્યું હતું અને મેં પ્રાર્થના પણ કરી હતી. દર વખતે ટોસ પછી જ્યારે પેલા લોકો ટીમ એનાઉન્સ કરતા એમાં તમારું નામ ન હોય તો મને ખૂબ નિરાશા થતી.” શ્યામલને પણ હવે વરુણની વાત યાદ આવી ગઈ.

“બસ! તો એ જ. તમે પ્રાર્થના કરી તો હું એક મેચ નહીં પણ લગભગ અડધી ટુર્નામેન્ટ રમ્યો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો. આ બધું તમારી એ પ્રાર્થનાને લીધે જ છે.” વરુણની આંખો ભીની થઇ ગઈ.

“તમે મારા મિત્ર છો, તમારા માટે હું પ્રાર્થના નહીં કરું તો કોના માટે કરીશ?” શ્યામલ પણ ભાવુક થયો.

“તમને યાદ છે? પછી મેં કહ્યું હતું કે તમારી જો આ પ્રાર્થના ફળશે તો તમારી પાસે એક બીજી અને એ પણ મોટી પ્રાર્થના કરાવવા હું આઈપીએલ પતે પછી તમારી પાસે આવીશ?” વરુણની આંખોમાં ચમક આવી ગઈ હતી.

“હા, કીધું હતો હતું...” શ્યામલ થોડો ગૂંચવાયો હતો.

“તો આજે હું તમારી પાસે એ પ્રાર્થના કરાવવા જ આવ્યો છું. કરશોને મારા માટે એ પ્રાર્થના?” વરુણના સ્વરમાં આજીજી વર્તાઈ રહી હતી.

“હા, કેમ નહીં. મારા મિત્રની ખુશી માટે ગમેતે કરવા તૈયાર છું. બોલો શું કરવાનું છે મારે?” શ્યામલે વળતો પ્રશ્ન કર્યો.

“શિવભાઈ, મને કોઈ ખૂબ ગમે છે. પણ એને હું જરાય નથી ગમતો. ઉલટું એ મને હદથી વધુ નફરત કરે છે.” વરુણ થોડું રોકાયો.

“તમને કોણ નફરત કરી શકે?” શ્યામલને આશ્ચર્ય થયું.

“છે એક. આમ મારાથી લગભગ સાતેક વર્ષ મોટા છે. પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થઇ કે મને નફરત કરવા લાગ્યા.” વરુણે વાતની સ્પષ્ટતા કરવાની શરુ કરી.

“ઓહો, તો એમ વાત છે. કોણ છે એ? અને ઉંમર જોઇને થોડો પ્રેમ થાય?” શ્યામલને હવે વરુણની વાતમાં રસ પડી રહ્યો હતો.

“હું એમ જ કહું છું. એમ પ્રેમમાં ઉંમર ન જોવાય. એ એક્ચ્યુલી મારી કોલેજના પ્રોફેસર હતા. મારી જૂની કોલેજ ડી. એલ. કોલેજ ઓફ આર્ટ્સ!” વરુણે ઉત્સાહથી કહ્યું.

“કઈ? ડી. એલ. કોલેજ ઓફ આર્ટ્સ? એ તો...” શ્યામલ હજી બોલવા જ જતો હતો ત્યાંજ...

“હા એ જ, તમારી ફૂડ કોર્ટથી પાંચ મિનીટના રસ્તે જે છે એ. હું એમનો જ સ્ટુડન્ટ હતો. મને કોલેજના પહેલા દિવસે જ એ ગમી ગયા હતા. પણ મેં બહુ રાહ જોઈ, એટલે મારો ઈરાદો કશું બનીને જ એમને પ્રપોઝ કરવાનો હતો, પણ પછી એવા સંજોગો ઉભા થઇ ગયા કે અચાનક જ મારે એમની સામે મારી લાગણીઓ કહી દેવી પડી અને અચાનક જ એ ગુસ્સે થઇ ગયા અને મને નફરત કરવા લાગ્યા.

શિવભાઈ, તમે પ્લીઝ, તમારા ભગવાનને મારા માટે પ્રાર્થના કરોને? ગમેતેમ કરીને તમારા ભગવાન એમના હ્રદયમાં મારા પ્રત્યે પ્રેમ જગાડે? તમારી પ્રાર્થના પર મને ખૂબ વિશ્વાસ છે શિવભાઈ. મને ખાતરી છે કે જો તમે દરરોજ તમારા ભગવાનને થોડી થોડી વિનંતી કરશોને તો એ એક દિવસ મારું એમની સાથે મિલન કરાવી આપશે, પ્લીઝ.” આટલું કહીને વરુણે શ્યામલ સમક્ષ પોતાના બંને હાથ જોડ્યા.

“એક મિનીટ. ડી. એલ. કોલેજમાં એ તમને કયો સબ્જેક્ટ ભણાવતા હતા?” શ્યામલને હવે થોડીઘણી શંકા થઇ રહી હતી.

“હિસ્ટ્રી!” વરુણે તરતજ જવાબ આપ્યો.

“એનું નામ?” શ્યામલને હવે ખાતરી કરવી હતી.

“મિસ. સુંદરી... મિસ સુંદરી શેલત!” વરુણ માંડમાંડ સુંદરીનું નામ બોલી શક્યો.

વરુણના ચહેરા પર શરમના શેરડા ઉતરી આવ્યા હતા, પરંતુ શ્યામલની આંખો પહોળીને પહોળી જ થતી ગઈ. વરુણના મોઢેથી એની ગમતી વ્યક્તિનું નામ સાંભળતાની સાથે એનું મોઢું પણ ખુલી ગયું. એ વિશ્વાસ નહોતો કરી શકતો કે થોડાજ સમયમાં તેના ખાસ મિત્ર બની ગયેલા અને હવે સેલિબ્રિટી બની ગયેલો વરુણ તેની બહેન સુંદરીને પ્રેમ કરે છે, એટલુંજ નહીં પરંતુ એ પ્રેમને પામવા માટે તે પોતાની પાસે પ્રાર્થના કરાવવા માંગે છે.

વરુણની કારના ફૂલ એસીમાં પણ શ્યામલને પરસેવો થવા લાગ્યો અને તેણે પોતાનો હાથ પાછળ કરીને કારનું લોક ખોલી નાખ્યું અને એકપણ શબ્દ બોલ્યા વગર જ કારમાંથી બહાર નીકળી ગયો અને પાછલે હાથે જોરથી કારનો દરવાજો પછાડીને બંધ કર્યો. ગણતરીની સેકન્ડ્સમાં જ શ્યામલે પોતાની દુકાન જેના પર હતી એ ઓટો રિક્ષાને સ્ટાર્ટ કરી અને તેનો યુટર્ન લઇ લીધો.

“શું થયું શિવભાઈ?” વરુણ થોડીવાર તો સમજી ન શક્યો કે અચાનક જ તેના શિવભાઈને શું થયું.

વરુણ હજી સમજે એ પહેલાં તો શિવભાઈ એટલેકે શ્યામલની રિક્ષા તેની કારથી દૂર જતી રહી હતી.

==:: પ્રકરણ ૭૧ સમાપ્ત ::==