સુંદરી - પ્રકરણ ૭૦ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૭૦

સિત્તેર

“પ્રાઉડ ઓફ યુ દિકરા!” વરુણને ભેટી પડતાં હર્ષદભાઈ બોલ્યા એમની આંખોમાં પણ આંસુ હતાં.

આઈપીએલની ફાઈનલમાં પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવીને તેમજ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતીને વરુણ ઘરે પરત આવ્યો હતો. એરપોર્ટથી ઘર સુધી સ્થાનિક અને રાષ્ટ્રીય મિડિયાએ વરુણનો પીછો કર્યો હતો અને વરુણે ઘરે આવ્યા બાદ પહેલાં પોતે પોતાનાં પરિવારજનોને મળશે અને પછી મિડિયાને જરૂર મળશે તેવી બાંહેધરી આપ્યા બાદ જ મિડિયાકર્મીઓ શાંત થયા હતા.

આમતો વરુણની સફળતાથી તેના તમામ કુટુંબીજનો અને સાથેસાથે તેનો ખાસ મિત્ર કૃણાલ પણ ગૌરવાન્વિત થયા હોવાનું અનુભવી રહ્યા હતાં, પરંતુ સાથેસાથે આ તમામ લાગણીશીલ પણ બની ગયા હતા. વરુણ સહીત તમામની આંખો હર્ષ સહીત ભીની થઇ હતી.

વરુણે ઘરમાં પ્રવેશ કરવાની સાથેજ પહેલા તો રાગીણીબેનને પગે લાગ્યો અને ત્યારબાદ જેવો હર્ષદભાઈને પગે લાગવા ગયો કે એમણે વરુણને ખભેથી પકડીને પોતાને ગળે વળગાડી લીધો. પછી તો ઈશાનીએ પણ વરુણના બંને ગાલ ખેંચીને તેની ભાષામાં તેને ‘હગ’ કર્યું.

“મને તો જરાય ટ્રસ્ટ ન’તો કે તું આટલું મસ્ત રમીશ. અરે! મને તો એમ જ હતું કે તું એમનેમ ધોયેલા મૂળાની જેમ જ અમદાવાદ પાછો આવીશ.” આટલું કહીને ઈશાની ખડખડાટ હસી પડી.

“તારા જેવી બે’ન હોય પછી મારે દુશ્મનની શી જરૂર?” વરુણે પણ હસીને ઈશાનીનો ગાલ ખેંચ્યો.

“આઉચ... ભાઈ ધીમે!” વરુણે ઈશાનીનો ગાલ જરા જોરથી ખેંચતા ઈશાનીથી બોલી પડાયું.

“કેવી છે તારી કોલેજ?” વરુણે હજી નવી નવી કોલેજ જવા લાગેલી ઇશાનીને પૂછ્યું.

“એકદમ મસ્ત. ફસ્ટ સેમ ચાલુ પણ થઇ ગયું.” ઈશાનીએ માહિતી આપતાં કહ્યું.

“ગૂડ. મસ્ત જ હોયને? મારી જૂની કોલેજના ટ્રસ્ટીઝે જ ચાલુ કરી છે અને વળી કેમ્પસ પણ સેઈમ જ!” વરુણે હસીને કહ્યું અને સાથે સાથે પોતાની જૂની કોલેજની યાદોને પણ મમળાવી લીધી.

“હવે તમારી બંને ભાઈ બહેનની વાત પતી હોય તો આ મિત્ર તરફ પણ જરા મહેરબાની કરો સ્ટાર ક્રિકેટર વરુણ ભટ્ટ?” પાછળથી વરુણનો ખભો પકડીને કૃણાલે કહ્યું.

“અરે! મારી જાન... તારા પર મહેરબાની તો આખી લાઈફ કરવાની છે, આવી જા!” આટલું કહીને વરુણે કૃણાલને કસોકસ પોતાની સાથે વળગાડી લીધો અને એની પીઠ પર ત્રણ-ચાર ધબ્બા જોરથી મારી દીધા.

“બસ યાર! તારા સ્પોર્ટ્સમેનના મજબૂત ધબ્બા મારી પીઠ તોડી નાખશે!” કૃણાલે વરુણને ફરિયાદ કરી.

“નહીં તોડે, તારો મારા પ્રત્યેનો પ્રેમ એટલો મજબૂત છે કે એ તારી પીઠને નહીં તૂટવા દે. એક વાત કે’... તે મારી બધી મેચ જોઈ હતી કે નહીં? તે પ્રોમિસ આપેલું, યાદ છે ને?” વરુણે કૃણાલને ભેટેલી અવસ્થામાં જ એના કાનમાં પૂછ્યું.

“બિલકુલ જોઈ હતી. પેલી રાજસ્થાન સામેની મેચ વરસાદને લીધે છેક રાત્રે દોઢ વાગ્યે પતી હતી તો પણ જોઈ હતી, બીજે દિવસે મારે વહેલી સવારે રાજકોટ જવાનું હતું તો પણ.” કૃણાલે પણ વરુણના કાનમાં જવાબ આપતાં કહ્યું.

“ગ્રેટ! તો એ મેચમાં મેં કેટલા રન બનાવ્યા હતા? અને મેં કેટલી વિકેટ લીધી હતી બોલતો?” વરુણે પૂછ્યું.

“તેં પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા ત્રીસ બોલમાં પંચાવન રન કર્યા હતા. તું અગિયારમી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, અને તેં રાજસ્થાન લગભગ જીતવાનું હતું ત્યારે તારી છેલ્લી બે ઓવર્સમાં ત્રણ વિકેટ લીધી અને મુંબઈને જીતાડી દીધું હતું, અને તે સ્લિપમાં એક કેચ પણ કર્યો હતો. બોલ હવે?” કૃણાલે એકદમ વિગતવાર જવાબ આપ્યો.

“કયા બાત, કયા બાત! તું પ્રોમિસનો પાક્કો નીકળ્યો હોં કે!” વરુણે છેવટે કૃણાલને પોતાની ભીંસમાંથી છોડ્યો.

“યાર, તને પ્રોમિસ ન કર્યું હોત તો પણ તારી એક પણ મેચ જોયા વગર રહું એ બને?” કૃણાલે સ્મિત સાથે વરુણને કહ્યું.

“સાવ સાચું! તું છે જ યારોં કા યાર! અરે હા! પ્રોમિસથી યાદ આવ્યું, મારે પણ કોઈને આપેલું પ્રોમિસ નિભાવવાનું છે. એ મારી રાહ જોતા હશે.” વરુણને અચાનક જ કશું યાદ આવ્યું.

“કોણ? કોને પ્રોમિસ આપ્યું છે તેં?” કૃણાલને નવાઈ લાગી.

“હશે કોઈ ગર્લફ્રેન્ડ, આપણે શું?” ઈશાનીએ તરતજ લાગ જોઇને ટહુકો કર્યો.

“કાગડી, ચૂપ રે’ ને! કોઈ ગર્લફ્રેન્ડ નથી. પણ ફ્રેન્ડ છે. નવો નવો, મસ્ત માણસ છે. એને મેં મુંબઈ જતાં પહેલાં જ પ્રોમિસ કર્યું હતું. મારે એ પ્રોમિસ આજે જ પૂરું કરવું પડશે. પપ્પા, હું જરા એકાદ કલાકમાં આવ્યો હોં!” વરુણ આટલું બોલીને અચાનક જ દરવાજા તરફ ચાલવા લાગ્યો.

“અરે! પણ આ મિડિયાવાળા બહાર ઉભા છે તારી રાહ જોઇને એમને જરા શાંત કરતો જા!” રાગીણીબેને વરુણને યાદ અપાવ્યું.

“હા, એ તો હું ભૂલી જ ગયો. પણ ઇન્ટરવ્યુ પછી પણ એ લોકો મને નહીં છોડે, મારો પીછો કરશે તો?” વરુણે ચિંતા દર્શાવી.

“એક કામ કર, તું ઇન્ટરવ્યુ પતાવી દે, પછી પાછલા દરવાજેથી બહાર આવીને મારા ઘરના પાછલા દરવાજે મારી રાહ જો, આપણે ત્યાંથી જ મારી કારમાં નીકળી જઈશું. તારે જ્યાં જવું હશે ત્યાં હું તને લઇ જઈશ.” કૃણાલે ઓફર કરી.

“ના, ના એમને મળવા તો મારે એકલા જ જવું છે. એક કામ કર કૃણાલ તું તારી કાર રેડી રાખજે, હું પાછળથી એને ડ્રાઈવ કરીને લઇ જઈશ.” વરુણે આઈડિયા આપ્યો.

“અરે તમે બંને શું લોચા મારી રહ્યા છો? આપણી કાર પણ પાછળ જ છે ને? તો તું ઇન્ટરવ્યુ પતાવીને આપણી જ કાર લઈને નીકળી જા ને.” હર્ષદભાઈએ વરુણને યાદ અપાવતાં કહ્યું.

“અરે! હા એ તો હું ભૂલી જ ગયો.” વરુણ હસી પડ્યો.

“ચલ, હવે એ લોકોને વધુ રાહ ન જોવડાવ, ઓલરેડી અડધો-પોણો કલાક થઇ ગયો છે. બિચારા ગરમીમાં બહાર સડી રહ્યા છે. ઈશાની, તું મને જરા શરબત બનાવવામાં મદદ કર તો? અને પછી તું અને કૃણાલ એ બધાને બહાર સર્વ કરી દેજો.” રાગીણીબેને ઇશાનીને કહ્યું.

“ના આંટી, શરબત હું બનાવું છું. મિડિયાવાળા વરુણને તમારા બધા માટે જરૂર પ્રશ્ન પૂછશે, એટલે તમે બધાં બહાર ઉભા રહો, હું શરબત બનાવી લઉં એટલે ઇશાનીને બોલાવી લઈશ. ત્યાં સુધી તમે બધાં મિડિયા સાથે વાત કરો.” કૃણાલે સજેશન આપ્યું.

“છે ને મારો કૃણાલીયો મારી જાન!” આટલું કહીને વરુણે કૃણાલના બંને પગ પકડીને તેને ઊંચકી લીધો.

“હા, કૃણાલ મારા બીજા દીકરા જેવો જ છે!” રાગીણીબેને પણ આ બંનેને જોઇને સ્મિત સાથે કહ્યું.

ત્યારબાદ વરુણ, હર્ષદભાઈ, રાગીણીબેન અને ઈશાની ઘરની બહાર આવેલા વિશાળ પોર્ચમાં આવ્યા જ્યાં લગભગ વીસેક પત્રકારો તેમની એટલેક વરુણની રાહ જોઇને ઉભા હતા. એમનાં બહાર આવવાની સાથેજ મિડિયાકર્મીઓની ધીરજ તૂટી પડી અને તમામ આ લોકો તરફ ધસી પડ્યા. લગભગ દસેક મિનીટ સુધી વરુણના ઘરની બહાર આ ધાંધલધમાલ ચાલુ જ રહી.

પછી બધા પોતપોતાની જગ્યાએ સ્થિર થયા અને વરુણ સામે લગભગ બાર જેટલા માઈક આવી ગયા. તમામે સામાન્યતઃ જે સવાલ પૂછવામાં આવે છે એવા જ સવાલો કર્યા. આઈપીએલમાં રમ્યા પહેલા ક્યારેય એવું લાગ્યું હતું કે વરુણ એ રમી શકશે? પાંચેક મેચ સુધી રમવા ન મળ્યું ત્યારે એ શું ફિલ કરતો હતો? જ્યારે પહેલીવાર કેપ્ટને તેને કહ્યું કે એ મેચમાં રમવાનો છે ત્યારે કેવું ફિલ કર્યું? ફાઈનલ જીતીને અને બે બે મોટા એવોર્ડ્સ જીતીને કેવું લાગે છે? હવે આગળનો શો પ્લાન છે? ટીમ ઇન્ડિયા તરફથી રમવા મળે તો? વગેરે વગેરે...

પરંતુ જ્યારે વરુણને એમ પૂછવામાં આવ્યું કે તે આ સફળતા માટે કોણે જવાબદાર ગણે છે ત્યારે વરુણે પોતાની ટીમ, ટીમના સભ્યો, ટીમના કેપ્ટન, મેનેજમેન્ટ ઉપરાંત પોતાના માતાપિતા, બહેન અને ખાસ મિત્ર કૃણાલનો આભાર તો માન્યો જ પણ સાથે એમ પણ ઉમેર્યું કે તેનો એક નવો મિત્ર જેણે તેને આશા બંધાવી અને વિશ્વાસ અપાવ્યો કે તે આઈપીએલમાં એટલીસ્ટ એક મેચ તો રમશે જ અને એ માટે એ પ્રાર્થના પણ કરશે તેનો તે ખાસ આભાર માને છે કારણકે એની પ્રાર્થનાને કારણેજ એ આઈપીએલ રમી શક્યો એવું એને લાગે છે.

પત્રકારોએ એ મિત્રનું નામ પૂછ્યું પણ વરુણે એ મિત્રની પ્રાઈવસી ભંગ નથી કરવી એમ કહીને જવાબ ટાળ્યો. લગભગ વીસ-પચીસ મિનીટ બાદ પત્રકારોના સવાલ ખૂટ્યા એ દરમ્યાન કૃણાલે પણ શરબત બનાવી લીધું હતું એટલે એ અને ઈશાની તમામને શરબત પીરસવામાં લાગ્યાં. આ તમામના ગયા બાદ સમગ્ર પરિવાર અને કૃણાલ ઘરમાં આવ્યા. વરુણ સીધો જ પોતાના રૂમમાં ગયો, ન્હાયો અને કપડાં બદલીને લિવિંગ રૂમમાં આવ્યો. વરુણે માથે ટોપી પહેરી હતી અને કાળા રંગના ગોગલ્સ ચડાવ્યા હતા.

“આ શું પહેર્યું તેં?” વરુણનો ડ્રેસ જોઇને રાગીણીબેનને નવાઈ લાગી.

“મમ્મી, ભાઈ હવે સેલિબ્રિટી થઇ ગયો છે, મિડિયાથી બચવા માટે આવું પહેર્યું છે.” ઈશાનીએ હસતાં હસતાં કહ્યું.

વરુણે પણ હસીને ઈશાનીના માથે હળવેકથી ટપલી મારી.

“હું એકાદ કલાકમાં આવું છું, અહીં નજીકમાં જ જાઉં છું.” આટલું કહીને વરુણે ટેબલ પર પડેલી કારની ચાવી લીધી અને પાછલા દરવાજા તરફ ગયો. અહીં પાર્ક કરેલી કારને લઈને તે પાછલી ગલીમાંથી સોસાયટીની બહાર નીકળી ગયો.

વરુણની કાર દૂર જતાં જોઇને કૃણાલે પોતાનો સેલફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને કૉલ જોડ્યો અને કૉલ લાગતાં જ બોલ્યો.

“સોનલબેન, વરુણ હમણાં જ શ્યામલને મળવા નીકળ્યો છે...”

==:: પ્રકરણ ૭૦ સમાપ્ત ::==