કાવ્યાએ ચિરાગને ફોન લગાવ્યો,"હેલો, શું તેં તારા પપ્પા સાથે વાત કરી?"
"ના, મારી હિંમત નથી થઈ. તે સાંભળવા જ તૈયાર નથી." ચિરાગે જવાબ આપ્યો.
"ઓકે." કહીને કાવ્યાએ તરત ફોન કટ કરી નાખ્યો.
તરતજ તેણે ઇશીતાને ફોન લગાવ્યો અને એજ પ્રશ્ન પૂછ્યો. ઇશીતાએ પણ ચિરાગ જેવો જ જવાબ આપ્યો.
કાવ્યા ફોન કટ કરીને વિચારોમાં ખોવાઈ ગઈ.
******************************
આખરે લગ્નનો એ દિવસ આવી ગયો જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કાવ્યાએ અને દેવે પોતાની આખી ટીમ સાથે મળીને એકદમ ભપકાદાર તૈયારીઓ કરી નાખી હતી. ખુલ્લા આકાશ નીચે એક વિશાળ મંડપ બાંધેલો હતો, જે ધીમે ધીમે માનવમેદનીથી ભરાઈ રહ્યો હતો. ફૂલોની સજાવટ, ફાઉન્ટેન્સ અને સંગીતની રેલમછેલ વાતાવરણની મનમોહકતામાં વધારો કરી રહ્યા હતા. મંડપની વચ્ચોવચ લગ્નની પૂજાવિધિ માટે એક મોટો સ્ટેજ શણગારવામાં આવ્યો હતો. એ સ્ટેજ ઉપર પંડિતજી વિધિ માટેનો પોતાનો બધો સામાન ગોઠવી રહ્યા હતા અને સ્ટેજથી થોડે દુર ઉભા રહીને દેવ અને કાવ્યા ગોષ્ઠી કરી રહ્યા હતા.
"એન્ટ્રન્સ?" કાવ્યાએ પૂછ્યું
"ચેક." દેવે હાથમાં રહેલી ડાયરીમાં ટીક કરતા કહ્યું.
"ફ્લાવર્સ?"
"ચેક."
"ડેકોરેશન?"
"ચેક."
"મ્યુઝિકલ ફાઉન્ટેન્સ?"
"એ પણ ચેક."
"સાઉન્ડ સિસ્ટમ?"
"ચેક."
"સ્ટેજ?"
"એમાં થોડું બાકી છે." દેવે માથું ખંજવાળતા કહ્યું.
"તો કરને, રાહ કોની જોવે છે. બહુ બેદરકાર થઈ ગયો છે.." કાવ્યાએ મજાકમાં કહ્યું.
" હા પણ હવે, કરું છું મારી માં." અકળાઈને દેવે કહ્યું.
"પંડિતજી કોઈપણ વસ્તુની જરૂર હોય તો અમારા બેમાંથી જે કોઈ દેખાય એને કહી દેજો." કાવ્યાએ પોતાના અને દેવ તરફ આંગળી કરીને કહ્યું.
એટલામાં વેઈટર ત્યાં આવ્યો અને કાવ્યાને જ્યુસ આપી ગયો.
"યાર, હજી સમય છે. ભગાડી દેવી છે ઇશીતાને." દેવે કહ્યું.
"પાગલ થઈ ગયો છે? હમણાં જાન આવી જશે અને તું આવી વાતો કરે છે?" કાવ્યાએ જ્યુસ પીતા પીતા કહ્યું.
"તો શું કહું, યાર?" દેવ નિરાશ થઈ ગયો.
"ઇશીતા પર છોડી દે. આ એની લડાઈ છે." કાવ્યાએ જ્યુસ દેવને ધર્યો.
"પણ તું જોતો જા શું થાય છે એ, રાઠોડ્સે કીધું હતુંને કે ફંક્શન એકદમ જોરદાર થવું જોઈએ કે સુરતમાં ચારે બાજુ આની જ ચર્ચાઓ થાય. એનો ઇન્તેજામ થઈ ગયો છે. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ." કાવ્યાએ દેવ સામે જોઇને કહ્યું.
"અમુક વાર છેને સાચે મને તારી બીક લાગે છે. જા હવે, જઈને જોઈ આવ દુલ્હન તૈયાર થઈ કે નહીં? તારા ખુરાફાતી દિમાગમાં ખબર નહીં શું આઈડિયા આવ્યો હશે. ભગવાન બચાવે આ રાઠોડ્સને." દેવે જ્યુસની એક ચૂસકી લેતા કહ્યું.
"અરે હા, જો કેટરિંગ જોવાનું બાકી છે. તું પ્લીઝ જોઈ લે હું ઇશીતાને મળીને આવું." કહીને કાવ્યા મંડપમાંથી હસતા હસતા ઇશીતાનાં રૂમ તરફ જતી રહી. એ જેવી અંદર પ્રવેશી ઇશીતાને લગ્નનાં લાલ રંગના જોડામાં જોઈને થોભી ગઈ. ઇશીતા એકદમ સુંદર લાગી રહી હતી, જાણે ચાંદનો ટુકડો.
કાવ્યાને આમ ઉભી રહેલી જોઈને ઇશીતાએ કહ્યું," શું થયું? નથી સારી લાગી રહી હું? આવી રીતે કેમ જોઈ રહી છે?"
કાવ્યા તેની પાસે આવી અને પોતાના આંખમાંથી કાજલ લઈને તેણે ઇશીતાને કાળો ટીકો લગાવ્યો. "હવે પરફેક્ટ છે. ભગવાન તને ખરાબ નજરોથી હંમેશા બચાવે. એકદમ ટકાટક લાગે છે." કહીને તેણે ઇશીતાના કપાળમાં હળવું ચુંબન કર્યું.
એ જોઈને ઇશીતા ગળગળી થઈ ગઈ. તે કાવ્યાને ભેટી પડી અને તેણે કહ્યું, " શું હું બરાબર કરી રહી છું, કાવ્યા?"
"આનો જવાબ હું નહીં આપી શકું. ઇશીતા, જ્યારે કંઈ ખબર ના પડે કે હું સાચું કરી રહી છું કે ખોટું અથવા તો તું જ્યારે પણ કન્ફ્યુઝ હોય ત્યારે તારી આંખ બંધ કરીને શાંત મગજથી વિચારજે. તને શું જોઈએ છે એ જવાબ તને આપોઆપ મળી જશે." કાવ્યાએ જવાબ આપ્યો.
"હું ખાલી તને એટલું જ કહીશ કે લડવાની હિંમત રાખજે. જરાય ઢીલી ના પડતી, અમે તારી પડખે જ ઉભા છીએ. હમણાં જાન આવતી હશે. ચાલ હું જાઉં છું, મારે હજી થોડું કામ બાકી છે." કહીને કાવ્યા છૂટી પડી.
ઇશીતાએ કાવ્યાનો હાથ પકડી લીધો અને કહ્યું,"પેલા બે નંગ ક્યાં છે? એ બંનેને મોકલજેને."
કાવ્યાએ માથું હલાવ્યું અને આંખમાં આવેલું આંસુ લૂછતાં રૂમમાંથી નીકળી ગઈ.
કાવ્યા ફરી મંડપમાં આવી. સામે જ તેણે લવ અને દેવને વાતો કરતા જોયા. તે એમની પાસે ગઈ. તેને આવતા જોઈ દેવે કહ્યું," તૈયાર છે ને ઈશુ?"
"હા, તમારા બંનેની રાહ જોઈ રહી છે." કાવ્યાએ કહ્યું અને ત્યાંથી જતી રહી.
થોડી વાર પછી દેવ અને લવ બંને ઇશીતાનાં રૂમમાં પહોંચ્યા. તેમને રૂમમાં આવેલા જોઈને ઇશીતા ઉભી થઇ ગઇ અને ત્રણેય મિત્રો એ જુના દિવસોની જેમ એકબીજાને ક્યાંય સુધી ભેટી રહ્યા. સમય જાણે થંભી ગયો હતો. ઇશીતા આ પળને મનભરીને માણી લેવા માંગતી હતી. તેણે બંનેનો હાથ પકડી લીધો. ઇશીતાને આમાં જાણે દુનિયાની બધી ખુશી મળી ગઈ હતી. તેની આંખો ભીની થઇ ગઇ.
"કોંગ્રેટ્સ, ઈશુ. ફાઇનલી તારો વેડિંગ ડે આવી ગયો, જેના વિશે આપણે વર્ષો પહેલા બધું ડિસ્કસ કરતા હતા. મને હજી યાદ છે તારી એ બચપનાથી ભરેલી એ બધી વાતો. એ દિવસ વિશે વાત કરતા તું કેટલી એક્સાઇટેડ થઈ જતી હતી, અને હવે જુઓ કેટલી મોટી થઈ ગઈ છે. એ એક્સાઇટમેન્ટ ક્યાં ખોવાઈ ગયું? જસ્ટ એન્જોય ધ મોમેન્ટ." લવે ઇશીતાના ચહેરા સામે જોઈને કહ્યું.
ઇશીતા ફરી ગઈ અને દેવ સામે જોઇને ઉભી રહી ગઈ. "તું કેમ ચૂપચાપ ઉભો છે? આજે કંઈ કહીશ નહીં મને? કોઈ સલાહ કે જીવન જરૂરી બોધપાઠ, લાઈક ગુડ ઓલ્ડ ટાઈમ્સ." ઇશીતાએ દેવને કહ્યું.
"ના. આજે હું તને કંઈ કહીશ કે સમજાવીશ નહીં. એ મેં અત્યાર સુધી બહુ કર્યું છે. આજે હું તને માત્ર ત્રણ સવાલો પૂછીશ, જેના તારે સાચેસાચા જવાબ આપવાના છે, મને નહીં, તારી જાતને. મને તો ખબર છે કે તારો જવાબ શું હશે અને તું મને શું જવાબ આપીશ, એ બધું મને ખબર છે. પણ આ સવાલ તારી જાતને પૂછજે અને પ્રામાણિકતાથી તારી જાતને જવાબ આપજે. એક,શું તું આ લગ્નથી ખુશ રહી શકીશ? બે, શું ચિરાગ તને એ જીવન આપી શકશે જેના સપનાઓ તું વર્ષોથી જોઈ રહી હતી? અને ત્રણ, શુ તું પીંજરામાં જ કેદ થઈને જીવવા માંગે છે કે એ પીંજરું તોડીને સપનોના આકાશમાં ઉડવા માંગે છે?" દેવ કાવ્યા પાસે ગયો, તેને ભેટ્યો અને લવને લઈને ત્યાંથી જવા લાગ્યો.
એટલામાં કાવ્યા બોલી ઉઠી,"હવે આ ઘડીએ હું શું કરી લેવાની?" ઇશીતાએ લાચારી બતાવતા કહ્યું.
દેવ ઇશીતાની સામે જઈને એના બને ખભા પકડીને ઉભો રહી ગયો,"હજી તારા લગ્ન થઈ નથી ગયા. હજી સમય તારી પાસે છે. મેં કીધું એના પર વિચાર કરજે." કહીને બંનેજણા ત્યાંથી નીકળી ગયા.
ઇશીતા તેમને જતા જોઈ રહી અને પાછી અરીસા સામે આવીને બેસી ગઈ અને પોતાની જાતને નિહાળવા લાગી. તે આંખ બંધ કરીને વિચારોના મહાસાગરમાં ડૂબી ગઈ. તે તેની જાત સાથેના અંતર્યુંદ્ધમાં ખોવાઈ ગઈ.
******************************
"ચાલો બધા જલ્દી જાન આવવાની તૈયારી થઈ ગઈ છે." રાજદીપે કહ્યું અને જાનનું સ્વાગત કરવા પોતાના કુટુંબીજનોને લઈને મંડપમાંથી નીકળી ગયો.
"કાવ્યા, જલ્દી કર. જાન આવવાની તૈયારી છે." દેવે કાવ્યાને બૂમ મારી.
કાવ્યા ઉતાવળી ઉતાવળી આવી અને જાનનાં સ્વાગત કરવા માટે ત્યાં પહોંચી ગઈ.
જાનનું આગમન થઈ ચૂક્યું હતું અને ચિરાગ મંડપમાં આવીને બેસી ગયો હતો. ઇશીતાને મંડપમાં આવવાનો સમય થઈ ગયો હતો. ઇશીતાએ આંખો ખોલી અને ઉભી થઇ રૂમમાંથી નીકળી. રૂમની બહાર દેવ ,લવ, કાવ્યા અને તેના બધા હિતેચ્છુઓ ઉભા હતા. તેની એક બાજુ દેવ અને એક બાજુ લવ તેને લઈને મંડપમાં આવી રહ્યા હતાં જેવી રીતે બે બેસ્ટફ્રેન્ડ તેને પ્રોટેક્ટ કરે એ રીતે ઇશીતાની બંને બાજુ જાણે તેનું કવચ બનીને બંને આવી રહ્યા હતા. ત્રણેયને આમ આવતા જોઈને દૂર ઉભેલી કાવ્યાના આંખમાં ખુશીનાં આંસુ આવી ગયા. ઇશીતા વિધિ કરવાના સ્થાન ઉપર પહોંચી ગઈ. પંડિતજીએ અગ્નિ પ્રગટાવ્યો અને લગ્નની વિધિ શરૂ કરી. ઇશીતા મંડપમાં આવતાની સાથે જ કાવ્યા થોડે દુર જતી રહી અને તેણે અનામી ફોન લગાવ્યો,"ઇશીતા મંડપમાં આવી ગઈ છે. તારા માટે અહીં આવવાનો સમય થઈ ગયો છે." કહીને તેણે ફોન મૂકી દીધો અને સ્ટેજની નજીક જઈને દેવની બાજુમાં ઉભી રહી ગઈ.
થોડીજ વારમાં એક છોકરી ઉતાવળા પગલે હાંફળાફાંફળા થતા આવી અને સ્ટેજ ઉપર ચડીને જોરથી બોલી, "આ લગ્ન મારા જીવતા નહીં થાય." કહીને તેણે આટલા બધા લોકોની વચ્ચે ચિરાગનો હાથ પકડી લીધો. ત્યાં રહેલા બધા જ લોકોના ચહેરા ઉપર પ્રશ્નાર્થ છવાઈ ગયો. રઘુવીર અને રાજદીપ એકબીજાની સામે વ્યાકુળ થઈને જોઈ રહ્યા. ઇશીતા પણ ચૂપચાપ બધું જોઈ રહી. તેને ખબર પડી ગઈ કે આ છોકરી કોણ છે.
આ જોઈને દેવ કાવ્યા સામે જોઈ રહ્યો. "આ તારો પ્લાન હતો?" દેવે પૂછ્યું.
કાવ્યા સ્મિત કરતા કરતા બોલી,"અબ આયેગા મઝા. અબ હોગા બડા તમાશા."
તેને જોઈને ચિરાગ બોલી ઉઠ્યો,"કામિની તું? તું... અ..હી..યા.. કેવી રીતે?" અને તે બેબાકળો થઈ ગયો. તેણે અચાનક આમ આવેલી કામિનીને જોઈને શું કરવું કંઈજ સમજણ ના પડી.
"કેમ, હું ના આવી શકું અહીં? તું મને નહીં કહે તો મને નહીં ખબર પડે એમ તું સમજતો હતો?" કામિનીએ ચિરાગને ઉભો કરતા કહ્યું.
"એય છોકરી, કોણ છે તું? લગ્નમાં રુકાવટ લાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? તને ખબર છે તું કોનાં મંડપમાં ઉભી છે?" રઘુવીરે ગુસ્સામાં કહ્યું.
"હું કોણ છું એ પૂછો આ તમારા છોકરાને, હજી સુધી એણે તમને મારા વિશે કહ્યું નથી?" કામિનીએ ચિરાગનો હાથ છોડી દઈને રઘુવીર સામે આવીને કહ્યું.
રઘુવીરે ચિરાગ સામે જોયું, પણ ચિરાગ માથું નીચું કરીને ચુપચાપ સાંભળી રહ્યો. એ જોઈને કામિની બોલી," ચિરાગ કંઈક બોલ, આ ચુપ્પી આપણી રિલેશનશિપને ભરખી જશે. આ મારી સહનશીલતાની પરાકાષ્ઠા છે." કામિની રડમસ થઈ ગઈ.
કાવ્યા સ્ટેજ ઉપર ચડી અને કામિની પાસે આવી,"આ તમારા છોકરાની ગર્લફ્રેન્ડ છે જેની સાથે એ પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે અને માત્ર તમારા લીધે એ તેને આપેલા પરણવાના વચનને તોડી રહ્યો છે." કહીને કાવ્યાએ કામિનીને સંભાળી.
"ઓહ હવે સમજ્યો, મને ગર્વ છે ચિરાગ ઉપર કે એણે તને છોડીને મેં કહ્યું એ કરવાનું નક્કી કર્યું." એ વાતનું ગૌરવ લેતા મૂછો ઉપર તાવ દેતા રઘુવીરે કહ્યું.
"તારા માટે માણસનું કોઈ મહત્વ નથી? આ પાંચ વર્ષ, જે સાથે વિતાવેલો સમય, આપેલા વચનો એનું કાંઈ મૂલ્ય નહીં? આપણે સાથે વિતાવેલી એ એક એક પળ, આપણે સાથે જોયેલા સપનાઓ, શું એ બધું એક જુઠાણું હતું? માત્ર દંભ હતો? કે પછી ટાઈમપાસ હતો? ચિરાગ, કંઈક બોલ. તારી આ ચુપકીદી મારો જીવ લેશે." કહીને કામિની રડમસ આંખોએ ચિરાગ સામે જોઈ રહી.
ચિરાગ કંઈ ના બોલ્યો. તે પણ લાચારીભરી નજરોથી બસ કામિનીના ચહેરાને ચૂપચાપ જોઈ રહ્યો.
"જો મારા લગ્ન તારી સાથે નહીં થાય તો આ હવનકુંડમાં જ હું અગ્નિસ્નાન કરી લઈશ." કહીને કામિની રડવા લાગી. ચિરાગ આ સાંભળીને ગભરાઈ ગયો. તે કામિનીને જઈને વળગીને તેને શાંત કરવા માંગતો હતો. તેણે એક પગલું આગળ ભર્યું, પણ રઘુવીરને જોઈને તે પગલું પાછું ફર્યું.
"રહેવા દે કામિની, આ માણસ માટે તું મારી જઈશ? જેને તારી કંઈ પડી નથી. જેને તારી સાથે પ્રેમ નથી. આ માણસ તારા આંસુઓને પણ લાયક નથી. ખાલી પ્રેમ કરવાનું નાટક કરી રહ્યો છે એ. અરે કાયર છે કાયર, જે પોતાના પ્રેમ માટે લડી પણ શકતો નથી. ખાલી નામનો જ રાઠોડ છે, લક્ષણો કોઈ જાતના નથી. નામ બડે ઓર દર્શન છોટે. હુંહ." કાવ્યાએ ચિનગારી ભડકાવવાનો પ્રયત્ન કર્યો.
આ સાંભળીને ચિરાગને પોતાની જાત પર શરમ આવી ગઈ અને તેની પણ આંખો ભીની થઇ ગઇ. તે માથું નીચું કરીને આંખો બંધ કરીને ઉભો રહી ગયો.
"એય છોકરી, તું તારી હદમાં રહીને બોલ. રાઠોડનું નામ આ રીતે તારા મોઢેથી લેવાની તારી હિંમત કેવી રીતે થઈ. ઔકાત શું છે તારી રાઠોડની આગળ. તારા જેવી પચાસ મારા હાથ નીચે રહેતી હશે. તું શું લાઈ?" રઘુવીરે ગુસ્સામાં લાલચોળ થતા કહ્યું.
"ઇનફ ડેડ, બસ. હવે બહુ થઈ ગયું. મેં બહુ તમારું કહ્યું કરી લીધું અને તમે બહુ તમારું કહ્યું બધા પાસે કરાવી લીધું." ચિરાગે આંખો ખોલી, માથું ઊંચું કર્યું અને ગળામાંથી હાર કાઢતા કહ્યું.
"નથી કરવા મારે આ લગ્ન, ક્યાં સુધી હું બધું જે તમે કહો એ પ્રમાણે કરતો રહું. મારી પણ લાઈફ છે. હું કામિનીને પ્રેમ કરું છું, એને ચાહુ છું અને લગ્ન પણ એની સાથે જ કરીશ, તમારાથી થાય એ કરી લેજો. હું પણ એક રાઠોડ જ છું એટલું યાદ રાખજો."ચિરાગે બધા વચ્ચે કામિનીની પાસે જઈને તેનો હાથ પકડી લીધો અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો.
મંડપમાં રહેલા બધા જ અતિથિ આ તમાશો જોઈ રહ્યા હતા.
કાવ્યાને પોતાનો પ્લાન સફળ થતો જણાઈ રહ્યો હતો. તે મનમાં ખુશ થવા લાગી. રઘુવીર આ સાંભળીને સમસમી ઉઠ્યો."તને ખબર છેને ચિરાગ આનું પરિણામ શું આવશે? એક ફૂટી કોડી નહીં મળે તને. આ બધી સુખ સાહ્યબી છીનવાઈ જશે, યાદ રાખજે." રઘુવીરે ધમકીભર્યા સ્વરમાં કહ્યું.
"અરે નથી જોઈતી મારે તમારી એક પણ પાઈ, કામિની સાથે હશે તો હું પોતે એક નવું એમ્પાયર ઉભું કરી નાખીશ, શૂન્યમાંથી સર્જન કરીશ, મારામાં એટલી આવડત તો છે." ચિરાગે લપડાક મારતો જવાબ આપ્યો.
કાવ્યાએ મોકાનો ભરપૂર લાભ ઉઠાવતા એક આખરી વાર કર્યો,"ઇશીતા, તું કેમ ચૂપ બેસી રહી છે? આ જ બોલવાનો મોકો છે. કહી દે તારા મનમાં જે છે એ." કાવ્યાએ ઇશીતાની સામે જોઇને તેને કહ્યું. આ સાંભળીને બધાની નજર કાવ્યા અને ઇશીતા તરફ વળી ગઈ.
"શું બોલવું છે તારે? બેસી રહે ચૂપચાપ." રાજદીપે ઝંપલાવ્યું.
આ સાંભળીને કાવ્યા બોલી,"કહી દે કે તારે આ લગ્ન નથી કરવા. તારી અંદર રહેલા આ ડરને દૂર કરવાનો આ આખરી મોકો છે."
આ સાંભળીને ફરી મંડપમાં સોંપો પડી ગયો. રાજદીપ ગુસ્સાભરી નજરે ઇશીતા સામે જોવા લાગ્યો. ઇશીતા ચૂપચાપ માથું નીચું રાખીને રડવા લાગી. આવા અણધાર્યા શબ્દોથી તેને સમજણ ના પડી કે શું કરું.
કાવ્યા ઇશીતાની પાસે ગઈ અને કહ્યું," આ તારા માટે આખરી મોકો છે. આજે નહીં બોલે તો જીવનમાં ક્યારેય અન્યાય સામે માથું ઉંચુ કરીને બોલી નહીં શકે. આજે તમામ છોકરીઓ માટે એક મિસાલ બનવાનો તને મોકો મળ્યો છે. સામનો કર, અમે તારી સાથે છીએ. યાદ કર તારા સપનાઓને, યાદ કર તારી એ ઈચ્છાઓને જેને તું પૂર્ણ કરવા માંગતી હતી, યાદ કરી તારું સિંગર બનવાનું સપનું, એ એક એક દર્દ આપતી પળોને પણ યાદ કર જેને સહન કરીને તું અત્યારના મુકામ સુધી પહોંચી છે. યાદ કર તારા એ એકલતાના પળો, એ ટોર્ચર, એ પળો જેને કારણે તું મરવા તૈયાર થઈ ગઈ હતી. એક રાજપૂત લોહી ક્યારેય આમ ચૂપ ના રહે, એ તો વિરતાથી સામનો કરે." આ સાંભળીને કાવ્યા આંખો બંધ કરીને રડવા લાગી.
"ઓહ, તો હવે ખબર પડી આ બધું આ છોકરીનું કર્યુંધર્યું છે. તારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરના મામલામાં બોલવાની. અમારા જેવા લોકો સામે તારી શું વિસાત છે? મને પહેલાથી જ ખબર હોત તો તને આ કામ જ ના આપ્યું હોત. હું તો પહેલેથી જ કહેતો હતો કે આ આખી સ્ત્રી જાત જ વાહિયાત છે." કહીને ગુસ્સામાં રાજદીપે કાવ્યાને મારવા માટે હાથ ઉઠાવ્યો.
અચાનક ઇશીતા ઉભી થઇ અને તેણે રાજદીપનો હાથ અધવચ્ચે પકડી લીધો અને બળપૂર્વક દૂર હડસેલી દીધો. અચાનક આવેલા આવા રિએક્શનને જોઈને કાવ્યા હચમચી ગઈ પણ અંદરથી તે ખુશ થઈ ગઈ. ઇશીતાએ પોતાના આંસુ લૂછયા અને કહ્યું," ઇનફ ડેડ. બસ બહુ થયું. હવે હું એક શબ્દ પણ નહીં સાંભળું." કાવ્યાની આગળ આવીને રાજદીપ સામે નિડરતાથી ઉભી રહીને ઇશીતાએ બોલવાનું શરૂ કર્યું.
(ક્રમશ:)