પતિ પત્ની અને પ્રેત - ૧૭ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૧૭

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૭

જામગીરે રેતાને આશ્વાસન આપ્યું. જામગીર ચિલ્વા ભગતને સારી રીતે ઓળખતા હતા. એની શક્તિઓથી એ પરિચિત હતા. એમને વિશ્વાસ હતો કે ચિલ્વા ભગત રેતાને એનો પતિ પાછો અપાવશે. અલબત્ત એ સરળ ન હતું એ પણ સારી રીતે જાણતા હતા. બધાં ચિલ્વા ભગતના મકાન પાસે પહોંચ્યા. શિવલાલને કાર પાસે જવાનું કહી રેતા જીવાબેનને ત્યાં ગઇ અને લાવરું પાછું આપી પોતાના કપડાં પહેરીને પાછી ફરી ત્યારે જામગીર અને ચિલ્વા ભગત ગંભીર થઇને બેઠા હતા. રેતાએ ફરી રડવાનું શરૂ કરી દીધું. ચિલ્વા ભગત આંખો ખોલી આકાશ તરફ એક નજર નાખીને બોલ્યા:"બેન, તારું આ મંગળસૂત્ર સાચવજે. જ્યાં સુધી તારા ગળામાં પતિએ અગ્નિની સાક્ષીએ પહેરાવેલું આ મંગળસૂત્ર છે ત્યાં સુધી તને કે એને ઊની આંચ આવવાની નથી. જયના પાસેથી તારા પતિને આપણે છોડાવીને જ રહીશું..."

"...પણ ભગતજી, જયના તો આપણાને મળી જ નથી. એને કેવી રીતે શોધીશું? અને વિરેન એની પાસે જ છે એની કેવી રીતે ખબર પડશે? જયનાના દેહને તો એના પિતાએ જ અગ્નિદાહ આપ્યો હતો. એ કયા લોકમાં ગઇ એની કેવી રીતે ખબર પડશે. એની પાછળ એના પિતા ડો.ઝાલનનું મોત કેવી રીતે થયું હતું?" રેતાએ આંસુ લૂછતાં કહ્યું. ચિલ્વા ભગત અને જામગીર કાકાએ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યા તેને રાહત થઇ હતી. રિલોકને એ સમજાતું ન હતું કે ચિલ્વા ભગત કેવી રીતે વિરેનને શોધી શકશે અને મુસીબતમાં હશે તો કેવી રીતે બચાવી શકશે.

અચાનક ચિલ્વા ભગતે ધૂણવાનું શરૂ કરી દીધું. તેના લાંબા વાળ ઉપરથી નીચે ઉડતા હતા. આંખો લાલઘૂમ થઇ રહી હતી. આંખોમાં જાણે બે અગનગોળા ફરી રહ્યા હોય એવી ચમકી રહી હતી. રેતા અને રિલોક ગભરાઇને તેનાથી બે ડગલાં પાછળ હટી ગયા. જામગીર કોઇ ડર વગર એની ક્રિયાને જોઇ રહ્યા. જામગીરને ખ્યાલ આવી ગયો કે ચિલ્વા ભગત કોઇ વિધિ કરીને ઉકેલ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જામગીરે રેતા અને રિલોકને ઇશારાથી શાંતિ અને ધીરજ ધરવા નજીકના ઓટલા પર બેસી જવા કહ્યું.

ચિલ્વા ભગત વારંવાર બોલી રહ્યા હતા:"બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ."

થોડીવાર સુધી ધૂણીને શાંત થયેલા ચિલ્વા ભગતના ચહેરા પર પરમ શાંતિના ભાવ હતા. તેમની આંખો હવે પૂનમના ચાંદ જેવી લાગતી હતી. ફરી થોડું ધ્યાન ધરીને ચિલ્વા ભગતે કહ્યું:"જુઓ, તમે જે છોકરી નાગદાને મળ્યા એ જ જયના છે..."

"શું?" રેતા ચમકી ગઇ.

"ગભરાવાની જરૂર નથી. એ ગમે તેટલા રૂપ બદલશે પણ એને ખબર નથી કે મારી શક્તિ કેટલી છે. હું એને ઓળખી ગયો છું. એ નાગદા બનીને રહેતી લાગે છે. ડૉ.ઝાલનના કોઇ વારસ હોય એવો અમને ખ્યાલ નથી. એણે તમને અંદર જવા દીધા નથી એનો અર્થ એ થાય છે કે મકાનમાં વિરેન હોય શકે છે. જ્યાં સુધી આપણે સગી આંખે ના જોઇએ ત્યાં સુધી આગળ પગલું ભરી શકાય નહીં. જયનાની લગ્ન કરવાની ઇચ્છા ન જાણે કેટલાને ભારે પડી રહી છે. જયનાને લગ્ન કરવા હતા પણ એ ગાંડી થઇ ગઇ હોવાથી થઇ શક્યા ન હતા. તેના જાગૃત- અજાગૃત મનમાં સતત લગ્ન કરવાની અને બાળકો પેદા કરવાની ઇચ્છા રમતી રહેતી હતી. તે મૃત્યુ પામી પછી તેની લાશ એટલે જ સળગતી ન હતી. મેં ધ્યાન ધરીને જાણ્યું કે જયનાની ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી તે બળીને રાખ થવાની નથી. મેં ડૉ.ઝાલનને એના લગ્ન કરવાના આશીર્વાદ અપાવ્યા હતા. મારી એવી માન્યતા હતી કે બીજા જન્મમાં તેને આશીર્વાદ કામ લાગશે. તેને પિતાએ લગ્ન કરવાના આશિષ આપ્યા એટલે આત્મા નીકળી ગઇ. ત્યારે તેની ચિતા પર મોટો ભડકો થયો હતો. ભડકો થવાનું કારણ એ હતું કે તે અગ્નિની ઓથ લઇને છટકી ગઇ હતી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ આવતા જન્મ સુધી રાહ જોવાની નથી. તે આ લોકમાં જ લગ્ન કરવાની છે. ડો.ઝાલન એમ સમજતા હતા કે જયના મરી ગઇ એટલે હવે તેનું પ્રકરણ સંકેલાઇ ગયું. હવે આ પૃથ્વી પર તે રહી નથી. તેમણે પંદર દિવસ સુધી પુત્રીના મોતનો શોક પાળ્યો અને સોળમા દિવસે સાદાઇથી હંસા સાથે લગ્ન કરવાનું ગોઠવી દીધું. ડૉ.ઝાલને મને આમંત્રણ આપ્યું ન હતું. માત્ર જામગીરને કહ્યું હતું. ડો.ઝાલન એ દિવસે બહુ ખુશ હતા. હંસા સાથે સહજીવન શરૂ કરવાનો થનગનાટ તનમનમાં સમાતો ન હતો. હું મારી સાધનામાં લીન હતો ત્યારે અચાનક જામગીરકાકા આવ્યા અને મને કહ્યું કે ગજબ થઇ ગયો. ન જાણે કેમ મને એ વાતનો અંદેશો હતો. જયનાની લાશને સળગાવતી વખતે ડો.ઝાલનના હાવભાવ અને વિચારોનો મને અણસાર આવી ગયો હતો. મૃત્યુ પામેલી જયનાને લગ્ન માટે આશીર્વાદ આપવાનું એમને ગમ્યું ન હતું. એ સમય પછી એક-બે વખત હું ડો.ઝાલનને મળ્યો ત્યારે પણ એ કોઇ વાત છુપાવી રહ્યા હોય એવું મને લાગતું હતું. જામગીરકાકાએ પણ મને કહ્યું હતું કે ડૉ.ઝાલન ક્યારેક એકદમ ગૂમસૂમ થઇ જાય છે. કંઇ કહેવા માગતા હોય એવું લાગે છે પરંતુ અટકી જાય છે. જામગીર કાકાએ મને સમાચાર આપ્યા એટલે હું એમની સાથે જંગલમાં દોડી ગયો. ત્યાં જે દ્રશ્ય જોયું એ કોઇનાથી કલ્પી શકાય એવું ન હતું. એક ઝાડ પર ડૉ.ઝાલનની લાશ લટકતી હતી. આસપાસના લોકો લાશને ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ડૉ.ઝાલનના આજે લગ્ન હતા ત્યારે એમનું મરણ અમને આંચકો આપનારું હતું. બધાંને સમજાતું ન હતું કે લગ્ન કરવા ઉત્સાહી ડૉ.ઝાલને આત્મહત્યા કરવાની કેમ ફરજ પડી હશે? મેં ધ્યાનથી જોયું તો ડૉ.ઝાલનના ગળામાં દોરડું હતું. એ ઝાડની ડાળીએ જમીનથી ઘણા ઊંચે લટકેલા હતા. મને એમનું મોત શંકાસ્પદ લાગી રહ્યું હતું. હંસા મોટે મોટેથી રડી રહી હતી. લોકો એને સાંત્વના આપી રહ્યા હતા. અહીંના લોકો આત્મહત્યાના કે કોઇપણ પ્રકારના મરણમાં પોલીસને જાણ કરતા નથી. બધાંએ ભેગા મળીને ડૉ.ઝાલનની લાશને નીચે ઉતારી અને ખરખરો કરવા લાગ્યા. ડૉ.ઝાલનનું કોઇ સગુંવ્હાલું કે ઓળખીતું ન હતું. મેં જામગીર કાકાને બાજુમાં લઇ જઇ પૂછ્યું કે તમને કોઇ અંદાજ હતો કે ડૉ.ઝાલન આવું પગલું ભરી શકે? તેમણે પણ નવાઇ વ્યક્ત કરી. સવારે તો એ તેમને મળ્યા હતા. અને ઘણા ખુશ હતા. મેં તેમને કહ્યું કે આ આત્મહત્યા નથી. કોઇએ ડૉ.ઝાલનનો જીવ લઇ લીધો છે. લોકોને જીવનદાન આપનાર ડૉ.ઝાલન આમ પોતાનો જીવ સસ્તામાં આપી દે એવા ન હતા. એમણે મારી સમક્ષ એક રહસ્ય ખોલ્યું હતું એ મને યાદ આવી ગયું અને મેં જામગીર કાકાને કહ્યું કે નક્કી ડૉ.ઝાલનની હત્યા જયનાએ કરી છે..."

ચિલ્વા ભગતની વાત સાંભળીને બધાં ચોંકી ગયા.

રિલોક કહે,"જયનાએ શા માટે પિતાની હત્યા કરી હોય શકે? એ તો લગ્ન કરવા માગતી હતી. એના લગ્ન ના થયા અને એણે દુ:ખી થઇ આત્મહત્યા કરી હતી. તેના પિતા લગ્ન કરી રહ્યા હતા એ ખુશીની વાત હતી. મૃત્યુ પામ્યા પછી એ શા માટે પોતાના પિતાની હત્યા કરે? એનો આત્મા તો મુક્ત થઇ ગયો હતો. પિતાએ એને લગ્ન માટે આશીર્વાદ આપ્યા હતા.

રેતા પણ રિલોકની વાત સાંભળીને તર્ક કરતાં બોલી:"તમે ડૉ.ઝાલનના મૃત્યુને ખોટી રીતે હત્યા માની રહ્યા છો. કદાચ એમને એમ લાગ્યું હશે કે પોતે લગ્ન કરીને ખોટું કરી રહ્યા છે. પુત્રી ગાંડી થવાથી લગ્ન કરી શકી ન હોવાથી પોતાને લગ્ન કરવાનો હક્ક નથી એવો અહેસાસ થયો હશે. તેમને પસ્તાવો થયો હશે. એમના લગ્નની વાત સાંભળીને જ જયનાએ વધારે તકલીફ અનુભવી હતી. એ યાદ કરીને ડૉ.ઝાલને પોતાના જીવનનો અંત લાવી દીધો હશે. પુત્રીની આત્મહત્યા માટે પોતાને ગુનેગાર સમજીને ડૉ.ઝાલને પણ આત્મહત્યા કરી હોવી જોઇએ... અને હા, તમે ડૉ.ઝાલને ખોલેલા કયા રહસ્યને કારણે માનો છો કે તેમણે આત્મહત્યા કરી નહીં હોય?"

વધુ અઢારમા પ્રકરણમાં...

***