Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની....16

રાતનાં જમવા માટે સુશીલની રાહ જોવામાં પ્રિયાનાં ભૂખનાં મારે બેહાલ થઈ રહ્યાં હતાં. રડમસ અને ઉદાસ ચહેરે એ બેઠી હતી ને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. એ રૂમમાંથી બહાર આવી. સુશીલ આવ્યો હતો. એને જોતાં જ પ્રિયાએ સવાલોનાં બાણ છોડ્યાં,
"તમે આટલી વાર સુધી ક્યાં હતાં? કેમ આટલું મોડું થયું? કંઈ થયું તો નથી ને? " વગેરે.., વગેરે...

"ઓફિસનાં કામથી એક પાર્ટી સાથે મીટીંગ હતી એટલે આવવામાં મોડું થયું. બહુ મોટી ડીલ ફાઈનલ કરવાની હતી."

"મને તો એટલી ચિંતા થઈ રહી હતી ને..., હું જમવાનું ગરમ કરું છું આપણે જમી લઈએ."

"તું જમવાની બાકી છે?"

"હા...તમારી જ રાહ જોતી હતી, મને થયું કે તમે આવો પછી સાથે જમીએ.."

"હું ખાઈને આવ્યો છું, તું જમી લે..." એમ કહીને પ્રિયા આગળ બીજું કંઈ બોલે એ પહેલાં સુશીલ અંદર રૂમમાં જતો રહ્યો.

પ્રિયાને સુશીલનું આવું વર્તન જરા પણ ગમ્યું નહિ. એ પણ એ રાત્રે જમી નહિ ને અંદર રૂમમાં રોષમાં ગઈ.. અંદર જઈને જોયું તો સુશીલ ઘસઘસાટ સૂઈ ગયો હતો. એને સુશીલ સાથે ભાઈ - ભાભીનાં ઘરે નવો નાનો મહેમાન આવવાનો છે એ વિશે વાત કરવી હતી એટલે એણે સુશીલને ઉઠાડવા માટે ઢંઢોળ્યો. પણ સુશીલ કેમે કરીને ઉઠે જ નહિ. પ્રિયા આખરે કંટાળીને સૂઈ ગઈ. એને એનાં મોટાભાઈની ખૂબ જ યાદ આવી રહી હતી. એને મનમાં અકળામણ થઈ રહી હતી. સુશીલનું પોતાનાં માટેનું વર્તન એને વિચિત્ર લાગી રહ્યું હતું. ને દુ:ખી મને એ સૂઈ ગઈ.

બીજા દિવસે એ રાબેતા મુજબ ઉઠી ગઈ. ચા બનાવીને પી લીધી. આજે એણે છાપું વાંચવા માટે લીધું ન હતું. એ અંદર ભગવાનની રૂમમાં પ્રાર્થના કરવા બેસી ગઈ. એ ધ્યાનથી ભગવાનનું નામ લઈ રહી હતી ત્યાં કોઈનો મોટેથી બોલવાનો અવાજ એનાં કાને સંભળાયો. એણે બહાર આવીને જોયું તો સાસુ - સસરા વચ્ચે કોઈ વાત માટે માથાકૂટ ચાલતી હતી. એને સમજમાં નહોતું આવતું કે માથાકૂટ શાની થઈ રહી હતી.'મેં તો આજે પપ્પાજી વાંચે એ પહેલાં છાપું વાંચવા માટે લીધું નહોતું તો પછી....?' એણે મનમાં વિચાર્યું.

પ્રિયા અંદર કિચનમાં ગઈ ને એણે રંજનબેનને પૂછ્યું કે શાની માથાકૂટ ચાલે છે.

"કાંઈ નહિ...આ તો રોજનું છે. શેઠજીને બધું વ્યવસ્થિત જોઈએ, જરા પણ આધું- પાછું ન ચાલે. રોજ એ જે ટૂથપેસ્ટ વાપરે છે એની જગ્યાએ આજે બીજી કોઈ ટૂથપેસ્ટ છે એટલે...." રંજનબેને જવાબ આપ્યો.

"ઓહ...આઈ..સી..." પ્રિયા બોલી.

"એક વાત પૂછું..., વહુરાણી....?"

"હા..., બોલો..."

"રાત્રે તમે જમ્યા નથી લાગતાં...?"

"તમને કેવી રીતે ખબર પડી...?"

"ફ્રિજમાં બધું ખાવાનું એમનું એમ જ પડી રહ્યું છે એટલે..."

"હા...એ તો કાલે મારૂં માથું દુ:ખતું હતું તો દવા લઈને વહેલી સૂઈ ગઈ તે સીધી સવારે ઉઠી...એટલે જમવાનું રહી ગયું છે ને સુશીલ બહારથી જમીને જ આવ્યાં હતાં એટલે...."

સસરાજી ઓફિસ જવા નીકળી ગયાં પછી સાસુજી અંદર ભગવાનની રૂમમાં જતાં રહ્યાં. સુશીલ રાત્રે મોડો આવ્યો હતો એટલે સવારે મોડો ઉઠ્યો. ઉઠીને એણે ચા માંગી. પ્રિયા એની માટે ચા લાવી ને પછી એણે વાત કરી.

"માયાભાભી ઈઝ પ્રેગ્નેટ..."

"ધેટ્સ ગ્રેટ..."

"મોટાભાઈએ રવિવારે આપણને ઘરે બોલાવ્યા છે."

"હા..હા..જઈશું...ને..."

આ સાંભળી પ્રિયા ખુશ થઈ ગઈ. રાતનો બધો જ ગુસ્સો જે સુશીલ માટે મનમાં ભરેલો હતો એ પળવારમાં છૂ થઈ ગયો. ફરિયાદ બધી છૂ - મંતર થઈ ગઈ. એણે પ્રેમથી સુશીલને ઓફિસે જવા માટે વળાવ્યો. ને પછી કિચનમાં અંદર જતી રહી. એ આતુરતાથી રવિવાર આવે એની રાહ જોવા લાગી. ને આખરે રવિવાર આવ્યો. સવારથી જ પ્રિયા મોટાભાઈનાં ઘરે જવાની તૈયારી કરવા લાગી હતી. એણે સુશીલને ઉઠાડાયો.

"ઉઠું...છું...થોડીવારમાં..., તું પહેલાં તૈયાર થઈ જા."

"હું તો ક્યારની તૈયાર થઈને બેઠી છું..., તમે ઉઠીને તૈયાર થાઓ બસ એની જ રાહ જોઉં છું."

સુશીલ ઉઠ્યો ને બાથરૂમમાં ગયો. બાથરૂમમાંથી બહાર આવ્યા પછી પાછૈ સૂઈ ગયો.

"શું થયું? જવું નથી?"

"જવું છે ને. પણ પેટમાં ગડબડ જેવું લાગે છે. પેટ દુ:ખે છે. મને ડ્રોઅરમાંથી ટેબલેટ આપ, હમણાં સારૂં થઈ જશે..., પછી આપણે જઈએ."

"હા.."

થોડીવાર પછી...

"પ્રિયા તું ડ્રાઈવર અને ગાડી લઈને જા. લાગે છે કે મારે ડૉક્ટર પાસે જવું પડશે.."

"તો રહેવા દો, હું પણ નથી જતી.."

"તું જા.."

"ના..."

પ્રિયા માનતી નહોતી તો પણ સુશીલે એને મોટભાઈનાં ઘરે મોકલાવી.

(ક્રમશ:)