Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની....- 5

પ્રિયા ઘરે આવી. માયાભાભી બાજુવાળાં લતાબેન સાથે પેસેજમાં ઉભા વાતો કરી રહ્યાં હતાં. પ્રિયા લતાબહેન સામે જોઈ, સહેજ હસી અંદર પોતાનાં રૂમમાં ગઈ. બૅગ રાખી. બુક્સ ટેબલ પર મૂકી.હાથ - મોઢાં ધોયા ને બહાર જમવા માટે આવી.

"ભાભી..., ભાભી...." જરા મોટા અવાજે એણે માયાભાભીને બોલાવ્યાં.

"એ...આવી...." ભાભીએ બહારથી જવાબ આપ્યો.

"તમે જમી લીધું છે?" બહારથી ભાભી અંદર આવ્યાં એટલે પ્રિયાએ પૂછ્યું.

"ના..ના.., તમારી રાહ જોતી હતી."

"ચાલો તો જમી લઈએ."

"હા, ચાલો જમી લઈએ."

"મોટાભાઈ......"

"એ પોતાનાં ટાઈમ પર આવી, જમીને ગયાં છે." પ્રિયા વાત પૂરી કરે એ પહેલાં જ માયાભાભી કહી દીધું.

જમતાં - જમતાં પ્રિયાએ ભાભીને પોતાની એક્ઝામ્સ આવી રહી છે એ વાત કરી. લાયબ્રેરીમાં વધુ સમય હવે વાંચવાં માટે રહેશે એ પણ વાત કરી. જમ્યા પછી વાસણ ધોઈ પ્રિયા થોડીવાર સૂઈ ગઈ. માયાભાભી પણ પોતાનાં રૂમમાં સૂઈ ગયાં. સાંજે ઉઠી ચા - નાશ્તો કતાં હતાં ત્યારે માયાભાભીએ વાત કરી,

"રશ્મિનો ફોન આવ્યો હતો."

"કોણ રશ્મિ?'

"અરે મારી મમ્મીનાં મામાનાં દિકરાની દિકરી."

"ઓહ, અચ્છા."

"ઘણાં દિવસથી અમે મળ્યા નથી તો મળવા માટે બોલાવે છે. હું હમણાં ત્યાં જઈ રહી છું. આવવામાં મોડું થાય તો રસોઈ કરી લેજો. આમ તો હું વહેલી આવી જવા માટે ટ્રાય કરીશ પણ...."

"વાંધો નહિ. તમે નિરાંતે જાઓ. હું રસોઈ બનાવી લઈશ." હસીને પ્રિયા બોલી.

માયાભાભીનાં ગયાં પછી પ્રિયા થોડીવાર ભણવા બેઠી. ભણી લીધાં પછી રસોઈની તૈયારી કરી સૂકાયેલાં કપડાં લઈ, સંકેલી કબાટમાં મૂકી દીધાં. શાક વઘાર્યા પછી ભાખરી કરવા લાગી. ભાખરી બનાવી ટી. વી. જોવાં બેઠી. થોડીક વાર થઈ હશે ને મોટાભાઈ આવ્યાં. માયા ઘરમાં દેખાઈ નહિ.

"તારી ભાભી ક્યાં?" પ્રિયા સામે જોઈ પૂછ્યું.

"એમની દૂરની બહેન રશ્મિનાં ઘરે ગયાં છે."

"ઠીક છે."

"હમણાં આવતાં જ હશે."

"રોજે રોજ ક્યાંક ને ક્યાંક ભટકવા જતી રહે છે." હાથ - મોઢાં ધોતાં - ધોતાં કમલેશ બોલ્યો.

હાથ - મોઢાં ધોઈ એ પણ થોડીવાર ટી. વી. જોવા માટે બેસી ગયો. સિરિયલ પતી એટલે પ્રિયાને ટેબલ પર જમવાનું લાવવા માટે કહ્યું.

" હા મોટાભાઈ." એવું કહી પ્રિયા ઉભી થઈ.

ડૉર બેલ વાગી. કમલેશ ખોલવા ઉભો થયો. ખોલીને જોયું તો માયા હતી.

"આવી ગઈ."

"હા..., આજે તમે વહેલાં આવી ગયાં."

"થોડીવાર પહેલાં જ આવ્યો છું."

ત્રણેય સાથે જમવાં બેઠાં. જમતાં - જમતાં કમલેશે માયા અને પ્રિયાને સુશીલનાં ઈન્ડિયા આવવાની વાત કરી.


"તારી એક્ઝામ્સ ક્યારે પતે છે?" કમલેશે પ્રિયાને પૂછ્યું.

"પંદર તારીખે લાસ્ટ પેપર છે."

"સુશીલકુમાર તેર તારીખે ઈન્ડિયામાં લેન્ડ કરશે. સગાઈ કરવાં પહેલાં તને એકવાર મળવા ચાહે છે. મેં અઢારનાં એમને આપણાં ઘરે બોલાવ્યાં છે. સારું છે ત્યાં સુધી તારી પરીક્ષા પૂરી થઈ જાય છે."

"સુશીલકુમારનાં બાપુજીનો ફોન આવ્યો હશેને.."

"હા"


"તમારેય જવાનું હશે ને એમને રીસીવ કરવાં માટે.."

"કીધું તો છે એમણે કે સાથે આવજો." કમલેશ છાશ પીતાં - પીતાં બોલ્યો.


"મોટાભાઈ થાળી ઉપાડી લઉં ?" જમી લીધાં પછી પ્રિયાએ પૂછ્યું.

"રહેવા દે. લઈ જશે તારી ભાભી. "

"લાવો હું અંદર જ જઈ રહી છું તો લેતી જાઉં." થાળી ઉપાડતાં પ્રિયા બોલી.

કમલેશ જમીને થોડીવાર ટી. વી. જોવા માટે બેઠો. માયા અને પ્રિયા કિચનમાં કામ કરવાં માટે ગયાં. કામ કરી પ્રિયા પોતાનાં રૂમમાં જતી રહી ને માયા કમલેશની બાજુમાં આવીને બેઠી.

"પ્રિયા કેમ આજે વહેલી અંદર જતી રહી?"

"વાંચવાં માટે."

"અચ્છા..., અચ્છા..."

થોડીકવાર ટી. વી. જોઈ કમલેશ અને માયા પોતાની રૂમમાં સૂવા માટે જતાં રહ્યાં. પ્રિયાએ થોડીકવાર વાંચ્યું. સૂવા માટે લાઈટ બંધ કરી ને આડી પડી. પ્રિયાને ઉંઘ આવી રહી નહોતી. તે બેડ પર આમ - તેમ પડખાં ફેરવ્યાં કરતી હતી. સામે દિવાલ પર મમ્મી - પપ્પાનાં ફોટા લગાવ્યાં હતાં ત્યાં જોઈ રહી હતી. કશાંક વિચાર કર્યા કરતી હતી.

(ક્રમશ:)