સુશીલનાં ઓફિસ ગયાં પછી એનાં મમ્મી પાછાં અંદર ભગવાનની રૂમમાં ગયાં. પ્રિયા અંદર કિચનમાં રંજનબેનને રસોઈમાં મદદ કરાવવા માટે ગઈ.
"તમે રહેવા દો..., વહુરાણી....,હું કરી લઈશ..."
"થોડુંક કંઈ બનાવી લઉં. બેઠાં - બેઠાં આમ પણ કંટાળો આવે છે. મને તો આમ પણ રસોઈ બનાવવી ખૂબ જ ગમે છે." પ્રિયા હસીને બોલી.
રંજનબેન પ્રિયાને મદદ કરવા લાગી ને પ્રિયા રસોઈ બનાવવા લાગી.
ઘરનાં બીજાં કામ કરવાં માટે બીજી બે બાઈઓ આવતી હતી. જે આવી ગઈ હતી ને પોત - પોતાનું કામ કરી રહી હતી.
પ્રિયા રસોઈ બનાવી બહાર હૉલમાં આવી. હૉલમાં એનાં સાસુ બાજુનાં ઘરમાં રહેતાં પાડોશણ જોડે વાતો કરતાં બેઠાં હતાં. પ્રિયા થોડીવાર એ લોકો જોડે બેસી. એ લોકો સાથે વાતોમાં જોડાઈ. થોડીક એ લોકોની વાત સાંભળી, થોડીક વાતો પોતાની પણ સંભળાવી. પણ પોતાનાં સાસુની વાતો કરવાની જે ઢબ હતી એ પ્રિયાને થોડી અપ્રિય લાગી હતી. 'કદાચ પોતે કોલેજ ભણેલી હતી એટલે એને એવું લાગ્યું હશે,' એવો વિચાર એનાં મનમાં તરત જ થઈ આવ્યો. બપોરે ટીફીનવાળો આવ્યો એટલે સુશીલનું અને સસરાજીનું ટીફીન ભરી એને આપી દીધું. એનાં ગયાં પછી એ અને સાસુ જમવા બેઠાં. જમીને એ પોતાનાં રૂમમાં ગઈ. મેગેઝીન વાંચવાં માટે હાથમાં લીધું. વાચતાં - વાંચતાં થોડીવાર માટે આંખ મીંચાઈ ગઈ.
સાંજે એક કલાક પછી ઉઠી. રૂમમાંથી બહાર આવી.
"ચા..આપું...ને...વહુરાણી...." એને જોઈને રંજનબેને પૂછ્યું.
"હા...પ્લીઝ..."
"તમે બેસો. હું હમણાં લાવી."
"મમ્મીએ પીધી...ચા...?"
"હા..., એ તો ચા પીને ક્યારનાય ભજનમાં જતાં રહ્યાં છે."
"મમ્મીજી રોજ જાય છે ભજનમાં?"
"મોટે ભાગે તો રોજ જ જાય છે. મંડળ એમનું મોટું રહ્યું તે..."
"ઓહ...!"
ચા પીને પ્રિયાને થયું કે મોટભાઈ સાથે વાત કરી લઉં. એણે કમલેશને ફોન જોડ્યો,
"હૅલો.."
"હૅલો..,મોટાભાઈ..., હું...પ્રિયા..."
"અરે...! પ્રિયા..બેના..બોલ..બોલ..., કેમ છે તું? સુશીલકુમાર મજામાં છે ને ? તારાં સાસુ - સસરાની તબિયત કેવી..છે..?"
"હા..., મોટાભાઈ અમે બધાં જ મજામાં છીએ. તમે કેમ છો? ભાભી મજામાં?"
"હા..હા..અમે બંને મજામાં છીએ. બેના તને એક ગુડ ન્યૂઝ આપવાનાં છે. તું.. "
"હં...શું...મોટાભાઈ..આગળ..બોલો...'
"તું ..., તું...ફોઈ બનવાની... છે..."
"શું...કહ્યું...? હું ફોઈ..બનવાની ..છું...એટલે..કે..ભાભી પ્રેગ્નેટ છે...!"
"હા..."
"વાહ...,મોટાભાઈ આ તો બહુ ખુશીનાં સમાચાર...છે...પેંડા ખવડાવા પડશે તમારે.."
"અરે પેંડા..શું.., આપણે પાર્ટી કરીશું..તું ક્યારે આવે છે? બોલ."
"આ રવિવારે જ આવી જઈશ."
"ચોક્કસ...પણ જો... એકલી નહિ આવતી હોં...સુશીલકુમારને લઈને આવજે...."
"હા...જરૂર..મોટાભાઈ..અમે બંને સાથે જ આવશું..."
"ઠીક...છે..ત્યારે..,મળીએ..,આ..રવિવારે..."
"હા..., મોટાભાઈ...,આવજો..."
"આવજે...બેના..."
પ્રિયાએ ફોન મૂકી દીધો. એ ખૂબ જ હરખમાં આવી ગઈ. એને આટલી બધી ખુશ જોઈ રંજનબેને પૂછ્યું,
"મોટાભાઈ જોડે વાત કરીને તો તમે બહુ જ હરખમાં આવી ગયાં ને વહુરાણી..."
"હા...રંજનબેન..., ભાઈએ વાત જ એવી ખુશ ખબરીની કરી છે ને...."
"ખુશખબરીની...વાત...!"
"હા...માયાભાભી..પ્રેગ્નેટ છે. હું ફોઈ બનવાની છું."
"વાહ ! આ તો સાચે જ ખુશ થવાં જેવી વાત છે."
"મોટાભાઈ સાથે વાત કરીને એટલું સારું લાગે છે ને..., રંજનબેન..."
"તમ તમારે બેઠાં -બેઠાં ખુશ થાઓ. હું ચાલી..ઉપર ટેરેસ પર..સૂકાયેલાં કપડાં લેવા માટે. હમણાં શેઠાણી બા આવશે ને જો કપડાં ઘડી નહિ થયાં હોય તો પાછાં બડબડ કરશે.."
એમ કહી રંજનબેન પોતાનાં કામે લાગી ગયાં ને પ્રિયા થોડીવાર માટે કાનમાં ઈયર ફોન નાંખીને વૉકમેનમાં સોન્ગ્સ સાંભળવા બેઠી. સાસુજી આવ્યા એટલે એમને એણે ખુશખબરીની વાત કરી. પ્રિયાની વાત સાંભળીને સાસુજી પણ ઘણાં હરખાઈ ગયાં.
"સારું..સારું...જઈ આવજે તારાં ભાઈનાં ઘરે..., સુશીલને પણ લઈ જજે..., બેય મળી આવજો તારાં ભાઈ -ભાભીને..." હરખથી સાસુ બોલ્યાં.
પછી એ પોતાની રૂમમાં અંદર જતાં રહ્યાં ને પ્રિયા પોતાની રૂમમાં જતી રહી. થોડીવાર પછી એને સાસુજીનો અવાજ સંભળાયો.
"પ્રિયા..વહુ...ઓ..પ્રિયા...વહુ...."
"હા....,મમ્મી...જી..."
"જમવા...માટે આવે છે? હું ને સુશીલનાં પપ્પા બેસીએ છીએ."
"તમે ને પપ્પા જમી લો. હું સુશીલ સાથે જમીશ." પ્રિયાએ રૂમમાંથી જ જવાબ આપ્યો.
"ભલે..."
પ્રિયાનાં સાસુ - સસરા જમીને પોતાની રૂમમાં અંદર જતાં રહ્યાં. રંજનબેન પણ કામ પતાવી પોતાનાં ઘરે જતાં રહ્યાં. પ્રિયા સુશીલના આવવાની રાહ જોતી ટી.વી. જોઈ રહી હતી. એક સીરીયલ જોવાઈ ગઈ, બીજી જોવાઈ ગઈ પણ સુશીલ હજી સુધી આવ્યો ન હતો. પ્રિયાનું મગજ ઉંધા વિચારે ચડી રહ્યું હતું. ન કરવાનાં વિચારો એનાં મગજમાં રમ્યા કરતાં હતાં.
(ક્રમશ:)