Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની.... - 3

કિચનનું બધું જ કામ પતાવી પ્રિયા બહાર આવી. ભાભી બાલ્કનીમાં કપડાં સૂકવતાં હતાં. અંદર આવ્યાં એટલે પ્રિયાએ સ્કૂટીની ચાવી લીધી.

"ક્યાં જાય છે?"

"હમણાં આવું છું. મોનિકાનાં ઘરે નોટ્સ લેવા જાઉં છું. કાલે અસાઈન્મેન્ટ્સ છે."

"સારું, સારું."

પ્રિયા મોનિકાનાં ઘરે જવાને બદલે એક ઓફિસમાં ગઈ. એ ઓફિસમાં લલિત કામ કરતો હતો. લલિત પ્રિયાની જ કોલેજમાં એનાથી એક વર્ષ આગળ ભણતો હતો. બંને લાયબ્રેરીમાં રોજ વાંચવાં માટે જતાં હતાં. એકવાર બાજુ-બાજુમાં બેઠાં હતાં. એકબીજાને સ્માઈલ કરી. રોજ મળવાનું થતું એટલે થોડી-થોડી વાતચીત થવાં લાગી. ધીરે- ધીરે સારાં મિત્ર બની ગયાં હતાં. ગ્રેજ્યુએશન કરી લલિત એક ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ કરવાં લાગ્યો. સાથે-સાથે આગળ ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું.

"તું અહીંયા?" પ્રિયાને આમ અચાનક આવેલી જોઈને લલિતે પૂછ્યું.

"હા, મને તારી સાથે થોડીક વાત કરવી છે."

"તું જા કેન્ટીનમાં જઈને બેસ, હું ત્યાં આવું છું."

પ્રિયા કેન્ટીનમાં જઈ બેસી ગઈ. પાંચ- સાત મિનિટ પછી લલિત ત્યાં આવ્યો. પ્રિયાની સામે બેસી ગયો.

"બોલ, શું કામ પડ્યું?"

"તારી જોડે એક વાત ડિસ્કસ કરવી છે."

"કઈ વાત?"

"મારી સગાઈ નક્કી થઈ ગઈ છે."

"વ્હોટ?"

"હા."

"અચાનક?"

"મને પણ એ જ સમજમાં નથી આવતું કે અચાનક બધું કેવી રીતે થઈ ગયું?"

"ઓહ, એટલે તું આજે કોલેજ નહોતી આવી."

"મને પણ સવારે જ મોટાભાઈએ કીધું."

"શું?"

"કે તને જોવા માટે છોકરાંવાળાં આવી રહ્યાં છે. "

"જોવા માટે કે સગાઈ નક્કી કરવા આવ્યાં હતાં?"

"આવ્યાં તો જોવા માટે જ હતાં, પણ સગાઈ નક્કી કરીને ગયાં."

"શું નામ છે તારાં ફિયાન્સનું.?"

"સુશીલ. હું એને મળી નથી. ફોટામાં જ જોયો છે. હમણાં એ દુબઈ રહે છે. દુબઈથી આવ્યા પછી સગાઈ કરવામાં આવશે.એવું કહીને ગયાં છે."

"તેં મળ્યા વગર જ હા પાડી દીધી."

"મેં તો હા પાડી જ નથી."

"તો?"

"એ લોકોને હું પસંદ આવી ગઈ ને એ લોકોએ વ્યવહાર કરી લીધો."

"તો પ્રોબ્લેમ શું છે?"

"મારે હમણાં લગ્ન નથી કરવાં. ભણીને મારે થોડો વખત જોબ કરવી છે ને પછી જ પરણવું છે."

"તો તું તારાં મોટાભાઈ સાથે વાત કર."

"હું એમની સાથે વાત કરવા માટે ગઈ હતી."

"શું કીધું એમણે?"

"એમની સાથે વાત કરી શકી નહિ."

"કેમ?"

"હું જ્યારે એમની રૂમમાં વાત કરવા જઈ રહી હતી ત્યારે......"

"ત્યારે , શું ? "

"ત્યારે એ માયાભાભીને કહી રહ્યા હતાં કે એ લોકોની કશી જ માગણી નથી. એકદમ ઓછા વ્યવહારમાં લગ્ન પતાવી દેશે. આમેય મમ્મી-પપ્પાનાં ગુજરી ગયાં પછી આપણે જ તો એને સાચવી છે. એને ભણાવવાનો કેટલો ખર્ચો મેં ઉપાડ્યો છે. સારું છે કે લગ્નનો ખર્ચો આ લોકો ઉપાડવાના છે, નહિ તો આપણે લગ્નખર્ચમાં પણ એની પાછળ ખેંચાયા હતે."

"એમાં કાંઈ ખોટું નથી કીધું."

"એટલે જ તો એ લોકોની ખુશી માટે મેં મોટાભાઈને કશું જ કીધું નથી. તારી સાથે સીધી વાત કરવા આવી ગઈ."

"સારું થયું તું મને મળવા આવી."

"લલિત, "

"હં"

"મને લાગે છે કે ઘણી ઉતાવળ થઈ રહી છે. મારે આટલું જલ્દી લગ્નનાં બંધનમાં નથી બંધાવવું. મને થોડો વખત સ્વતંત્ર રીતે મારી રીતે રહેવું છે. હું હજી લગ્ન કરવા માટે તૈયાર નથી.

"સુશીલ આવે એટલે તું એકવાર એની સાથે વાત કરી લેજે."

"એવું જ કરવું પડશે."

"ઓ,. કે. તો ચાલ હવે હું જાઉં. અડધા કલાકની જ રજા લઈ આવ્યો હતો."

"હું પણ હવે જાઉં છું, થેન્ક્સ."

"શાની માટે?"

"તારી સાથે વાત કરી ઘણું સારું લાગ્યું."

"યૂ આર અલવેયઝ વેલકમ."

"બાય." પ્રિયા જરા હસીને બોલી.

"બાય." એવું કહી લલિત જતો રહ્યો.

(ક્રમશ:)