Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની.... - 1

"પ્રિયાબેન....., પ્રિયાબેન....., ઉઠો હવે. કોલેજ જવાનું છે."

"થોડીવાર સૂવા દો ને ભાભી પ્લીઝ."

"મોડું નહિ થાય તમને."

"ના....., હું ફટાફટ તૈયાર થઈ જઈશ."

"ઠીક છે, તમે ઉઠીને આવો બહાર. હું તમારાં માટે બ્રેકફાસ્ટ રેડી રાખું છું."

"ઓ. કે. ભાભી."

નણંદ ભાભી વચ્ચેની આ લગભગ રોજ ચાલતી મગજમારી હતી.

"માયા...., મારી ચા ક્યાં છે?" પ્રિયાનાં મોટાં ભાઈ એટલે કે માયાનાં પતિદેવ કમલેશ ડાઈનિંગ ટેબલ પર આવી પૂછી રહ્યાં હતાં.

"એ..... હા....લાવું... હમણાં."

માયાએ ચા, થેપલા, બ્રેડ, બટર ને થોડાં સૂકા નાશ્તા સાથે ટેબલ સજાવી દીધું.

"પ્રિયા ઉઠી નથી હજી?"

"ઉઠી જશે હમણાં." કમલેશને હાથમાં ચાનો કપ આપતાં માયાએ કહ્યું,

"ગુડ મોર્નિંગ, મોટાભાઈ."

"ગુડ મોર્નિંગ."

પ્રિયાએ કમલેશની બાજુની ખુરશીમાં બેસી ગઈ. ચામાં બ્રેડ - બટર બોળી-બોળી ફટાફટ ખાઈ રહી હતી.

"શાંતિથી ખા, ઉતાવળ શું કરે છે આટલી?"

"કોલેજ જવામાં મોડું થાય છે, મોટાભાઈ."

"કોલેજ?"

"હા."

"તેં આને કંઈ કીધું નથી?" કમલેશે માયાની સામે જોયુ.

"બસ હમણાં વાત ક..ર..વા..ની જ હતી." માયા સહેજ અચકાતાં બોલી.

"શાની વાત મોટાભાઈ ? શું વાત છે ભાભી?"

"એ જ કે તારી ભાભીનાં પિતાશ્રીએ તારાં માટે એક સરસ ઠેકાણું બતાવ્યું છે. ખૂબ જ પૈસાવાળા છે. એ લોકો તને જોવા માટે આવી રહ્યાં છે. ઘણી જ નસીબવાળી છે તું મારી બેન. એ લોકોએ તને જોવામાં રસ દેખાડ્યો , આપણાં માટે તો એ જ બહુ મોટી વાત છે."

"પ..ણ.., મોટાભાઈ...."

"હં.., શું છે? બોલ."

"કંઈ નહિ." થોડુંક અટકીને પછી પ્રિયા બોલી.

પ્રિયાને મોટાભાઈને કંઈક કહેવું હતું પણ કશુંક વિચારી , આટલું જ બોલી.

લગભગ સાડા અગિયાર વાગ્યા હશે ને કમલેશનાં ઘરની સામે બે - ત્રણ ગાડી આવીને ઉભી રહી. કમલેશ ન્યૂઝ પેપર વાંચતાં વાંચતાં ઉભો થયો,

"માયા....,ઓ માયા..."

"બોલો..."

"આ લોકો આવી ગયાં છે. " એમ કહી કમલેશ રૂમ સરખો કરવાં લાગ્યો. આમ-તેમ પડેલી વસ્તુઓ ગોઠવવા માંડ્યો. બે-ચાર ખુરશીઓ કાઢીને ગોઠવી દીધી.

માયા કિચનમાં હતી. એ પોતાની સાડી સરખી કરવા લાગી. પ્રિયા પોતાનાં રૂમમાં જતી રહી. એ લોકો દસ-બાર જણાં હતાં. બધાં અંદર આવીને બેઠાં એટલે કમલેશે કિચન તરફ જોઈને સહેજ મોટેથી બોલ્યો,

"પાણી લાવજો તો....."

માયા હાથમાં પાણીનાં ગ્લાસ ભરેલી ટ્રે લઈ બહાર આવી. બધાંને પાણી આપ્યું "જય શ્રી કૃષ્ણ " કહી પાછી કિચનમાં જતી રહી. પાણીનાં ગ્લાસ ખાલી કરી બહાર આવી લેડિઝ લોકો પાસે આવીને બેસી ગઈ. બધાંએ થોડીક આડ-અવળી વાત કરી. એકબીજાંની દૂર- દૂર સુધીની ઓળખાણ કાઢી. વડવાઓનાં એકબીજાં સાથેના સંબંધોની સૂચી જણાવવા લાગ્યાં. થોડોક સમય વાતો કરવામાં વીતી ગયાં પછી છોકરાં પક્ષ તરફથી એક વડીલ આવ્યાં હતાં એમણે પોતાની વાત મૂકી.

"છોકરીને હવે બહાર બોલાવો તો સારૂં, અમે એને જોઈ લઈએ."

કમલેશે માયા તરફ ઈશારો કર્યો એટલે માયા અંદર પ્રિયાને બોલાવવા માટે ગઈ. પ્રિયા અંદર રૂમમાં તૈયાર થઈને જ બેઠી હતી.

"ચાલો, પ્રિયા બહેન તમને બહાર બોલાવે છે." એમ કહી માયા પ્રિયાને લઈ બહાર આવે છે.

પ્રિયા બહાર આવી એટલે ત્યાં બેઠેલાં બધાંની નજર પ્રિયા તરફ ગઈ. પ્રિયાને જોતાં જ બધાંનાં મોઢાં પર સ્માઈલ આવી ગઈ.

લાલ રંગની સાડીમાં પ્રિયાનો ગોરો વાન અને ઘાટીલું શરીર ઘણું જ શોભી રહ્યું હતું. સુંદર દેખાવ ને કાળાં, જાડાં , લાંબા વાળ એની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. પ્રિયાને જોતાંવેંત જ બધાંને ખૂબ પસંદ આવી ગઈ.

વડીલ ભાઈએ કમલેશ સામે આંખનો પલકારો કરી હકારમાં જવાબ આપ્યો. કમલેશ ખુશ થઈ ગયો. એણે માયાને અંદર કિચનમાં જવા ઈશારો કર્યો. માયા ઉભી થઈ.

(ક્રમશ:)