Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની.... - 2

માયાએ લેડીઝ લોકો સામે જોયું ને પછી બોલી,

"તમે આરામથી બેસી વાતો કરો, હું તમારાં બધાં માટે ઝટપટ રસોઈ બનાવી દઉં છું"

"એ, ના. અમે આટલાં બધાં જણ છીએ. તમે ક્યાં હેરાન થશો." છોકરાં પક્ષવાળાં તરફથી એક ડાહ્યા બેન બોલ્યા.

"એમાં શું હેરાન. નહિ વાર લાગે."

"અમે બીજી વખત આવશું ત્યારે જમીને જ જશું. તમે બેસો."
બીજાં એક બહેન બોલ્યાં.

"તો તમને જે ચાલે એ બનાવી દે. એમનેમ તો જવાનું જ નથી." કમલેશે કહ્યું.

"સરસ , કડક, મીઠી ચા બનાવો, બસ થઈ ગયું." એક ભાઈ બોલ્યાં.

"હમણાં જ બનાવી લાઉં છું." એવું કહી માયા અંદર કિચનમાં ગઈ.

"હું પણ આવું છું." એમ કહી પ્રિયા એની પાછળ ગઈ.

માયાએ ચા મૂકી દીધી ને પ્રિયાએ બટેટા-પૌંઆ બનાવી દીધાં. પંદર - વીસ મિનિટમાં તો ચા-નાશ્તો લઈ બંને બહાર આવ્યાં.

"ખાલી ચા માટે જ કીધું હતું. " હસતાં- હસતાં વડીલ ભાઈ બોલ્યાં.

"આટલે દૂરથી આવ્યાં છો, તો એમ-નેમ થોડું જ જવાય છે. અમે તો રસોઈની જ તૈયારી કરી રાખી હતી. પણ..... " કમલેશે પણ હસીને જવાબ આપ્યો.

બધાંએ ઘણાં જ પ્રેમથી ચા-નાશ્તો કર્યો. પ્રિયાનાં હાથનાં બનાવેલાં બટેટા-પૌંઆ બધાંને ખૂબ જ ભાવ્યા. માયાએ ચા પણ સરસ આદુ, મસાલો ઉમેરી બનાવી હતી. છોકરાંવાળા રાજી રાજી થઈ ગયાં.

"ચાલો હવે અમે નીકળીએ છીએ. સુશીલ દુબઈથી આવે એટલે સગાઈની તારીખ નક્કી કરી લેશું. હમણાં શકનનો સવા રૂપિયો આપી વાત પાકી કરી લઈએ છીએ." વડીલભાઈ ઉભા થતાં બોલ્યાં.

"જેવું તમને ઠીક લાગે." કમલેશ હાથ જોડી બોલ્યો.

છોકરાંવાળા પક્ષ તરફથી બે બેનો પ્રિયા પાસે આવી, કપાળે ચાંદલો કરી, હાથમાં સવા રૂપિયો મૂક્યો ને સાથે મિઠાઈનું બોક્ષ આપ્યું. સુશીલની માતાએ સાડી, પૈસા મૂકેલું કવર આપ્યું અને બોલ્યા.

"આ અમારાં તરફથી પ્રિયાને નાનકડી ભેટ."

"પૂરી તૈયારી સાથે જ આવ્યાં છો, એમ ને....હા.., હા..." હસતાં મોઢે માયાનાં પિતાશ્રી બોલ્યાં.

પ્રિયા સાડી આને કવર માયાનાં હાથમાં આપે છે. ઉભી થઈ , સાડીનો છેડો આગળ કરી બધાંને પગે લાગે છે.

"આજનાં દિવસે આટલું બધું......" કમલેશ બોલે છે ને સુશીલનાં પિતાએ અધવચ્ચે જ એની વાત કાપી અને બોલ્યાં,

"પ્રિયા હવે અમારાં ઘરની થનાર વહુ છે. તમારાથી હવે કાંઈ જ નહિ બોલાય."

"ભલે..., ભલે..." કમલેશ સહેજ ગળગળો થઈ બોલ્યો.

બધાં 'જય શ્રી કૃષ્ણ' કરી એક પછી એક બહાર નીકળતાં ગયાં. માયાનાં પિતાશ્રી પણ એ લોકો સાથે જતાં રહ્યાં.

એ લોકોનાં ગયાં પછી કમલેશ અને માયા તો એકદમ જ ખુશ-ખુશ થઈ ગયાં. કવર ખોલીને જોયું તો અંદર પાંચ હજાર ને એક રૂપિયા હતાં.

"આટલો બધો વ્યવહાર..." કમલેશ આંખ પહોળી કરી બોલ્યો.

"સાડી પણ કેટલી સરસ છે, નઈ. ઓછામાં ઓછી બે હજારની તો હશે જ." માયા હરખાઈને બોલી.

"અરે આપણી પ્રિયા પહેલેથી જ બહુ નસીબવાળી છે." કમલેશ ખુરશી ઉપાડતાં - ઉપાડતાં બોલ્યો.

"પ્રિયાબેન જોયુંને મારાં પિતાજીએ તમારાં માટે કેટલું સારું ઠેકાણું બતાવ્યું છે. કેટલાં સારાં માણસો છે."

"હું સાડી બદલી કરીને આવું છું." એવું કહી પોતાનાં રૂમમાં જતી રહી.

પ્રિયા સાડી બદલી, પંજાબી ડ્રેસ પહેરી બહાર આવી. કિચનમાં ગઈ. વાસણ ધોઈ લીધાં. લોટ બાંધી દીધો. શાક વઘાર્યું ને ચડવા માટે મૂકી દીધું. માયા અને કમલેશ પોતાની રૂમમાં કંઈક વાતચીત કરી રહ્યાં હતાં. પ્રિયાએ કપડાં મશીનમાં નાંખી હાથમાં ઝાડૂ લીધું.

"પ્રિયાબેન આ સાડી કબાટમાં મૂકી દે જો. " માયાએ રૂમમાંથી બહાર આવી કીધું.

"હા, ભાભી."

"પોતું થઈ ગયાં પછી રોટલી ચડોવવા માટે આવી જજો."

"ઠીક છે."

રસોઈ થઈ ગયાં પછી ત્રણેય જમ્યાં.કમલેશ જમીને દુકાન જવા માટે નીકળ્યો. પ્રિયાએ કિચનનું કામ સંભાળી લીધું ને માયાએ મશીનમાંથી કપડાં કાઢી સૂકવ્યા.