આરુષ પોતાના જીવનમાં ક્યારેય આવી મૂંઝવણમાં મૂકાયો ન હતો પરંતુ આજે જીવનમાં પહેલીવાર તે આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. અને કદાચ તેથી જ ખૂબજ દુઃખી થઈ ગયો હતો અને વિમાસણમાં પડી ગયો હતો...!!
આરુષથી, પોતાની અદિતિની આ હાલત જોઈ શકાતી ન હતી. અદિતિને આમ સૂનમૂન જોઈને તે પણ સૂનમૂન બની જતો હતો અને ચિંતામાં પડી જતો હતો કે, " મારી અદિતિને ક્યારે સારું થશે..?? અને થશે પણ ખરું કે નહિ..?? મારી પહેલાંની અદિતિ મને પાછી મળશે કે નહિ મળે તે પ્રશ્ન તેના દિલોદિમાગમાંથી ખસતો ન હતો. અને આવા વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠતો હતો.
સમય પસાર થયે જતો હતો અદિતિની ટ્રીટમેન્ટ ચાલુ હતી પણ તેની તબિયતમાં કોઈ ફરક પડતો ન હતો...!!
અરમાનના નામ માત્રથી નફરત અને ગુસ્સો કરનાર આરુષ અદિતિને વારંવાર અરમાનની યાદ અપાવ્યા કરતો હતો અને અદિતિને રડાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ અદિતિને તો જાણે અરમાન કોણ છે..?? તે જ ખબર ન હોય તેમ તે કંઈ જ રીએક્ટ કરી રહી ન હતી...!! આરુષ સતત વિચાર્યા કરતો હતો કે અદિતિ સાથે શું રીએક્ટ કરું તો અદિતિ પ્રત્યુતર આપે.. પણ તેના બધા જ પ્રયત્ન નિરર્થક સાબિત થતાં હતાં.
અદિતિ તો જાણે કોઈ નવી પોતાની અલગ જ દુનિયામાં ખોવાયેલી રહેતી હતી...!!
અદિતિની આ હાલત જોઈને રમાબેનને પણ ખૂબ દુઃખ થતું હતું. રમાબેન કદી આરુષ સાથે વાત કરતાં નહીં પણ અદિતિની આવી હાલતને કારણે આરુષ પોતાના કામે ગયા પછી પણ દિવસમાં દશ વખત રમાબેનને ફોન કર્યા કરતો અને અદિતિ શું કરે છે થી માંડીને તેણે કંઈ ખાધું કે ન ખાધું બધું જ પૂછ્યા કરતો હતો.
રમાબેન અદિતિ માટે એક મહારાજ પાસે જઈને કાળો દોરો બનાવડાવી લાવ્યા હતા અને આરુષને ડરતાં ડરતાં આ દોરો અદિતિના ગળામાં પહેરાવવા માટે વિનંતી કરી રહ્યાં હતાં.
તેમને ડર હતો કે આરુષ આવા દોરા-ધાગામાં નહીં માને અને તેમની ઉપર ગુસ્સો કરી દેશે પણ તેમણે વિચાર્યું હતું તેનાથી કંઈક જુદું જ થયું.આરુષે તો દોરો પોતાના હાથમાં લઈને તેની ઉપર ભગવાનનો ધૂપ પ્રગટાવીને ફેરવ્યો અને પછી ખૂબજ પ્રેમથી અદિતિના ગળામાં તેને પહેરાવ્યો.
ઈશ્વરમાં નહીં માનનાર આરુષ અદિતિને બાજુમાં બેસાડીને દિવસમાં બે વાર ભગવાનની પૂજા કરતો થઈ ગયો હતો. અને ભગવાન પાસે બે હાથ જોડી ખૂબજ કગરીને પોતાની અદિતિને પાછી માંગી રહ્યો હતો. ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં તેની આંખમાં આંસું આવી જતાં હતાં.
આરુષ અત્યારે જેટલી કાળજી અદિતિની રાખી રહ્યો હતો તેટલી ચીવટ અને કાળજી તેણે અદિતિની જો પહેલેથી જ રાખી હોત તો અદિતિની કદાચ આ હાલત ન થઈ હોત...!! ( પણ વિધિની વક્રતાને ભલા કોણ ઓળખી શકે છે...?? ) આરુષ આમ વિચારી રહ્યો હતો અને પોતાના ભૂતકાળને દોષ દઈ રહ્યો હતો.
આજે ફરીથી આરુષ અદિતિને લઈને ડૉક્ટર પાસે ગયો અને ફરીથી ડૉક્ટરે દોઢ કલાક સુધી આરુષની બધી જ પૂછપરછ કરી, ડૉક્ટરના કહેવા પ્રમાણે અરમાનની કોઈ નિશાની અદિતિની સામે લાવવાથી કદાચ અદિતિને અરમાનની યાદ આવે અને તે રડી પડે અને આ આઘાતમાંથી બહાર આવી શકે તેવી શક્યતા બતાવી.
આરુષે અદિતિની આ હાલતની જાણ કરવા માટે અને અરમાનની કોઈ નિશાની છે કે નહિ તે જાણવા માટે અદિતિની મમ્મી સંધ્યાબેનને ફોન કર્યો.
અદિતિની આ હાલતને લઈને સંધ્યાબેન પણ ખૂબજ રડી પડ્યા હતા અને તેમણે આરુષને અદિતિને અરમાને ગીફ્ટ આપેલી Dancing dall યાદ કરાવી.
Dancing dall ને જોઈને અદિતિના વર્તનમાં કંઈ ફરક પડે છે કે નહિ... વાંચો આગળના પ્રકરણમાં...