અદિતિના મમ્મી સંધ્યાબેન આજે ગહેરા શોકમાં ડૂબી ગયા હતા અને ખૂબજ રડી રહ્યા હતા આજે તેમનું રડવાનું બંધ જ થતું ન હતું. મમ્મીનું આમ અચાનક રડવાનું કારણ અદિતિએ પૂછ્યું તો અદિતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને ફોનનું રીસીવર તેના હાથમાંથી છટકી ગયું અને તે જમીન ઉપર ફસડાઈ પડી.
અદિતિના પડવાનો અવાજ આવતાં જ અદિતિના ઘરે કામ કરતાં રમાબેન રસોડામાંથી દોડીને બહાર આવ્યા તેમણે અદિતિને ઉઠાડવાની કોશિશ કરી પણ તે મૂર્છિત થઈ ગઈ હતી તેથી તેણે કંઈ જ જવાબ ન આપ્યો.
રમાબેન રસોડામાંથી તેને માટે પાણી લઈ આવ્યા અને તેના મોં ઉપર છાંટ્યું પછી તે ભાનમાં આવી એટલે તેને બેડ ઉપર સુવડાવી અને તેમણે આરુષને ફોન કરીને ઘરે બોલાવ્યો.
આરુષ તરત જ ઘરે આવી ગયો.
આરુષે પણ અદિતિને આમ બનવાનું કારણ પૂછ્યું પણ તે જાણે પાગલ થઈ ગઈ હોય તેમ આરુષની સામે એકીટશે જોઈ જ રહી હતી. અને કંઈ બોલી રહી ન હતી તેને શું જવાબ આપવો કંઈજ સમજાતું ન હતું. આરુષના શબ્દો ફક્ત તેના કાને અથડાતા હતા અને જાણે પાછા વળી જતાં હતાં...!!
આરુષ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અચાનક અદિતિને આ શું થઈ ગયું..? તે વાત જ તેની સમજમાં આવતી ન હતી. તેણે રમાબેનને અદિતિ શું કરતી હતી..?? તેમ પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે અદિતિ તેની મમ્મી સાથે વાત કરી રહી હતી. પછી તેણે અદિતિની મમ્મીને ફોન કર્યો તો અદિતિની મમ્મીએ અરમાનના મૃત્યુના સમાચાર આપ્યા ત્યારે આરુષને આખીયે વાત સમજાઈ ગઈ. રમાબેને આરુષને, અદિતિને ડૉક્ટર પાસે લઈ જવા માટે કહ્યું. આરુષ અદિતિને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઇ ગયો.
અદિતિની હાલત જોઈને ડૉક્ટરે તેને કોઈ વાતનો આઘાત લાગ્યો હોય તેમ જણાવ્યું અને માટે તે આ રીતે શૂન્યમનસ્ક બની ગઈ હોય તેમ લાગે છે. અને તેને સારા માનસિક રોગના ડોક્ટરને જ બતાવવું પડશે તેમ જણાવ્યું.
આરુષે સારામાં સારા માનસિક રોગના ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લીધી અને અદિતિને લઈને તે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે દોઢથી બે કલાક સુધી આરુષને ઘણાંબધાં સવાલો પૂછ્યા અને અદિતિના સ્વભાવ વિશે અને તેના ઘરની પરિસ્થિતિ વિશે તમામ જાણકારી મેળવી. આરુષે અરમાનના મૃત્યુના સમાચારની વાત પણ જણાવી. ત્યારબાદ તેમણે આરુષને જણાવ્યું કે અદિતિને અચાનક અરમાનના મૃત્યુના સમાચાર મળવાથી તેને એક શૉક લાગી ગયો છે અને તે ગહેરા શોકમાં ડૂબી ગઈ છે તે આ વાતને સ્વિકારવા માટે તૈયાર જ નથી. માટે આપણે તેને ધીમે ધીમે અરમાન મૃત્યુ પામી ચૂક્યો છે તેવું રીઅલાઈઝ કરાવવું પડશે અને આ વાતને રીઅલાઈઝ કરીને તે જો થોડું રડી લે તો જ તે આ આઘાતમાંથી બહાર આવી શકશે.
અદિતિને સારું થવામાં થોડો સમય પણ લાગી શકે છે આપણે ધીરજ રાખવી પડશે અને અદિતિ સાથે નાના બાળકની જેમ ખૂબજ પ્રેમથી વર્તન કરવું પડશે. "
કદીપણ હમદર્દી અને પ્રેમ નહિ જતાવનાર આરુષ અદિતિની સાથે ખૂબજ પ્રેમથી વાત કરતો હતો. પોતાની અદિતિ સાથે આ શું બની ગયું તે વિચારે જ તે ધ્રુજી ઉઠતો હતો.
પોતાના જીવનમાં કદી પણ દુઃખી ન થયો હોય તેવો આરુષ આજે ખૂબજ દુઃખી થઈ ગયો હતો. તેનાથી અદિતિની આ હાલત જોઈ શકાતી ન હતી. મારી અદિતિને ક્યારે સારું થશે..?? તે વિચારે તે નિરાશ થઈ જતો હતો. મારી પહેલાંની અદિતિ મને પાછી મળશે કે નહિ મળે...?? તે પ્રશ્ન તેના દિલોદિમાગમાંથી ખસતો ન હતો.
અદિતિને સારું થશે કે નહીં અને થશે તો ક્યારે થશે...?? વાંચો આગળના પ્રકરણમાં....
~જસ્મીન