" પારિજાતના પુષ્પ " પ્રકરણ-7
" અમૂલ્ય ભેટ "
અદિતિ અને અરમાનનું બાળપણ એટલે અવિસ્મરણીય દિવસો, અવિસ્મરણીય ઘટનાઓ તેમજ અવિસ્મરણીય યાદોનો ખજાનો.....
અદિતિની બીમારી દરમ્યાન અરમાન અદિતિની બાજુમાંથી ખસવાનું નામ લેતો ન હતો. તે અદિતિને કહ્યા કરતો હતો કે, " તું મને માર ખવડાવીશ તે ચાલશે, મને હેરાન કરીશ તે પણ ચાલશે, પણ તું જલ્દીથી સાજી થઈ જા. મારે તારી સાથે રમવું છે, મારે તારી સાથે ઘણીબધી વાતો કરવી છે, તું ક્યારે પથારીમાંથી ઊભી થઈશ અદિતિ...?? " અને નાનકડા અરમાનની આંખોમાં આંસુ આવી જતાં....
બસ, અરમાન તેમજ અદિતિના ઘરના બધા સભ્યો અને અરમાનના ઘરના બધા જ સભ્યોની પ્રાર્થનાથી અદિતિની તબિયત એકદમ સરસ થઈ ગઈ હતી અને તે પહેલાની જેમ હસતી-ખેલતી પણ થઈ ગઈ હતી.
પછી થોડા દિવસ પછી અદિતિની બર્થ ડે આવતી હતી, તો અદિતિની મમ્મી સંધ્યાબેને તેમજ પપ્પા વિનેશભાઈએ તેની આ બર્થ ડે ઉજવવાનું નક્કી કર્યું.
અદિતિ-અરમાનના સ્કૂલના બધાજ ફ્રેન્ડસ વિનેશભાઈના મિત્રો, સગા-સંબંધીઓ તેમજ સોસાયટીમાંથી બધાને અદિતિની બર્થડે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.
આજે સૌથી વધારે ખુશ અરમાન હતો. તેણે પોતે બચાવેલા પૈસા એક ગલ્લામાં ભેગા કર્યા હતા. આજે તેણે એ ગલ્લો તોડી નાખ્યો અને અદિતિ માટે તે એક ગીફટ લઈ આવ્યો....અદિતિ ની ખૂબજ ગમે તેવી એક સુંદર મજાની ગીફટ....
સંધ્યાબેને તેમજ વિનેશભાઈએ ખૂબજ સુંદર રીતે તેમના બંગલાની અંદરથી તેમજ બહારથી સજાવટ કરી.એક પછી બધાજ આમંત્રિત મહેમાનો આવી રહ્યા હતા તેમજ ખૂબજ સરસ રીતે અદિતિની બર્થડે નું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. નાની માસુમ અદિતિ જાણે સ્વર્ગમાંથી ધરતી પર ઉતરીને આવેલી માસુમ પરી લાગી રહી હતી. ડાર્ક નેવીબ્લ્યૂ કલરના ફ્લોરલ ગાઉનમાં કોઈની પણ નજર લાગી જાય તેવી લાગી રહી હતી અદિતિ. બર્થડે પાર્ટીમાં આવેલ દરેકની નજર અદિતિ ઉપર સ્થિર થઈ જતી હતી....!!
અદિતિ માટે ઘણી બધી જાતજાતની ગિફટ આવી હતી પણ અરમાને તેને જે ગિફટ આપી તે અદિતિ માટે અમૂલ્ય હતી કારણ કે અરમાન તેનો સૌથી વ્હાલો મિત્ર હતો. અદિતિને ડાન્સીંગનો ખૂબજ શોખ હતો તેથી અરમાને તેને ડાન્સ કરતી એક સુંદર ઢીંગલી ગિફટ આપી હતી.
**************
આજે પણ જ્યારે જ્યારે અદિતિને અરમાનની યાદ આવી જાય ત્યારે ત્યારે અદિતિ અરમાને આપેલી પેલી ઢીંગલી હ્રદય સ્પર્શી ચાંપી લેતી હતી અને અરમાનના ખયાલોમાં ખોવાઈ જતી હતી.
ખૂબજ મુશ્કેલ હતું અદિતિ માટે અરમાનને ભૂલી જવું તેમજ એક સુખરૂપ પરિસ્થિતિમાંથી, બિલકુલ વિરુધ્ધ પરિસ્થિતિમાં સેટ થવાનું પણ હવે સેટ થયા વગર છુટકો પણ ન હતો.
અદિતિએ ઘણાં પ્રયત્ન કર્યા કે આરુષ પોતાના જેવો પ્રેમાળ અને બધાની સાથે હસતો-બોલતો થાય પણ... આરુષના સ્વભાવમાં સહેજ પણ ફરક પડતો ન હતો બસ તે તો તેના મોજીલા-મૂડી સ્વભાવમાં મસ્ત હતો.
એક સ્ત્રીએ પોતાના જીવનમાં ઘણાં બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડતા હોય છે તે અદિતિને આજે સમજાયું હતું....!!
સતત બીઝી રહેતી અદિતિ બિલકુલ નવરી થઈ ગઈ હતી. ઘણુંબધું કરવાની તમન્ના રાખતી અદિતિની દરેકે દરેક ઈચ્છા દફન થઈ ગઈ હતી. કદાચ, માટે જ અદિતિ મોટા ભાગે ચૂપ જ રહેતી હતી.
ઈચ્છાઓની સાથે સાથે પહેલાની અદિતિ પણ જાણે મૃત્યુ પામી ચૂકી હતી. ( કદાચ, ઘણીબધી સ્ત્રીઓની ઈચ્છાઓ અદિતિની જેમ જ દફનાઇ જતી હશે. અને બિલકુલ યંત્રવત જીવન તે જીવી લેતી હશે. અદિતિની જેમ જ..... )
આરુષ ઑફિસેથી રિટર્ન આવે એટલે ઘણીબધી વાતો કરવી હોય અદિતિને આરુષ સાથે પણ આરુષનો કંઈપણ વાત કરવાનો મૂડ જ ન હોય એટલે અદિતિ પણ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ આરુષ સાથે બેસીને જમી લેતી અને પછી બંને સાથે બેસીને થોડીકવાર ટી.વી. જોતા અને સૂઈ જતા.
બસ, આજ યંત્રવત જીવન અને નિત્યક્રમ હતો અદિતિનો અને આરુષનો....
ભૂતકાળની યાદ.....વર્તમાનને ભૂલાવી દે છે...
વાંચો આગળના પ્રકરણમાં....