" પારિજાતના પુષ્પ " પ્રકરણ-10
જોતજોતામાં કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી.અદિતિ તેમજ અરમાનનું રિઝલ્ટ પણ આવી ગયું હતું બંનેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો અને સાથે સાથે અરમાન તેમજ તેના મમ્મી-પપ્પાનો કેનેડા માટેનો કોલ લેટર પણ આવી ચૂક્યો હતો. કેનેડા જવા માટેના એકે એક ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે અદિતિ હર પળે પળે અરમાનની સાથે હાથમાં હાથ મીલાવીને દોડતી રહી હતી, કેનેડા જવાની તૈયારી કરવાની ધમાલમાં ને ધમાલમાં અરમાન અને અદિતિ બંને એ વાત ભૂલી ચૂક્યા હતા કે બંને એકબીજાને છોડીને હજારો કિલોમીટર દૂર થઈ રહ્યા છે....હવે આગળ
અન્યોઅન્યની મદદ કરવા ટેવાયેલા બંને, અદિતિ અને અરમાન એકબીજાથી છૂટા પડી રહ્યા હતા તે વાતનો તેમને અહેસાસ શુધ્ધા ન હતો. પોલીસ ઈન્કવાયરી, મેડીકલ બધું જ કામ બરાબર પૂરું થઇ ગયું હતું. અરમાન અને તેના મમ્મી-પપ્પા બધાના વિઝા આવી ગયા હતા.
દર્શનાબેન અને સંધ્યાબેને મળીને લગેજનું વજન કરી કરીને પેકિંગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
વિનેશભાઈએ મોટા દિકરા કરણને પૂછીને જવા માટેની તારીખ નક્કી કરીને ટિકિટ પણ મંગાવી લીધી હતી. હવે ફક્ત એક વીકની જ વાર હતી. ઘર બંધ કરીને જવાનું હતું એટલે અરમાન અને અદિતિ બંને ઘરના નાના-મોટા કામ આટોપવામાં પડ્યા હતા તેમજ ભાઈ-ભાભી માટેનું શોપિંગ પતાવી અરમાનની બેગનું પેકિંગ કરવામાં પડ્યા હતા.
આજે અરમાન માઈલો દૂર ચાલ્યો જવાનો હતો. અદિતિએ કદી કોઈની સાથે લાંબી ફ્રેન્ડશીપ રાખી જ ન હતી સિવાય અરમાન, હવે અરમાન ચાલ્યો જશે પછી પોતાની શું હાલત થશે તે વિશે અદિતિએ કલ્પના પણ કરી ન હતી.
અદિતિ અરમાનને મૂકવા માટે એરપોર્ટ ઉપર પોતાના મમ્મી-પપ્પા સાથે આવી હતી. અદિતિ આજે ચોંધાર આંસુએ રડી પડી હતી. દર્શનાબેને તેમજ સંધ્યાબેને તેને શાંત પાડવાની ખૂબ કોશિશ કરી પણ આજે અદિતિ શાંત પડે તેમ ન હતી. આજે અદિતિને મનમાં થતું હતું કે, મારે અરમાનને જવા જ દેવો નથી. અરમાન ચાલ્યો જશે પછી હું તેના વગર નહિ જીવી શકું. અરમાનને પણ એક સેકન્ડ માટે એવો વિચાર આવી ગયો કે," હું કેનેડા ન જઉ તો ન ચાલે..?? " પણ હવે છેક અત્યારે જવાના સમયે મને આવો વિચાર કેમ આવ્યો..?? "
કદાચ, પહેલા આવો વિચાર આવ્યો હોત તો પરિસ્થિતિ અલગ હોત હવે મમ્મી-પપ્પા સાથે ગયા વગર છૂટકો નથી. છેલ્લે અદિતિ અરમાનને ભેટીને નાના બાળકની માફક રડી પડી.
અરમાનની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. આ આંસુ ન હતા, અરમાન અને અદિતિ બંનેનો એકબીજા માટેનો પ્રેમ હતો. છેવટે અરમાને અદિતિને પ્રોમિસ આપી કે તે રોજ અદિતિને ફોન કરશે પછી જ અદિતિની અશ્રુધારા બંધ થઈ. અરમાનનું ફ્લાઈટ ઉપડી ગયું અને અદિતિ તેને જ્યાં સુધી ફ્લાઈટ દેખાયું ત્યાં સુધી નિસ્તેજ આંખે જોઈ રહી.
અરમાનનો ભાઈ કરણ કેનેડામાં બરાબર સેટ થઈ ગયો હતો તેને પોતાની વાઈફ સીમાની કંપનીમાં જ જોબ મળી ગઈ હતી. હવે તેણે પોતાને માટે એક કાર પણ ખરીદી લીધી હતી કારણ કે વિન્ટરમાં જ્યારે બરફ પડે ત્યારે તે અને સીમા બંને સાથે જ પોતાની કારમાં જોબ ઉપર જતા. અને મમ્મી-પપ્પા અને અરમાન આવે તે પહેલા તેણે પોતાનું સુંદર હાઉસ પણ ખરીદી લીધું હતું.
અરમાન તેના મમ્મી-પપ્પા સાથે કેનેડા પહોંચી ગયો અને તેમને પીકઅપ કરવા માટે ભાઈ અને ભાભી એરપોર્ટ ઉપર આવીને જ ઉભા હતા. કરણ અને સીમા બંને પોતાના પરિવારને અહીં કેનેડામાં પોતાની સાથે જોઈને ખૂબજ ખુશ થઈ ગયા હતા.
અરમાન કેનેડામાં રહી શકે છે કે નહિ, સેટલ થાય છે કે નહિ, અદિતિને ફોન કરે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં.....