કાવ્યાએ તરત પેલા વ્યક્તિઓને જોઈને દોટ મૂકી અને ઇશીતાના રૂમ આગળ આવીને ઉભી રહી ગઈ. તે પેલા વ્યક્તિઓને સીડીઓથી નીચે ઉતારતા જોઈ રહી. કાવ્યાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી અને મનમાં મનોમંથન ચાલી રહ્યું હતું. રૂમ આગળ આમ કાવ્યાને વિચારોમાં ખોવાયેલી જોઈને દેવ રૂમની બહાર આવ્યો.
"ઓ મેડમ, ક્યાં ખોવાઈ ગઈ?" દેવે ચપટી વગાડી કાવ્યાનું ધ્યાનભંગ કરતા કહ્યું.
"આ હમણાં અહીં આ રૂમમાંથી જે લોકો નીચે ગયા એ કોણ હતા?" કાવ્યાએ પોતાના મનના વિચારોનો ઉકેલ મેળવવા પ્રશ્ન કર્યો.
"હમણાં ગયાં એ? એતો ઇશીતાના પેરેન્ટ્સ અને એનો ભાઈ હતા." દેવે જવાબ આપ્યો.
કાવ્યા એ સાંભળીને હેરાન થઈ ગઈ. તેને જાણે આંચકો લાગ્યો. અચાનક તેણે પોતાનો ફોન કાઢ્યો, ફોનમાંથી ફોટો ગેલેરી ખોલી અને એક ફોટો ખોલ્યો.
"વોટ ધ...." બોલતા બોલતા તે અટકી ગઈ અને માથા ઉપર હાથ રાખીને ઉભી રહી ગઈ.
તેને આમ કરતા જોઈને દેવે કહ્યું,"શું થયું?"
કાવ્યાએ તેને પોતાના ફોનમાં રહેલો ફોટો બતાવ્યો અને કહ્યું,"આ વાત મારા ધ્યાનમાં કેમ ના આવી!"
દેવે ફોન લીધો અને ફોટો જોયો. ઇન્વીટેશન કાર્ડનો ફોટો હતો, જેમાં લખ્યું હતું 'ચિરાગ રાઠોડ વેડ્ઝ ઇશીતા રાઠોડ.' ચિરાગની નીચે લખ્યું હતું સન ઓફ રઘુવીર રાઠોડ અને ઇશીતાના નીચે લખ્યું હતું ડોટર ઓફ રાજદીપ રાઠોડ.
કાવ્યાને એનો જ બોલેલો ડાયલોગ ફરી યાદ આવ્યો,"ગોડ બ્લેસ ધેટ ગર્લ!"તેને એ હકીકત જાણવા મળી કે જેનાથી તે પોતે દંગ રહી ગઈ કે ઇશીતા એ રાજદીપ રાઠોડની છોકરી છે,જેને તે બે લાફા મારી દેવા માંગતી હતી અને ઇશીતાનાંજ લગ્ન માટેની અરેન્જમેન્ટ્સની ડીલ એને મળી છે. તેણે રાજદીપને ઇશીતાના રૂમમાંથી જતા જોયો હતો.
"વોટ? ઇશીતા? ઈશુ મેરેજ કરી રહી છે? એક મિનિટ, પણ તને આ બધી કેવી રીતે ખબર પડી?" દેવ ગૂંચવાઈ ગયો તેને સમજાયું નહીં કે થઈ શુ રહ્યું છે આ બધું.
"એના જ મેરેજનો તો ઓર્ડર મને મળ્યો છે." કાવ્યાએ રહસ્ય છતું કર્યું.
"ઓહ માય ગોડ! ખરેખર! આનાથી વધારે સારા ન્યુઝ શું હોય. મારી બેસ્ટફ્રેન્ડનાં મેરેજનું અરેન્જમેન્ટ્સ હું અને તું કરીશું, આનાથી વધારે સુખદ સમાચાર શું હોય." કહીને દેવ ખુશ થઈ ગયો અને કાવ્યાના હાથ પકડીને ગોળ ગોળ ફરવા લાગ્યો. અચાનક તેને યાદ આવ્યુ કે તે હોસ્પિટલમાં છે, માટે તે અટકી ગયો અને કાવ્યાને લઈને અંદર રૂમમાં ગયો. કાવ્યા પણ દેવની સામે બનાવટી હાસ્ય કરતા કરતા રૂમમાં દાખલ થઈ. તેને આ હકીકત જાણીને જરાય ખુશી નહોતી થઈ, પણ તેને ઇશીતાની વધારે ચિંતા થવા લાગી હતી. તે દેવને ખુશ જોઈને તેને સાથ આપતા આપતા અંદર પ્રવેશી.
દેવને આટલો ખુશખુશાલ જોઈને ઇશીતાએ કહ્યું,"શું વાત છે, આજે તો સવાર સવારમાં ફૂલ ફોર્મમાં છેને કંઈક તું તો."
"હા વાત જ એવી છે. ભલે તું અમને ના કહે પણ ફરતા ફરતા અમને ન્યુઝ મળી જ જાય." દેવે ઇશીતાના ગાલ પર ટપલી મારતા કહ્યું.
"શું કહી રહ્યો છે? શેની વાત કરે છે?" ઇશીતાએ કહીને પ્રશ્નાર્થ ચહેરે કાવ્યા સામે જોયું. કાવ્યા ચૂપચાપ ઉભી રહી.
"લવ, આપણી ઈશુ લગ્ન કરી રહી છે અને એ પણ થોડાજ દિવસોની અંદર." કહીને લવને પકડીને દેવ ગોળ ગોળ ફરવા માંડ્યો.
"ઓહો, શું વાત છે. ઈશુડી, કોંગ્રેટ્સ." લવે પોતાની મસ્તીમાં કહ્યું.
આ સાંભળીને ઇશીતા ખુશ થવાને બદલે ચિંતાતુર થઈ ગઈ. તેના ચહેરા ઉપર ગંભીરતા છવાઈ ગઈ. તેણે દેવની સામે જોવાનું ટાળ્યું અને બાજુમાં બારીની બહાર જોવા લાગી. ઇશીતાની આ તમામ હરકતો કાવ્યા બારીકાઈથી જોઈ રહી. તેને ખબર પડી ગઈ કે કંઈક લોચો છે.
"ગાઈઝ, પ્લીઝ. એક મિનિટ." કાવ્યાએ અકળાઈને જોરથી બુમ પાડી. દેવ અને લવ શાંતિથી જ્યાં હતા ત્યાંના ત્યાં ઉભા રહી ગયા. "શું થયું?"કાવ્યાનું આવું રિએક્શન જોઈને દેવે પૂછ્યું.
કાવ્યા ઇશીતાની બાજુમાં જઈને બેસી ગઈ. તેણે ઇશીતાનો હાથ પોતાના હાથમાં લીધો. તેનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો અને પછી એની સામે જોઇને પૂછ્યું,"શું વાત છે, ઇશીતા?"
આ સાંભળીને જાણે નિયંત્રણમાં રહેલો ઇશીતાનો આંસુઓ ઉપરનો બંધ તૂટી ગયો અને તે કાવ્યાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કાવ્યા તેના માથે હાથ ફેરવવા લાગી.
"હેય શું થયું? આ કેમ રડવા લાગી?" દેવે ઇશીતા સામે હાથ કરીને લવને કહ્યું.
"શું તું આ લગ્નથી ખુશ છે?" કાવ્યાએ ઇશીતાને સીધો પ્રશ્ન કર્યો. ઇશીતાએ નકારમાં માથું ધુણાવ્યું. આ જોઈને દેવ અને લવ તેની પાસે આવીને ઉભા રહી ગયા.
"તો પછી શા માટે તું આ લગ્ન કરી રહી છે?" કાવ્યાએ બીજો સવાલ કર્યો. ઇશીતા ચૂપચાપ માથું નીચું રાખીને બેસી રહી. તેણે કંઈ જવાબ ના આપ્યો.
"આમ ચૂપ ના રહીશ. કંઇક બોલ, અમે અહીંયા તારી મદદ કરવા માટે જ છીએ." દેવે ઇશીતાના ખભે હાથ મુકતા કહ્યું.
"દેવ, એક મિનિટ. શું આની પાછળનું કારણ તારા પપ્પા છે?" કાવ્યાએ શંકા વ્યક્ત કરી. આ સાંભળીને તરત જ એકદમ સફાળી થઈને ઇશીતા કાવ્યા સામે ભીની આંખોએ જોવા માંડી.
"આઈ ગોટ ઇટ. એના પપ્પાની મરજીથી એ લગ્ન કરી રહી છે, એની પોતાની ઈચ્છાથી નહીં." કાવ્યાએ ઇશીતાના ચહેરાના હાવભાવ પરથી તાગ કાઢ્યો.
કાવ્યાએ ઇશીતાનાં આંસુ લૂછયા. ઇશીતાએ પોતાની જાતને સંભાળી અને બોલવાનું શરૂ કર્યું,"હા, તે કીધું એ વાત સાચી છે. મારા લગ્ન મારા પપ્પાએ હું નાની હતી, જ્યારે લગ્ન એટલે શું એ વાતની પણ મને ખબર નહતી, એ વખતથી ચિરાગ સાથે મારા લગ્ન નિશ્ચિત કરી દીધેલ છે. આ લગ્ન હું મારી મરજીથી નથી કરી રહી, ઈનફેક્ટ આજ સુધી હું મારી મરજીથી જીવી હોઉં એવી બહુ ઓછી પળો હશે. હું મારા પપ્પા સામે નથી બોલી શકતી. તેમનો વિરોધ કેવી રીતે કરું. મારા પપ્પાને મારુ બહાર ફરવું, કોલેજ જવું કંઈજ પસંદ નહતું. તેમનું ચાલે તો મને ઘરની બહાર પણ ના નીકળવા દે. એમને એવું લાગે છે કે સ્ત્રીઓ અને છોકરીઓ માત્ર ઘર સાંભળવા માટે જ જન્મી છે. તેમને ઘરની બહાર જવાનું જ ના હોય. અને પોતાનો પતિ કહે એજ એના માટે પથ્થરની લકીર. મેં કેવી રીતે આટલા વર્ષો એ ઘરમાં વિતાવ્યા છે એ માત્ર હું જ જાણું છું. મારી મમ્મી પણ એમની આગળ કંઈ નથી બોલી શકતી. એ બધું જાણે છે અને મારા માટે કંઈક કરવા માગે છે પણ એ લાચાર છે. બસ આ રીતે જીવી જીવીને મેં મારા જીવનનાં આટલા વર્ષો કાઢી નાખ્યા. જ્યાં સુધી દેવ અને લવ અહીં હતા ત્યાં સુધી એક સપોર્ટ હતો, એક આશ હતી. પણ જ્યારથી અમે લોકો છુટા પડ્યા ત્યારથી મારા જીવનની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ. દિવસે દિવસે એટલું ટોર્ચર થતું હતું કે મારે સાઇકેટ્રીસ્ટ પાસે સારવાર માટે જવું પડતું. મારી રાતોની ઊંઘ ઉડી ગઈ હતી. ધીમે ધીમે લગ્ન માટેનું દબાણ વધતું ગયું. એમને એમનો મિત્ર અને એમનો બિઝનેસ બહુ વહાલો છે. એની આગળ મારી કોઈ વિસાત નથી અને બસ એક દિવસ આવીને સીધું એમણે કહી દીધું કે આ દિવસે મારા લગ્ન છે. મારી સહનશક્તિએ હવે જવાબ આપી દીધો હતો અને આ બધા પ્રોબ્લેમમાંથી છૂટવા માટે મેં સુસાઇડ કરવા ટ્રાય કર્યો." કહીને ઇશીતાએ અશ્રુભીની આંખો લૂછી.
કાવ્યા ઇશીતાના માથે હાથ ફેરવવા લાગી. દેવ અને લવ આશ્ચર્યભરી નજરોએ જોઈ રહ્યા.
"મને હતુંજ કે, આ જ કારણ હોવું જોઈએ. એ માણસ પહેલેથી મને આંખમાં ખૂંચે છે. આતો હદ કહેવાય પણ. કોઈ માણસ પોતાની જ છોકરી સાથે આવું કેવી રીતે કરી શકે." કાવ્યાએ કહ્યું.
"તું એમને પહેલા મળી ચુકી છે?" ઇશીતાએ શંકાભરી નજરોએ જોઈને પૂછ્યું.
કાવ્યાએ એના ફોનમાં રહેલું પેલો ફોટો એને બતાવ્યો અને કહ્યું," તારા મેરેજની બધી અરેન્જમેન્ટ્સનો ભાર જેને આપ્યો છે, એ હુંજ છું."
ઇશીતા બે ઘડી કાવ્યા સામે આશ્ચર્યથી જોઈ રહી.
"હવે શું કરશું પણ?" ઇશીતાએ માથે હાથ રાખતા કહ્યું.
"જો ઇશીતા, તું તારી લાઈફમાં આગળ શું કરવા માંગે છે એનો બધો આધાર અત્યારે તું શું નિર્ણય લઈશ, એના ઉપર રહેલો છે. તું જે પણ નિર્ણય લઈશ એમાં અમે ત્રણેય હંમેશા તારી સાથે છીએ વગર કંઈપણ સવાલ કરે. પણ એટલું યાદ રાખજે કે હક માટે લડાઈ કરવી પડશે અને એ તારે જ કરવાની છે. મહાભારત યાદ છે ને એમાં પણ અર્જુનને પોતાના સ્નેહીઓની સામે પોતાના હક માટે યુદ્ધ કરવું પડ્યું હતું. આગળ જતાં તને જીવનમાં પસ્તાવો ના રહી જવો જોઈએ કે કદાચ જો મેં આ પગલું ભર્યું હોત તો મારું જીવન કંઈક અલગ મુકામ પર હોત." કાવ્યાએ તેને સમજાવ્યું.
"થેન્ક્સ કાવ્યા. મને અત્યારે એવી લાગણી થઈ રહી છે જાણે હું મારી બહેન જોડે મારા મનની વાત કરીને મારા મનને હળવું કરી રહી છું. આજે મને તારા રૂપમાં મારી બહેન મળી ગઈ." કહીને તેણે કાવ્યાને ગળે લગાવી દીધી.
"બાય ધ વે, આ ચિરાગ કેવો છોકરો છે? શું કરે છે? શું એ તાને પ્રેમ કરે છે? શું લગ્ન પછી એ તને ખુશ રાખશે? એની શું ઈચ્છા છે લગ્નની?" કાવ્યાએ પૂછ્યું.
"આઈ ડોન્ટ નો." કહીને ઇશીતાએ ખભા ઉલાળ્યા.
"હેં?" ત્રણેય એકસાથે બોલી ઉઠ્યા.
"તું એની સાથે મેરેજ કરવાની છે અને એ શું કરે છે, એના મનમાં શુ છે કંઈજ જાણતી નથી?" દેવે સવાલ કર્યો.
"ના. મને એનામાં ઇન્ટરેસ્ટ હોય તો હું જાણવા પ્રયત્ન કરુને. નાના હતા ત્યારે સાથે રમતા હતા. મોટા થયા પછી એકાદ વખત મળવાનું થયું હશે. મને આ લગ્ન કરવામાં કોઈજ ઇન્ટરેસ્ટ નથી. પણ એને હશે ઇન્ટરેસ્ટ એટલે તો લગ્ન માટે એણે હા પડી હશેને." ઇશીતાએ પોતાના મનની વાત કરી.
"હમણાં આને અહીંથી ડિસ્ચાર્જ કરાવો. રસ્તામાં નક્કી કરીએ આગળ શું કરવું છે એ." કાવ્યાએ દેવને કહ્યું.
દેવ અને લવ ગયા અને બધી હોસ્પિટલની ફોર્માલીટી પુરી કરી. ઇશીતાને લઈને કાવ્યા નીચે કાર સુધી આવી ગઈ. ચારેય કારમાં ગોઠવાઈ ગયા.
"ગાઈઝ, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હમણાં ઇશીતાને એના ઘરે ઉતારો. હું એકાદ દિવસમાં ચિરાગને અને ઇશીતાને બંનેને મેરેજ માટે જે કંઈ પ્લાન છે એ ડિસ્કસ કરવા માટે સાથે બોલાઈશ. પછી બાકીનું બધું હું સાંભળી લઈશ. તો ડન. હું બધાંને ઇન્ફોર્મ કરી દઈશ કે ક્યાં અને કેટલા વાગે મળવાનું છે. કાવ્યાએ પોતાનો પ્લાન બતાવ્યો અને કાર હોસ્પિટલના બેઝમેન્ટમાંથી નીકળી પુરપાટ ઝડપે રસ્તા પર આગળ વધી ગઈ.
(ક્રમશઃ)