Pati Patni ane pret - 15 books and stories free download online pdf in Gujarati

પતિ પત્ની અને પ્રેત - ૧૫

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૫

ચિલ્વા ભગતે મંગળસૂત્રને સાચવવાનું કહ્યું એટલે રેતાનો હાથ ગળામાં લટકતા મંગળસૂત્ર પર પહોંચી ગયો હતો. મંગળસૂત્ર કોઇ ઝૂંટવી લેવાનું હોય એમ તેણે જમણા હાથે એને છાતી પર દાબી દીધું હતું. ચિલ્વા ભગતે મને નહીં અને મારા મંગળસૂત્રને સાચવવાની વાત કેમ કરી? એવા અનેક પ્રશ્ન રેતાને થઇ રહ્યા હતા. રેતાને એટલું સમજાઇ રહ્યું હતું કે તેમની પાસે વિરેન અંગે નક્કી કંઇક તો માહિતી છે. એ વાતની એમને કેવી રીતે ખબર પડી કે હું એમની પાસે જવાની છું. મને તો જામગીરકાકા લઇને આવ્યા છે. જો જામગીરકાકા અમને મળ્યા ના હોત તો કદાચ શીવલાલને ખોટો ગણીને પરત ફરી ગયા હોત. જામગીરકાકા જ એક એવી વ્યક્તિ છે જે વિરેનને શોધવાની કડી આપી રહ્યા છે. એ ઘણું બધું જાણે છે, પરંતુ વિરેનનો 'કેસ' જાણે ચિલ્વા ભગતને સોંપી દીધો છે.

રેતા પૂછ્યા વગર રહી ના શકી:"ભગતજી, આપને કેવી રીતે થયું કે હું અહીં આવીશ...?"

ચિલ્વા ભગત બે ક્ષણ આંખો મીંચી ધ્યાન ધરીને બોલ્યા:"એ વાત હું પછી કહીશ..."

રિલોકને થયું કે ચિલ્વા ભગતે હવામાં જ તીર છોડ્યું હોય એમ બની શકે. આવા ઘણા ભગત લોકોની અંધશ્રધ્ધાનો લાભ લઇ પોતાનું જીવનયાપન કરતા હોય છે. ચિલ્વા ભગત એવા ભગતોથી કેટલા અલગ છે એ જાણવા થોડી રાહ જોવી પડશે. ઉતાવળમાં આડુંઅવળું બોલાઇ જશે તો બાજી બગડી જશે. અત્યારે ચિલ્વા ભગત એકમાત્ર એવી વ્યક્તિ છે જે અદ્રશ્ય થયેલા વિરેન સુધી પહોંચાડી શકે છે અથવા તેના વિશે માહિતી મેળવી શકે છે.

ચિલ્વા ભગત ફરી આંખો બંધ કરી બોલ્યા:"બહેન, તું મને એમ જ મળવા આવી નથી. કોઇ સમસ્યા છે..."

પોતે બધાંને ચિલ્વા ભગત પાસે લઇને આવ્યા હતા એટલે જામગીર કહે:"... એનો પતિ ગૂમ થઇ ગયો છે. હું એટલે જ તમારી પાસે આ બહેનને લઇને આવ્યો છું..." કહી એમણે જ વિરેનનો અકસ્માત અને ડૉ.ઝાલનના દવાખાનામાં તેની સારવાર થયા પછી અત્યારે ત્યાં કોઇ ન હોવાની વાત કરી. જામગીરે છેલ્લે કહ્યું:"મેં એમને ડૉ.ઝાલનની અને તેની પુત્રીની કહાની બતાવી છે. એમની પુત્રીનો હાથ હોવાની મને શંકા છે. તમે આ બહેનને વધારે સારી રીતે મદદ કરી શકશો એવા આશયથી અહીં લાવ્યો છું..."

ચિલ્વા ભગત કહે:"ડો.ઝાલનની બધી માહિતી હું જાણું છું. જામગીરકાકા તમે ભલા માણસ છો. આ બહેનની મદદ કરવા માગો છો. પણ... હું એમ જ આ બહેનની મદદ નહીં કરું..."

ચિલ્વા ભગતનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ રેતા બોલી પડી:"ભગતજી, તમે કહેશો એ તમારી ફી ચૂકવવા તૈયાર છીએ. બસ અમને વિરેન પાછો લાવી આપો..."

રેતાની વાત સંભળી ચિલ્વા ભગત બોલ્યા:"બહેન, અમે શહેરના જેવા માણસો નથી. માત્ર પૈસાને કારણે કામ કરતા નથી. જો એવું જ હોત તો આ નાનકડી ઝૂંપડીમાં વર્ષોથી રહેતો ના હોત. અમે અહીં સાધના કરીએ છીએ. પૈસાનો મોહ રાખીએ તો આ બધું થઇ ના શકે. મારે તમારી પાસેથી એવી કોઇ ફી જોઇતી નથી. હું બાદમાં કદાચ કંઇક માગીશ જરૂર. તમે ચિંતા ના કરશો. એ માગણી તમને મુશ્કેલીમાં મૂકે એવી નહીં હોય એટલો વિશ્વાસ રાખજો..."

રેતાને ચિલ્વા ભગત પર વિશ્વાસ બેસી ગયો હતો. જામગીરકાકાએ ડૉ.ઝાલનની પુત્રીના મૃત્યુ વખતે ચિલ્વા ભગતે કેવી રીતે તેની લાશને અંતિમક્રિયા કરાવી હતી એને ધ્યાનમાં રાખીને રેતાએ કહ્યું:"ભગતજી, અમને તમારા પર પૂરો વિશ્વાસ છે. તમે મને વિરેન પાછો લાવી આપો..."

ચિલ્વા ભગત આંખો બંધ કરી બોલ્યા:"બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ." તમારા પતિને શોધવા માટે આપણે જયનાને મળવું પડશે..."

ચિલ્વા ભગતની વાત સાંભળી બધાં જ ચોંકી ગયા. જામગીરકાકાએ જે કહાની કહી હતી એ મુજબ જયના મરી ગઇ હતી. ડૉ.ઝાલનનું કેવી રીતે મોત થયું એ જાણવાનું બાકી હતું. જયનાને ક્યાં મળી શકાશે? એવો પ્રશ્ન બધાંના મનમાં થઇ રહ્યો હતો. રેતા બોલી:"ભગતજી, જયના તો...."

ચિલ્વા ભગત કહે:"બહેન, જયના ભલે મૃત્યુ પામી પણ એની ઇચ્છા હજુ જીવે છે. એ ઇચ્છા સાથે જ એ ક્યાંક બેઠી છે. મને શંકા છે એક યુવતી પર. એ જયના હોય તો માનવું કે તમારો પતિ એની પાસે જ છે..."

"તો આપણે એ યુવતીને મળવા જવાનું છે?" રેતાને ચિલ્વા ભગતની યોજના સમજાવા લાગી હતી:"ચાલો, આપણે એને મળવા જઇએ..."

"બહેન, આ વેશમાં એને મળવામાં જોખમ છે. એ તને ઓળખી જશે કે તું કોણ છે તો એ કોઇ ચાલ રમી શકે. એક કામ કર. સામે દેખાય છે એ જીવાબેનને ત્યાં જઇ એની વહુના કપડાં પહેરી લે. તું અહીંની જંગલ કન્યા જેવી લાગીશ...અને જામગીરકાકા, તમે જીવાબેનની બકરીનું એક બચ્ચું માગી લાવજો..."

જામગીર રેતાને જીવાબેનને ત્યાં લઇ ગયા. એમને વાત કરી એક જોડી કપડાં અપાવ્યા. રેતાએ એમના ઘરમાં જ કપડાં બદલી લીધાં. તે બહાર આવી ત્યારે રિલોકને ઓળખાઇ જ નહીં. લાંબો ઘાઘરો, ઉપર શર્ટ જેવું કંઇક અને એની ઉપર ઓઢણી જેવું વસ્ત્ર પહેર્યું હતું. રેતાએ પોતાનું મંગળસૂત્ર છૂપાય એ રીતે ઓઢણી જેવું વસ્ત્ર ગળામાં પહેર્યું હતું.

રેતા જંગલની કન્યાના રૂપમાં તૈયાર થઇને આવી. જામગીરકાકાના હાથમાં બકરીનું બચ્ચુ હતું. એ પછી ચિલ્વા ભગતે બંનેને કંઇક સમજાવ્યું.

ચિલ્વા ભગત થોડીવાર માટે આંખો બંધ કરી હાથ હલાવી કંઇક બોલીને આંખો ખોલી બોલ્યા:"હું અને પેલો ડ્રાઇવર...શીવલાલ, જેણે નર્સના રૂપમાં જયનાને જોઇ હતી એ દૂર રહીશું. બહેન, તમે અને જામગીરકાકા એ યુવતીના ઘરમાં જશો. પછી શું કરવાનું છે એ મેં સમજાવી દીધું છે."

રિલોક કાર પાસે ગયો અને શીવલાલને મોકલ્યો. બધાં ભેગા થઇ ગયા અને એ યુવતીના ઘર પાસે જવા નીકળ્યા.

દૂરથી એક મકાન દેખાયું. ચિલ્વા ભગતે બધાંને અટકી જવા કહ્યું. પોતે અને શીવલાલ દૂરથી એ યુવતીને જોવાના છે એમ કહ્યા પછી મોટા વૃક્ષની ઓથ શોધવા લાગ્યા. એક જગ્યાએ બે-ત્રણ ઝાડ નજીક હતા. એની ઓથે ચિલ્વા ભગત અને શીવલાલ છુપાઇ ગયા.

જામગીર અનુભવી હતા. રેતાને પોતાના પર વિશ્વાસ હતો. તે આદિવાસીઓના કપડાંમાં પોતાને અસહજ મહેસૂસ કરી રહી હતી.

એ યુવતીના ઘર પાસે પહોંચીને જામગીરે બકરીનું બચ્ચું અંદર મોકલી દીધું અને મકાનની ચારે બાજુ કરેલી વાડમાં મૂકેલા લાકડાના દરવાજાની ઘંટડી વગાડવા લાગ્યા.

દરવાજાની ઘંટડી સાંભળીને બહાર આવેલી નાગદા જામગીરને જોઇ ચોંકી ગઇ. જામગીર પહેલી વખત એ યુવતીને જોઇ રહ્યા હતા. પણ નાગદાના રૂપમાં રહેલી જયના એમને સારી રીતે ઓળખતી હતી. તે ડૉ.ઝાલનના મિત્ર જેવા હતા એની ખબર હતી. એ તેને ઓળખી શકવાના ન હતા એ વાતની શાંતિ હતી. જામગીરની સાથે એક આદિવાસી યુવતીને જોઇ નાગદાને નવાઇ લાગી.

બીજી તરફ મકનમાંથી નાગદાના ગયા પછી નરવીર ધીમે રહીને ઊભો થયો. તેને બહાર કોણ આવ્યું છે એ જાણવાની ઉત્સુક્તા જાગી. બહારના લોકોને મળ્યા પછી પોતાને જ પોતાનો પરિચય વધારે થશે એમ યાદદાસ્ત ગુમાવેલા નરવીરે વિચાર્યું. નાગદા મકાન ફરતેની વાડના દરવાજા સુધી પહોંચી એટલી વારમાં નરવીર ધીમે ધીમે ચાલતો દરવાજા તરફની એક બારી પાસે પહોંચી ગયો. તે બારીથી થોડે દૂર ઊભો રહ્યો. તે એવી જગ્યાએ ઊભો હતો જ્યાંથી નાગદા તેને જોઇ શકે એમ ન હતી. બહાર શું થાય છે એ છુપાઇને જોવા લાગ્યો. તેણે આવનાર વ્યક્તિઓ પર નજર નાખી. આવનાર બંનેના ચહેરા જોવા લાગ્યો. એક માણસ વૃધ્ધ હતો અને તેની નજીક એક યુવતી ઊભી હતી. તેનો ચહેરો તે સતત જોઇ જ રહ્યો...

સામેની બાજુ ઊભેલી રેતાની નજર એ બારી પર જ હતી. બારીમાં કોઇ દેખાતું ન હતું.

વધુ સોળમા પ્રકરણમાં...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED