સુંદરી - પ્રકરણ ૬૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૬૨

બાસઠ

“ક્યાં ગઈ સુંદરી? દેખાતી નથી?વ્હેર ઈઝ શી?” જયરાજે ચારેતરફ નજર ફેરવતાં પૂછ્યું.

“બહાર ગઈ છે.” પ્રમોદરાયે જવાબ આપ્યો.

“અત્યારે? એટલે... ઇટ્સ ઓલ રેડી ફાઈવ પીએમ.” જયરાજને સંતોષકારક જવાબ જોઈતો હતો.

“ગઈ છે એના કામે. મને આજકાલ ક્યાં કશું કહે જ છે.” પ્રમોદરાયે નિસાસો નાખતા કહ્યું.

“પણ તમે એને પૂછ્યું તો હશેને?” જયરાજથી હવે ધીરજ ધરાતી ન હતી.

“હા, પૂછ્યું’તું ને?” પ્રમોદરાય બોલ્યા.

“ધેન?... ક્યાં જવાનું કીધું?” જયરાજના પ્રશ્નો ચાલુ જ રહ્યા.

“ગઈ છે એના ભાગેડુ ભાઈ પાછળ પૈસા ઉડાડવા.” પ્રમોદરાયના અવાજમાં રોષ હતો.

“એટલે? જરા આમ વિસ્તારથી કહેશો તો... આઈ ડીડન્ટ ન્યૂ કે તમને એક સન પણ છે.” જયરાજથી હવે પ્રમોદરાયના કટકે કટકે આવતા જવાબો સહન નહોતા થતા.

“બહુ નાનો હતો ત્યારે ભાગી ગયો હતો ઘરેથી. પછી આડે રવાડે ચડી ગયો. અમદાવાદ, જામનગર બધે ગુંડાગીરી કરતો. પછી ખબર નહીં કેમ, સુંદરીએ એનું હ્રદય પરિવર્તન કરાવ્યું તો બે- અઢી વર્ષ જેલમાં રહી આવ્યો. અમારે સુંદરીને એમ છે કે આ હવે સુધરી ગયો છે એટલે એને કામ ધંધો અપાવવાની કોશિશ કરી રહી છે. ક્યાંક લઇ ગઈ છે ને અત્યારે. ક્યાં એ તો મને ક્યાં કશું કહી ને જાય છે.” પ્રમોદરાયે હવે મોટો નિસાસો નાખ્યો.

“ઓહ, આઈ સી. સ્ટ્રેઈન્જ, ઇઝન્ટ ઈટ? તો હું નીકળું. સુંદરી સાથે હું કાલે કોલેજમાં વાત કરી લઈશ. આ તો આઈ વોઝ જસ્ટ પાસિંગ બાય, એટલે થયું તમને મળતો જાઉં અને સુંદરીને જે મેસેજ આપવાનો છે એ આપતો જાઉં.” આટલું કહીને જયરાજ ઉભો થયો કારણકે તેને હવે સુંદરી દેખાવાની ન હતી.

“સોરી, સુંદરી નથી, નહીં તો ચ્હા – નાસ્તો કરાવત.” પ્રમોદરાયે જયરાજ સામે બે હાથ જોડ્યા.

“અરે! ઇટ્સ ઓકે સર. સમ અધર ટાઈમ.” આટલું કહીને જયરાજે પ્રમોદરાય સામે હાથ હલાવ્યો અને ઘરની બહાર નીકળી ગયો.

==::==

“આવો શ્યામલભાઈ તમને તમારી દુકાન દેખાડું.” સુરજભાઈએ શ્યામલ સામે સ્મિત કરતાં પોતાનો હાથ લંબાવીને તેને આગળ વધવાનો ઈશારો કર્યો.

શ્યામલને હજી પણ ખબર નહોતી પડી રહી કે આ બધું શું થઇ રહ્યું છે. તે આશ્ચર્યભાવ સાથે સુરજ કણસાગરા પાછળ દોરવાયો અને તેની સાથે સુંદરીએ પણ ચાલવાનું શરુ કર્યું.

થોડે દૂર પહોંચ્યાં હશે ત્યાં સુરજ કણસાગરા રોકાયા.

“જાકીર, ટારપોલીન ઉઠાય તો.” સુરજભાઈએ એમના એક કારીગરને હુકમ કર્યો.

જાકીર પોતાનું કામ પડતું મુકીને દોડતો દોડતો આવ્યો અને એક વાહન પરથી તાડપત્રી ઉઠાવવાની ચાલુ કરી. શ્યામલનું ધ્યાન બરોબર ત્યાં જ હતું અને જેમજેમ તાડપત્રી ધીમેધીમે એ વાહન પરથી ઉઠવા લાગી શ્યામલની આંખો પહોળી ને પહોળી થતી ગઈ, એક સમય એવો આવ્યો કે જ્યારે તાડપત્રી આખા વાહન પરથી દૂર થઇ ત્યારે શ્યામલનું મોઢું પણ ખુલી ગયું.

આ એક મોડિફાઇડ ઓટો રિક્ષા હતી જેની પાછળ ચ્હાની નાનકડી પરંતુ આખી દુકાન બનાવેલી હતી. કણસાગરા ઓટોઝ આ પ્રકારના મોડિફાઇડ વાહનો બનાવવા માટે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં અને આફ્રિકામાં જાણીતા હતા. સુંદરી શ્યામલના ચહેરા પર સતત બદલાઈ રહેલા હાવભાવને જોઇને ખુશ થઇ રહી હતી અને તેનું સ્મિત વધુને વધુ પહોળું થઇ રહ્યું હતું.

“ભાઈ, તમારી ચ્હાની દુકાન!” સુંદરીએ શ્યામલનો હાથ પકડ્યો અને તેને પેલી ઓટો રિક્ષાની નજીક લઇ ગઈ.

શ્યામલે હવે નજીકથી એ મોડિફાઇડ ઓટો રિક્ષાને જોઈ અને તેના પર પોતાનો હાથ ફેરવ્યો અને સ્વાભાવિકપણે તેની આંખો ભીની થવા લાગી. જ્યારે શ્યામલની ભાવુકતા એક એવા સ્તરે પહોંચી જ્યાં તેના પર કાબુ રાખવો તેના માટે અશક્ય બની ગયું ત્યારે તે પોતાની બાજુમાં ઉભેલી સુંદરીને વળગી પડ્યો અને રડવા લાગ્યો. સુંદરીની આંખો પણ ભીની હતી પરંતુ તે ખુશીના આંસુ હતા.

“તમે બેય ભાઈ-બેન જરા વેહિકલ ચેક કરી લો પછી આવો કેબીનમાં, ચ્હા-પાણી કરીએ.” આટલું કહીને સુરજ કણસાગરા ત્યાંથી ચાલવા લાગ્યા.

થોડીવાર પછી શ્યામલની લાગણીનો ઉભરો શાંત થયો. કેબીનમાં જતાં પહેલાં કણસાગરા જાકીરને ઈશારો કરતાં ગયાં હતાં એટલે જાકીર પોતાના બંને હાથમાં પાણીના ગ્લાસ લઈને ઉભો હતો. સુંદરી અને શ્યામલે બંનેએ પાણી પીધું અને જાકીરને ગ્લાસ પાછા આપ્યા.

“આ બધું તે કેવી રીતે કર્યું સુના?” શ્યામલે પહેલું વાક્ય કહ્યું.

“તમારી ટેલેન્ટને જોઇને.” સુંદરીએ સ્મિત સાથે જવાબ આપ્યો.

“અરે! એમ નહીં, આ રિક્ષા નહીં નહીં તો પણ બે-અઢી લાખની હશે. એ બધું કેવી રીતે મેનેજ કર્યું?” શ્યામલે હવે યોગ્ય પ્રશ્ન પૂછ્યો.

“થોડા દિવસ પહેલાં મને એક કોલમાં કાર લોનની ઓફર આવી હતી બે મિનીટ તો મેં નક્કી પણ કરી લીધું હતું કે કાર લઇ લઉં, કારણકે પપ્પાને હવે ચાલવામાં તકલીફ પડે છે અને હું પણ જરા આરામથી કોલેજે જાઉં-આવું. પણ પછી મને તરત જ વિચાર ઝબકયો અને મેં એમને પૂછી લીધું કે આવું વાહન લેવાનું વિચારું તો શું એ લોકો મને લોન આપી શકે? એમણે હા પાડી એટલે પછી મેં અરુમાની સલાહ લીધી તો આ સુરજભાઈ એમના ફેમીલી ફ્રેન્ડ નીકળ્યા. બસ પછી હું એક દિવસ કોલેજેથી સીધી જ અહીં આવી, એમણે મને ચાર-પાંચ ડિઝાઈન્સ દેખાડી મને આ ગમી એટલે સિલેક્ટ કરી.

પછી એમણે એમના ડોક્યુમેન્ટ્સ મને આપ્યાં જે મેં બેન્કને આપ્યાં. ચાર દિવસમાં લોન પાસ થઇ ગઈ અને ચેક સુરજભાઈને આપ્યો એટલે એમણે મેન્યુફેક્ચરિંગ શરુ કરી દીધું. ગઈકાલે સાંજે ફોન આવ્યો કે બેન તમારી રિક્ષા તૈયાર છે, એટલે આજે આપણે ડિલીવરી લેવા આવ્યા. સિમ્પલ!” સુંદરી એકદમ તોફાની અને નિર્દોષ અંદાજમાં બોલી પડી.

“એટલે તારે કારની જરૂર હતી તો પણ તે મારા માટે આ રિક્ષા લીધી એમને?” શ્યામલે સુંદરીનો હાથ પકડીને દબાવ્યો.

“ના મારે નહીં, પપ્પાને. પણ તમારે આની વધારે જરૂર છે ભાઈ. બસ તમે એક વખત સેટલ થઇ જાવ પછી પપ્પાને તમે કાર અપાવજો. એ ખુશ થઇ જશે.” સુંદરી હસી રહી હતી.

“એ અને કોઈ દિવસ ખુશ થાય? તું તો રોજ એમને સહન કરે છે તો પણ આવી વાત કરે છે?” શ્યામલે ફિક્કું સ્મિત આપતાં કહ્યું.

“આપણા પપ્પા છે ભાઈ. એમની કડકાઈમાં કઈક તો સારી વાત હશેને? એમના ખરાબ સ્વભાવે આપણને કશુંક સારું કરવા માટે જરૂર પ્રેરણા આપી હશેને? અને છેવટે એમણે આપેલા સંસ્કાર ક્યાંય વેડફાશે નહીં. બી પોઝિટીવ ભાઈ!” સુંદરીએ એનું સ્મિત રોક્યા વગર શ્યામલને કહ્યું.

“હમમ.. કમાલ છે તું. પણ હવે એક મુદ્દાની વાત. આની ડિલીવરી લઈને આપણે જઈએ તો ખરા. પણ પછી મારે આ કામ કાલથી ક્યાં ચાલુ કરવાનું? દબાણ અને પોલીસ-બોલીસની મગજમારી થઇ તો? આમ તો આ બધું ગેરકાયદેસરનું દબાણ જ કહેવાયને?” શ્યામલે મહત્ત્વની વાત કરી.

“તમારી વાત તો બરોબર છે ભાઈ. મેં વિચાર્યું હતું કે તમે મારી કોલેજ સામે જે ખાલી પ્લોટ છે ત્યાં આ રિક્ષા લઈને ઉભા રહેશો. આસપાસમાં મારી કોલેજ ઉપરાંત બીજી ત્રણ કોલેજ છે એટલે યંગ ક્રાઉડ તમને સરસ મળી રહેશે. પણ હા દબાણ હટાવવાવાળાની તકલીફ તો ખરીજ.... ચલો ઘરે જઈને વિચારીએ.” સુંદરી બોલી.

“મને એક વિચાર આવે છે. આપણે કિશન સરની એડવાઈઝ લઈએ તો? તારી કોઈ ફ્રેન્ડના પપ્પા છે ને? એ આપણને સાચી સલાહ આપશે.” શ્યામલે આઈડિયા આપ્યો.

“કિશન અંકલ?” આટલું બોલીને સુંદરી મૂંગી થઇ ગઈ અને કશુંક વિચારવા લાગી.

જ્યારે શ્યામલને સરેન્ડર કરાવવું હતું ત્યારની સુંદરીની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં ખાસ્સો ફરક આવી ગયો હતો. ત્યારે સુંદરી કિશનરાજની પુત્રી સોનલ સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવતી હતી. આજે પણ એ તેને પોતાની ફ્રેન્ડ જ માને છે પરંતુ વરુણવાળી ઘટનાએ એ બંને વચ્ચે એ ગર્માળું વાતાવરણ ઓછું જરૂર કરી દીધું હતું.

શ્યામલની વાત તો સાચી હતી કે તેની રિક્ષાને જો દબાણવાળા કે પોલીસના લફરાંમાં ફસાવવું પડે તો એનો ધંધો એક તરફ રહી જાય અને આ બંને જગ્યાએ તેના આંટાફેરા વધી જાય. આ રીતે રસ્તા પર ધંધો કરવો આમ પણ ગેરકાયદેસર હોય છે. સુંદરીને એક વખત તો વિચાર આવી ગયો કે આ મોડિફાઇડ રિક્ષા લેવાનો તેનો નિર્ણય કદાચ ઉતાવળીયો હતો.

પરંતુ હવે આ નિર્ણયમાંથી પાછું ફરાય એમ ન હતું કારણકે સુંદરીએ આ રિક્ષા સામે લોન લઇ રાખી હતી. શ્યામલ પાસેથી તે લોનના હપ્તાની તો આશા રાખતી જ ન હતી, પરંતુ આટલું મોટું રોકાણ કર્યા બાદ પણ જો એ રિક્ષાનો ઓછો અથવાતો નહીવત ઉપયોગ થાય એ કોઇપણ રીતે તર્કસંગત ન હતું.

સુંદરી પાસે શ્યામલનો આઈડિયા માનવા સિવાય બીજો કોઈ જ રસ્તો પણ ન હતો. તે થોડો સમય વિચારતી રહી અને છેવટે તેને પોતાનું મન મક્કમ કર્યું.

“ભાઈ, એક મિનીટ મને પણ એક આઈડિયા આવ્યો છે. હું જરા એક કોલ કરું? ત્યાં સુધી તમે સુરજભાઈની કેબીનમાં બેસશો?” સુંદરીએ શ્યામલને કહ્યું.

શ્યામલે ડોકું હલાવ્યું અને એ સુરજ કણસાગરાની કેબીન તરફ ચાલવા લાગ્યો.

સુંદરીએ પોતાના પર્સમાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને તેનું લોક ખોલી, કોન્ટેક્ટ્સમાંથી સોનલબાનું નામ શોધ્યું અને ધડકતા હ્રદયે તેમને કોલ લગાવ્યો.

==:: પ્રકરણ ૬૨ સમાપ્ત ::==