સુંદરી - પ્રકરણ ૬૧ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૬૧

એકસઠ

“કેમ આજે અચાનક જ મને મળવા બોલાવી?” સુંદરીના ચહેરા પર પ્રશ્નાર્થ હતો.

“કેમ? તમે મને ફ્રેન્ડ ગણો છોને? તો પછી એક ફ્રેન્ડને એની ફ્રેન્ડને મળવાનું મન થાય ત્યારે ન બોલાવી શકે?” સોનલબાએ મલકાઈને કહ્યું.

“બિલકુલ, એમાં ના છે જ નહીં, પણ આ તો ઘણા મહિનાથી આપણે ફક્ત કોલેજમાં જ મળીએ છીએ અને તેં અત્યારેજ મને અહીં રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી એટલે જરા નવાઈ લાગી.” સુંદરીએ સામે પડેલો ગ્લાસ ઉપાડીને તેમાંથી પાણીના બે ઘૂંટડા પીધા પછી જવાબ આપ્યો.

“વાત જ એવી છે કે... હું આજે બહુ ખુશ છું.” સોનલબાએ કહ્યું અને તેમના ચહેરા પર આનંદ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

“અરે વાહ! તો પછી આ ખુશાલીમાં મને પણ સામેલ કર.” સુંદરીએ કહ્યું.

“એટલેજ તો તમને બોલાવ્યાં.” સોનલબા સ્મિત કરીને બોલ્યા.

“બોલ સોનલ.” સુંદરીના અવાજમાં ઉત્કંઠા હતી.

“ભઈલો, ગુજરાતની રણજી ટીમમાં સિલેક્ટ થઇ ગયો છે!” આટલું બોલતાની સાથેજ સોનલબાના ચહેરા પર આનંદ સાથે ગર્વ અને ઉત્સાહ પણ મિશ્રિત થઇ ગયાં.

“એનો મને ખ્યાલ છે.” સુંદરીએ ફિક્કો જવાબ આપીને સોનલબાના ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવી દીધું.

“ખ્યાલ છે? કેવી રીતે?” સોનલબાને આશ્ચર્ય થયું.

“મને ન્યૂઝ વાંચવાનું ગમે છે. આજના છાપાંમાં જ વાંચ્યું.” સુંદરીના ચહેરા પર જરાય લાગણી ન હતી.

“પણ આજના છાપાંમાં એક ન્યૂઝ નથી, અને એ પણ ભાઈને સંબંધિત જ છે.” સોનલબાએ આંખો નચાવતાં કહ્યું.

“મને ખબર છે સોનલ કે તું શું કરી રહી છે. તું ગમે તે કર પણ મારો અઢી વર્ષ પહેલાનો નિર્ણય જેવો છે એવો હજી પણ છે. મારા મનની જેમ જ... મક્કમ! મને તારા એ ભાઈમાં કોઈજ રસ નથી. એમને રણજી ટ્રોફીમાં રમવાની તક મળી છે, ગૂડ. એ એમાં સફળ થઈને ટિમ ઇન્ડિયા તરફથી પણ રમે એની મારી શુભેચ્છા પણ છે. હું ક્રિકેટની શોખીન છું એટલે આપણી ટીમને સારો પ્લેયર મળે એ મને ગમશે.

એમની ક્રિકેટિંગ સ્કિલ્સ વિષે મને કોઈજ શંકા નથી. પણ મને એમના પ્રત્યે કોઈજ લાગણી નથી. પ્રેમની તો દૂર એના પ્રત્યે મને માનની લાગણી પણ નથી થતી. મેં તને પહેલાં પણ કહ્યું છે કે મેં એને એની ભૂલ માટે માફ જરૂર કરી દીધા છે પણ એનો મતલબ એવો નથી કે મારું મન બદલાઈ ગયું છે. એ ક્યારેય નહીં બદલાય એ તું નોટ કરી લેજે.” લગભગ ગુસ્સામાં આવી જઈને સુંદરીએ સોનલબાને કહ્યું અને તે ખુરશી પરથી ઉભી થઇ ગઈ અને ચાલવા લાગી.

“ભઈલો મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ સિલેક્ટ થઇ ગયો છે. કાલે એમના ટેલેન્ટ સ્કાઉટ પણ મેચ જોવા માટે હાજર હતા.” સુંદરી થોડે જ દૂર ગઈ હતી કે સોનલબાએ જરા જોરથી કહ્યું.

સોનલબાના આમ કહેવાથી આસપાસ બેઠેલા લોકોનું ધ્યાન પણ તેમની તરફ વળ્યું. સુંદરી આ વાત સાંભળીને જરા અટકી તો ખરી, પરંતુ ફરીથી તેણે ચાલવાનું શરુ કર્યું અને રેસ્ટોરન્ટના મુખ્ય દરવાજાની બહાર નીકળી ગઈ. આસપાસ બેઠેલા લોકો સોનલબા સામે ટગર ટગર જોઈ રહ્યા એમના ચહેરા પર આશ્ચર્ય અને સોનલબા પ્રત્યે સન્માનની લાગણી પણ હતી.

==::==

“તમે ઉતાવળ કરી દીધી બેનબા.” વરુણ ખૂબ નિરાશ દેખાતો હતો.

“પપ્પા અને અંકલે તો હાથ ખંખેરી દીધા, પણ હું એમ ન કરી શકું ભઈલા.” સોનલબાએ જવાબ આપતાં કહ્યું.

“પણ તમને ખબર જ છે કે એમને કોઈજ ફરક નથી પડવાનો તો...” વરુણ નિસાસો નાખતાં બોલ્યો.

“શું તને નથી લાગતું કે મને એનો ખ્યાલ નહીં હોય? શું મને ખબર નથી કે તું કેટલી હદ સુધી એમના મનમાંથી ઉતરી ગયો છે?” સોનલબાએ સવાલ કર્યો.

“જો ખબર જ હતી બેનબા તો કેમ? કેમ તમે એમને મારા વિષે વાત કરી? આમ કરશો તો કોઈક દિવસ એ તમને પણ મળવાની ના પાડી દેશે.” વરુણે કહ્યું.

“એટલા માટે કે તારા વિષે જો એમને અમુક અંતરે સમાચાર ન મળે તો તું એમનાં મનમાંથી સાવ ભૂંસાઈ જ જઈશ. પણ આ રીતે જો કોઈક કોઈક વાર એમને તારા વિષે કોઈ કહેતું રહે તો એમને યાદ તો રહે કે તું હજી આ દુનિયામાં છો જ.” સોનલબાએ દલીલ કરતાં કહ્યું.

“તમને એમણે જે જવાબ આપ્યો તેના પરથી તો લાગે જ છે કે હું એમના મનમાંથી સાવ જ ઉતરી ગયો છું.” વરુણની નિરાશા ચાલુ રહી.

“તું ખોટું સમજી રહ્યો છે ભઈલા. મેં એમની આંખોમાં જોયું છે. જો એમને તારા પ્રત્યે પ્રેમ નથીને તો નફરત તો બિલકુલ નથી. રહી વાત તારા સન્માનની તો એને તો ક્યારેય ભૂલી નહીં શકે, પરંતુ મેં આજે એમની આંખોમાં જોયું છે અને એમનો ચહેરો વાંચવાની મેં કોશિશ કરી છે, તો મને તો એવું લાગે છે કે એ તેમની સાથે જ લડી રહ્યા છે, તારી બાબતે.

તેં જ્યાં સુધી તારા પ્રેમનો એકરાર એમની સામે નહોતો કર્યો ત્યાં સુધી એમણે તો તને એમનો નજીકનો મિત્ર જ ગણ્યો હતો ને? અને તું દિવસ-રાત જોયા વગર એમની પાસે ખડે પગે ઉભો રહ્યો છે. એટલે એ તારું સન્માન નથી કરતાં એ તો શક્ય નથી જ. એ તને ભૂલવાની કોશિશ કરી રહ્યા છે, હજી પણ, અઢી વર્ષ પછી પણ, પરંતુ કરી શક્યા નથી એ સ્પષ્ટ છે. ભલે એ તને કદાચ પ્રેમ નહીં કરતા હોય તો પણ એક સારા મિત્ર તરીકે તો તને એ મિસ કરે જ છે.

કદાચ એવું પણ હોય કે તારી બધીજ મદદને એ ફક્ત મિત્ર તરીકે જ સમજી રહ્યા હોય અને એમનામાં તારા પ્રત્યે કોઈ સોફ્ટ કોર્નર હોય તો તેને એ ઓળખી ન શકતા હોય એવું બને. એટલીસ્ટ મને આજના એમનાં વર્તન પરથી તો એવું લાગ્યુંજ. એ કોઈ અસમંજસમાં તો છે જ.” સોનલબાએ વરુણને સમજાવતાં કહ્યું.

“થેન્કયુ બેનબા... તે દિવસે અંકલ અને પપ્પા સાથે વાત થયા પછી હું સાવ નિરાશ થઇ ગયો હતો, પરંતુ તમારી વાત પરથી મને આશાનું એક કિરણ જરૂર નજરે પડ્યું છે. મને લાગે છે કે હું મારી ક્રિકેટ કરિયરમાં સફળ બનાવું તો એ મારા પ્રત્યે વધુને વધુ સન્માન કરતાં થઇ જશે અને કદાચ... ચલો જવા દો. મારે વધુ આગળનું નથી વિચારવું. બસ હવે મારે મારી કરિયર પ્રત્યે જ ધ્યાન આપવું છે, બાકી બધું એનીમેળે જ એના યોગ્ય સ્થાન પર ગોઠવાઈ જશે.” વરુણનો આખો મૂડ જ બદલાઈ ગયો હતો.

વરુણ હવે અતિશય ઉત્સાહમાં જણાઈ રહ્યો હતો.

“વેરી ગૂડ ભઈલા, મને ગમ્યું કે તેં તારી તમામ નિરાશાઓને ખંખેરી નાખી અને ફરીથી તારા લક્ષ્ય તરફ તારું ધ્યાન સ્થિર કર્યું છે, પણ એક વાત... અરે વાત શું એક હકીકત જે હજી પણ એમની એમ જ છે. પેલો વ્યક્તિ, જેની સાથે તેં એમને ગયા વખતે જોયા હતાં. એનો અતોપતો તો લગાડવો જ પડશે.” સોનલબાએ વરુણને યાદ અપાવ્યું.

“એને હું ભૂલ્યો નથી. તકલીફ એ છે કે હવે હું એ ઘર પર નજર નહીં રાખી શકું. દરરોજ સવારે ગુજરાતની ટિમ પ્રેક્ટીસ હશે, પછી કોલેજ અને સાંજે પાછી ટિમ પ્રેક્ટીસ હશે. કૃણાલીયો તો પહેલેથી જ આડો ફાટ્યો છે, નહીં તો એને બેસાડી દેત, એ ઘરની સામે અને મને તરતજ રિપોર્ટ આપી દેત.” વરુણે ફરીથી નિસાસો નાખ્યો.

“તું કહેતો હોત તો હું વાત કરું કૃણાલભાઈ સાથે?” સોનલબાએ કહ્યું.

“ના, ના. હું જ કઈક વિચારું છું. લ્યો તમારી બસ પણ આવી ગઈ.” વરુણે જવાબ આપ્યો.

સોનલબાની શાહીબાગની બસ આવી ગઈ અને વરુણની વિદાય લઈને તે એમાં ચડી ગયા.

==::==

“આ મને તું ક્યાં લઇ આવી સુના?” શ્યામલના મનમાં ગૂંચવણ હતી.

“તમે અંદર તો આવો.” સુંદરીએ શ્યામલનો હાથ પકડીને ચાલવા લાગી.

સુંદરી શ્યામલને અમદાવાદના રખિયાલ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં લઇ આવી હતી. આ ફેક્ટરી વાહનોનું મોડિફિકેશન કરતી હતી.

“આ તો કણસાગરા મોટર્સ છે સુના.” ફેક્ટરીના મોટા દરવાજાની અંદર ઘૂસતાં જ સામેના મોટા બોર્ડ પર નજર પડતાની સાથે જ શ્યામલ બોલી પડ્યો.

“હા અને આજે તમે તમારી સાથે અહીંથી તમારી નવી જિંદગીની ચાવી લઈને ઘરે જશો.” સુંદરીએ સ્મિત કરતાં કહ્યું.

“એટલે?” શ્યામલને નવાઈ લાગી.

“મારી સાથે અંદર આવો, હું જ તમને દેખાડું.” સુંદરીએ ફરીથી શ્યામલનો હાથ પકડ્યો અને ફેક્ટરીની વધુ અંદર ચાલવા લાગી.

“આવો આવો બેન. તમારી જ રાહ જોઈ રહ્યો હતો.” ફેક્ટરીની અંદર આવેલી એક ટ્રાન્સપરન્ટ પોશ કેબીનમાંથી એક સજ્જન બહાર આવ્યા અને સુંદરી સામે પોતાના બંને હાથ જોડીને બોલ્યા.

“આ સુરજભાઈ કણસાગરા છે, કણસાગરા મોટર્સના ચેરમેન.” સુંદરીએ શ્યામલને ઓળખાણ કરાવતાં કહ્યું.

શ્યામલે સુરજભાઈ કણસાગરા સામે પોતાના બંને હાથ તો જોડ્યા પણ તેને ખ્યાલ નહોતો આવી રહ્યો કે આ બધું શું થઇ રહ્યું છે.

==:: પ્રકરણ ૬૧ સમાપ્ત ::==