સુંદરી - પ્રકરણ ૬૦ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૬૦

સાઈઠ

“એટલે તેં એ લોકોને ક્યાં જોયા?” સોનલબાએ પ્રશ્ન પૂછ્યો.

“તમારી કોલેજથી થોડે દૂર પેલો સ્પોર્ટ્સ સ્ટોર છે ને? બસ એની સામે ત્રણ માળનું બિલ્ડીંગ છે એના સેકન્ડ ફ્લોર પર.” વરુણનો ચહેરો ચિંતા દર્શાવી રહ્યો હતો.

“મને નથી લાગતું કે એવું કશું હોય જેવું તું વિચારી રહ્યો છે ભઈલા.” સોનલબા બોલ્યાં.

“તમે આટલા બધા વિશ્વાસ સાથે કેમ કહી શકો છો?” હવે પ્રશ્ન પૂછવાનો વારો વરુણનો હતો.

“મારું મન કહે છે. એ માનવા માટે તૈયાર જ નથી કે મેડમ સાથે જે વ્યક્તિને તે જોયો એમની સાથે એમનો કોઈ એવો સબંધ છે જે તું વિચારી રહ્યો છે.” સોનલબાના અવાજમાં વિશ્વાસ હતો.

“મન તો મારું પણ નથી માની રહ્યું પણ..” વરુણની અકળામણ સ્પષ્ટ હતી.

“હમમ...” સોનલબા પાસે વરુણની અકળામણનો કોઈજ જવાબ ન હતો.

“આમ જુઓ તો હું આ બધું જોઈએ અકળાઉ એ પણ બરોબર નથીને? એમનાથી દૂર થવાનો ઓપ્શન મેં જ નક્કી કર્યો હતો. અને આમ પણ એમને મારા પ્રત્યે કોઈ એવી લાગણી છે જ નહીં, હવે જેની સાથે એમને એ પ્રકારની લાગણી થઇ હોય અને એને મળવાનું એમને મન થતું હોય તો મને શો વાંધો હોઈ શકે?” વરુણ ફલોરિંગ તરફ જોઇને બોલ્યો.

“ભઈલા, તેં જે નિર્ણય લીધો છે એ એમના ભલાં માટે જ લીધો છે ને? બાકી એમના પ્રત્યે તારી લાગણી આ બે-અઢી વર્ષમાં જરાય ઓછી તો નથી જ થઇ! એટલે તને આવું ફિલ થાય એ મને જરાય અજુગતું તો નથી જ લાગતું.” સોનલબાએ કહ્યું.

“હમમ... પણ હવે મારી પરિસ્થિતિ એવી છે કે ન તો હું આ જે લાગણી થઇ રહી છે તેનો ઇનકાર કરી શકું કે ન તો તેનો સ્વિકાર. ખબર નહીં ભગવાન મારી કઈ પરીક્ષા લઇ રહ્યો છે!” વરુણે સોનલબા સમક્ષ પોતાની વ્યથા ઠાલવવાની ચાલુ રાખી.

“જો ભઈલા, હું એમ નથી કહેતી કે આ વાત તારા માટે જરાય મહત્ત્વની નથી. પણ રવિવારે ઇન્ટર યુનિવર્સીટી ફાઈનલ છે. તેં જ કહ્યું હતું કે તારું રણજીનું સિલેક્શન તેના પર જ આધારિત છે, રાઈટ? તો મારું તો એવું માનવું છે કે તું અત્યારે તારી ગેમ પર ધ્યાન આપ. બાકી બધું એની મેળે જ સરખું થતું જશે.” સોનલબાએ વરુણને યાદ અપાવતાં કહ્યું.

“બેનબા, હું જ્યારે ક્રિકેટ રમતો હોઉં છું ને ત્યારે હું બાકી બધીજ વાતો અને ટેન્શન બાજુમાં મૂકી દઉં છું. જો એમ ન હોત તો હું છેક ઇન્ટર યુનિવર્સીટી લેવલે ન પહોંચ્યો હોત. પણ આજનું દ્રશ્ય જોઇને મને નથી લાગતું કે હું રવિવારની મેચમાં ધ્યાન આપી શકીશ.” આટલું કહીને વરુણે નિસાસો નાખ્યો.

“તું આજે અંકલને પપ્પા સાથે મળવા લઇ આવવાનો છે ને? મારા ખ્યાલથી એ બંને અનુભવીઓ આ બાબતે આપણને કોઈ રસ્તો જરૂર દેખાડશે, ત્યાં સુધી પ્લીઝ તું તારી અકળામણને જરા રોકી રાખ ભઈલા!” સોનલબાએ વરુણને ધરપત આપવાની કોશિશ કરી.

“હમમ... મને તો એનીયે હવે ચિંતા થાય છે. ક્યાંક એ બંને વડીલો મારા પર તૂટી ન પડે, આ બધું સાંભળીને.” વરુણની નિરાશા વધતી જ જતી હતી.

“એવું કશું જ નહીં થાય એનો મને વિશ્વાસ છે. અને હું પણ હોઈશ જ ને ત્યાં? તું ચિંતા ન કર. આપણે સાંજે મળીએ છીએ.” સોનલબાએ વરુણના ખભે હાથ મુકીને કહ્યું.

ત્યાંજ સોનલબાની બસ આવી અને તે એમાં બેસી ગયા. વરુણે પણ સોનલબાને આવજો કરીને પોતાની બાઈકને કિક મારી, હેલ્મેટ પહેરી અને બાઈકને પોતાના ઘર તરફ હંકારવાનું ચાલુ કર્યું.

==::==

સાંજના લગભગ સાત વાગ્યા હતા. વરુણ અને તેના પિતા હર્ષદભાઈ, હર્ષદભાઈની કારમાં અમદાવાદ પોલીસ કમિશનરના બંગલે પહોંચીને સિક્યોરીટી ગાર્ડ સાથે જરૂરી વિધિ પતાવી રહ્યાં હતાં. તેમની આજની મીટીંગનો મુદ્દો હતો વરુણના જીવનમાં આવી પડેલી અણધારી મુસીબતને કેવી રીતે દૂર કરવી.

સિક્યોરીટી ગાર્ડનો અંદર કૉલ જવાની સાથેજ સોનલબા દોડતાં દોડતાં બહાર આવ્યા અને વરુણ અને ખાસકરીને હર્ષદભાઈનું સ્વાગત કર્યું.

“છેલ્લા લગભગ અઢી વર્ષથી તમે બંને ભાઈ બહેન સાથે છો પણ આ મુરખને ક્યારેય એમ ન સુઝ્યું કે તમને એક વખત ઘેરે લઇ આવે.” હર્ષદભાઈએ હસતાં હસતાં સોનલબા સમક્ષ વરુણની ફરિયાદ કરતાં કહ્યું.

જવાબમાં વરુણ અને સોનલબા બંનેએ માત્ર સ્મિત કર્યું. બંનેને ખબર હતી કે સોનલબા અગાઉ ગાંધીનગર રહેતાં હતાં એટલે તે ઘરેથી સીધાં કોલેજ અને કોલેજથી સીધાં ઘરે આવવાનું જ યોગ્ય માનતા હતા, આથી વરુણને તેમને ઘેર લાવવા માટે કોઈ મજબૂત કારણ ન હતું.

“આવો આવો સાહેબ!” વરુણ, સોનલબા અને હર્ષદભાઈના મુખ્ય રૂમમાં પ્રવેશ કરવાની સાથેજ કિશનરાજે તેમનું સ્વાગત કર્યું.

હર્ષદભાઈ અને કિશનરાજે ખૂબ આત્મીયતા સાથે એકબીજા સાથે હાથ મેળવ્યા અને સ્મિત ફરકાવ્યું.

“કદાચ પહેલીવાર એક જ શહેરના બે-બે કમિશનરો આ રીતે મળતાં હશે.” સોનલબા બોલ્યાં.

“એટલે?” કિશનરાજને સોનલબાની ટીપ્પણી સમજાઈ નહીં.

“તમે અમદાવાદ પોલીસના કમિશનર છો અને અંકલ ઇન્કમ ટેક્સ કમિશનર છે, હજી ગયા અઠવાડિયે જ એમનું પ્રમોશન થયું છે.” સોનલબાએ પિતાને સમજાવતાં કહ્યું.

“ઓહો! વાહ વાહ! અભિનંદન સાહેબ.” કહીને આ વખતે કિશનરાજે હર્ષદભાઈના બંને હાથ પકડી લીધા અને તેમને અભિનંદન આપ્યાં જેને હર્ષદભાઈએ હસીને સ્વીકાર્યા.

આ બધું જોઇને વરુણને સાહજિક અકળામણ થઇ, કારણકે તેને પોતાની સમસ્યાનો ઉકેલ જોઈતો હતો અને સોનલબાએ એક અલગ જ મુદ્દો છેડીને વાતને પાટા પર લાવવાને બદલે ક્યાંક બીજે જ ચડાવી દીધી હતી.

“પપ્પા, અંકલ, આપણે પોઈન્ટ પર આવીએ?” વરુણથી હવે વધુ રાહ ન જોઈ શકાઈ એટલે તેણે સીધી મુદ્દાની જ વાત કરી લીધી.

“આ જ ઉતાવળ શંકા ઉપજાવે છે. આ હું તને કહેવા માટે નથી કહી રહ્યો પણ મારા પોલીસખાતાના અનુભવથી કહી રહ્યો છું. જ્યારે આપણું હ્રદય આપણા મન પર કબ્જો જમાવી લે અને કોઇપણ પરિણામ પર પહોંચવા માટે ઉતાવળ કરે ત્યારે ધીરજની ખાસ જરૂર હોય છે, બરોબર કહી રહ્યો છું ને સાહેબ?” કિશનરાજે હર્ષદભાઈ તરફ જોઇને કહ્યું.

“બિલકુલ, પણ અત્યારે એની માનસિક સ્થિતિ આપણે વડીલોએ જ સમજવી પડશે, એટલે જરા એની સમસ્યા પર ધ્યાન આપીએ.” હર્ષદભાઈએ જવાબ આપ્યો.

“મને સોનલબાએ વિગતે વાત કરી છે અને સહુથી પહેલાં તો મારું માનવું છે કે એક દ્રશ્ય જોઇને કોઇપણ પ્રકારનો અંદાજ બાંધી લેવો યોગ્ય ન કહેવાય.” કિશનરાજે વરુણને કહ્યું.

“તો હું શું કરું અંકલ? પપ્પા પણ ઘરેથી અહીં સુધી આખો રસ્તો મને આ જ વાત કરતા હતા.” વરુણે છેવટે પોતાની અકળામણ બંને વડીલો સમક્ષ ઠાલવી.

“મને એવું લાગે છે કે તારે હજી એક બે વખત પેલા વ્યક્તિ પર નજર રાખવી જોઈએ, શું કહો છો?” હર્ષદભાઈએ કિશનરાજને પૂછ્યું.

“અગ્રી! જો તારા માનવા પ્રમાણે એવું કશું હશે તો એ લોકો એવી લાગણી વારંવાર દેખાડશે. કદાચ સાથે બહાર જાય, અને બાકી એ પ્રકારની લાગણી ધરાવતાં કપલ્સ એકબીજા સાથે કેવું વર્તન કરે એ મારે તને સમજાવવાનું ન હોય.” કિશનરાજે કહ્યું.

“એટલે હું આખો દિવસ એના ઘર સામે ઉભો રહું?” વરુણે પ્રશ્ન કર્યો.

“ઓફકોર્સ!” હર્ષદભાઈએ જવાબ આપ્યો.

“તો પછી, મારી સ્ટડી? મારી પ્રેક્ટિસ? આવતે રવિવારે મારે ઇન્ટર યુનિવર્સિટી ફાઈનલ છે, એના પર મારું રણજી સિલેક્શન અટક્યું છે.” વરુણે થોડા ગુસ્સામાં પોતાની સમસ્યા જણાવી, કદાચ તેને કિશનરાજનો આઈડિયા ગમ્યો ન હતો.

“કાં તો બધું બેલેન્સ કરતાં શીખ અથવાતો પછી સુંદરીને પ્રેમ કરવાનું મૂકી દે.” કિશનરાજના ચહેરા પર સ્મિત હતું.

કિશનરાજની વાત પર હર્ષદભાઈએ પણ હકારમાં પોતાનું ડોકું હલાવ્યું.

“તમને ખબર છે અંકલ કે જ્યારે એમના મોટાભાઈ એમનો પીછો કરી રહ્યાં હતાં ત્યારે એ કેટલાં ડરી ગયાં હતા. હવે હું જ જો એમનો પીછો કરું તો...?” વરુણે કહ્યું.

“તો પેલો છે જ ને? સુંદરી ડરી જશે તો પછી આ વખતે પેલો વ્યક્તિ જેની સાથે તેં એને ભેટી પડતાં જોઈ હતી એ એને બચાવશે.” કિશનરાજ હસી રહ્યા હતા.

“પપ્પા, પ્લીઝ! ભઈલો મદદ માંગવા આવ્યો છે.” સોનલબાએ થોડા ગુસ્સા સાથે કિશનરાજને કહ્યું.

“મેં પહેલીવાર જ જ્યારે આ મને મળવા આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે આ બધું એટલું સહેલું નથી. હવે જ્યારે ખરેખર સમસ્યા સામે આવી છે તો તેનો ઉકેલ તો તેણે જ લાવવો રહ્યો.” કિશનરાજ વરુણ સામે જોઇને બોલ્યા.

“હું અને સાહેબ કે સોનલબેન તમે, આપણે બધાં એ તકલીફમાં પડે તો એને બચાવવા કે એને સમર્થન આપવા માટે છીએ, પણ સમસ્યાનો યોગ્ય ઉકેલ તો તેણે જાતેજ શોધવો પડશે. દીકરા, આવી ઘટનાઓથી જ વ્યક્તિના મનોબળનું પાણી મપાઈ જતું હોય છે. આ પ્રકારની સમસ્યાઓમાંથી બહાર આવીને તારી ઉંમરના છોકરાઓ પુરુષ બનીને બહાર આવતા હોય છે.

તને અમારા ત્રણેયનું પૂરેપૂરું સમર્થન તો છે જ, પણ એ ત્યારે જ્યારે તેં નક્કી કરેલા રસ્તામાં તું ક્યાંક અટકી જાય, ભટકી જાય કે પછી કોઈ તકલીફમાં આવી જાય. રસ્તો તો તારે જ શોધવો પડશે. કમિશનર સાહેબે તને એક રસ્તો બતાવ્યો છે કે એ છોકરા પર અથવા સુંદરી નજર રાખ, હવે એ રસ્તો તને યોગ્ય લાગે તો તું તારી રીતે તેના પર ચાલી નીકળ? તકલીફ પડશે તો અમે છીએ જ ને?” હર્ષદભાઈ બિલકુલ એક પિતા તરીકે બોલી રહ્યા હતા.

હર્ષદભાઈને પોતાના પુત્રની લાગણીઓની ચિંતા જરૂર હતી પરંતુ તે એને આ સમસ્યામાંથી ઘડાઈને વધુ મજબૂત વ્યક્તિ બને તેમ પણ ઇચ્છતાં હતાં.

બીજી તરફ વરુણ એવી ઈચ્છા લઈને કિશનરાજ સાથે હર્ષદભાઈને મેળવવા લઇ આવ્યો હતો કે તે બંને તેની સમસ્યા હળવી કરી આપશે, પણ અહીં આવીને તો આખો ખેલ ઉલટો થઇ ગયો. આ બંને તેની પાછળ આવીને ઉભા રહી ગયા નહીં કે તેનો હાથ પકડીને તેની સાથે સમસ્યાનો ઉકેલ લાવે.

વરુણ સોફામાં બેઠાબેઠા પોતાના ડાબા હાથની મુઠ્ઠીને જમણા હાથની હથેળીમાં દબાવતાં દબાવતાં વિચારવા લાગ્યો!

==:: પ્રકરણ ૬૦ સમાપ્ત ::==