લોસ્ટેડ 38
રિંકલ ચૌહાણ
રયાન એક ઝટકા સાથે ઊભો થઈ ગયો, પરિસ્થિતિનું ભાન થતાં જિજ્ઞાસા પણ ઊભી થઈ.
"આઈ એમ રીઅલી સોરી, તમને કઈ કામ હતું મારું?" શર્ટ પહેરતાં ૨યાન એ પૂછ્યું.
જિજ્ઞાસા કોઈ જ જવાબ આપ્યા વગર ત્યાંથી ભાગી ગઈ. રયાનને જિજ્ઞાસાના આ વર્તન પાછળ ના કારણ નો આભાસ થયો પણ બીજી જ ક્ષણે ગેરસમજ સમજી એ વિચાર મનમાંથી ખંખેરી નાખ્યો.
સાંજ ઢળવાને અમુક ક્ષણો ની જ વાર હતી, હવામાન માં અચાનક પલટો આવ્યો હતો. રાઠોડ હાઉસ પર કાળા ડિબાંગ વાદળા છવાયાં હતાં, હવા ની ગતી વધી હતી.
"આ અમંગળ થવા નો ઈશારો છે. જલ્દીથી બધા જ બારી - દરવાજા બંધ કરો, મીરા તું ચાંદની ની સાથે જ રહેજે. કઈ પણ થઈ જાય, ચાંદની ને એકલી ન મૂકીશ. હું હમણાં પાછી આવું છું." જયશ્રીબેન હનુમાન ચાલીસાનો પાઠ કરતાં આધ્વીકા ને સાથે લઈ રૂમની બહાર ગયાં, તેમની કામવાળીઓ શાંતા અને વીણાને બોલાવી ઘર ના બધા જ બારીબારણાં બંધ કરવાની સૂચના આપી મંદિર માં આવ્યાં.
"ચાલ દિકરા બધા જ બારીબારણાં જોડે બાબાજીએ આપેલી આ પવિત્ર રાખ થી લક્ષમણ રેખા બનાવી દઈએ. જેથી પેલી રાવણ જેવી આત્મા ઘર માં ન આવી શકે." જયશ્રીબેન એ રાખ ની એક પોટલી આધ્વીકા ને આપી અને એક પોટલી પોતે લીધી.
બન્નેએ બારીબારણાં પર રાખ થી સુરક્ષા રેખા બનાવવા માંડી, છેલ્લે જયશ્રીબેન રસોડામાં ગયાં ત્યારે મીરા પહેલેથી જ રસોડા મા હતી.
"તું અહીં શું કરે છે મીરા? તને કીધું હતું ને મે કે ચાંદનીને એકલી ન મૂકતી." જયશ્રીબેન ભડકાઈ ગયા.
"પણ ફઈ, આરાધના માસી રૂમમાં આવ્યાં અને કીધું કે એ ચાંદની નું ધ્યાન રાખશે હું થોડો આરામ કરી લઉં." મીરાએ જવાબ આપ્યો.
"અને તું આરામ કરવા આવી ગઈ." જયશ્રીબેન ગભરાહટમાં ધ્રુજવા લાગ્યાં.
"નો ફઈ, હું ચાંદની માટે કોફી બનાવવા આવી છું. બસ આ કોફી લઈ ને પાછી ચાંદની પાસે જ જઉં છું." મીરા એ કોફી ના 2 મગ લીધા અને ઉપર ગઈ.
સૂરજ નું છેલ્લું કીરણ પણ આથમી ગયું, અને સાથે જ આશાનું છેલ્લું કીરણ પણ આથમી ગયું. આધ્વીકા દરવાજા પર જ ઊભી રહી ને જયેશની રાહ જોઈ રહી હતી.
"આધ્વી તું આ બધું કેમ કરી રહી છે? મારી મા સાથે આવો વ્યવહાર, અમને આ રીતે તારા ઘર માં બંધક બનાવી રાખ્યા છે. પપ્પા કામ થી બહાર ગયા છે, પણ એ ઘરે આવશે અને બધું જાણશે તો તું જેલ પણ જઈ શકે છે." રયાન આધ્વીકા પાસે આવી તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
"હું તૈયાર છું જેલ જવા, અને હવેથી મને ન પુછજે કે હું આ બધું કેમ કરી રહી છું." આધ્વીકા એ સપાટ ચહેરે જવાબ આપ્યો, તેની આંખો દરવાજા તરફ મંડાયેલી હતી.
"રાહુલ ની રાહ જુએ છે?" રયાનને આધ્વીકા ના આવા વર્તન થી આઘાત લાગ્યો.
"ના, હું તો..... રયાન, તું જાણે છે રાહુલ વિશે?" આધ્વીકા ને રયાન ની વાત સાંભળી શોક લાગ્યો.
"હું માત્ર એક જ પ્રશ્ન પુછીશ, તું પણ રાહુલને પ્રેમ કરે છે? એની સાથે રહેવા માંગે છે?" રયાન તેની બન્ને આંગળીઓ ક્રોસ કરી જવાબ સાંભળવા તૈયાર થયો.
આધ્વીકા કોઈ જવાબ આપે એ પહેલાં ચાંદની ના રૂમમાંથી એક ભયાનક ચિસ સંભળાઈ. આધ્વીકા ઉપર ની તરફ દોડી, તેની પાછળ રયાન અને તેની પાછળ હેતલબેન તેમના રૂમમાંથી દોડી આવ્યાં. તેમની પાછળ જિજ્ઞાસા પણ આવી.
બધા લોકો રૂમમાં પહોંચ્યાં ત્યારે ચાંદની બૂમાબૂમ કરી રહી હતી, આરાધના બેન અને જયશ્રીબેન એ તેને મહામુશ્કેલીથી પકડી રાખી હતી. મીરા ગભરાહટથી એક ખૂણા માં ભરાઈ હતી. જિજ્ઞાસા એ મીરા ને સંભાળી.
"ચાંદની, ચાંદની મારી સામે જો. શું થયું? જો મમ્મી, ફઈ, દીદી બધા અહીં જ છે, તું ડર મત બિલકુલ પણ." આધ્વીકા એ ચાંદની ને આંલીગન માં લીધી.
"સોનુંબેન સામે.... ત્યાં ભૂત છે. બધું કાળુ કાળુ થઈ ગયું છે, એ.... એ મિતલ મને મારી નાખશે." ચાંદની હવા માં ઇશારા કરી રડી રહી હતી.
"તને કઈ નઈ થાય દિકરા, મિતલ મારી દીકરી, તું મને સાંભળી શકતી હોય તો પ્લીઝ મારી વાત માન. આ નિર્દોષ છોકરી ને હેરાન ન કર બેટા." હેતલબેન એ ચાંદની એ ઇશારો કર્યો હતો એ બાજું ફરી હાથ જોડી વિનંતી કરી.
"મેડમ, તમારું કામ પુરુ થયું. આ રહ્યો તમારો ભાઈ, હું નીકળું છું હવે." એ જ સમયે જીગર ને લઈને જયેશ રૂમ માં આવ્યો.
જિગર ના આવતાં જ વાતાવરણ પલટાયું, ચાંદની શાંત થઈ ગઈ. બધા લોકોને આ જ રૂમમાં રહેવાની સૂચના આપી, જીગર ને લઈ આધ્વીકા તેના રૂમ માં આવી.
"દીદી મને બચાવી લો, હું ખુબ જ ડરી ગયો હતો. મને માફ કરી દો અને મને બચાવી લો." જીગર આધ્વીકા ના પગ માં પડી ગયો.
"તારી કોઈ પણ દલીલ તારા ગુના ને છાવરી શકે એમ નથી, એ તું સારી રીતે જાણે છે. કોઈ પણ છોકરી ની આબરુ એટલી સસ્તી નથી હોતી જીગર કે કોઈ પણ આવી ને લૂંટી લે. ભલે તું દારું ના નશા માં હતો, તારી જાત પર તે કાબું ગુમાવ્યો એ તારી પોતાની ભૂલ હતી." આધ્વીકા એ ધારદાર નજર જીગર પર નાખી.
"મને મારી ભૂલ સમજાય છે, તમે જ કહો હવે હું શું કરું?" જીગર એ હથિયાર હેઠા નાખ્યા કેમકે તે આધ્વીકા ને બહું સારી રીતે જાણતો હતો. આધ્વીકા જે કહેતી એ કરી ને જ જંપતી.
"તે જે કર્યું છે એ કબૂલ કર, તારા ગુનાની સજા ભોગવી લે. તું સાચા દિલ થી તારી ભૂલ માટે પસ્તાવો કરીશ તો કદાચ એ છોકરી ની આત્મા ને શાંતિ મળશે. તું સાક્ષી બનીને સાચી વાત જણાવીશ તો તારા માટે જ સારુ છે, જો પોલીસ તારી પાસે બોલાવડાવશે તો તને તકલીફ થશે."
"હું પોલીસ સ્ટેશનમાં જઈને સાચી હકીકત જણાવવા તૈયાર છું." જીગર ને નાછૂટકે આધ્વીકા ની વાત માનવી પડી.
"સરસ, તારા રૂમ માં જા અને ફરી થી ભાગવા નો ટ્રાય ન કરતો. નહી તો ચાંદની ને એ આત્મા થી કોઈ નહીં બચાવી શકે." આધ્વીકા જાણતી હતી કે જીગર હવે ક્યાંય નહી જાય છતાંય છેલ્લી ચેતવણી આપવી તેને જરૂરી લાગી.
"આધ્વી, આધ્વી, આધ્વી...... આઈ લવ યૂ સો મચ...." રાહુલ દોડતો આધ્વીકા ના રૂમમાં આવ્યો અને તેને ઊંચકી ને ગોળ ગોળ ફરવા લાગ્યો.
"શું કરે છે રાહુલ, નીચે ઉતાર મને હાલ જ." આધ્વીકા એ ગુસ્સામાં રાડ પાડી.
રાહુલ એ તેને નીચે ઉતારી, આધ્વીકા તેના બન્ને હાથથી તેનું માથું પકડી ને પલંગ પર બેસી ગઈ.
"ગાંડો થઈ ગયો છે? ચક્કર આવી ગ્યા મને, હે ભગવાન. હવે કહે તો કે એવું શુ થયું કે તું આટલો ખુશ છે?" આધ્વીકા હજુયે તેનું માથું પકડી ને બેઠી હતી.
"તે હેડક્વાર્ટર જઈ ને કીધું ને કે મે લોસ્ટેડ મર્ડર કેસ માં કોઈ પક્ષપાત નથી કર્યો, તારા કારણે મને મારી ઈજજત અને મારી નોકરી પાછી મળી. થેંક્યું સો મચ.." રાહુલ આધ્વીકા ના ખોળા માં માથું મૂકી નીચે બેસી ગયો.
"એમાં થેંક્યું શાનું? તારા પર જે બ્લેમ લાગ્યો હતો એ ખોટો હતો." આધ્વીકા રાહુલ ના માથા પર હાથ ફેરવી રહી હતી.
"પણ તે એવું તો શું કીધું કે કમીશ્નર સરે તારી વાત માની લીધી?" રાહુલ એ જીજ્ઞાસાવશ પુછ્યું.
આધ્વીકા કંઈ જવાબ આપે એ પહેલા દરવાજે ઉભેલ રયાન બોલી ઉઠ્યો," શાબાશ રાહુલ શાબાશ, બીજા નો હક છીનવવા ની કળા તને વારસા માં મળી છે નઈ?"