લોસ્ટેડ - 6 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 6

લોસ્ટેડ - 6

રિંકલ ચૌહાણ

"મોન્ટી ઠીક તો થઈ જશે ને?" જિજ્ઞાસા આઈસીયું તરફ જોઇને બોલી. આધ્વીકા જીજ્ઞાના સવાલનો જવાબ આપ્યા વગર ડૉં. ની કેબિન તરફ જાય છે. થોડીવારમા એ પાછી આવી જિજ્ઞાસા જોડે જાય છે," જીવન ક્યાં છે?"
"એ મેડિસિન અને નાસ્તો લેવા ગયો છે, લે આવી ગયો જીવન." જીવનને આવતા જોઈ જિજ્ઞાસા બોલી.
"આપણે મોન્ટી ને ઘરે લઇ જઇએ છીએ. એક ફુલ ટાઇમ નર્સ મોન્ટી માટે હાયર કરી લીધી છે. એના રહેવા માટે ગેસ્ટરૂમ અને મોન્ટી નો રૂમ તૈયાર કરવાનું માસીને કઈ દે ફોન કરીને અને ગાડી લઈજા, હું અને જિજ્ઞા મોન્ટી જોડે એમ્બ્યૂલન્સમાં આવીએ છીએ." આટલું બોલી એ ફરીથી ડૉં. ને મળવા જાય છે, જીવન ઘરે જતાં આધ્વીકા ના કહ્યા મુજબ ઘરે સૂચના આપી દે છે.

***
જ્યારે મગનને હોશ આવ્યો એને તાવ ચડી ગ્યો હતો, એની નજર સામે હજું પણ એ લાશ પડી હતી. એ ઊભો થઈ ઘર તરફ દોટ મૂકે છે. પડતો- આથડતો એ ઘર આગળ આવી ફસડાઇ પડે છે.
"હું થયું તમને?" એની પત્ની શાંતા કપડાં સૂકવતી હતી, મગન ને આવી હાલતમાં જોઈ દોડતી ત્યાં આવે છે. શાંતા બૂમો પાડીને આજુબાજુના લોકોને બોલાવે છે. થોડીવારમાં મગન ના ઘરે ટોળું વળી જાય છે.
"મડદું... લોઇ.... 1 નઈ 2 મડદાં...." મગન અર્ધબેભાન અવસ્થામાં બડબડતો હતો. એણે પોતાની જીદંગીમાં પહેલીવાર આવું દ્રશ્ય જોયું હતું. એ પણ આટલી ક્રુર હાલતમાં 2 લાશ જોઈ હતી.પડોશીઓ માંથી એક જણ ડૉં.ને બોલાવવા જાય છે. ડૉં. આવીને મગનને તપાસે છે, દવા આપી મગનનું ધ્યાન રાખવાનું કહી ઝુંપડીની બાર આવે છે. એટલી વાર માં મગનનો ભાઈ શંકર આ સમાચાર સાંભળી ખેતરે થી દોડતો આવી પહોંચે છે.
"એમને આંચકો લાગ્યો છે કોઈક વાતનો, દવા ટાઇમસર આપજો, હાલ મે ઇંજેકશન આપ્યું છે. આરામ કરશે તો જલ્દી ઠીક થઈ જશે. કંઈ તકલીફ જેવું જણાય તો દવાખાને બતાવી જજો." ડૉં. શંકરને બધું જણાવી નીકળી જાય છે. આડોશી-પાડોશી શાંતા અને શંકરને સાંત્વના આપી કંઈ કામકાજ હોય તો જણાવવાનું કઈ પોતપોતાના ઘરે જાય છે. શંકર મગન જોડે જાય છે. મગન હવે ઈંજેકશન ના ધેનથી ઊંઘી ગ્યો હતો.
"ભાભી હું થયું ભઈને? ઈ ચેમ કરતાં બેભોન થઈ જ્યો?" શંકર શાંતાને પુછે છે.
"મું તાં લુઘડાં હુકવતી'તી, ઇ ધોડતા આયાને ઓઘંણા માં બેભોન થઈ જ્યા. ઈ કાંક મડદું, લોઇ એવું બોલતા'તા." શાંતા રડતાં રડતાં બધું જણાવે છે.

***

એમ્બ્યૂલન્સ રાઠોડ હાઉસ આગળ આવી ઊભી રહે છે. કંમ્પાઉંડર જીગરને વ્હીલચેયર પર બેસાડે છે. આરાધના બેન અને જિજ્ઞાસા જીગર ને એના રૂમમાં લઈ જાય છે. નર્સને એનો રૂમ બતાવી આધ્વીકા એને જીગરના રૂમમાં લઈ જાય છે. નર્સ ને જીગર પાસે રાખી બધા બાર આવે છે. ચાંદની વિરાજભાઈને લઈને આવે છે.
"સોનું દી આ બધું શું છે? રાત્રે તમારી ચીસ સાંભળી ત્યારથી કોઈ ઉંઘ્યું નથી ઘરમાં. તમે કંઈ પણ જણાવ્યા વગર જતા રહ્યા રાત્રે, આજે મોન્ટી ભાઈને તમે ઘરે લઈ આવ્યાં. શું થઈ રહ્યું છે આ બધું?" મીરા રડવા જેવી થઈ ગઈ હતી. આધ્વીકા મીરા ને ગળે લગાવે છે.
"સોનું બેટા હવે બધાને સત્ય જણાવવાનો ટાઈમ આવી ગ્યો છે." જયશ્રી ફઇ આધ્વીકા ના ખભા પર હાથ મૂકી આરાધના બેન સામે જુએ છે. આરાધના બેન ઓખોથી સહમતિ આપે છે.
"મને જ્યારે માસીનો ફોન આવ્યો કે મોન્ટી બાલારામ ગયો છે, તો હું નેક્સ્ટ ફલાઈટથી અમદાવાદ આવી. અમદાવાદથી હું જીવન અને જિજ્ઞા સાથે બાલારામ જવા નીકળી. બાલારામ જવાના રસ્તે એક ગાડી રોડ ઉપર પડી હતી. અમે ગાડી ચેક કરી એમાં મોન્ટી બેભાન અવસ્થામાં પડ્યો હતો. એને લઈને અમે અમદાવાદ આવી એને હોસ્પિટલમાં એડમિટ કર્યો, અને પછી તો તમને ખબર જ છે." આધ્વીકા ની વાત સાંભળી મીરા ફરી થી બોલી,"પણ માસીને કેમ ખબર પડી ભાઈ ત્યાં છે? એ તો કીધા વગર જ જતા રહ્યા હતા. એ નીકળ્યા ત્યારે હું માસી જોડે જ હતી."
"મોન્ટી એ સ્ટેટ્સ અપલોડ કર્યું હતું વોટ્સ એપમાં "વે ટુ બાલારામ" એ જોઈને મે તરત મોન્ટી ને ફોન કર્યો પણ એનો ફોન સ્વીચ ઑફ આવતો હતો. એટલે મેં સોનું ને ફોન કર્યો." આરાધનાબેન એ દુખી અવાજે જણાવ્યું.
"પણ મા બાલારામમાં એવું તો શું છે કે તું આટલી ડરી ગઈ અને દીદીને તરત બોલાવી લીધા ઘરે. અને દીદી પણ આટલા જલ્દી ઘરે આવી ગ્યાં, એવું શું છે ત્યાં?" ચાંદની વિમાસણમાં પડી ગઈ હતી.
"હા માસી જ્યારે પણ અમે આપણા ગામ ચિત્રાસણી જવાની વાત કરીએ છીએ ત્યારે તમે ગુસ્સાથી ના પાડી દો છો. કેમ માસી એવું શું છે ત્યાં?" મીરા પણ હવે વિમાસણમાં હતી.
"પપ્પાને અંદર લઇ જા ચંદુ અને બધાં જાઓ પોતપોતાનું કામ કરો." આરાધના બેન ઉઠીને જવા લાગ્યા.
"નઈ મામી આજે નઈ, બધાનો હક છે જાણવાનો અને ખાસ મીરાને તો ખબર હોવી જ જોઈએ." જિજ્ઞાસા આરાધના બેનને રોકતાં બોલી, એ જિજ્ઞાસા ને કંઈક કહેવા જતાં હતાં ત્યાં જ આધ્વીકા વચ્ચે બોલી ઊઠી," હા માસી હવે આ 4 બાળકો નથી, મોટાં થઈ ગ્યાં છે. એમને સત્ય જાણવાનો હક છે." આધ્વીકા ની વાત સાંભળી મીરા, ચાંદની અને જીવન આરાધના બેન તરફ જુએ છે.
"મીરા જ્યારે જન્મી ત્યારે મીરાની હાલત બહું ખરાબ હતી. બધા જ ડોં. એક જ વાત કહેતા હતા કે મીરા નઈ બચે. એ અધુરા મહીને જન્મી હતી એટલે. આરતી ભાભી એ બાધા રાખી કે મીરા ઠીક થઈ જશે તો એની પ્રથમ વર્ષગાંઠ પર બાલારામ મંદિરમાં પરિવાર સાથે પુજા કરી બ્રાહ્મણ ભોજ અને દાન કરશે. મીરા એક વર્ષની થઈ ત્યારે રાખેલી બાધા પુરી કરવા બધા બાલારામ મંદિર જતા હતા. પણ...." જયશ્રીફઇ ના ગળે ડૂમો બાઝી ગયો. ચાંદની એમના માટે પાણી લઈ આવી. એમણે પાણી પીધું પછી વાત આગળ વધારી," વિકાસભાઈ, આરતીભાભી, સોનું અને જિજ્ઞાના પપ્પા જે ગાડીમાં હતાં એનો ભયાનક એક્સિડન્ટ થયો, સોનું દરવાજામાંથી ફંગોળાઈને બાર પડી એટલે એ બચી ગઈ અને ગાડી જંગલમાં પછડાઈ ત્રણે જણ એ ગાડીમાં જ અંતિમ શ્વાસ લીધા. પળવારમાં બધું બની ગયું. વિરાજભાઈ ગાડી તરફ બેબાકળા થઈને દોડ્યા એટલે એમને ઠોકર વાગી અને એ ગડથોલું ખાઈ રસ્તા વચ્ચે પડ્યાં અને એ ગાડી જેનાથી વિકાસભાઈની ગાડી નો એક્સીડેન્ટ થયો હતો, એમના પગ ઉપરથી જતી રહી. પગ તો એક્સીડન્ટમાં ગયા પણ માનસિક આઘાતથી વિરાજભાઈ નું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું. સોનું અને મીરા ને સાથે સંભાળવી મુશ્કેલ હતી અને સોનું જીદ કરીને આરતી ભાભી જોડે બેઠી હતી એટલે મીરા આરાધનાભાભી જોડે હતી. નઈ તો મીરા પણ...." જયશ્રી ફઇ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યાં.
મીરા, ચાંદની અને જીવન આ બધું સાંભળી ડઘાઈ ગયાં. એમને તો આજ સુધી એવું જ લાગતું હતું કે સામાન્ય અકસ્માત હતો જેમાં ઘરના સભ્યો મૃત્યુ પામ્યાં. અને આ બધું થયું ત્યારે મીરા અને જીવન-જીગર બહું નાનાં હતાં એટલે એમને વધારે અસર પણ ના થાય એ સ્વાભાવિક છે. કાને સાંભળેલી વાત પર સહાનુભૂતી જન્મે અને નજરે જોયા પર દુખ થાય બસ આટલું જ અંતર હોય છે બન્નેમાં.
"આ અકસ્માતના થોડા સમય પછી મને ખબર પડી હતી કે મારા પેટમાં ત્રણ મહીનાનો ગર્ભ છે. ત્યારે મે નક્કી કર્યું હતું કે આ બાળકો ઉપર હું ક્યારેય કોઈ મુશ્કેલી નહી આવવા દઉં. અને બધું ભૂલી અમે આગળ વધી ગયાં." આરાધનાબેન પણ રડવા લાગ્યાં હતાં. બધાં રડી રહ્યાં હતા પણ આધ્વીકા શાંત હતી. જીજ્ઞા બધાને શાંત કરે છે પણ આધ્વીકા ની ચુપ્પી એને ખુંચતી હતી, એ આધ્વીકા સમોવડી હતી અને એની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. રયાન વિશે પણ ઘરમાં માત્ર એ જ જાણતી હતી. અને એ પણ જાણતી હતી કે આધ્વીકા હાલ આટલી શાંત છે મતલબ કોઈ સીરીયસ વાત છે.
"હું આજે બાલારામ જઉં છું." આધ્વીકા હજુ પણ શાંંત હતી. ઘરમાં બધાને જોરદાર આંચકો લાગ્યો. "શું કામ જવું છે તારે ત્યાં સોનું?" જીજ્ઞાસા ગુસ્સામાં બોલી. આધ્વીકા એ એક નજર જિજ્ઞાસા પર નાખી અને ફરીથી બોલી," મોન્ટી ને એટલે જ હું ઘરે લાવી છું, જેથી તમારા બધા જોડે એ સુરક્ષીત રહે.હું આજે સાંજે બાલારામ જવા નીકળવાની છું, અને મારી સાથે બીજું કોઈ જ નહી આવે."

ક્રમશઃ


----------------------------------------
જેમણે બાલારામ નથી જોયું એમને જણાવી દઉં કે બાલારામ અને ચિતાસણી આજુબાજુ માં આવેલાં છે. અને બાલારામ સ્થિત મહાદેવ મંદિર ની ખુબજ નામના છે.
આ નોવેલ સંબંધિત કોઈ પણ પ્રશ્ર કે પ્રતિભાવ તમે મને કમેન્ટ સેક્શનમાં, rinkalchauhan759@gmail.com પર અથવા @r1nkalchauhan પર મેસેજ કરીને જણાવી શકો છો.
મારી પ્રથમ નોવેલને આટલો સાથ-સહકાર અને પ્રેમ આપવા બદલ ખુબ ખુબ આભાર,
રિંકલ ચૌહાણ