રક્ત ચરિત્ર - 6 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 6

5

"નિરજ ક્યાં છે? હું નિરજ ને મળવા આવ્યો હતો." સુરજ એ ડુમો ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, સાંજ સામે રડી ન પડાય એ ભયથી સુરજ ત્યાંથી ઝપાટાભેર બાર નીકળી ગ્યો.
"સુરજ એ મારા હાલ ચાલ પણ ન પુછ્યા, આટલા વર્ષ થયા પણ હજુ સુધર્યો નથી." સાંજનું મન ખાટું થઈ ગયું.

સાંજના આગ્રહ પર તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. નિરજ ડૉં. સાથે હતો અને દેવજીકાકા સુરજ ને સાંજનું ધ્યાન રાખવાનું કહી દવાઓ લેવા ગયા હતા. ડાબા પગનો ઘા વધારે ઊંડો હતો, એથી સાંજને ચાલવામાં તકલીફ પડતી હતી.

"હું મદદ કરું?" સુરજ એ પાછળથી આવીને સાંજનો હાથ પકડ્યો. સાંજ કોઈ જાતના પ્રતિકાર વગર સુરજ નો હાથ પકડી ધીમે ધીમે ચાલવા લાગી.

કલાક પછી જ્યારે સાંજની ગાડી વિહારવન ના તોતીંગ દરવાજા આગળ આવીને ઊભી રહી ત્યારે દરવાજા આગળ પહેલેથી જ ગામલોકોની ભીડ ઉમટી હતી.

"હું ઠીક છું તમે બધા આરામ થી ઘરે જાઓ અને ઊત્સવ ની તૈયારી કરો, હું ઊત્સવ પર મળીશ બધાને." સાંજની વાત પુરી થતા જ ગામલોકોએ પોત પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. ગાડીનો અવાજ સાંભળી શિવાની દોડતી ઘરમાંથી બાર આવી અને સાંજ ને સહારો આપી અંદર લઇ ગઈ.
"તું આરામ કર, હું ધ્યાન રાખીશ કે કોઈ તને ડીસ્ટર્બ ન કરે. કંઈ જોઈતું હોય તો અવાજ લગાવજે." સાંજ ને પલંગ પર સુવડાવી, હળવેક થી રૂમ નો દરવાજો બંધ કરી શિવાની બહાર નીકળી ગઈ.

***

"સાંજ ઠીક થઈ ને ઘરે આવી ગઈ છે, ને જ્યાં સુધી હું એ છોકરી ને સમજી શક્યો છું એ નખશિખ એના બાપ જેવી છે. એને અંદાજો આવી ગયો હશે કે તેના પર કોણે અને કેમ હુમલો કરાવ્યો હતો." મોંઘાદાટ ફર્નીચર થી સજ્જ 12 બાય 10 ના વૈભવી ઓરડા ની બારી જોડે ઉભેલ મોહન દેસાઇ ટેબલની ફરતે બેઠેલા 4 પુરુષો ને ઉદેશીને બોલ્યો.

"મોહનભાઈ તે 25 વર્ષ ની યુવાન છોકરી છે. યુવાની ના નશા માં પોતાના પિતા ના રસ્તે ચાલી નીકળી છે. એનાથી આટલું બધું ડરવા ની જરૂર નથી." ડાબી તરફ છેલ્લે બેઠેલો નાનજી પટેલ થોડો બેફિકરાઈ થી બોલ્યો.
"નાનજી ની વાત સાચી છે, સાંજ ની જેટલી ઉમર નથી એના થી વધુ વર્ષો નો તો આપણ ને અનુભવ છે. એના પર હુમલો કરાવવા નો નિર્ણય જ ખોટો હતો, તમે બધા એ જ મારી વાત ન માની." નાનજીની બાજુ માં બેસેલ રામપાલ જોષી એ નાનજી ની વાત માં હામી ભરી.
તેમની સામે બેઠેલા સવાઈલાલ ઠાકોર અને રગનાથ પટેલ એ પણ નાનજી ની દલીલ ને વ્યાજબી ઠેરવી.

"મને સાંજ થી ડર નથી લાગતો, પણ એની સાથે પેલો દેવજી પણ છે. દેવજી ની ચતુરાઈ અને અનિલસિંહ ની હિમ્મત આપણ ને કેટલી ભારી પડેલ છે ભૂતકાળ માં હું એ વાત ભૂલ્યો નથી. અને સાંજ તો અનિલસિંહ કરતાં ચાર ચડાવા છે, પાણી પેલા પાળ બાંધવા માં જ સમજદારી છે." મોહન એ એમની આદત મુજબ તેમના મન નો ડર કહ્યો.

હાઇ સોસાઈટી ના મોભાદાર વ્યક્તિઓ માં ગણાતા આ પાંચ વ્યક્તિઓ તેમની દીકરી ની ઉમરની એક છોકરી થી એટલા ગભરાયા હતા કે એને મારવા ગુંડા સુધાં મોકલી દીધા.
એક સમયે માધવર ગામ માં ગરીબી માં સડતા આ વ્યક્તિઓ આજે શહેર ના અગ્રણી ધંધાદારી વ્યક્તિઓ હતા. વર્ષો પહેલા મોહનભાઈ, રગનાથ, સવાઈલાલ, નાનજી અને રામપાલ એ માધવર ટેક્સટાઇલ નો પાયો નાખ્યો હતો, અને આજે માધવર ટેક્સટાઇલ દેશ ની અગ્રણી કંપનીઓ માં ની એક કંપની હતી.

મોહન દેસાઇ પંકાયેલ અને સમજદાર વ્યક્તિ હતો, નજીક ના ફાયદા પહેલા તેને દૂર નું નુકસાન નજરે ચડી જતું. એની આ દૂરંદેશી એના ધંધા માં ઘણી કારગત નીવડી હતી, જ્યારે નાનજી ઉતાવળીયા સ્વભાવ નો હતો.
નાનજી ની આ આદત ઘણીવાર આ લોકો માટે મુસીબત નોતરતી પણ સવાઈલાલ તેના ઠરેલ સ્વભાવ ના કારણે બધું સંભાળી લેતો. રગનાથ અને રામપાલ ઓછું બોલતા અને તેમનું બધું જ ધ્યાન ઘણોખરો સમય ધંધો કેમ વધારવો એ બાબતમાં જ રહેતું

"તો સાંજ ના બદલે દેવજી નો જ કાંટો કાઢી નાખીએ ને ? આપણી ચિંતા પણ ખત્મ અને સ્ત્રી હત્યા નું પાપ પણ નહીં ચડે." નાનજી ખંધું હસ્યો.
"અને આ કામ માટે શ્રેષ્ઠ સમય છે માધવર ઉત્સવ." સવાઈલાલ એ તેનો મત રાખ્યો.

બાકીના પુરુષોએ તેમની સલાહ નું સમર્થન કર્યું અને હાઈ પ્રોફાઇલ સોસાઇટી નો આ આલીશાન ઓરડો આ પુરુષો ના અટ્ટહાસ્ય થી ગુંજી ઉઠ્યો.

ક્રમશઃ