આત્મિશ્વાસ Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મિશ્વાસ

આ વાર્તા કાલ્પનિક છે. મને આશા છે કે આપ સૌને આ વાર્તા જરૂર ગમશે. મારા લખવામાં કોઈ ઉણપ રહી ગઈ હોય તો જરૂર થી જણાવશો....


અચાનક જ જાનકી ના ઘરમાંથી જોરથી કંઇક ફૂટવાનો અવાજ આવતા બાજુ માં રહેતા કુસુમ અને રમાં ઘર ની બહાર દોડી આવ્યા. કુસુમ અને રમાં એક બીજા ની સામે જોઈ ને તરત બોલ્યા, આજે ફરી વિનોદભાઈ એ ગુસ્સા માં કપ-રકાબી નો છૂટો ઘા કર્યો લાગે છે. કોણ જાણે કેમ જાનકી આ બધું મૂંગા મોં એ કેેમ સહન કર્યા કરે છે. કેટલી વાર એના ઘરમાંથી મારજૂડ નો અવાજ આવતો હોય છે. મે પણ જાનકી ને કેટલી વાર કહ્યું કે શુ કામ આવા શેતાન માણસ સાથે રહે છે પણ એ બિચારી કરે પણ શું? પિયર માં હવે કોઈ રહ્યું નથી, ને તેના બંને બાળકો ખાતર આ બધું સહન કર્યા કરે છે, રમાં નિસાસો નાખતા બોલી..

કુસુમ :- હા રમાબેન! મે પણ ઘણી વાર જાનકી ને સમજાવી પણ એને તો ખૂબ આત્મવિશ્વાસ છે કે એક દિવસ વિનોદભાઈ સુધરી જશે. હવે આવા માણસો ક્યારેય સુધરે ખરા?

રમાબેન:- હા તમારી વાત સાચી આપણે પણ શું કરી શકીએ. જેની જેવી મરજી, ચાલો આપડે તો આપડા કામ માં લાગી જઈએ..

જાનકી એના માં બાપ ની એક ની એક દીકરી હતી. ખુબ જ નાની ઉંમર માં જાનકી ના બાપુ એ એને વિનોદ સાથે પરણાવી દીધી. વિનોદ ખુબજ ગરમ મિજાજ નો અને અકડુ સ્વભાવ નો માણસ હતો. રોજ સવારે 8 વાગે એટલે ચા સાથે ન્યૂઝ પેપર હાજર જોઈએ જ. જો જાનકી ને ચા આપવા મા 5 મિનિટ પણ મોડું થાય એટલે કપ-રકાબી નો છૂટો ઘા આવતો ને સાથે બે ચાર ગાળો પણ આવતી. "એની માં એ કંઈ શીખવ્યું જ નથી. કોણ જાણે કેમ મારા જ પનારે પડી છે. કોઈ જાત ની ગતાગમ નથી. કેવી રીતે રહેવું એ પણ નથી આવડતું", કાયમ આવા કટાક્ષ ભર્યા વચનો સાંભળવા મળતા..વિનોદ ને કદાચ એક મોર્ડન છોકરી જોતી હતી પરંતુ એને એના માતા પિતા ના કહેવા પર થી જાનકી સાથે લગ્ન તો કરી લીધા પરંતુ જાનકી સાવ સાદી ને સિમ્પલ છોકરી હતી. કમર સુધી ના લાંબા કાળા વાળ, રંગે થોડી શ્યામ હતી પણ બાંધો એકદમ નાજુક ને નમણો, બધા સાથે પ્રેમ થી વર્તે, જ્યારે વિનોદ બધા સાથે ગુસ્સા મા અકડાઈ ને વાત કરે,નાની નાની બાબતે જાનકી ને વઢીયા કરે, બધા ની સામે જાનકી ને ઉતારી પાડે, જાણે એને જાનકી પ્રત્યે કોઈ લાગણી જ નહીં, વિનોદ ને દારુ ને સિગરેટ પીવાની પણ કુટેવ હતી. ક્યારેક ક્યારેક તો દારૂના નશામાં જાનકી સાથે શારીરિક હિંસા પણ કરતો. વિનોદ ના માતા પિતા ને તો એમ હતું કે દીકરો પરણશે ઘરમાં વહુ આવશે એટલે દીકરા ના સ્વભાવ માં થોડી નરમાશ આવશે પરંતુ વિનોદ નો સ્વભાવ તો દિવસે ને દિવસે વધારે બગાડતો હતો.

વિનોદ એક ફૂડ ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. એનું જીવન ખૂબ સાધારણ હતું, સાવ સામાન્ય પરિસ્થિતિમાં ઘર ખર્ચ પણ માંડ માંડ નીકળતા હતા ત્યાં જ 21/3/2020 મા વિશ્વભરમાં કરોના મહામારી શરૂ થઈ ને 21દિવસ નું lockdown શરૂ થયું. વિનોદ ને 24 કલાક ઘરે જ રહેવાની ફરજ પડી. આ દરમિયાન પાન ના ગલ્લા પણ બંધ હોવાથી ના તો સિગારેટ મળતી ના તો દારૂ મળતો.જાનકી સાથે અવાર નવાર નાની નાની બાબતે ઝઘડ્યા કરતો.તેના ગરમ સ્વભાવના લીધે બાળકો પણ તેના થી ડરતા હતા.વિનોદ ના મિત્રો પણ કાઈ ખાસ ન હતા. જેટલા હતા એ દારૂ પીવામાં સાથ આપતા એ જ. વિનોદ ના આવા વર્તન હોવા છતા પણ જાનકી બધું ચૂપ ચાપ સહન કરતી હતી. એક દિવસ જાનકી એ વિનોદ ને કાંઈક ઊંડા વિચારો મા ગરકાવ થતો જોયો ને હિંમત કરી ને પૂછી લીધું કે શું વિચારો છો?

વિનોદ:- કાઈ નહિ તું તારું કામ કર ને..

જાનકી:- તમે કંઇક પરેશાન હોવ એવું લાગ્યું એટલે મારા થી પુછાઇ ગયું(ડરતા આવજે)..

વિનોદ:- હા છું પરેશાન, તો શું કરી લઈશ તુ? અત્યારે lockdown ચાલે છે. બધા કામ ધંધા બંધ થઈ ગયા છે. ક્યારે આ બધું ખુલશે શું થશે. હવે આગળ ના ખર્ચા પૂરા પાડવા કોણ તારો બાપ પૈસા આપશે?

જાનકી કાંઈ જ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ ને થોડી જ વાર માં પોતાના હાથ માં એક ડબ્બો લઈ ને આવી ને વિનોદ સામે ધરી દીધો ને બોલી, આમાં મે અત્યાર સુધી તમે જે ઘર ખર્ચ માટે પૈસા આપ્યા હતા એમાં થી અને આવતા જતા મારા માં બાપુ જે મને હાથ માં પૈસા આપ્યા હોય એ બધા મે બચત કરી ને રાખ્યા છે. તમે ચિંતા નહિ કરો આમાથી મે અત્યારે ઘર ખર્ચ ના પણ થોડા પૈસા કાઢી લીધા છે..

વિનોદ તો આ જોઈ ને એકદમ અચંબિત રહી જાય છે. જે જાનકી ને એ કાયમ બુદ્ધિ વગર ની છો એમ કહી ને મેણાં મારતો એ જાનકી તો ખૂબ સમજદાર નીકળી. પહેલી વાર આ બધું જોઈને વિનોદ જાનકી સામે કાઈજ બોલી ના શક્યો. પહેલી જ વાર એને બોલ્યાનો પસ્તાવો થયો.

જોતજોતામાં lockdown પણ પૂરું થઈ ગયું પરંતુ ફેક્ટરી નું કામ હજી ચાલુ નોહતું થયું સરકારે ફેક્ટરીના વર્કર્સને કામ કરવાની હજી અનુમતિ આપી નહોતી. એમ કરતાં 3 મહિના નીકળી ગયા. આ દરમિયાન વિનોદ ને દારુ ને સિગરેટ ના મળતા તેની એ આદત પણ છૂટી ગઈ. ત્રણ મહિનામાં આવી વિકટ પરસ્થિતિઓમાં જાનકી એ આપેલા ખૂબ જ સમજદારી પૂર્વક ના સાથ અને અખૂટ પ્રેમ ના કારણે વિનોદના વાણી અને વર્તનમાં થોડી નરમાશ વર્તાતી હતી. પરંતુ હજી પણ એવો જ અકડું હતો લાગણી ને વ્યક્ત કરતા તો આવડે જ નહીં. એવામાં ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે અને બધા વર્કર્સને કામ પર બોલાવ્યા છે એવા સમાચાર આવ્યા. વિનોદ બીજા દિવસે સવારે તૈયાર થઈ ને જાનકી ને મળ્યા વગર જ કામ પર નીકળી ગયો. ફેક્ટરીમાં પહોંચતા જ ત્યાં કામ કરતાં દરેક વર્કસ ને, મેનેજર ને બધા ને કોરોના નો રિપોર્ટ્સ કરવામાં આવ્યો. વિનોદ નો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો અને રિપોર્ટમાં વિનોદ કોરોના પોઝિટિવ કેસ છે એવું આવ્યું. વિનોદ ને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ને covid-19 ના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. વિનોદ ને ઘરે જવાની પણ અનુમતિ ના મળી. વિનોદ ના કોઈ મિત્ર સાથે જાનકી ને સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા. આ સાંભળી ને જાનકી ના માથે તો જાણે આભ તુટી પડ્યું. એ તરત જ હોસ્પિટલમાં વિનોદ ને મળવા દોડી ગઈ. પરંતુ ત્યાંના ડોક્ટર્સે એ જાનકીને વિનોદ ને મળવાની પરવાનગી ના આપી. જાનકી એ ડોક્ટર ને કહ્યું કે એ વિનોદ માટે રોજ ઘરનું જમવાનું પહોંચાડી જાય પરંતુ ડૉક્ટર્સ એના માટે પણ ના કહી દીધી. માંડ માંડ જાનકીએ ડૉક્ટર્સને આજીજી કરીને મનાવ્યા. ને રોજ પોતે વિનોદ માટે ગરમ જમવાનું લઈ ને આવશે એવું કહી ને રડતા રડતા ઘરે જવા નીકળી ગઈ. બીજા દિવસે જાનકી વિનોદ માટે ઘરે થી જમવાનું લઈ ને હોસ્પિટલ જાય છે. ત્યાં એને વિનોદ ને મળવાની અનુમતિ તો ના હતી પણ બહાર થી તેને વિનોદ સાથે વિડિયો કોલ માં વાત કરી..
વિનોદ:- જાનકી તું અહીંયા શું કરે છે? તું ઘરે જા નહીં તો તને પણ ઇન્ફેક્શન લાગી જશે..

જાનકી:- ના ના મને કાંઈ જ નહીં થાય.હું બધી રીતે સાવચેતી રાખું જ છું. તમને પણ કાંઈ નહીં થાય. જો જો મને વિશ્વાસ છે કે તમે જલ્દી થી સજા થઈ ને ઘરે પાછા આવી જશો. સાંભળો હું તમારા માટે ગરમ જમવાનું લઈ ને આવી છું. મને ખબર છે તમને ઘર નું જ બનાવેલું શુદ્ધ ને સ્વાસ્તિક જમવાનું જ ફાવે છે મે અહીંયા ના વોર્ડ બોય ને ટિફિન આપી દીધું છે તમે શાંતિ થી જમી લેજો.હું રોજ તમારા માટે જમવાનું લઈ ને આવીશ..

વિનોદ કાઈ બોલી જ ના શક્યો. પોતે જાનકી સાથે આટલા અત્યાચાર કરેલા હોવા છતાં પણ જાનકી એ પોતાનો પત્ની ધર્મ ચૂક્યો નહતો. પોતાની પરવા કર્યા વગર રોજ વિનોદ માટે જમવાનું લઈ જતી ને વિનોદ સાથે વિડિયો કોલ માં વાત કરી તેનો આત્મવિશ્વાસ વધારતી. આ દરમિયાન વિનોદ ને જાનકી ની ખરી કિંમત સમજાઈ. બહાર નીકળી પોતે જાનકી ની માફી માગશે એવો મનોમન નિર્ણય કરી લીધો. 14 દિવસ પોતાના પરિવાર થી વિખૂટા પડ્યા પછી, આટલા દિવસ નો એકાંત અનુભવ્યા પછી જાનકી ની પોતાના પરિવાર ની ખરી કિંમત સમજાણી. આખરે વિનોદ નો 14 દિવસ નો વનવાસ પૂરો થયો. ને તેને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે. બીજી બાજુ જાનકી પણ વિનોદ આજે ઘરે આવવાના છે એ સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને વિનોદ ના સ્વાગત માટેની તૈયારી ચાલુ કરી દે છે. વિનોદ નું ભાવતું ભોજન, મિષ્ઠાન,આખું ઘર ફૂલો થી સજાવી ને રાખે છે. વિનોદ ઘર માં પ્રવેશતા જ જાનકી ને ભેટી ને રડી પડે છે.જાનકી એના રડવાનું કારણ પૂછતાં જણાવે છે કે " જાનકી મે અત્યાર સુધી તારી સાથે ખુબજ ખરાબ વર્તન કર્યું છે. તારા પર ઘણો અત્યાચાર કરતો હોવા છતાં પણ તું પોતાની ચિંતા કર્યા વગર મારા માટે જમવાનું લઈ ને આવતી. મારું આવું ખરાબ વર્તન હોવા છતાં તારા માં મારા પ્રત્યેની લાગણી માં ક્યારે કોઈ ઉણપ આવી નથી. હંમેશા ધીરજ ને સમજદારી દાખવતી. તારા અખૂટ પ્રેમ ના લીધે જ હું આજે હેમખેમ પાછો આવ્યો છું. સાચું જ છે કે એક પત્ની ધારે તો પતિને મોતના મુખમાંથી પણ પાછો ખેંચી લાવે. આજે તારા આત્મવિશ્વાસ ના લીધે જ હું જીવીત છું. મને માફ કરી દે જાનકી"

જાનકી :- અરે આ શું કહો છો તમે! મારા માટે તો તમે હેમ ખેમ પાછા આવી ગયા એ જ મહત્ત્વ નું છે. આજે ખરા અર્થ માં ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. મને તમે મળી ગયા પછી બીજું શું જોઈએ..

આ જોઈ ને પાડોશ ના લોકો પણ અચંબિત થઈ ગયા અને બોલી ઉઠ્યા કે આખરે જાનકી નો આત્મવિશ્વાસ જીતી ગયો..

સારાંશ

નિરંતર વહેતી મીઠી ધારા થી પથ્થર પણ પીગળી જતો હોય છે. તો તો પછી આ તો માણસ છે. વાણી માં જેટલી મીઠાશ વાપરશો એટલું જ તમને એક ના એક દિવસ તો પાછું મળશે. એના માટે થોડી ધીરજ અને આત્મવિશ્વાસ ની જરૂર હોય છે.અને સંબંધોમાં ક્યારેક કોઈ વાત કે લાગણી પાસે રહીને નથી સમજાતી ને એ દૂર રહી ને સમજાઈ જાય છે..