Rajkaran ni Rani - 27 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૨૭

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૭

રવિનાના ઘરમાં ટીનાને જોઇને જતિન તો આભો જ બની ગયો. ટીના અહીં કેવી રીતે આવી શકે? મારી સાથેનો વિડીયો બનાવી સુજાતાએ બદનામ કર્યો હતો કે જે કોઇએ પણ એ ચાલ રમી હોય એણે જ રવિનાને ત્યાં ટીનાને ગોઠવી દીધી છે કે શું? જતિનને થયું કે જે પ્રકરણ તેની કારકિર્દીનો સત્યનાશ કરી ગયું એની ખલનાયિકા તેની સામે જ ઊભી છે અને તે એની સામે કંઇ કરી શકે એમ નથી. જો એ ટીનાને ઓળખતો હોવાની અને એની સાથેના જ અશ્લીલ વિડીયોને કારણે બદનામ થયો હોવાની વાત રવિનાને કરી દે તો રવિનાનો તેના પરનો વિશ્વાસ ઊઠી જાય. તેણે ટીનાને ઓળખતો ન હોવાનો જ ડોળ કરવો પડશે. જતિનના મનમાં ટીના માટે અનેક સવાલ ઘૂમરાઇ રહ્યા હતા. અને ટીના તેને ખાઇ જવાની હોય એમ ગુસ્સામાં ઘૂરી રહી હતી. જતિન સહેજ ગભરાયો. ટીના એ વખતે તો તેની ચુંગાલમાંથી સુજાતાને કારણે બચી હતી. આજે પોતે તેનાથી કેવી રીતે બચી શકશે? ટીનાએ રવિના સામે મારી પોલ ખોલી નાખી તો? ટીના એવા ગુસ્સામાં દેખાતી હતી કે જતિનને મારી નાખવાની હોય. જતિનના વાઇરલ થયેલા વિડીયોમાં ટીનાનું નામ આવ્યું ન હતું. કોઇને એ વાતની ખબર પડી ન હતી કે જતિનનો વાઇરલ થયેલો વિડીયો ટીના નામની યુવતી સાથેનો હતો. બીજા કોઇ સંજોગોમાં ટીનાને જોઇને જતિનને ઉત્તેજના વધી ગઇ હોત. અત્યારે તે કંઇપણ બોલવાની સ્થિતિમાં ન હતો. બીજી તરફ ટીના કંઇ બોલી જાય તો પોતાની હાલત કફોડી થવાની હતી. ટીનાએ પોતે બદનામ થવાની બીકથી હજુ સુધી પોતાના વિરુધ્ધ કોઇને ફરિયાદ કરી લાગતી નથી. એ કારણે મારી થોડી ઇજ્જત બચી છે.

જતિનને ગભરાયેલો અને મજબૂર જોઇ ટીના મનોમન ખુશ થતી હતી. "તેં મારા પતિને મારી નાખવાની ધમકી હતી ને? તું જ અત્યારે પતિ તરીકે મટી ગયો છે." આખરે ટીનાએ જ મૌન તોડ્યું:"સાહેબ, આવોને..."

ત્યાં પાછળથી રવિના આવીને બોલી:"કોણ છે? ઓહ! જતિન છે! આવ...આ મારી નવી કામવાળી છે. એ તને ઓળખતી નથી...ટીના જા તું તારું કામ પતાવ...."

જતિનનો જીવ હેઠો બેઠો. ટીનાએ કંઇ ના બોલીને પોતાને બચાવી લીધો હતો. રવિનાના ઘરમાં ટીનાની હાજરી શંકા ઊભી કરનારી હતી. જતિને ટીના અહીં કેવી રીતે આવી એ જાણવા પૂછ્યું:"રવિના, જૂની કામવાળી ક્યાં ગઇ? અને આ ક્યાંથી મળી?"

"કેમ? નવી કામવાળી બહુ સુંદર છે? મને ખબર છે તારી નજર ક્યાં ફરતી હોય છે સાલા!" કહી રવિનાએ હસીને જતિનના ગાલે હળવેથી ટપલી મારી. જતિનને થયું કે સારું થયું ટીનાએ એ દિવસનો બદલો લેવા ગાલે તમાચો માર્યો નહીં. તે છોભીલો પડી ગયો. પોતાની વાતને વાળી લેતાં કૃત્રિમ હાસ્ય સાથે બોલ્યો:"ના-ના, મારું પૂછવાનું એ હતું કે આમ અજાણ્યાને તારે કામ પર ના રાખવા જોઇએ. તું રાજકારણમાં છે. તારી કોઇપણ વાત બહાર જઇ શકે. વિશ્વાસુ અને ઓળખીતાને જ કામ પર રાખવા જોઇએ. તું નવી વ્યક્તિઓથી ચેતીને રહેજે..."

ટીના રસોડામાં હતી. એ જોઇ હોલમાં બેસતાં રવિના બોલી:"અરે! તું તો તારી વાત કરવાને બદલે ફાલતુ મુદ્દો લઇને બેસી ગયો. તને મારી ચિંતા થતી હોય તો કહી દઉં કે મારી જૂની કામવાળી રમીલા ચાર દિવસ ગામ ગઇ છે. તે જ આ ટીનાને ગોઠવી ગઇ છે. એની ઓળખીતી છે અને અત્યારે તકલીફમાં છે. એના વર પાસે કામ-ધંધો નથી. ગરીબીને કારણે કામ શોધતી હતી. રમીલાએ એને કહ્યું કે ચાર દિવસ તું મારા બદલે કામ કરીશ તો તને મારા જેટલો પગાર અપાવીશ. મારે તો કામવાળીની જરૂર હતી. એ ટીના હોય કે બીના મને શું ફરક પડે છે. અને આ તો વળી રસોઇ બનાવી જાણે છે. એ મારે વધારાનો લાભ છે."

જતિનને થયું કે ટીનાએ મારું નામ ક્યાંય ના આપીને અહેસાન કર્યું છે. હવે એને જ્યાં કામ કરવું હોય ત્યાં કરવા દેવાની. રવિનાને વધારે શંકા જાય એવું કામ કરવું નથી. ટીના વિશે હવે વધારે પૂછવાની જરૂર નથી. અત્યારે એ આવી જાય એવી જગ્યાએ રવિના સાથે વાત કરવામાં જોખમ છે.

"ચાલ, સારું થયું. આજે સારું જમવાનું મળશે..." કહી જતિને સ્વર ધીમો કરી કહ્યું:"રવિના, ચાલને આપણે તારા બેડરૂમમાં જઇએ..."

રવિના હસતાં હસતાં ધીમેથી બોલી:"હવે શરમ કર! પેલી અહીં ઘરમાં છે અને મને બેડરૂમમાં બોલાવે છે? થોડી ધીરજ રાખ. મને ખબર છે આપણે ઘણા દિવસ પછી મળ્યા છે!"

"અરે! તું બીજું કંઇ સમજી. મારે તને કેટલીક ખાનગી વાત કરવી છે. અહીં એની હાજરીમાં થાય એવી નથી. બેડરૂમનો દરવાજો આપણે ખુલ્લો રાખીશું..." જતિન રસોડા તરફ નજર રાખી બને એટલું ધીમેથી બોલ્યો.

"ઠીક છે ચાલ, પણ કોઇ શરારત ના કરતો. બેડરૂમમાં તું જલદી પાગલ બની જાય છે!" કહી રવિના બેડરૂમ તરફ જવા ઊભી થઇ.

બંને બેડરૂમમાં ગયા. જતિન ટેબલ પાસેની એક ખુરશી પર બેઠો અને રવિના બેડ પર તકિયાને અઢેલીને બેઠી.

જતિન થોડી ક્ષણો રવિનાને જોઇ જ રહ્યો. પછી બોલ્યો:"રવિના, જોને શું વિચાર્યું હતું અને શું થઇ ગયું? આપણે ધારાસભ્ય પદની ચૂંટણીમાં ઊભા રહેવા કેટલું આયોજન કર્યું હતું. મને ટિકિટ ના મળે તો મહિલા તરીકે તને તક મળે તો ઊભી રાખવાનો હતો. સુજાતાએ આખું ચિત્ર બગાડી નાખ્યું. એ આટલી વિચિત્ર હશે એની મને કલ્પના ન હતી..."

"જતિન, તું રંગીલો માણસ છે એની મને ખબર હતી પણ આટલો હશે એની કલ્પના ન હતી! હું તારી સરભરા કરતી હતી પછી ત્યારે બીજે ફાંફાં મારવાની જરૂર કેમ પડી?"

"જો પુરુષના મનની વાત અલગ છે. ઘણી વખત પગ લપસી જાય છે. તને કલ્પના હતી કે તું આમ પાલિકા પ્રમુખ તરીકે કારકિર્દી બનાવશે? મેં કેટલી મહેનત કરી હતી. એ પદ માટે મેં બલિદાન આપ્યું હતું. કેમકે હું ધારાસભ્ય પદ મેળવવા માગતો હતો. પછી તેં એ ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મને નવાઇ લાગી હતી. ખેર, હવે તું મને કેટલી મદદ કરી શકે?"

"હું સમજી નહીં? તું કઇ મદદની વાત કરી રહ્યો છે?"

"તને ખબર પડી જ ગઇ હશે કે મેં સુજાતા સામે પોલીસમાં હનીટ્રેપનો કેસ કર્યો છે. એ બદનામ થશે એટલે એને ટિકિટ મળશે નહીં. હવે મારી નહીં તારી 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) પાસે હું ટિકિટ માગી શકવાનો નથી એટલે હું અપક્ષ તરીકે ઊભા રહેવાનું વિચારી રહ્યો છું. મારી સલાહ છે કે તું ટિકિટ માટે માગણી કરતી નહીં. રતિલાલ કે એની પુત્રી અંજનાને ટિકિટ મળશે તો હું એમને જીતવા નહીં દઉં. હવે બધો આધાર તારા પર છે...."

રવિના વિચારમાં પડી ગઇ. તે પોતે ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે જતિન પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માગે છે. આજે હું જે કંઇ પણ છું એ જતિનના કારણે જ છું. તેણે મને આગળ લાવવામાં મોટો ફાળો આપ્યો છે. હું એને મદદ કરવાની ખાતરી આપીને મારી મહત્વાકાંક્ષાનું ગળું દબાવી દઉં?

"બેન, ચા બનાવી દઉં?" અચાનક ટીનાનો અવાજ સાંભળી બંને ચમકી ગયા.

વધુ અઠ્ઠાવીસમા પ્રકરણમાં...

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED