રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૬
જનાર્દનને ખ્યાલ આવી ગયો કે જતિને તેને કહેવા માટે નહીં ધમકી આપવા ફોન કર્યો છે. સુજાતાબેને ટીનાનો ઉપયોગ કરી તેને બદનામ કર્યો હોવાનું રહસ્ય ખૂલી ગયું છે. કોણે જતિનને આ બાતમી આપી દીધી એ જનાર્દનને સમજાતું ન હતું. જો જતિન પાસે તેને બદનામ કરવાના પુરાવા હશે તો સુજાતાબેનનું રાજકારણમાં આગળ વધવાનું સપનું હવે સપનું જ બનીને રહી જશે અને પોતાને પણ નુકસાન જશે. પોતે તો કરોડો રૂપિયાની ઓફર છોડીને સુજાતાબેન પાસે આવ્યો હતો. જતિન અચાનક આવીને આખી બાજી બગાડી નાખશે એવો વિચાર આવી શકે એમ ન હતો. ટીનાને બકરી બનાવી જતિન નામના સિંહનો સુજાતાબેને શિકાર કર્યો એ વાત હું, હિમાની, સુજાતાબેન, ટીના અને તેનો પતિ સોમેશ જ જાણતા હતા. અમે તો કોઇને વાત કરી નથી. બાકી રહ્યા ટીના અને સોમેશ. સુજાતાબેનને વાત કરવી પડશે કે જતિન આપણી રાહમાં રોડાં નાખી રહ્યો છે. જો એની પાસે કોઇ સજ્જડ પુરાવો હશે તો એ હનીટ્રેપ હોવાનું સરળતાથી સાબિત કરી શકશે. અગાઉ રાજકારણમાં ઘણા આવા કિસ્સા બન્યા છે. વિરોધ પક્ષ દ્વારા પણ સત્તાધારી પક્ષના નેતા પાસે કોઇ સ્ત્રીને મોકલી તેના પ્રેમમાં કે તેની સુંદરતાથી મોહિત કરી તેની અંગત પળોનો વિડીયો વાઇરલ કરી બદનામ કરવામાં આવ્યા છે. સુજાતાબેનનો આશય જતિન જેવા લંપટને સબક શિખવાડવાનો જ રહ્યો છે. પણ જતિન એને હનીટ્રેપમાં ખપાવી રાજકીય માઇલેજ મેળવવા અને પોતાના પર લાગેલો બદનામીનો ડાઘ દૂર કરવા માગે છે. જનાર્દન જેમ જેમ વિચારતો ગયો એમ વધારે ગભરાવા લાગ્યો. તેણે હિમાનીને હમણાં કોઇ વાત ન કરવાનું નક્કી કર્યું અને રાજકીય કામ માટે સુજાતાબેનને મળવા જઇ રહ્યો હોવાનું કહી નીકળી ગયો.
જનાર્દન ફોન કર્યા વગર સીધો સુજાતાબેનને મળવા પહોંચી ગયો એટલે એમને નવાઇ લાગી. જનાર્દને પહેલાં ઘરમાં ટીના છે કે નહીં એની જાણકારી મેળવી. સુજાતાબેને કહ્યું કે તે સોમેશ સાથે ખરીદી માટે ગઇ છે ત્યારે જનાર્દને જતિનના ફોનની અને તેણે આપેલી ધમકીની વાત કહી દીધી.
જનાર્દનની વાત સાંભળી સુજાતાબેન હસી પડ્યા. જનાર્દનને નવાઇ લાગી. આટલી ગંભીર વાત છે છતાં સુજાતાબેન બેફિકર થઇને હસી રહ્યા છે. જતિન એમની રાજકીય કારકિર્દી શરૂ થાય એ પહેલાં જ પૂરી કરવાની વાત કરે છે ત્યારે એ હસી રહ્યા છે.
જનાર્દન કહે:"બેન, હું કોઇ મજાક કરી રહ્યો નથી. મારો જતિન સાથેનો જ નહીં રાજકારણનો આટલા વર્ષોનો અનુભવ કહે છે કે એ આપણા માટે મોટી મુસીબત બની શકે છે. હમણાં જે કારણથી તમારી ટિકિટનું શંકરલાલજીએ નક્કી કર્યું છે એ ખોટું સાબિત કરવાનો જતિન પ્રયત્ન કરશે. મને તો લાગે છે કે ટીના કે સોમેશ ફૂટી ગયા છે. તમે બરાબર તપાસ કરાવો. બાકી જતિનને કેવી રીતે ખબર પડે કે આપણે ટીનાને તેની પાસે મોકલી હતી અને હનીટ્રેપમાં તેને ફસાવ્યો છે?"
સુજાતાબેન કહે:"જનાર્દન, મને નથી લાગતું કે તારો રાજકારણનો અનુભવ સોનું આગ પર પાકે એવો છે. જતિનના એક ફોનથી તું આટલો ગભરાઇ ગયો? રાજકારણીઓ તો જાડી ચામડીના હોય છે. તેમને આવી કોઇ વાતની અસર થતી નથી. મને ખબર છે કે તું પાકો રાજકારણી બન્યો નથી. તારામાં માનવતા અને સંવેદના છે. તું કોઇ ખંધા રાજકારણીની જેમ વિચારી કે વર્તી શકતો નથી. હું એટલા માટે હસતી હતી કે જતિન જેને હનીટ્રેપ કહે છે એ વાત ખોટી છે. આપણે એને હનીટ્રેપમાં ફસાવ્યો નથી. આપણે તો એની વૃત્તિ અને લંપટતાને લોકો સમક્ષ મૂકી છે. તે પોલીસમાં કેસ કરે કે કોર્ટમાં જઇને દાવો કરે તો પણ આ હનીટ્રેપ હતી એવું કંઇ સાબિત કરી શકવાનો નથી..."
સુજાતાબેનનો આત્મવિશ્વાસ જોઇને જનાર્દનને રાહત સાથે નવાઇની લાગણી જન્મી. આજકાલના રાજકારણમાં આવેલા સુજાતાબેન આ વાતને બહુ સહજતાથી લઇ રહ્યા છે. તે પૂછવા લાગ્યો:"બેન, શું વાત કરો છો તમે? એવી કઇ બાબત છે કે તમે આટલા નિશ્ચિંત બની રહ્યા છો?"
"જનાર્દન, પહેલી વાત એ છે કે ટીના અને સોમેશ પર મને પૂરો વિશ્વાસ છે. એ બંને આપણાને દગો કરે એવા નથી. બલ્કે એ જ આપણાને જતિન સામે સાક્ષી તરીકે કામ લાગશે. એમના બયાન જ તેને વધારે બદનામ કરવા માટે કાફી છે. બીજી વાત એ છે કે એક પત્ની તેના પતિને હનીટ્રેપમાં ફસાવે એ વાત કોઇ માની શકે નહીં. એ વ્યક્તિનો વિરોધી જ આવું કાવતરું કરી શકે. અને અગાઉ જતિન બીજી સ્ત્રીઓ સાથે રંગરેલિયાં મનાવી ચૂક્યો છે એના ઘણા પુરાવા મારી પાસે છે. એણે બમણાં જુસ્સા સાથે પાછા આવવાની ભૂલ બમણા મારથી ભોગવવી પડશે...." સુજાતાબેન શાંત સ્વરે જાણે તેને સમજાવી રહ્યા હતા.
જનાર્દનને થયું કે એણે હવે ગભરાવાની કોઇ જરૂર નથી.
તે આગળ બોલ્યા:"જનાર્દન, તું જતિનને ફોન કરીને કહી દે કે તારે પોલીસમાં કે કોર્ટમાં જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે. હું આ પ્રકરણમાં કંઇ જાણતો નથી. તારો વિડીયો વાઇરલ થયો એના વિશે મને કોઇ ખબર નથી. હું સુજાતાબેન સાથે છું...."
જનાર્દને બીજી કેટલીક ચર્ચા કરી અને ઉત્સાહ સાથે એમના ઘરેથી નીકળ્યો. તે ઘરે પહોંચ્યો ત્યારે માનસિક ઉચાટ હતો એ શમી ગયો હતો.
જનાર્દને કોઇ ડર વગર જતિનને ફોન લગાવ્યો. તેનો ફોન આવ્યો એટલે જતિન ખુશ થઇ ગયો અને બોલ્યો:'મને ખબર જ હતી કે તું મારી શરણમાં આવશે. બોલ, ક્યારે આવે છે?"
જનાર્દને શાંત સ્વરે કહ્યું:"જતિન, તને કોઇ ગેરસમજ થતી લાગે છે. તારા જેવા માણસ સાથે હું પાછા ફરવાનું વિચારી શકું પણ નહીં. દેવી જેવા સુજાતાબેનને જ હું સાથ આપીશ. તારી બધી લીલાની મને ખબર છે. તારો હનીટ્રેપનો કેસ સાવ લૂલો છે. તારા ફડાકા જેવા આ ભડાકા બીજા સામે કરજે. ફૂટેલી કારતૂસ..."
જતિન ગુસ્સે થઇ ગયો:"તારી આ હિંમત જનાર્દન? તું મને ના પાડે છે? મને 'ફૂટેલી કારતૂસ' કહે છે? તું જોઇ લેજે તને બહુ મોંઘું પડશે..."
"મને નહીં તને. આમ પણ તારી કિંમત સમાજમાં કોડીની થઇ ગઇ છે. હવે એનાથી કેટલી ઓછી કરવા માગે છે તું?" જનાર્દને હિંમતથી હસીને કહ્યું.
જતિને ફોન કાપી નાંખ્યો.
***
રવિના ધારાસભ્ય પદની ટિકિટ મેળવવા સતત પ્રયત્ન કરી રહી હતી. શંકરલાલજીનો ફોન આવ્યા પછી તેને થયું કે મારું નામ નક્કી થઇ જશે. તેણે બે દિવસ પછી પાટનગર ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી એવું જાણવા મળ્યું કે હજુ કોને ટિકિટ આપવી એ નક્કી નથી. ચૂંટણીને હજુ ઘણી વાર છે એટલે અત્યારથી પૂછપરછ કરવી નહીં. રવિનાએ પોતાના રૂપ અને રૂપિયાથી ચક્કર ચલાવવાની કોશિષ કરી જોઇ. પણ કોઇ તેને હાથ મૂકવા દેતું ન હતું. તેને ખ્યાલ આવી રહ્યો હતો કે વાત હવે દિલ્હી ચાલી ગઇ છે. શંકરલાલજીએ જાતે ધારાસભ્યોની ટિકિટ માટે સેન્સ લેવાના શરૂ કર્યા એનો મતલબ એ છે કે આ વખતે વધારે ચકાસણી કરીને ઉમેદવારની પસંદગી થવાની છે. રવિના ટિકિટ મેળવવા કેવો દાવ રમવો એની ગડમથલમાં હતી ત્યારે જતિનનો ફોન આવ્યો. તેને નવાઇ લાગી. જતિન અત્યારે ક્યાંથી ટપકી પડયો. તેણે ફોન લીધો અને પૂછ્યું:"જતિન, તું કયાં છે?"
"હું ગુમનામીની જેલમાંથી બહાર આવી ગયો છું અને સુજાતાને જેલમાં મોકલવાનો બંદોબસ્ત કરી રહ્યો છું..." જતિન ગુમાનમાં બોલતો હતો.
"ઓહ! શું વાત છે. પણ એ કેવી રીતે શક્ય બનશે?" રવિના ખુશ થઇને બોલી. તેને સુજાતા વિરુધ્ધની વાત ગમી.
"મારે તને મળવું છે. હું રૂબરૂમાં વાત કરવા માગું છું." જતિને ફોડ પાડયો નહીં.
"ઠીક છે. આજે સાંજે તું ફોન કરીને મળવા આવજે.." કહી રવિના વિચારમાં પડી ગઇ. ગાયબ થઇ ગયેલો જતિન નવી કઇ વાત લાવ્યો હશે.
જતિન સાંજે રવિનાના ઘરે પહોંચ્યો અને દરવાજાનો બેલ વગાડ્યો.
જલદી દરવાજો ખૂલ્યો નહીં. તેણે ફરી બેલ વગાડ્યો. થોડીવાર પછી દરવાજો ખૂલ્યો ત્યારે તેની સામે ટીના ઊભી હતી.
વધુ સત્તાવીસમા પ્રકરણમાં...